સુક્ષ્મ શરીર દીક્ષા

સુક્ષ્મ શરીર દીક્ષા – ભાવાનુવાદ : ચીરાગ પટેલ ઑક્ટોબર 14, 2008

(ચેતવણી: આપને આ વર્ણન અરુચીકર પણ લાગી શકે છે.)

આ શરીર ક્યારેક નાશ પામવાનું છે.
એને અહીં અને અત્યારે જ મરેલું જુઓ.
મારા બધાં જ પરીચીતો, મીત્રો અને સગાં આ મૃત શરીરને છેલ્લી વાર જોવા આવ્યાં છે.
તેમણે મારાં શરીરની ત્રણવાર પ્રદક્ષીણા કરી અને મારા આત્મા માટે પ્રાર્થના કરી, અને દરેકે મારા શરીર પર થોડું પાણી રેડ્યું.
શરીરને લાકડાની નનામી સાથે બાન્ધવામાં આવ્યું છે.
એક વ્યક્તી આગળ પાણીનું માટલું લઈને ચાલે છે; મારા નજીકનાં અને વ્હાલાં લોકો અંતીમયાત્રામાં છે, તેઓ ‘નારાયણ, નારાયણ’ એવો જાપ કરી રહ્યાં છે.
તેઓ એને ચીતાભુમી સુધી લઈ જાય છે, જ્યાં એક ચીતા એને સ્વીકારવા તૈયાર છે.
નનામીને ચીતાનાં લાકડાં પર મુકવામાં આવે છે, નનામીની દોરીઓ છોડવામાં આવે છે.
આપણે આ વીશ્વમાં નગ્ન શરીરે આવ્યાં હતાં, અને આપણે એમાંથી નગ્ન શરીરે જઈએ છીએ.
શરીરના દરેક છીદ્રો પર કપુર મુક્વામાં આવે છે, થોડું સુખડનું લાકડું, અને થોડાં નાનાં અને મોટાં લાકડાંનાં ટુકડાં છાતી પર મુકવામાં આવે છે.
કપુરને પ્રગટાવવામાં આવે છે.
બળતા કપુરની વાસ અનુભવો; ધુમાડો, કપુરની નાની આગ જુઓ; સુખડ બળવાની વાસ અનુભવો, લાકડાનાં નાના ટુકડાં બળતાં જુઓ, તણખાં ઉડતાં જુઓ; અને પછી મોટી આગ જુઓ.
પાણીનું માટલું લેનાર વ્યક્તી ચીતાની ત્રણવાર પ્રદક્ષીણા કરે છે, અને માટલું જમીન પર ફેંકી દે છે.
પાણીનું માટલું એ જીવનરસથી ભરપુર શરીરનું ઉદાહરણ છે.
માટલું તુટી જાય છે, એમાંથી પાણી બહાર આવે છે અને ધરતીને ભીંજવે છે.
માટીમાંથી ઉદભવેલ જીવન એમાં મળી જાય છે.
જેમ જેમ શરીર બળે છે, તેમ તેમ એની દરેક વસ્તુઓ જેમ કે, ભય, ધીક્કાર, લજ્જા, ઘૃણા, કુળ, જાતી, ધારણા, કુટુમ્બ, સમ્બન્ધ, એ બધું જ જ્યાંથી આવ્યું હતું ત્યાં ભળી ગયું.
હું આ બધું જ જોઈ રહ્યો છું.
તેથી, આશ્ચર્યજનક રીતે, મારું મૃત્યુ થઈ ના શકે.
ચૈતન્યનું મૃત્યુ કેવી રીતે થાય?
માત્ર શરીરને મૃત્યુ અને નાશ છે.
આપણે કપડાં બદલીએ એ રીતે શરીર બદલીએ છીએ.
દરમીયાન, ચીતા સમ્પુર્ણ શરીરને ભસ્મીભુત કરી દે છે.
માત્ર મુઠ્ઠીભર રાખ રહી જાય છે.
આ ભસ્મ શીવ પોતાના શરીર પર આભુષણોની જેમ લગાવે છે.
આ ભસ્મને શેની જરુર છે?
એને કોઈ ભય છે?
ઈચ્છા?
ક્રોધ કે વાસના કે લોભ કે ગર્વ કે ઈર્ષ્યા?
એ સારા-નરસાને જાણે છે?
સત્ય કે અસત્ય?
કાંઈ જ નહીં.
પરમ શાંતીની એ સ્થીતીનો 2-3 મીનીટ અનુભવ કરો.
દરમ્યાન, આકાશમાં ક્યાંકથી કાળાં ઘનઘોર વાદળો ઘેરાય છે.
સમગ્ર વાતાવરણ એકાએક ઠંડું બની જાય છે અને વર્ષા શરુ થતાં પહેલાંની ભીની લહેરખીઓ વાય છે.
સમગ્ર આકાશથી લઈને પૃથ્વીને અડતી વીજળીના ચમકારા સમાન દેવી પ્રકાશી રહી છે, અને જમીન પર વરસાદનાં ટીપાં પડવાં શરું થાય છે.
ટીપાંઓથી પૃથ્વી રોમાંચીત થઈ ઉઠે છે, અને વર્ષાથી ભીંજાતી માટીની સુગન્ધ પ્રસરી રહે છે.
ઠંડાં અમૃતસમાન વરસાદની દૈવી ધાર ભસ્મ પર પડવી શરુ થાય છે.
એ અમૃત હોવાને લીધે ભસ્મ નવો આકાર ધારણ કરે છે.
એ આકાર કેવા પ્રકારનો છે?
જાણે પરોઢીયે પુર્વ ક્ષીતીજે ઉગતાં સુર્યના લાલ ગોળા સમાન, ધીરે ધીરે ઉગતો, અને પ્રકાશીત કેસરી રંગમાં પરીવર્તીત થતો, પછી નીલા આકાશમાં અત્યંત તેજસ્વી ઉજ્જ્વળ પ્રકાશ સમ, પણ આશ્ચર્ય પમાડે એમ સ્વાભાવીક ઉષ્ણતા વગર.
એ મારા મસ્તીષ્કની ઉપર આવે છે, નીચે ઉતરે છે, મસ્તીષ્ક પર ઉજ્જ્વળ તેજસ્વી પ્રકાશનાં ગોળામાં પરીવર્તીત થાય છે.
એ ત્યાં થોડો સમય રહે છે, મારા મસ્તીષ્કમાં ઉતરે છે, અને મને મસ્તીષ્કમાં સફેદ પ્રકાશનાં ઠંડાં તેજસ્વી ફુવારાનો અનુભવ થાય છે.
એ મારા ગરદન નીચે જાય છે અને સરસ રીતે હ્રદયમાં સ્થીત થાય છે.
મારું હ્રદય આનન્દથી ઉભરાઈ જાય છે.
ત્યાં એ મઘધનુષના દરેક રંગોનાં બનેલાં પ્રકાશનાં લાખો તણખાં જન્માવે છે: જામ્બલી, નીલાં, વાદળી, લીલાં, પીળાં, નારંગી, રાતાં.
મારું સમગ્ર શરીર નખશીખ પ્રકાશમય બની જાય છે.
પ્રકાશનો ગોળો બે ભાગમાં છુટો પડે છે, દેવી અને શીવ બની જાય છે.
મારા હ્રદયકમળમાં શીવ પીઠનાં આધારે સુતાં છે, અને દેવી એમની ઉપર સાયુજ્યમાં બેઠી છે.
એમનાં સાયુજ્યનો રોમાંચ મારા સમગ્ર શરીરને ભરી દે છે.
સમ્ભોગના આનન્દથી જ સમગ્ર જીવસૃષ્ટી ઉત્પન્ન થાય છે, તે આ આનન્દ માટે જ જીવે છે, અને જ્યારે શરીર જીર્ણ થાય અને જીવન ટકાવી ના શકે, ત્યારે નવા શરીર માટે પુરાણું શરીર છોડી દે છે.
હવે મારું શરીર એના દરેક અણીયાળાં ભાગમાંથી દરેક રંગનાં તણખાં ઉત્સર્જી રહ્યું છે: અંગુઠાં, આંગળીઓ, સ્તન, આંખો.
જે કોઈ આ તણખાંનાં સમ્પર્કમાં આવે છે એ માનસીક શાંતી, ચૈતન્ય, શક્તી, આનન્દ, ધન, દરેક ઈચ્છાઓનાં શમન, દરેક સાથે મૈત્રી, કામનો આનન્દ, શરીર અને મનનાં દરેક રોગોથી મુક્ત – એમ દરેકથી તરબોળ થઈ જાય છે.

Print Friendly, PDF & Email

One thought on “સુક્ષ્મ શરીર દીક્ષા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.