ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 20 – ચિરાગ પટેલ – 2019 નવેમ્બર 19

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 20 – ચિરાગ પટેલ – 2019 નવેમ્બર 19

उ. ४.२.९ (८५१) आदह स्वधामनु पुनर्गर्भत्वमेरिरे। दधाना नाम यज्ञियम्॥ (मधुच्छन्दा वैश्वामित्र)
એ પૂજય નામ ધારણ કરવા સમર્થ મરુત, ત્વરિત અન્નાદિને લક્ષ્ય બનાવી, ફરીથી ગર્ભને પ્રાપ્ત કરી ગ્રહણ કરે છે.

આ શ્લોકમાં બે અર્થ અભિપ્રેત છે. પ્રથમ તો, પ્રકૃતિનું જે ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે, એનો ઉલ્લેખ અહીં છે. દરેક જૈવિક પદાર્થ ઉપયોગિતા પૂર્ણ થયા પછી, વિખંડિત થાય છે. વિખંડનની પ્રક્રિયામાં વિવિધ વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ વાતાવરણમાં ભળે છે. આ વાયુ પાછો નવા પદાર્થના જન્મ માટે કારણરૂપ બને છે.

બીજા અર્થમાં પ્રાણીઓના જન્મ અંગેની પૌરાણિક માન્યતાનું મૂળ અહીં જણાય છે. નામ ધારણ કરવામાં સમર્થ મરૂત એટલે શરીર ધારણ કરી શકે એવો આત્મા જે વાયુરૂપ છે. આ આત્મા અન્ન પૂરું પાડતી વનસ્પતિને પોતાનું લક્ષ્ય બનાવે છે, એટલે કે અન્નકણોમાં એ સમાઈ જાય છે. જયારે, પ્રાણી એ અન્ન ગ્રહણ કરે છે ત્યારે પ્રાકૃતિક ચક્ર અનુસાર એ ગર્ભરૂપે નવો જન્મ ધારણ કરે છે.

उ. ४.४.१ (८६२) यदयाव इन्द्र ते शतँशतं भूमीरुत स्युः। न त्वा वज्रिन्त्सहस्त्रँ सूर्या अनु न जातमष्ट रोदसी॥ (पुरुहन्मा आञ्गिरस)
ઇન્દ્ર, સેંકડો દેવલોકો, સેંકડો ભૂમિઓ તથા હજારો સૂર્યો પણ જો ઉત્પન્ન થાય તો પણ આપની સરખામણી નહિ કરી શકે. આપની સરખામણીનું કોઈ નથી. દેવલોકથી પૃથ્વીલોક સુધી સરખામણીવાળું કોઈ નથી.

આ શ્લોકમાં શત અને સહસ્ત્ર જેવા ગાણિતીય શબ્દોનો ઉપયોગ થયો છે. સંખ્યા ગણતરી અને ગણિતના જનક તરીકે ભારતનું સ્થાન સર્વવિદિત છે. આ શ્લોક એના સમર્થનમાં આપણે ચોક્કસ ટાંકી શકીએ! વળી, સો અને હજાર સુધીની સંખ્યાની ગણતરી સામવેદના રચનાકાળમાં તો ચોક્કસ હતી એમ કહી શકીએ.

उ. ४.५.१. (८६९) तिस्त्रो वाच उदीरते गावो मिमन्ति धेनवः। हरिरेति कनिक्रदत्॥ (त्रित आप्त्य)
યાજ્ઞિકો દ્વારા ત્રણ વાણીઓનું ઉચ્ચારણ કરવાથી લીલી આભાવાળો સોમ દૂધાળી ગાયોના ભાંભરવા જેવો શબ્દનાદ કરતો ઝરે છે.

આ શ્લોકમાં વેદ ત્રણ હોવાનો ઉલ્લેખ છે. ઋક, યજુ અને સામ એ ત્રણ વેદ ગણાય છે અને અથર્વ વેદ નથી ગણાતો. વળી, લીલી આભાવાળા સોમરસને પાત્રમાં એવી રીતે રેડવામાં આવે છે કે જેથી એ મોટો ધ્વનિ નીપજાવી શકે. આ શ્લોકનો ગૂઢાર્થ જોઈએ તો એવું કહી શકાય કે, ત્રણે વેદોનું ઉચ્ચારણ વ્યક્તિના મનમાં વિશેષ શક્તિનું સંચરણ કરે છે.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.