શક્તીપાત દીક્ષા – ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009

શક્તીપાત દીક્ષા – ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009

મેં અને પારુલે શક્તીપાત દીક્ષા લેવાનું ફેબ્રુઆરીમાં નક્કી કર્યું. એટલે મેં ધ્યાનયોગ કેન્દ્રનો સમ્પર્ક કર્યો અને ત્યાંથી તુલસી ગૉટફ્રેડ્સન સાથે સમ્પર્ક થયો. તેમણે મને દીક્ષા લેવા માટેની વીધી જણાવી અને આવેદનપત્રો મોકલ્યા. મારે અને પારુલે એ ભરીને મોકલવાના હતાં અને સાથે અમારો એક ફૉટો પણ મોકલવાનો હતો. સાથે જ દાનરુપે જે કંઈ આપવું હોય એ મોકલવાનું હતું.

શક્તીપાત એટલે ગુરુની આધ્યાત્મીક શક્તીનો શીષ્યમાં પ્રવેશ. એ માટે ગુરુની શારીરીક ઉપસ્થીતી હોય કે ના હોય, ગુરુના સન્કલ્પ માત્રથી શક્તીપાત થઈ શકે છે. શક્તીપાત એ કુન્ડલીની શક્તીનાં જાગરણનું કાર્ય કરતી કળ કે સ્વીચ છે. એમ કરવાથી શીષ્યની આધ્યાત્મીક પ્રગતી અકલ્પનીયરુપે ઝડપી બને છે, અને આ પ્રગતી દરેક જીવ માટે અન્તીમ લક્ષ્યરુપ જીવના શીવ-શક્તી સાથેના ઐક્યથી સમાપ્ત થાય છે. શક્તીપાતની અસર ત્રણ જન્મો સુધી રહે છે, અને એ યેનકેન પ્રકારેણ સાધકને અન્તીમ ધ્યેય સુધી પહોંચાડીને જ રહે છે. માર્ગમાં આવતાં વીઘ્નો દુર કરવા માટે ગણેશની પ્રાર્થના મદદરુપ બને છે.

મેં તુલસી સાથે અમુક ઈ-મેલની આપ-લે કરી અને તેમણે શક્તીપાત વીશેની અમુક શન્કાઓ દુર કરી. આખરે મેં જરુરી પત્રો અને ફૉટા સાથે દાનની રકમ ચેકથી મોકલી. હું સ્વામી વિવેકાનન્દને મારા ગુરુ તરીકે માનુ છુ. એટલે તેમણે અને ‘મા’ ભુવનેશ્વરીએ મારા માટે જે પથ નક્કી કર્યો હશે તે થઈને જ રહેશે, એમ માની આગળ વધવાનું નક્કી કર્યું. મેં આનન્દીમા અને બાપુજી – દીલીપજીને 11 જાન્યુઆરી, 2009ના રોજ નીકોરા ધ્યાનમન્દીરમાં પહેલ-વહેલી વાર જોયા હતાં. એ વર્ણન અગાઉના મારા ભારતપ્રવાસ વીશેના લેખોમાં જણાવી ગયો છું. આનન્દીમા વીશે “ચિત્રલેખા” સામયીકમાં લગભગ 2 વર્ષ પહેલાં મેં વાંચ્યું હતું. વળી, પારુલના નાના ભાભીનું મોસાળ નીકોરા ગામ હોવાથી મેં ધ્યાનમન્દીર વીશેનો લેખ ધ્યાનથી વાંચ્યો હતો. મને જાણે કે પુર્વતૈયારી કરવાની હોય એ રુપે દેવીપુરમ્ ના અમૃતાનન્દજી દ્વારા તૈયાર કરેલ શાસ્ત્રીયશુધ્ધ શ્રીયંત્ર લાભપાંચમને દીવસે નવેમ્બર 03, 2008ને સોમવારે મળ્યું હતું. વળી, ઑક્ટોબર, 2008માં અશ્વીન નવરાત્રીમાં પહેલવહેલી વાર અમે કુમારીકાભોજન અને નવચન્ડી હવન કર્યો હતો. આમ, જાણે ભાવીજીવનનો પાયો નંખાયો હોય એમ મેં ભારતમાં ઉતરતાવેંત જ નીકોરાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને ફેબ્રુઆરી, 2009માં એકાએક શક્તીપાત દીક્ષા લેવાનું નક્કી કર્યું. આનન્દીમાનું “ગુરુ મારી બેલડીને…” ભજન યુટ્યુબ પર પહેલવહેલી વાર સામ્ભળી-જોઈને તો હું મન્ત્રમુગ્ધ થઈ ગયો હતો.

એપ્રીલ 12, 2009 રવીવારના રોજ પારુલના જન્મદીને મેં તુલસી સાથે વાત કરી અને ધ્યાન દોર્યું કે મેં પત્રો મોકલી આપ્યા છે. એ જ વખતથી મને લાગતું હતું કે શુક્રવારે કંઈક આવવું જોઈએ. એપ્રીલ 15, 2009 બુધવારથી મારા આજ્ઞાચક્રના સ્થાને સતત એક દબાણનો અનુભવ થવો શરુ થયો. શુક્રવાર એપ્રીલ 17, 2009ને દીવસે સાન્જે ઘરે આવ્યો ત્યારે જાણ્યું કે ધ્યાનયોગ કેન્દ્ર તરફથી એક પૅકેટ આવ્યું છે. એ પૅકેટને સ્પર્શતાવાર જ આજ્ઞાચક્ર પર દબાણ વધવા લાગ્યું. એ પૅકેટ પર લખ્યા મુજબ એપ્રીલ 15, 2009ના રોજ એ મોકલવામાં આવ્યું હતું! મને તો ચટપટી વધી ગઈ અને સાન્જે જ દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. ઝટપટ હું, અને પારુલ ન્હાઈને તૈયાર થઈ ગયા. અમારા કરતાં વૃન્દને પૅકેટનું કુતુહલ વધુ હતું. પૅકેટ ખોલ્યું અને વાંચ્યા બાદ સમજાયું કે તરત દીક્ષા લેવી શક્ય નથી. એ માટે અમુક પુર્વતૈયારી જરુરી હતી. એટલે રવીવારે એ વીધી કરવી નક્કી કર્યું. મને એ વખતે આખાં કપાળ પર કપુરનો લેપ થયો હોય એમ ખુબ જ ઠન્ડક લાગી અને બહુ જ આનન્દ વ્યાપી વળ્યો. હસવાનું મન પણ થઈ આવ્યું.

શનીવાર એપ્રીલ 18, 2009 અમે 12 ગુલાબના ફુલ, 2 નાળીયેર, 2 સફરજન અને સ્ટ્રૉબેરીની ખરીદી કરી. અમારી પાસે શુધ્ધ સુતરાઉ આસન હતાં અને પારુલનાં મમ્મીએ શુધ્ધ ઉનનાં બે નવા આસનો કાઢી આપ્યાં. બપોરે અમે જાયન્ટ નામના ગ્રૉસરી સ્ટોર(કરીયાણાંની દુકાન!!!)માં બધું લેતાં હતાં ત્યારે મેં તુલસીને ફોન કરીને રવીવારે સવારે 9 વાગ્યે દીક્ષા લેવાનો સમય જણાવ્યો. મને મનમાં હતું કે જો આનન્દીમા સાથે વાત થાય તો કેવું સારું! અને તુલસીએ મને ફોન હૉલ્ડ કરવા જણાવ્યું. સામેથી એક સૌમ્ય પુરુષસ્વર સમ્ભળાયો કે, “હું બાપુજી બોલું છું.” મને શું કહેવું ખબર ના પડી, પણ 3-4 સેકંડમાં હોશ સમ્ભાળીને મેં આશીર્વાદ માંગ્યાં. દીલીપજીએ કહ્યું કે, “મા સાથે વાત કરો.” એકદમ મૃદુ, સૌમ્ય, અણીશુધ્ધ સ્ત્રીસ્વર સમ્ભળાયો અને મેં આનન્દીમા પાસે આશીર્વાદ માંગ્યાં. પછી પારુલે પણ આનન્દીમા સાથે વાત કરી. ફોન મુક્યા બાદ પાછાં ફરતાં મને એકાએક સીન્દુરની સુગન્ધનો 2-3 સેકન્ડ માટે અનુભવ થયો. મેં એ જગ્યે પાછાં ફરીને જોવાનો પ્રયત્ન કર્યો કે, કોઈ વસ્તુમાંથી એ સુગન્ધ આવે છે કે શું. પણ, ફરી એ સુગન્ધી ના મળી! અમે કાઉન્ટર પર નાણાં ચુકવીને ગાડીમાં બેઠાં. ત્યાં પારુલ બોલી કે તેને સીન્દુરની સુગન્ધ આવે છે. અમને લાગ્યું કે કદાચ ગુલાબનાં ફુલોની એ સુગન્ધી છે. પારુલને ઘણાં સમય સુધી એ સુગન્ધ આવી. મને તો એ ફરી ના જણાઈ.

સન્ધ્યાપુજા વખતે મેં ધ્યાનયોગ તરફથી મળેલ ભુતશુધ્ધી મન્ત્રનું લેમીનેટેડ પૉસ્ટર પારુલને બતાવ્યું. એમાં બતાવેલ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનનું ચીત્ર જેવું જ આબેહુબ ચીત્ર મારી મમ્મીએ વડોદરાથી 2 અઠવાડીયા પહેલાં મોકલાવ્યું હતું. આજના દીવસમાં લસણ અને ડુન્ગળી અમારે લેવાનાં નહોતા અને 12થી 18 કલાકનો ઉપવાસ કરવાનો હતો. હા, થોડું દુધ, પાણે કે જ્યુસ લઈ શકાય.

રાત્રે મને સરખી ઉન્ઘ ના આવી અને પેટમાં થોડી બળતરા થવા માન્ડી. સવારે સાત પહેલાં ઉઠી ગયો અને દાંત સાફ કર્યા બાદ થોડું દુધ ગરમ કરીને પીધું. પારુલને કશું જ નહોતું લેવું. હું, પારુલ અને વૃન્દ પરવારી ગયાં. મેં વૃન્દને સુચના આપી કે કોઈ પ્રકારનો અવાજ ના કરે અને ફોન આવે તો કરનારને એક કલાક બાદ કરવાનું કહેવું. મેં ‘મા’ને પ્રાર્થના કરીને શક્તીપાત દીક્ષાની તૈયારી કરી. પારુલે સુચન કર્યું કે ફુલ કે ફળને કોઈ ઋતુમાં આવેલી છોકરી કે સ્ત્રી અડકી હોય એટલે શુધ્ધી કરવી. હું જો કે એમાં માનતો નથે પરન્તુ પારુલનું સુચન થયું અને ધ્યાનયોગ કેન્દ્ર તરફથી આવેલી ચોપડીમાં પણ આ વાત લખી હોવાથી, દરેક વસ્તુ અને વસ્ત્રો પર ગન્ગાજળ છાંટીને શુદ્ધીનો ભાવ કર્યો. ત્યારબાદ લગભગ નવ વાગ્યે અમે સુચન પ્રમાણે શક્તીપાતની દીક્ષા લીધી અને લગભગ અડધા કલાક જેવું ધ્યાન કર્યું. દીક્ષાની વીગતો જાહેર કરવી યોગ્ય કે અયોગ્ય એ નીર્ણય હું કરી શકું એમ ના હોવાથી જાહેર નથી કરતો. જો ભવીષ્યમાં એ વીશે નીર્દેશ મળશે તો જરુરથી જણાવીશ.

હા, ધ્યાન પુરું થયા બાદ મેં અને પારુલે જે અનુભવ્યું એ જરુરથી તમને જણાવું છું. સહુપ્રથમ પારુલનો અનુભવ જાણીએ. પારુલને જ્યારે જ્યારે હું મારા અનુભવો કે સ્વપ્નદર્શન જણાવતો ત્યારે તે હમ્મેશા મને કહેતી કે તેને જ કેમ કોઈ અનુભવ નથી થતાં. પણ, શક્તીપાત દીક્ષા બાદ તેણે જે અનુભવ્યુ તે જાણીએ. તેણે મને શનીવારે જ જણાવ્યું હતું કે, જો તેને કોઈ પણ અનુભવ ના થયા તો પણ તે ખાલી ખોટું નહીં જણાવે. આમ પણ પારુલ હમ્મેશા જે તેને સાચુ લાગ્યું કે અનુભવાયું હોય તે જ કહેતી હોય છે અને તે પણ શબ્દો ચોર્યા વગર! પારુલ કદી પણ પાંચ મીનીટથી વધુ ટટ્ટાર બેસી શકતી નથી. તેને ટેકાની જરુર પડતી જ હોય છે. આજે તે અડધો કલાક કોઈ પણ પ્રયાસ કે દુ:ખાવા વગર બેસી શકી. હા, તેને પગમાં ખાલી ચઢી ગઈ, પણ એ અસહનીય તો નહોતું જ. ધ્યાનમાં તેને ગરદનથી શરુ કરીને પેટના ભાગ સુધીની કરોડરજ્જુમાં ઠન્ડકનો અનુભવ થયો, જાણે કરોડરજ્જુમાં બરફીલું ઠન્ડુ પાણી ભરી દીધું હોય. આ ઠન્ડક તેનાં ફેફસામાં અને હ્રદયમાં પણ ફરી વળી. તેને માથું એકદમ ભારે લાગ્યું. ધ્યાન બાદ તેને ખુબ જ આરામ અને આનન્દનો અનુભવ થયો, તથા માથાનો દુ:ખાવો પણ ગાયબ થઈ ગયો. તેને શરીર ખુબ હળવું લાગ્યું, ખુબ સ્ફુર્તી અને મુક્તીનો અનુભવ થયો અને સારું લાગ્યું.

હવે, મારો અનુભવ જાણીએ. ધ્યાનમાં ટટ્ટાર બેઠાં બાદ મારુ માથુ સહેજ ઉંચુ થઈ ગયું. મને આજ્ઞાચક્ર અને નાકના અડધા ભાગ સુધીના પ્રદેશમાં ખુબ જ દબાણનો અનુભવ લગભગ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. મારું શરીર જાણે લોખન્ડનો બનેલો ગોળો હોય એવો અનુભવ થયો અને એ ગોળો જાણે જમીન સાથે બળપુર્વક ખોડાઈ રહ્યો હોય એવું લાગ્યું. મારા વજનદાર લોખન્ડી શરીરનો ભાર પણ મને અનુભવાયો. ધ્યાન દરમ્યાન અલપ-ઝલપ 1-2 સેકન્ડના અનેક દ્રશ્યો દેખાયાં. કોઈનો ચહેરો, સીંહની બાજુમાં બેઠો હોઉં અને સીંહનો જમણી બાજુનો ચહેરો અને ડોક દેખાય એવું દ્રશ્ય, એક નદી અને એના પર દુર દેખાતો પુલ, હું નદીના પુલની રેલીન્ગ પર ચાલતો હોઉં અને નીચે નદી દેખાતી હોય, વગેરે દ્રશ્યો મને દેખાયાં. મારા શરીરમાં કમર નીચે જાણે કશું જ ના હોય એવો અનુભવ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. સમ્પુર્ણ ધ્યાન દરમ્યાન મોટે ભાગે એકાગ્રતા ટકી રહી.શ્વાસોચ્છવાસ ખુબ જ ધીમાં પડી ગયાં અને આંખો ઘણી જ અસ્થીર થવા લાગી.

અમે એ પણ અનુભવ્યું કે શનીવારે અનુભવેલી સીન્દુરની સુગન્ધ ગુલાબનાં ફુલોની નથી. વળી, જ્યારે પણ હું ધ્યાનયોગી મધુસુદનદાસજી અને આનન્દીમાનો ફૉટો જોઉં ત્યારે આજ્ઞાચક્ર પર દબાણ અનુભવું છું. ધ્યાનકેન્દ્ર તરફથી મળેલી માર્ગદર્શીકા મુજબના મને થયેલાં અનુભવોની સુચી બનાવું તો અત્યાર સુધી (શક્તીપાત દીક્ષા લેતાં પહેલાંના) થયેલા અનુભવો આ મુજબ છે:

  • હું વર્ષોથી સ્વામી વિવેકાનન્દની રાજયોગ પુસ્તીકામાં કરેલા વર્ણન પ્રમાણે ધ્યાન કરું છુ.
  • મને એકવાર સ્વપ્નમાં એક દાઢીધારી વૃધ્ધ સન્તના દર્શન થયાં હતાં. આ સન્તનો દેખાવ ધ્યાનયોગીજીને ઘણે અન્શે મળતો આવે છે.
  • જાન્યુઆરી 13, 2009 મન્ગળવારે નારેશ્વરમાં ધ્યાનમાં દેખાયેલા સન્ત પણ દેખાવે ધ્યાનયોગીજીને મળતાં આવે છે.
  • મને ઘણીવાર અન્ત:પ્રેરણા થતી હોય છે.
  • જ્યારે ધ્યાન ગાઢ બને ત્યારે મને સતત ઘન્ટડીનો રણકાર સમ્ભળાય છે.
  • લગભગ મહીનાથી હથેળીઓ અને પગનાં તળીયે જે તે અન્ગમાં તકલીફ હોય એના દબાણબીન્દુઓ એમનેમ જ દુ:ખી આવે છે. જાણે કોઈએ બહારથી દબાણ આપ્યાં વગર જ એ બીન્દુઓ દબાવી દીધાં હોય એવો અનુભવ થાય છે. એ દુ:ખાવો મટી જાય ત્યારે એને સબન્ધીત અન્ગમાં પણ સારું થતું હોય એવું લાગે છે.
  • જ્યારે કોઈ શક્તી કે પ્રાણવાન સ્થળ કે વસ્તુનો સમ્પર્ક થાય ત્યારે આજ્ઞાચક્ર પર દબાણનો અનુભવ થાય છે.

અમારા નવા અનુભવો ભવીષ્યમાં જણાવતો રહીશ. પ્રણામ.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.