વેરી – ચીરાગ પટેલ જાન્યુઆરી 30, 2009
કેમ કરી સમજાવું દીલને? દ્વેષે બળે પ્રતીક્ષણ.
શોધે છે એનો વેરી તારી હરએક હલચલમાં.
તારી ધડકનોને સમાવતી શય્યામાં છે રજાઈ,
તને આલીંગતી સુવે રાતે, કેવી એ સદભાગી.
સ્નાન કરતી તું હુંફાળા પાણીની ધારે રોજ,
તારા અંગેઅંગને સ્પર્શતી, કેવી એ સદભાગી.
સમારતી તું ઘટાદાર વાળ જ્યારે કાંસકી વડે,
પસવારે તારા રેશમી કેશ, કેવી એ સદભાગી.
સજતી તું શણગાર સોળ સુવર્ણ આભુષણે,
ચુમે તારા હ્રદય, કટી, હસ્ત; કેવાં એ સદભાગી.
પહેરતી તું પગરખાં ચમચમાતાં આખેટે,
ઝીલતાં પાદપ્રહાર તારો, કેવાં એ સદભાગી.
ક્ષુધાશમન કરતી તું નવાં આમ્રફળ સંગાથે,
ચુંબન પામે તારા અધરોનું, કેવું એ સદભાગી.
સંતાપ પામતું આ દીલ, યાદી છે એની ઘણી,
શક્તી પામે સહેવાની તે, યાદો તારી છે ઘણી.