સંન્યાસી – ચિરાગ પટેલ

સંન્યાસી – ચિરાગ પટેલ ૮૬૯૬ સપ્તર્ષિ સંવત શ્રાવણ શુક્લ ત્રયોદશી ૨૦૨૦ ઑગસ્ટ ૦૧

ભારતમાં હજારો વર્ષોથી ઋષિ-સંન્યાસી પરંપરાનો મહિમા અને આદર થતો આવ્યો છે. આધુનિક યુગમાં સંન્યાસી પરંપરાએ પોતાનું સન્માન ખોયું છે અને પોત પણ ખોયું છે! નવી પેઢી જ્યારે એમ કહેતી હોય કે, ભગવા વસ્ત્રો જોઈને નમવાનું એમની પેઢીથી બંધ થઈ જશે; ત્યારે ભારતીય સંન્યાસી પરંપરાએ સાચે જ આત્મનિરીક્ષણ કરવાનો સમય પાકી ગયો હોય એમ લાગે છે!

પ્રત્યેક વ્યવસાયમાં અમુક વ્યક્તિઓ અતિનિષ્ણાત હોય છે, અમુક યથોચિત કામ કરી શકે એવા હોય છે અને અમુક “સૂંઠને ગાંગડે ગાંધી” બની બેઠાં હોય છે! પ્રત્યેક ક્ષેત્રમાં વ્યક્તિદીઠ જોવા મળતી કૌશલ્યની ઊંચનીચ સંન્યાસી વર્ગને પણ લાગુ પડે છે. આજનો યુગ પ્રશ્નો અને નિરંતર પ્રશ્નોનો છે. ટેકનોલોજીની સહાયથી સમગ્ર વિશ્વની માહિતી જ્યારે આંગળીના ટેરવે ઊભરતી હોય ત્યારે કોઈ માહિતી પર ઢાંક પિછોડો કરવો અશક્ય છે! સંન્યાસી કે સાધુએ બીજાં ક્ષેત્રોના નિષ્ણાતોની જેમ જ પોતાની યોગ્યતા પુરવાર કરવી પડશે એવો સમય આવી ગયો છે!

શ્રીરામ ચરિત માનસ, કબીરના દોહા, એકનાથ, તુકારામની વાતો, ભજનો વગેરેમાં સંતના લક્ષણો વર્ણવેલાં આપણે જાણીએ છીએ. અનેક ઉપનિષદોમાં સંન્યાસ ધર્મ અને સંન્યાસીઓ અંગે વિસ્તૃત છણાવટ છે. મારા અભ્યાસમાં મને સહુથી વધુ વિસ્તારપૂર્વકની ચર્ચા નારદપરિવ્રાજકોપનિષદમાં જણાઈ છે. આ ઉપનિષદમાં શૌનક વગેરે ઋષિઓને દેવર્ષિ નારદે ઉપદેશેલા શ્લોકોના અમુક મુખ્ય મુદ્દાઓ જોઈએ. તથા સંન્યાસોપનિષદના અમુક મુદ્દાઓ પણ એમાં વણી લઈશું.


 • નપુંસક, પાપી, અંગવિહીન, શરીરમાં આસક્ત, બહેરી, મૂંગી, બાળક, પાખંડી, ખટપટ કરનાર, નટ, વાનપ્રસ્થ, વેતન લઈ શિક્ષણ આપનાર, ટાલિયો, કોઢિ, અગ્નિહોત્ર ન કરનાર વ્યક્તિ વિરક્ત હોય તો પણ સંન્યાસ ગ્રહણ કરવા અધિકારી નથી. એવી વ્યક્તિ પોતાના જીવનના અંત સમયે “આતુર સંન્યાસ” લઈ શકે.
 • જેની જીભ, ઉપસ્થ, ઉદર અને હસ્ત-પાદ વગેરે ઇન્દ્રિયો પૂરી વશમાં હોય, જેણે વિવાહ ન કર્યો હોય અને બ્રહ્મચર્યનું પાલન કરતો હોય તો એ વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરી શકે.
 • બે કૌપીન, એક કંથા (ગોદડી) તથા એક દંડથી વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાનો સંન્યાસીને અધિકાર નથી. તેણે કોઈ ઝાડના મૂળ પાસે એકાકી જ રહેવું અને ભિક્ષા અર્થે જ નગરમાં પ્રવેશવું. જો તે એકમાંથી બે થશે તો એ મિથુન (યુગલ), ત્રણ થાય તો ગામ અને વધુ થશે તો નગર ગણવામાં આવશે, જે તેને ધર્મથી પતિત કરશે.
 • બીજા પ્રત્યે દ્રોહ, પોતાના પ્રત્યે મોહ, મદ, માયા, અને રાગ-દ્વેષથી દૂર રહેવું. મંચ-સભા, શ્વેત વસ્ત્ર, સ્ત્રી ચર્ચા, ઇન્દ્રિય લોલુપતા, દિવસે ઊંઘ અને સવારી ઉપર યાત્રા કરવી એ છ સંન્યાસી માટે પાપ છે.
 • સંન્યાસી માટે અધિક તીર્થ સેવન, અધિક ઉપવાસ, ભણવું, ભણાવવું, સભામાં વ્યાખ્યાન આપવા, કુટિલ વ્યવહાર, શિલ્પકલા, પરગૃહ નિવાસ, ચિકિત્સાનો ધંધો, સાહસિક કાર્યો, મંત્રો, ઔષધિ વિતરણ, આશીર્વાદ આપવા વગેરે વર્જિત છે.
 • સંન્યાસી છ પ્રકારના હોય છે: કુટીચક, બહૂદક, હંસ, પરમહંસ, તુરીયાતીત, અવધૂત. પ્રથમ ત્રણ સંન્યાસીઓને બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમના ક્રમે જ સંન્યાસ લેવાનો અધિકાર છે. પ્રત્યેક પ્રકારના સંન્યાસીની ઓળખ માટે ભિન્ન ચિહ્ન, વસ્ત્ર, દૈનિક કાર્યો વગેરે હોય છે.
 • સંન્યાસી એક સ્થાન પર રહે નહીં. નદી જાતે તરીને પાર ના કરે. વૃક્ષ ઉપર ચઢે નહીં. કોઈ વિરોધને માને નહીં. દેવ નિમિત્તે થતાં આયોજનો જોવા નહીં. આત્મા સિવાય કોઈ બાહ્ય પૂજન-અર્ચન ના કરે. ભિક્ષા મેળવે. મેદવૃદ્ધિ ના થવા દે. ઘી છોડી દે. એક ઘરનું અન્ન ગ્રહણ ના કરે. અત્તર, ચંદન, ક્ષાર, અભ્યંગ છોડી દે. આનંદ દાયક સંગથી દૂર રહે. પરિચિત સ્થળ, સોનું, સભાસ્થળ, રાજધાની છોડી દેવા.
 • પરમહંસ, તુરીયાતીત, અવધૂતને “તત્વમસિ”, “અયમાત્મા બ્રહ્મ” વગેરે મહાવાક્યોના ઉપદેશનો અધિકાર છે. કુટીચક, બહૂદક, હંસને અન્યોને ઉપદેશ આપવાનો અધિકાર નથી.

ઉપનિષદોમાં વર્ણવેલા આ બધાં નિયમો અને એમની વિસ્તૃત છણાવટ અંગે ઘણાં પુસ્તકો મળી આવશે.

આપણે જોઈ શકી છીએ કે, અન્ય વર્ણાશ્રમોની જેમ સંન્યાસ આશ્રમમાં પણ સમય પ્રમાણે ફેર થયો છે. ઉપનિષદના બધાં નિયમોનું પાલન આજના સંન્યાસી માટે શક્ય નથી. તેમ છતાં મોટા ભાગના નિયમો તો પાળી શકાય એમ છે. વળી, એ ઇચ્છનીય પણ છે. એ નિયમોનું પાલન જ સંન્યાસી માટે તેના ધ્યેયમાર્ગને વળગી રહેવાનું સાધન છે.

ૐ તત સત!

Print Friendly, PDF & Email

2 thoughts on “સંન્યાસી – ચિરાગ પટેલ

 1. Vaishali Radia says:

  સાચી વાત કે આજના યુગમાં સાચા સંન્યાસીની પરખ મુશ્કેલ હોવાથી દરેક ભગવા પરિધાન તરફ આશંકા જાગે છે. સંસ્કૃતિ સચવાશે કે કેમ એ દ્વિધાયુકત સમય ચાલી રહ્યો છે, કેમકે આપણા દેશનો મોટો વર્ગ સાધુ સન્યાસી તરફ આકર્ષિત છે. સાચા-ખોટાની ભેદરેખા ઓળખવી મુશ્કેલ છે એટલે સંસ્કૃતિની જાળવણી પણ મુશ્કેલ છે!
  સન્યાસીના લક્ષણો વિશે આટ આટલું ઊંડાણપૂર્વક પ્રથમ વખત વાંચ્યું! અદ્ભુત જ્ઞાન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.