પલળતો પત્ર

પલળતો પત્ર - રચના ઉપાધ્યાય કમરાટા
પ્રિય સખા,
આજે બ્હાર સળગતો વરસાદ હતો, એમાં હું ભીંજાવા નિકળી પડી. મજાની વાત તો એ હતી કે હું એકલી જ હતી. ત્યારે મેં અનુભવેલી તારી ખોટ સાલી. ઝાડ પાન પણ મારી જેમ જ એકલાં ઉભા ઉભા ભીંજાઈ રહ્યાં હતા અને કોઈકના આવવાના માર્ગ પર ઉંચા થઈ થઈને એમની આંખો બિછાવી રહ્યા હતા. ત્યારે વિચાર આવ્યો કે હુ તો તને યાદ કરી રહી છું, તેઓ કોને યાદ કરતાં હશે? સાથી વગર કેવી રીતે જીવતાં હશે? પણ પછી વિચાર આવ્યો કે એમની સાથે તો પવનની મધુર લહેરખીઓ, પંખીનાં મીઠાં ટહુકાં અને આકાશના સપ્તરંગો છે. એ ઝાડ-પાન એટલાં માટે જ ઉંચા થઈ રહયાં હતાં કે એ એમની મંઝીલે પ્હોંચી શકે.
પેલી જગજીત સિંઘની ગાયેલી ગઝલની જેમ આજકાલ, તારાં ગયાં પછી શું ગુમાવ્યુ કે શું પામ્યુ એ વિચાર કરું છું, તો સાથે સાથે જીંદગીની તમન્ના વિશે પણ વિચાર કરુ છું. કોઈ પળે એવુ લાગે છે કે કાચનાં ટુકડાંઓની જેમ હું પણ વિખેરાઈ-તૂટી ગઈ છું. બીજી પળે લાગ છે કે એકલાં આવિયે છીએ - જઈએ છીએ તો આ માયાનો સાર શું છે? વ્યાવહારિક વ્યક્તિ કહેશે કે હું તો સાધુઓની જેમ વિચારવા લાગી. જીંદગીને વિચારવી જોઈએ કે નહીં એ પણ પ્રશ્ન ઉઠે છે મારાં મનમાં કે પછી મહત્તમ લોકો જેવી હું પણ થઈ જાવ? સવાલ તો પાયાનો છેઃ વિચારીને જીવું કે જીવીને વિચારું?
અરે પણ વરસાદની વાત કરતાં કરતાં બિજે જ કશેક ફ્ંટાઈ ગઈ, માફી માંગી લઊં? તને યાદ આવે છે? નાના હતા ત્યારે કાકાસાહેબ કાલેલકરનો એક પાઠ ભણવામાં આવતો કે વરસાદ એક એવી અવળચંડી વસ્તુ છે કે છત્રી લઈને જાવ તો એ નહીં આવે અને છત્રી લીધાં વગર જાવ તો એ ચોક્કસ આવશે. સારાંશ એટલો જ કે ન માંગતું દોડતું આવે. એવી જ રીતે ભીંજાવા નીકળી ને વરસાદ ગાયબ થઈ ગયો. મને નથી ખબર કે સુખ શબ્દ સત્ય છે કે ભ્રમણા? લાગે છે કે માનવીને કોઈ અવસ્થામાં સુખ ન મળવાનો શ્રાપ છે. મેં મને જ એક પ્રશ્ન પુછ્યો કે જો તું આવે એ સુખ હોય તો તું ન આવે એ શું? એ સાથે જ વિચાર આવ્યો કે તો પછી હું કોની પાછળ ભાગુ છું, વરસાદ જેવાં સુખ પાછળ કે સુખ જેવાં વરસાદ પાછળ, ક્યારેક છત્રી સાથે તો ક્યારેક છત્રી વગર?
મારા વિચારો મને જ એટલાં બધાં અસંબંધ્ધ લાગે છે તો વિચારું છું કે તને વાંચતા કેટલો ત્રાસ થતો હશે? પણ મારા વિચારો જેટલી હું અવ્યવસ્થિત નથી. આટલાં બધાં અવ્યવસ્થિત વિચારોનુ કારણ વ્યવસ્થિત વિચાર કરવાની મારી અયોગ્યતા કે પછી વિચાર કરવાની જરુર નહીં તે? મને વિચારીને જણાવજે. મારાં વિચારોની અવ્યવસ્થિતતા ગોઠવીને એક માળા રુપે મને મોકલી આપજે. તારાં એ ઉપહારને મારાં ગળામાં પહેરી લઈશ. તને ગમશે ને?
લી.
એજ તારી સખીની સ્નેહલ યાદ…1990

શીયાળો

શીયાળો - ચીરાગ પટેલ    ફેબ્રુઆરી 04, 2010
(English translation @ http://rutmandal.info/blossoms/2010/02/05/winter/)

આખું જગત ઓઢાડ્યું શ્વેત ચાદરે,
ક્યાં રાખ્યો ભેદભાવ સહેજે?
લીલુડી ધરણી, સુકો પટ નદીનો,
બોડા-લીલાં વૃક્ષો, મેદાન કોરા,
માનવસર્જીત કાટમાળ પણ ક્યાં,
ક્યાં છે એકેય વાદળી આકાશે.
ઉપર ભુરું આભ ‘ને નીચે સંગેમરમર,
નથી કોઈનો રંગ જુદો, નથી ઝઘડો.
ઉભો-ઉભો સુરજ મલકાતો હળવે,
‘ને આભ રાડો પાડી રોતું ખોબલે.
શીશીરનો માસ ધ્રુજે થરથર,
માથાં વાઢે શ્વેત હીમ સહુના.
સુનકારમાં પણ જામ્યું સંગીત,
નવી નક્કોર વસંત ડેલે ટકોરતી.

દિલની વસંત

દિલની વસંત- રચના ઉપધ્યાય કમરાટા,25 January 2010

દિલની એક અંધારી બારીએ દઈ ગયું ટકોરા કોઈ,

અચકાતાં ખોલી જોયું તો લાગ્યું મારું અજનબી કોઈ

ખુલ્લી આંખે મળ્યું આંધળા અંધારાને ઈજન કોઈ

ચુંદડી ખસી ને શરમથી ઝુકીઈ આંખોયે કોઈ

દિલથી ઊંડો લીધો એણે જ્યાં શ્વાસ ભીનો કોઈ

પંચમી મ્હોરી ઉઠી રૂંવરૂંવે નવેલી વસંતની કોઈ

મારામાં પરોવી એણે પાગલ દોર સંબંધની કોઈ

એક હુંફાળી શાલ રચના થઈ વિંટળાઈ ગઈ કોઈ

વાસંતી વાયરે

વાસંતી વાયરે - ચીરાગ પટેલ     જાન્યુઆરી 24, 2010

તારી પાંપણો ઉચકાઈ ‘ને વાસંતી વાયરા વાયા,
ખોબલે ભરી મ્હોર્યાં કેસુડાં ‘ને લાગણી હસી ઉઠી.
ભાવના બે અક્ષરો છવાયા તારા ચહેરા પર,
અધરોના રસઘુંટડા પીધાં ‘ને પ્રેમ છલકાઈ ઉઠ્યો.
તરબતર થયા હૈયાં જ્યારે દૈયડ દલડે ગુંજી,
વીખેરાતો પ્રેમ જાણે સુરજના અંશ, સમી સાંજે.
તારલાં મથતાં રમવા ભીનાં ચન્દરવે,
દાદાની ધાકે આછું-પાતળું ભાળી સંતાતા ઝટ.
ધરતી-ચાન્દનું સાયુજ્ય સાંજના પાલવડે,
વીંટાતું સુખ સમયની ચાદરે, પ્રભુનુ મુક્ત હાસ્ય.

મનમાં

મનમાં” - રચના ઉપાધ્યાય કમરાટા… 21 Nov 2009

ઝીણું ઝીણું ઉગ્યા કરે છે મનમાં, ફાંસની જેમ ખૂચ્યા કરે છે મનમાં

તારી આંખો તર્યા કરે છે મનમાં, વર્ષાનાં ટીપાં ખર્યા કરે છે મનમાં

તારી સતત રાહ જોતી રહુ છું મનમાં,સ્વને ગોતતી ફરુ છું મનમાં

ઝાકળને સુંઘ્યાં કરુ છું મનમાં, તરસથી સોસવાતી રહું છું મનમાં

એકલતા ઝાંવા માર્યા કરે છે મનમાં, વમળોમાં ફસાયા રું છું મનમાં

આત્માનો તકાજો ઉઠે છે મનમાં, અહમનાં ચીંથરાં ઉડે છે મનમાં

કેસુડાંસુ રક્ત ઝમ્યા કરે છે મનમાં, હોળી અહર્નીશ જલ્યાં કરે છે મનમાં

રંગોળી વીંખાયા કરે છે મનમાં, દિવાળીની અમાસ ઉગ્યાં કરે છે મનમાં

નીત એક શબ્દ ઉભરે છે મનમાં, થોડુ થોડુ કંતાયા કરે છે મનમાં

ગર્ભ રચનાનો રહ્યા કરે છે મનમાં, કવિતાઓ જન્મ્યાં કરે છે મનમાં

ચાલને મા આપણે ચાલીયે

ચાલને મા આપણે ચાલીયે” -

રચના ઉપાધ્યાય કમરાટા…July 2008.

ચાલને મા આપણે ચાલીયે.

હળવા હળવા પડતા ફોરામાં;

અડધા પડધા ભીંજાતા,

તપતી ધરતીની ઉઠતી ફોરમમાં

ને, જમીનના આ તારાઓમાં

રંગબેરંગી સુવાસ ભાળતા, ચાલને મા આપણે ચાલીયે.

વર્ષારાનીની ઝીણી ઝાંઝરીમાં,

મેધ-અશ્વોની હણહણાટી સાંભળતા,

વીજળીની ઝબુકતી રોશનીમાં; આ સ્રુષ્ટીના,

થોડા મીત્રોની પહેચાન તુ સમજાવે,

થોડી ઓળખાણો હું કરાવું;

વિકસતા સંબંધોનાં ઝુંડમાં ચાલને મા આપણે ચાલીયે.

આ કાળાશભર્યા રસ્તઓમાં,

ને જંગલના છાંયડાની લીલાશમાં,

આ જીન્દગીને માણવા જીરવવા,

ભુતકાળની વાર્તાઓ તુ સુણાવે,

ભવીષ્યની શક્યતાઓ હું જણાવું,

વર્તમાનને જીવતા જીવતા ચાલને મા આપણે ચાલીયે

માનવદુર્ગ

માનવદુર્ગ - બંસીધર પટેલ        ઑગસ્ટ 29, 1992

આ દુર્ગ મહામાનવ તણો, ભરી ભંડાર વીરત્વનો,
મર્યા કંઈક માર્યા કંઈક, છે આ દેશ ભડવીરોનો.
હશે કોઈક માએ ખવડાવી સુંઠ સવાશેર બહાદુરને,
લીધો હતો ભેખ મનખાએ, સાચા શુરવીર તણો.

નમાવી શીશ લાગુ પાય તુજને ભલા ઓ નરબંકા,
યાત્રીકો સહુ કહેતા એક જ માર્યો છતાં થયો અમર માનવી.
લડ્યો શુરાતન થકી, ન નમાવ્યું શીશ કો અવરને,
દેશદાઝથી રંગાયેલો ભુપ તણો સહચર ભેરુબંધ.

આવી યાદ ભુલી બધા સંસ્મરણો ભુતકાળના,
ભવીષ્ય કરશે યાદ તુજને, વર્તમાન રહેશે ઉરમાં સદા.
નથી કીધું કારજ કોઈ સ્વાર્થ થકી, નીસ્વારથનો આતમ તું,
અજર હો, અમર હો, શીશ નમાવું લાખ તુજ ચરણે.

છે ખરી દેશદાઝ જો પ્રગટે રોમરોમ પુલકીત બની,
ભીતર બધું ભીનું હોય, તન ખડતલ પોલાદ તણું અરે.
વાણી કઠોર વજ્ર સમી હૃદય અતી વીનમ્ર હોય છતાં,
કહું તુજને સૈનીક સાચો ખરો રક્ષણહાર જનનો.

દર્શન તારા કરતા પ્રગટે રોમ મારું પ્રકાશ જેમ,
શહીદ થયો દેશ કાજે, માનો સાચો લાલ ભુપતી બની.
હોય જ શત માનુખ તુજ સમ, ધન્ય હો ધરણી હમારી,
નાં રહે ડર કે દુશ્મન કોઈ, બને ધરણી નીરભ્ર આકાશ સમ.

કીલ્લામાં સમરાંગણ

કીલ્લામાં સમરાંગણ - બંસીધર પટેલ     ઑગસ્ટ 29, 1992

વૃદ્ધ બન્યો હું નથી કો લાચારી જગમાં,
સંસારના સકળ દોષો ગયો પી બની અઠંગ.
વંશ મારો વધ્યો અહી, ઘેઘુર વડલાની વડવાઈઓ,
તડકો છાય, રાતદીન વહી ગયા વસમી વીદાયથી.

જીવન તણી ઝરમર માણી મેં પેટભરી સહુ,
સારા નરસા કર્મો કરી, બન્યો કર્મઠ યોગી હું.
તત્વ થકી પરમ તત્વ તણું કર્યું પદાર્પણ સુસંગથી,
કીધો હામ કરી બધો નશો ભવસાગર તણો.

મીલન-વીદાય બધી આપી જીવનપથ મહી,
આવ્યા-ગયાના લેખને ગણવાનું જટીલ છે.
હસ્યા-મળ્યા બધા અહી, ભાવ સભર સહુ મેળાપ,
નાં દીઠો કોઈ ખરો માણસ જગતની જંજાળમાં.

પરમ તત્વ માનું તારો ઉપકાર અતી ભાવથી,
દેજે એક જ વર મુજને ફરી મળે સંસાર અહી.
અતી ગમ્યો, વહાલો લાગ્યો, આ જગ કેરો મહીમા,
નથી વીસરાતો, ભુલ્યો કહી ગયેલો વખત કદી.

સંસાર મારું સ્વર્ગ છે એ ગણીત ગણનારનું,
મનના કારણ માની સહુ જોગી બન્યા વીરક્ત અહી.
ખરો યોગ સંસારનો કર્મ, ભક્તી અરુ જ્ઞાનનો,
નહી મળે લ્હાવો આવો કીલ્લા ઓથે સમરાંગણનો.

તો કહે

તો કહે - રૂપલ પટેલ

લીપી સ્પર્શની અનોખી હોય તો કહે,
વાત કોઈ પ્રેમભીની હોય તો કહે.

હું સમજતી હોઉં જ્યારે ધડકનો બની,
તારે રક્ત બનવાનું જો હોય તો કહે.

આમ તો હું ઓળખું છું મૌનની ભાષા,
પણ જો શબ્દમાં નવું કાઈ હોય તો કહે.

બોળી બોળી ચાંદનીના રંગમાં કલમ,
નામ મારું જો લખ્યું તે હોય તો કહે.

જે સુગંધો વાદળોએ આપી ધરાને,
અત્તરની શીશીમાં ભરી જો હોય તો કહે.

‘રૂપ’ ઘેનમાં લખી જે આખી ગઝલ એ,
જો તારા જાગરણને માન્ય હોય તો કહે.

બારોબાર મળે છે

બારોબાર મળે છે - રૂપલ પટેલ

જગથી પીડાઓ જ્યારે ભારોભાર મળે છે,
બેપરવા થવાની તક હારોહાર મળે છે.

એક લે ખૂણામાં હીબકા ‘ને એક બેખબર હસે,
મુજથી જ મારો એક નવો અવતાર મળે છે.

વરસાદની મોસમમાં છલકે આંખ પણ વધુ,
કુદરતથી જે મળે એ ધોધમાર મળે છે.

મેં આપ્યા એક પળમાં તને સાત રંગ - જો,
પણ એક લાલ રંગ ધારોધાર મળે છે.

ઝાકળને બાળે, ફૂલ ખરે, પર્ણો વિલાયે,
સૂરજને કેવા ફિક્કા કારોબાર મળે છે.

ના મૂર્તિ ના પુજારી ન ઝાહીદ ન ઈબાદત,
હવે ‘રૂપ’ તો ખુદાને બારોબાર મળે છે.

મોહબ્બત નથી હવે

મોહબ્બત નથી હવે - રૂપલ પટેલ

અય દિલ નયનમાં લખ કે મોહબ્બત નથી હવે,
ધડકન તું લય બદલ કે મોહબ્બત નથી હવે.

હા, માન્યું, તારી યાતના મુજથી વધુ હશે,
તારા ખુલાસાઓની જરૂરત નથી હવે.

અલગારી થઈને એકલા વેરાને વસ્યા તો,
જો કોઈ સંબંધોની મુસીબત નથી હવે.

મેં મેઘના આડંબરોથી તોબા કરી છે,
વાદળને માટે કોઈ નસીહત નથી હવે.

એ કલ્પનાઓ કોણ જાણે શું દઈ ગઈ,
કે મારી પાસે કોઈ હકીકત નથી હવે.

જે નામ આવ્યું હોઠ પર બોલ્યા કર્યું એ ‘રૂપ’,
એનાથી જુદી કોઈ ઈબાદત નથી હવે.

પતંગિયુ

પતંગિયુ - ચિરાગ પટેલ    નવેમ્બર 03, 2009

મન્દ વાયો પવન, ઉડ્યું પતંગિયુ કુંજગલીઓમા,
લીધો ઘડીક વિસામો રાતા ગુલાબને ખોળે.
અમૃત પીધું ઘટ-ઘટ, છીપી તરસ જન્મોની.
ઉમટ્યો પ્રેમનો સમન્દર હૈયે ઘુઘવતો, હીલ્લોળતો.

દૈવ રૂઠ્યો કાળમુખો, વને લાગ્યો દવ ભડભડતો.
પ્રેમી જંતુ થયું આકળ-વિકળ વિષમ વિચારે.
એકઠી કરી તાકાત સઘળી તાણી લીધી પ્રિયાને.
કુદતું-ઠેકતું-ઉછળતું-ઉડતું ભાગ્યું દુર ઝટપટ.
પટકાયું ધરણી પર થાકીને છેવટે પ્રિયા સંગાથે.
ક્ષત-વિક્ષત થાતું સમાયુ પાવક અગન ખોળે.
પ્રિયા થઈ સૂકીભઠ, પરાગ ઉડ્યાં ચોફેર સઘળાં.

વર્ષા ભીંજવે ધરતીને કાળાંતરે અનરાધાર.
પ્રિયાની રજથી ફૂટ્યાં અંકુર નવલાં જીવનસમ,
‘ને પ્રેમીની રાખ પોષતી એ અંકુરોને સદૈવ હરખાઈ.

(ઇંગ્લિશ ભાવાનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/11/06/butterfly/)

એરણને આશ

એરણને આશ - બંસીધર પટેલ    ૨૯ ઓગસ્ટ ૧૯૯૨

મળ્યો જે ઘાવ, એરણ બનીને ઝિલ્યા અમે,
નથી ઉચ્ચાર્યો હરફ સુધ્ધા, ભલે ઝિક્યા ઘન થકી,
માગ્યું મળ્યાની નથી હાશ, જીવનમાં ઉચ્ચારી કદી,
નસીબના સહુ ખેલ છે, કરમ કેરા કરસનીયા.

ભીરુતા વળી હોય ક્યાંથી, ઝાલ્યો હાથ તમ તણો,
સંસાર લાગ્યો ખટ્મિઠો, સબંધોની વણઝાર ભરી,
ભાગી ભાગીને જાશું ક્યા, મૃગજળ વળી અનંત મહી,
આશ છે ઉર મહી એટલી, અભિલાષનો અણસાર છે.

કરોળિયાએ બાંધી જાળ, પડી પડીને અનંતવાર,
સુતેલા જાગ્યા અમે, સુરજતણા પ્રભાત સંઘે,
શાને કરે વિલાપ અરે, ઘટના ઘટી એક જ વળી,
ઉઠ, ઉભો થા ભલા, તું તો છે અમર, અજર અરે.

ઉગતી ઉષાના અમિછાટણા, લાવે છે કળશભરી,
નુતન શક્તિ તણો સંચાર, હૈયે હામ ભીડી ઘણી,
આથમતી સંધ્યા એ વહી ગયાની વાત છે,
નથી હર્ષ શોક કશો, ભીની ભીની હળવાશ છે.

નિશાતણા અંધકારને ભેદી, વહી રહ્યું આયુષ્ય જેમ,
ઉગશે પ્રભાત, પથરાશે ઉજાશ, હૈયે એવી આશ છે.

ભેરુ મેહુલીયો

ભેરુ મેહુલીયો - બંસીધર પટેલ     ૨૯ ઓગસ્ટ, 1992

નીલ ગગનમાં ઉડતી વાદલડી લાવી છે એક સંદેશ,
ઉરમાં અતિ ઉમંગ ભરી વિહરે નભ મંડળમાય.
ઘડીમાં ઉચી, ઘડીએ નીચે, કદીક કાળી ડીબાંગ,
મેહુલીયો લઈને આપે વધામણું મળશે મોટી શેખ.
વૃક્ષતણી લતાઓ સઘળી, દાદુર, મયુર નાચે અભંગ,
એ આવ્યો એ આવ્યો મલ્હાર મોઘેરો મહેમાન.
માચે કુદે સઘળા જીવ, જ્યમ રંકને મળ્યો શૃંગાર,
સહુ સૃષ્ટિના તાલે નાચે, વળી આકાશે ઝબુકતિ વીજ.
દીદાર છે કાળો ડીબાંગ, ઉરમાં સરિતા શી મીઠાશ,
પીને સાગરની ખારાશ બધી બન્યો નીલકંઠ જેમ.
સહુના મનની તૃષા છીપી, જીવન કેરી આશ,
ભલે આવ્યો, મારો વ્હાલો, મેઘમલ્હાર દુલાર.
ઘરતી કેરો પુત્તર રિઝ્યો, વળી હાશ સહુ જણને,
ઘણું જીવજે તું મેહુલીયા, અમ ભેરુ જીવનસંગ.
માગું તુજ થકી એક જ વર, વરસજે બેસુમાર,
નાં જોઇશ દોસ્ત કે દુશ્મન ધરમજાતની વાડ,
સહુ પર તારી અમીદ્રષ્ટિ રહો અહર્નિશ સદા.

પલ

પલ - ચિરાગ પટેલ     સપ્ટેમ્બર 30, 2009

પીયુ પ્રેમનો રંગ ડોલરિયો, આંજ્યો મેં આંખના ઉજાગરે;
કેસરિયો સુરજ ઉગ્યો શમણે, હું ભીંજાઉં નીલા સમંદરે.
એમ કદીક ટપકે જો હકીકતે, માનું હું એ પાકો રતુમડો રંગ;
હૈયે પ્રગટે વિરહની વેદના, પલ પલ આખું આયખું સળગે.
આશ ઉઠે શ્વેત ચમકે, સચ્ચાઈને ભુલાવામાં નાખતી;
વસમી વિદાય તારી એવી, હું નાચતો પુનર્મિલનનાં ખ્યાલે.

(ઈંગ્લીશ અનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/09/30/moment/)

ચિત્ર

ચિત્ર - ચિરાગ પટેલ    સપ્ટેમ્બર 30, 2009

ચિતારો કદિક ચિતરે એવુ.

કેસરને ભુલાવે એવુ આકાશ,
શ્યામને શરમાવે એવી સરિતા,
બેઠિ હોય તુ ધરતિના ખુલ્લા પટ પર પારિજાતને તિરસ્કારે એવિ,
‘ને હુ ઢોળાઈ જાઉ એકાએક તારા પર લાલઘુમ રંગે,
દ્રશ્ય જે ઝિલાય એવુ.

નામ આપે એને પ્રેમનુ.
ચિતારો મલકાય પોતાના સર્જન પર.

(ઈંગ્લીશ અનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/09/30/picture/)

સાયુજ્ય

સાયુજ્ય - ચીરાગ પટેલ     સપ્ટેમ્બર 30, 2009

પ્રફુલ્લીત અમ્બુજે કલશોર
નીહીત પ્રેમ અક્ષુણ્ણ કરે પ્રલમ્બ શ્વાસે
વલ્લરી કમલપત્ર પ્લાવીત નીસરી
અનુસંગે વૃક્ષ ઘટા ઘનઘોર સંગ
અક્ષોને કરતી તીરસ્કૃત પ્રેમે
આલીંગન અબોધ સ્ફુરીત
કોકીલ કલરવ પ્રતીઘોષીત થતો
રવ સ્વ-લાગણી-શો
અનંગ-રંગ વૈભવ
અસ્ખલીત વરસે ચીદાકાશે
પ્રવાહ ઉચ્છૃંખલ સમાવીષ્ટ થાતો.

હુંફ

હુંફ - ચિરાગ પટેલ     સપ્ટેમ્બર ૧૭, ૨૦૦૯

મૂછો મરડી સુરજ કેર વરતાવે,
ભડ ભડ ભડ ભડ અગ્નિ પ્રગટે.
ભારે દવ વન-વગડામાં લાગે,
માટી ઉભો એકલો પ્રેમ તાંડવે.

લીલુડી આવા અબોલા કેમ વેઠે,
ઉમડી ઘૂમરી ઘોર વાદળો ગરજે.
છન છન છન છન મેઘા વરસે,
છલકી મલકી તલાવડી બહેકે.

માટી પીગળે અલ્લડ મેઘ-મલ્હારે,
લીલુડી વીંટાતી ‘ને માટી અદીઠો.
કલ બલ કલ બલ કલશોર મચતો,
માટી-લીલુડીને પ્રેમ-અંકુરો ફૂટતા.

બોલકુ મૌન

બોલકુ મૌન - ચિરાગ પટેલ ઓગસ્ટ ૨૮, ૨૦૦૯

શબ્દોના રચ્યા હિમાલય એવા અમે, મૌન તમારું હવે પડઘાય છે.
શબ્દોની ભરી તલાવડી એવી અમે, મૌન તમારું હવે વરસે છે.
શબ્દોની ઉડાવી લહેરખી એવી અમે, મૌન તમારું હવે સંતાય છે.
શબ્દોના ઘુઘવ્યા સાગર એવા અમે, મૌન તમારું હવે ઉછળે છે.
શબ્દોનો કર્યો શણગાર એવો અમે, મૌન તમારું હવે ચમકે છે.
શબ્દોની રચી કવિતા એવી અમે, મૌન તમારું હવે દાદ આપે છે.
શબ્દોની પૂરી રંગોળી એવી અમે, મૌન તમારું હવે સોહાય છે.
શબ્દોની વહેવડાવી યાદો એવી અમે, મૌન તમારું હવે મોતી પકવે છે.
શબ્દોનું પૂર્યું સિંદુર એવુ અમે, મૌન તમારું હવે શરમાય છે.
શબ્દોની કરી સાધના એવી અમે, મૌન તમારું હવે સિદ્ધ થાય છે.
શબ્દોનું આપ્યું અર્ધ્ય એવુ અમે, મૌન તમારું હવે વરદાન આપે છે.
શબ્દોની કરી ભક્તિ એવી અમે, મૌન તમારું હવે હૃદયે બિરાજે છે.

સમર્પણ

સમર્પણ - ચિરાગ પટેલ ઑગસ્ટ 23, 2009

શશાંક વરસાવતો હોય ઠંડી ચાંદની ધોધમાર,
તારલા વહાવતા હોય અનોખા મૈત્રક બેસુમાર,
ધરણિને ફૂટતું હોય તણખલે ઝાકળ પ્રસ્વેદ-સમું,
સમીર બહેકાવતો હોય નર્મદા-નીરને પ્રેમી-શો,
વાદળી ઢાકવા મથતી હોય ઉઘાડું ડીલ આકાશનું,
પીગળતા હોઈએ હું અને તું એકલા એમ માયરે,
ભળી જતા એકમેવ થઇ જગત-ફૂલેકે પ્રેમ-નાદે,
નાશ પામે સઘળુંય અસ્તિત્વ આ સાંનીધ્યે,
પ્રગટે અક્ષર જ્યોત માત્ર પ્રણવનાદ રેલાતો,
પ્રેમ પડઘાતો અને સત્ય ડોકાતું જ્યોતે આમ,
તું પુજારી, હું પ્રસાદ, હૃદય-મંદિરે ઈશ્વર વસે,
પ્રેમ એ જ સત્ય, સત્ય એ જ ઈશ્વર,
જ્યાં ઈશ્વર ત્યાં નહિ હું અને તું,
ઈશ્વર જેમાં તું અને હું,
વંદન તને,
તું જ ઈશ્વર,
ઈશ્વર જ તું.

(ઈન્ગ્લીશ રુપાન્તરણ @ http://rutmandal.info/blossoms/2009/08/24/devotion/)

ઐક્ય

ઐક્ય - ચિરાગ પટેલ ઑગસ્ટ 20, 2009

(Written with Google transliteration)

દરિયાની રેતકણો બધી પારિજાત બને,
‘ને ગોઠવી નિસરણી સુવાસની,
સ્પર્શે ચાંદને.

અમાસના તારલા બધા ભેગા મળે,
‘ને સળગાવી મશાલ સ્નેહની,
શોધે ચાંદને.

યુગલ બધા હૈયે ગુલાબ ઉગાડે,
‘ને ઉડાવી પરાગ પ્રેમનું,
ચૂમે ચાંદને.

રોમેરોમ ચિતારો જડે ચાંદની બધી,
‘ને પીંછી બોળી લાગણીની,
છેડે ચાંદને.

આતમનો મોરલો ટહુકે મન-મંદિરીયે,
‘ને કળા સજાવી રાગની,
આખેટે ચાંદને.

(ઈન્ગ્લીશ રૂપાન્તરણ @ http://rutmandal.info/blossoms/2009/08/21/unity/)

સમ્વાદ

સમ્વાદ - ચીરાગ પટેલ ઑગસ્ટ 10, 2009

(ઈન્દ્રવજ્રા: ગાગા લગાગા લલગા લગાગા, અક્ષરમેળ છન્દ)
————————————————–
પ્રસ્તાવના: ઑગસ્ટ 10 થી શરુ કરેલું આ કાવ્ય આજે 14મી ઑગસ્ટ અને જન્માષ્ટમીએ પુરું કરું છું. કૃષ્ણ વૃન્દાવન છોડ્યા પછી કદી પાછા ફરતાં નથી અથવા પુરાણો કે શાસ્ત્રોમાં એવો કોઈ ઉલ્લેખ નથી. આ કાવ્ય દ્વારા હું એવી કલ્પના કરું છું કે, જો કૃષ્ણ એકવાર યમુના તટે ગયા હોત તો શું થયું હોત? રાધા અને કૃષ્ણના અમર પ્રેમને અર્પણ મારું આ કાવ્ય.
————————————————–

કા’નો ત્યજે માર્ગ કદમ્બ ભાળી,
હીલ્લોળતાં પુણ્ય સલીલ સાક્ષી.
સ્વામી પધાર્યાં યમુના વહેણે,
ભુલ્યાં હરી આ તટ કેમ હૈયે?

હર્ષે વધાવે ફુલડે સરીતા,
ચોધાર મોતી દદડ્યાં કીનારે.
કીલ્લોલતાં વૃન્દ બધાં રમે જ્યાં
ગોપાલ સૌને દલડે વસેલાં.
રાધા અને કૃષ્ણ રચે અનોખા-
ત્યાં રાસ પ્રેમે, મધુરાં ઈશારે.

હોઠે લગાવી મુરલી અજાણી,
છેડ્યો પુરાણો લય એમ નાથે.
વ્હેતાં થયાં સુર અલૌકીક ત્યાં,
રોક્યાં અદીઠાં રુદનો ઉમટ્યાં.
શોધે સખી મોહન વેણુ ગાને,
વેરાન હૈયે ઉગતાં કટાક્ષો.

રાધા ઉપેક્ષીત લજાય રાગે,
ચોંકી, ઉભી થાય, તજે પથારી.
શાને મળે વ્હાલમ ગોકુળીયે,
દોડે કીનારે યમુના સહારે.
જોયા અનાથે ભવનાથ સામા,
ડુસ્કાં શમે ના ભરથાર ભાળી.
ઉઠ્યાં સવાલો અઘરાં હજારો,
રાધા અપાવે રુદને જવાબો.

“કાન્હા, સજા કેમ ઘણી વહાલી?
ના જાણતી જોગણ આ તમારી.”

“ઓ, પ્રાણ મારા, વચને હું પાક્કો,
હૈયે વસે પ્રેમ છતાં હું ઘાતી?
રાષ્ટ્ર મને ભારત જે વહાલુ,
તેની દશા કાજ ઉપાય ચીત્તે,
ના વીસર્યાં વેણ સદાય હૈયે.”

“વ્હાલે તજી વેણુ અને સખી સૌ,
માણો શું ગીતો, રમતો શહેરી?”

“શ્રોતા મળે ગોકુળ શા નહીં ત્યાં,
વૃન્દો નથી ત્યાં, યમુના નથી ત્યાં,
નીર્દોષ ના કૈં રમતો શહેરી.”

“ગોવર્ધને ગાય, સખા, ચરંતી,
ની:શ્વાસ નાંખે ધણ વીરહે, રે.”

“ઓ રાધીકા, યાદ હમેશ હૈયે,
ગાયો ચરાવી મનડે, અદીઠી,
પ્રશ્નો કરે સૌ ડચકાર સુણી,
અસ્થીર જાણે મન, શ્વાસ ભારે.”

“વૃન્દો રચે રાસ, રશેષ, સંગે,
ચાન્દો અજાણો કરમાય ભીનો,
જ્યાં રાસ ભુલ્યા વીણ નાથ ગોપો.”

“છોડ્યા રસો મેં સથવાર છોડી,
કોને સતાવી, હું મનાવું રાધા?
સાથી નથી ત્યા રચુ રાસ કેવાં?”

“સ્વામી, સખી યાદ નથી શું હૈયે?”

પોકાર ઉઠ્યો દુ:ખનો, સવાલે,
ચીત્કાર કર્યો મુરલીધરે કૈં,
ભાર્યા અજાણી ફફડી રવે આ,
નાથે શું ભાળ્યો ડર આ અટાણે?

છે દ્વારીકા, ગોકુળ દુર દેશે,
સ્વપ્ને જ રાધા મળશે મુરારી.
પ્રીયા તમારે વચને બન્ધાઈ,
જે પાઠવે યાદ સખી તમારી.
ભુલ્યા તમે સૌ વચનો પુરાણા,
પામો સજા આ વસમી વીદાયે.

યાદી તારી

યાદી તારી - ચીરાગ પટેલ ઑગસ્ટ 04, 2009

જોયો મે પુનમી ચાન્દો ખીલતો, તારા જેવું એ અલ્લડ હસતો.
જોયા મે લાખો તારા પલકતા, તારા જેવું એ કટાક્ષે મલકાતા.
જોઈ મેં ઝરમરતી વાદલડી, તારા જેવું એ છાને રોતી.
જોયો મેં ઝળહળતો સુરજ, તારા જેવું એ અંગે દઝાડતો.
જોયું મેં ખળખળ વહેતું ઝરણું, તારા જેવું એ અસ્ખલીત બોલતું.
જોઈ મેં ધીર ગમ્ભીર નદી, તારા જેવું એ આયખું જીવતી.
જોયો મેં ઉછાળા મારતો સાગર, તારી જેમ હૈયે પ્રેમ વલોવતો.
જોઈ મેં લીલુડી ધરતી, તારી જેમ શોળે શણગાર સજતી.
જોયો મેં મને દર્પણમાં, તારું જ અસ્તીત્વ અહીં પડઘાતું.

(નોન્ધઃ આ જ કાવ્યનુ ઈન્ગ્લીશ રુપાન્તરણ વાંચો @ http://rutmandal.info/blossoms/2009/08/06/glimpse/)

મીઠી યાદ

મીઠી યાદ - ચિરાગ પટેલ જુલાઈ ૨૮, ૨૦૦૯
(using Google Transliteration tool)

[ઈન્દ્રવજ્રા છન્દ: ગાગા લગાગા લલગા લગાગા (11 અક્ષર)]

યાદી ભરી છે બહુ મીઠડી જો,
ડીલે ઉઠે, ધીમું દુખે દર્દ જો.

મારી ફરિયાદ નથી નઠારી,
દીદાર માટે વલખે તું હૈયે.
જાતે સજા કેમ તું ભોગવે આ,
જાણે તું, મારી પણ છે સજા આ.

ભાગી તું, છોડ્યા અઘરા સવાલો,
સાચા તું આપે મનમાં જવાબો.

હૈયા વરાળો ઉમટે વસંતે,
ચોધાર વ્હેતા નયનો ઉનાળે.
ભીંજાય વર્ષા હરખે વધાવે,
કૈ મિલનો સ્વપ્ન તણા સદાયે.

મીઠા તરંગો, ફફડાટ છાના,
આવે તું યાદે, અમથી અજાણે.

સવાલ - જવાબ

સવાલ - જવાબ - ચિરાગ પટેલ જુલાઈ ૨૧, ૨૦૦૯

ઉઠ્યો સવાલ એક મનમાં એમ જ,
ટપક્યું બુંદ એક આંખ વચોટે એમ જ.

હ્રદિયું જોઈ ગયું આ દડતું મોતી,
લાગી લાય વરાળ થઇ દાઝ્યું મોતી.

ક્ષણમા સુનકાર ફરી વળ્યો દેહમાં,
સન્નાટો છવાઇ ગયો હૈયાની ગુફામાં.

કોકિલ કંઠ-શો ભીનો રવ ત્યાં પડઘે,
ટહુકી તું ‘ને હૈયું આનંદે ચોફેર ધડકે.

જવાબ મળ્યો એમ મનના મૌનમાં,
હર્ષે ટપક્યું બુંદ એક આંખના ખૂણામાં.

હ્રદિયું જોઈ ગયું આ દડતું મોતી,
ટાઢકે આગોશમાં સમાયું એ મોતી.

પ્રેમીબુન્દ

પ્રેમીબુન્દ - ચીરાગ પટેલ જુલાઈ 16, 2009

પારભાસી વાદળી લાગણીએ છલકાઈ,
‘ને પ્રસવ થયો એક વર્ષાબુન્દનો,

અલ્લડ ચન્ચળ એવું એ તોફાની બુન્દ,
હળવે-હળવે હવાની લહેરખીને એ છેડતું.

જ્યારે પ્રજ્વળ્યું સુરજના સોનેરી કીરણે,
ઈન્દ્રધનુષી રન્ગે રમ્યું નટખટ ચોફેર,
શરમાયો ચાન્દો રાસ-રન્ગ એ જોઈ.

સમાયું બુન્દ પારીજાતની પાંખડીએ,
ફોરમ પ્રગટી, તરબતર થયું એ આશ્લેષે,
સજોડે ત્યારે થયું અર્પણ ‘મા’ને ચરણે.

નભ વિહારીણી

નભ વિહારીણી - ચિરાગ પટેલ જુલાઈ 10, 2009

વન વિહારીણી સંધ્યાને જોઈ, મેં પૂછ્યું સુરજને;
નભ વિહારીણી ચાંદ ક્યારે અજવાળશે હૃદયને.
પ્રેમના તરંગો ઉઠે જ્યારે લાગણીના સરવરે;
એને વધાવતો ચાંદ ક્યારે ઉમટશે આ અવસરે.
ચાંદને ભેટવા વ્હાલે ખારો દરિયો મથે ભરતીએ;
અફળાતો પાછો હૈયે, ના લાંધે યોજનો ત્યારે, ઓટે.
ઈશારો આપ્યો મેં ‘ને ચમકાવ્યા લાખો તારલાં;
શરમાયો ચાંદ ‘ને પડઘાવી લાગણીઓ-શી કલા.

પ્રેમાર્દ્ર હૈયે

પ્રેમાર્દ્ર હૈયે - ચીરાગ પટેલ જુન 25, 2009

નીદ્રા થઈ વેરણ જ્યારે, ત્યારે જાગરણ થયું પ્રેરણ;
પ્રેમને થયો શરણ જ્યારે, ત્યારે તને હું થયો અર્પણ.

તારા હ્રદયના રણની રેત પર પ્રેમવર્ષા એવી કરું;
વહે નર્મદા ભરપુર, તરબતર નીર્મળ એવી ભારે કરું.

ભલે ઈચ્છે તું મને વહેલી સવારના ઝાકળ જેવો;
પડઘાતું આખું આભ એમાં, હું એવા ઓસબુન્દ જેવો.

સ્વાતીબુન્દને સમાવી છીપ, બીડાતી, તપ ઉંચા કરતી;
મોતી પકવે અણમોલ, જાતને ત્યારે વીસર્જીત કરતી.

છેડું હ્રદયના તાર રણઝણતાં, ગાતા પ્રેમમલ્હાર રાગ;
શાતા આપે તને, જ્યારે છેડે તું વીરહના દીપક રાગ.

ચુકે તું પછી રતી બનતા શાને? વધાવે આતુર નયણે;
બનું હું પુષ્પધન્વા, આખેટું જાતને જ હૈયે પ્રેમબાણે.

લાગણીની લહેરખીએ પાઠવે, મેઘદુત જોડે પ્રેમપત્ર તું;
સાત સમન્દર પાર કરી, આપે મેઘતાન્ડવે જવાબ એ હું.

અગ્નિ પરીક્ષા

અગ્નિ પરીક્ષા - ચિરાગ પટેલ જુલાઈ 06, 2009

કેવી કરે કસોટી તું પ્રેમાળ, પ્યારી મીઠડી;
રામની કરે પરીક્ષા તું હમ્મેશ, એવી મીઠડી.

ત્રેતામાં કરેલી ભૂલની સજા એ, માંગે સીતા;
કળીયુગમાં દેવી પડશે ન્યાયે, આપે સીતા.

રામ છે અસમંજસમાં, આપે કેવી પરીક્ષા;
જાતને બાળી છતાં જીવે, આપે એવી પરીક્ષા.

સમજાઈ વેદના સીતાની, સહી જ્યારે પરીક્ષા;
દેહ પ્રજ્વળે ‘ને હૈયું વિલાયું, એ અગ્નિપરીક્ષા.

ધરે ભેખ શબ્દોના, હૈયે સજાવી પ્રેમ, એ રામ;
આપે સાખી પ્રેમની, મૃત્યુશૈયે, એવા આ રામ.

છે વિશ્વાસ જાતમાં, એથી અધિક પ્રાણપ્રિયામા;
આ યુગે મિટશે વિયોગ, રામ વિલાય સીતામાં.

ચાન્દો

ચાન્દો - ચિરાગ પટેલ જુન 26, 2009

તારલાં રોજ રાતે ચમકે,
પ્રતિક્ષા કરતાં અહર્નિશ પ્યારનિ.
ચાન્દ તો મનમોજિ.
આગમન કરે પોતાના નિયમે.
થાય ચાન્દનું આગમન,
મરક મરક થતાં તારલાં સઘળાં.
ચાન્દ મલકાય તિરછું, નિહાળિ આ.
ભલે થતાં ઘાયલ લાખો ત્યાં.
એક તારલો પાક્યો નવલો.
ઉગ્યો ઝળહળતો અચાનક.
પન્ખિઓ પોકારે આગમનનિ છડિ.
આળસ મરડિ બેઠિ થાય ધરણિ.
ભાગે ભુતો બધાં સર્વે દિશાના.
તારલાં બિજાં ઝાંખપ અનુભવતા.
ભાગ્યાં સર્વે અદિઠ ચોગમ.
ચાન્દના હૈયે વ્યાપ્યો પ્રેમનો ઉજાસ.
હતિ તેને પ્રતિક્ષા આ તારલાનિ જ.
પોતે ઝન્ખેલો આ જ તો પ્રેમિ.
થાય સમર્પિત એ ક્ષણે-ક્ષણ.
ભુલે પોતાનું અસ્તિત્વ.
સ્વિકારે આધિપત્ય સુરજનું.