(originally published at http://webgurjari.in/2018/02/02/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_4/)
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪
– ચિરાગ પટેલ
પૂ. ૨.૭.૩ (૧૭૭) દોષો આગાદ્ બૃહદ્ગાય દ્યુમદ્ગામન્નાથર્વણ । સ્તુહિ દેવંસવિતારમ્ ॥
હે પ્રકાશમાર્ગના પ્રવાસી, અથર્વવેદીય બ્રાહ્મણ, બૃહત નામના સ્તોતા! યજ્ઞકાર્યના દોષોને ધોવા માટે સવિતા દેવનું સ્તવન કરો!
આ શ્લોકમાં ત્રણ વિષયોને સંબોધવામાં આવ્યા છે. ઘણીવાર આપણે વાંચીએ કે સાંભળીએ છીએ કે મુખ્ય વેદો ત્રણ અને અથર્વવેદ એ મુખ્ય વેદ નથી. અહીં અથર્વવેદના માર્ગને અનુસરતા બ્રાહ્મણનું સંબોધન થયું છે. વળી, તેને પ્રકાશમાર્ગનો પ્રવાસી કહ્યો છે! એટલે, અથર્વવેદ પણ બાકીના ત્રણ વેદોની જેમ જ મુખ્ય વેદ છે એ માન્યતા અહીં પડઘાઈ છે. પરંતુ, આવા બ્રાહ્મણને યજ્ઞકાર્યના દોષો ધોવા માટે સૂર્યનું સ્તવન કરવાની સૂચના અપાઈ છે. એટલે, એવું અર્થઘટન કરી શકાય કે, અથર્વવેદનો માર્ગ શુદ્ધ નથી મનાતો!
પૂ. ૨.૭.૫ (૧૭૯) ઇન્દ્રો દધીચો અસ્થભિર્વૃત્રાણ્યપ્રતિષ્કુતઃ । જઘાન નવતીર્નવ ॥
અપરાજિત ઇન્દ્રે, દધીચિનાં હાડકાંથી નવ્વાણું રાક્ષસોનો સંહાર કર્યો.
વેદના મંત્રોને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણીવાર જોવામાં આવે છે. મોટાભાગના શ્લોકમાં આપણે સૃષ્ટિ અને સમષ્ટિનું સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનું દર્શન અનુભવી શકીએ છીએ. જયારે, આ શ્લોક એવો છે, જેમાં પુરાણોમાં આવતી, દધીચિ ઋષિના હાડકાંમાંથી બનેલા સંહારક શસ્ત્ર વજ્રની વાર્તાનો ઉલ્લેખ છે. એ દ્રષ્ટિએ આ શ્લોક એની આજુબાજુના શ્લોકોથી જુદો પડે છે.
વેદના ચાર ભાગ કરનાર અને પુરાણોના રચયિતા એક જ વ્યક્તિ – વેદવ્યાસ કૃષ્ણ દ્વૈપાયન ઋષિ હતા એવો પુરાણોલ્લેખ છે. આ શ્લોકને એ સંદર્ભમાં મૂલવી શકાય. વળી, આ શ્લોકમાં ઐતિહાસિક તથ્ય હોવાની પણ શક્યતા છે.
પૂ. ૨.૭.૬ (૧૮૦) ઇન્દ્રેહિ મત્સ્યન્ધસો વિશ્વેભિઃ સોમપર્વભિઃ । મહાઁ અભિષ્ટિરોજસા ॥
હે ઇન્દ્ર! અન્નરૂપી સમસ્ત સોમરસોથી આપ પ્રફુલ્લિત બનો છો. આવો અને આપની શક્તિથી મહાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરો.
આ શ્લોકમાં એકથી વધુ પ્રકારના સોમરસ હોવાની વાત છે. વળી, અન્ન પણ સોમરસ કહેવાયું છે! આ સોમરસથી ઇન્દ્રને શક્તિ મળે છે અને તે શત્રુઓ પર વિજય મેળવી શકે છે. અહીં હું એક ઋપક મુકવાનો લોભ જતો કરી શકતો નથી! ઇન્દ્ર એટલે મન અને વિવિધ દેહધાર્મિક કાર્યશક્તિઓ એટલે વિવિધ દેવો. પોષક આહાર દ્વારા મન શક્તિશાળી બને છે. અને, વિદ્યુતપ્રવાહોરૂપી વજ્ર દ્વારા શરીરની વિવિધ ક્રિયાઓને પ્રેરવા વૃત્ર વગેરે રૂપી વિરોધીશક્તિઓનો નાશ કરે છે!
પૂ. ૨.૭.૧૦ (૧૮૪) વાત આ વાતુ ભેષજંશમ્ભુ મયોભુ નો હ્યદે । પ્ર ન આયૂંષિ તારિષત્ ॥
અમારા હૃદય માટે શાંતિદાયક અને સુખદાયી ઔષધિઓને વાયુ અમારી પાસે લાવે. આ ઔષધિઓ અમને દીર્ઘાયુ બનાવે!
આ શ્લોકમાં ઔષધિસેવન વિષે નિર્દેશ છે. વળી, ઋષિ હૃદયને શાંતિ અને સુખ આપે એવી ઔષધિઓની કામના કરે છે. સામવેદના કાળમાં સુવ્યવસ્થિત ચિકિત્સાશાસ્ત્ર વિકસેલું હશે એમ માની શકાય. આ ઔષધિઓ રોગ દૂર કરી જીવનને લંબાવે એવી અપેક્ષા રાખવામાં આવે છે.
પૂ. ૨.૮.૨ (૧૮૬) ગવ્યો ષુ ણો યથા પુરાશ્વયોત રથયા । વરિવસ્યા મહોનામ્ ॥
હે ઇન્દ્ર! હંમેશની જેમ અમને ઉત્તમ ગાયો, શ્રેષ્ઠ ઘોડાઓથી જોડાયેલ રથ તથા પ્રતિષ્ઠાપૂર્ણ ધન આપવાની ઈચ્છાથી અમારી પાસે આવો.
આ શ્લોકમાં ઋષિ ઇન્દ્ર પાસે ગાય, ઘોડાવાળા રથ અને ધનની માગણી કરે છે. ફરી એકવાર સિદ્ધ થાય છે કે, સામવેદના ઋષિ કોઈ આધ્યાત્મિક લોક કે દેવના સંગ વિષે કોઈ અપેક્ષા કે કલ્પનાને બદલે ભૌતિક જીવનને સુખાકારી બનાવવા વિષે સ્પષ્ટ છે.
પૂ. ૨.૮.૫ (૧૮૯) પાવકા નઃ સરસ્વતી વાજેભિર્વાજિનીવતી । યજ્ઞં વષ્ટુ ધિયાવસુઃ ॥
પવિત્ર બનાવનારી, પોષણ આપનારી, બુદ્ધિથી ધન દેનારી સરસ્વતી, જ્ઞાન અને કર્મથી અમારા યજ્ઞને સફળ કરો.
સામવેદના આ શ્લોકમાં પ્રથમ વખત સરસ્વતીનો ઉલ્લેખ છે. અહીં ઋષિ સરસ્વતી નદીનો ઉલ્લેખ કરતા હોય એવી ભારોભાર શક્યતા છે, કારણ કે પહેલાં ત્રણ વિશેષણો – પવિત્ર બનાવનારી, પોષણ આપનારી અને બુદ્ધિથી ધન દેનારી, નદીને સચોટ રીતે લાગુ પડે છે. પછી, ઋષિ જ્ઞાન અને કર્મની માંગણી સરસ્વતી પાસે કરે છે જેથી તેમનો યજ્ઞ સફળ થઇ શકે. પુરાણોમાં સરસ્વતીને ત્રિશક્તિઓમાં એક ગણી છે અને તેમને જ્ઞાન અને બુદ્ધિની દેવી ગણી છે. કદાચિત, સરસ્વતી દેવીની કલ્પનાના મૂળ આ શ્લોકમાં જોઈ શકાય છે.