ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૦ – ચિરાગ પટેલ – ૨૦૨૦ ડિસેમ્બર ૦૪
उ.९.१.१ (११७५) शिशुं जज्ञानंहर्यतं मृजन्ति शुम्भन्ति विप्रं मरुतो गणेन। कविर्गीर्भिः काव्येन कविः सन्त्सोमः पवित्रमत्येति रेभन्॥ (प्रतर्दन दैवोदासि)
નવજાત બાળકની જેમ સહુને આનંદિત કરનાર સોમને મરુદગણ શુધ્ધ કરે છે. સાત ગુણોથી યુક્ત આ મેધાવર્ધક સોમ સ્તુતિઓ સાથે શબ્દ કરતો શુદ્ધ થાય છે.
આ શ્લોકમાં ઋષિ સોમને નવજાત બાળક જેવો નિર્દોષ આનંદ આપનાર ગણે છે. વળી, એને ઋષિ માનસિક શક્તિવર્ધક પણ ગણાવે છે. સોમના સાત ગુણ ઋષિ કહે છે. પરંતુ, એ વિષે વધુ માહિતી નથી મળી શકી.
उ.९.१.२ (११७६) ऋषिमना य ऋषिकृत्स्वर्षाः सहस्रनीथः पदवीः कवीनाम्। तृतीयं धाम महिषः सिषासन्त्सोमो विराजमनु राजति ष्टुप्॥ (प्रतर्दन दैवोदासि)
ઋષિઓ સમાન સંસ્કારવાળા, ઋષિત્વ પ્રદાન કરનારા, સ્તુત્ય, જ્ઞાનદાયી સોમ સ્વયં મહાન છે. ત્રીજા ધામમાં રહેનારા તેજસ્વી ઇન્દ્રને એથી વધારે તેજ સંપન્ન બનાવે છે.
આ શ્લોકમાં સોમનું એક વ્યક્તિ કે દેવ તરીકેનું નિરૂપણ છે જે ઋષિ સમાન છે. અહી ઋષિ ઇન્દ્રને ત્રીજા ધામમાં રહેનાર કહે છે. ત્રીજું ધામ એટલે દ્યુલોક. પૃથ્વીના વાતાવરણની સીમા જ્યાં સુધી વિસ્તરી છે એ દ્યુલોક. રૂપક તરીકે સમજીએ તો શરીર અને ઇન્દ્રિયો એવા બે ધામોથી પર એવું મન એ ઇન્દ્ર. આની પહેલાના શ્લોકમાં ઋષિ સોમને મનની શક્તિઓનો વર્ધક ગણાવે છે અને અહી ઇન્દ્રને વધુ તેજસ્વી બનાવે એમ જણાવે છે. એટલે, ઇન્દ્ર એ જ મન એવું લાગે છે.
उ.९.१.३ (११७७) चमूषच्छ्येनः शकुनो विभृत्वा गोविन्दुर्द्रप्स आयुधानि बिभ्रत्। अपामूर्मिंसचमानः समुद्रं तुरीयं धाम महिषो विवक्ति॥ (प्रतर्दन दैवोदासि)
આ પ્રશંસનીય, સર્વે સામર્થ્યયુક્ત, શક્તિમાન, સમુદ્રની લહેરો સમાન ગતિમાન, ગાયના દૂધમાં ભેળવાતો પ્રવાહી સોમ મહર્ લોકમાં બિરાજે છે.
આ શ્લોકમાં ઋષિ સોમનું સ્થાન મહર્ લોક ગણાવે છે. પુરાણોનો સંદર્ભ લઈએ તો મહર્લોક એ ઋષિઓ, સંતો, સિદ્ધનો લોક કહેવાય છે. આ પહેલાના શ્લોકમાં ઋષિએ સોમને ઋષિ સમાન ગણાવ્યો છે. વળી, મનથી પર જે શુદ્ધ ચૈતન્ય છે એ પણ મહર્લોક જ છે. એટલે, ઋષિ સોમને ચૈતન્યરૂપે ગણે છે એમ લાગે છે. આ શ્લોકમાં “મહર્લોક”, “તુરીય” અને “ધામ” જેવાં શબ્દો વિશેષપણે પ્રયોજાયા છે.
उ.९.१.४ (११७८) एते सोमा अभि प्रियमिन्द्रस्य काममक्षरन्। वर्धन्तो अस्य वीर्यम्॥ (असित काश्यप / देवल)
ઇન્દ્રના સામર્થ્યમાં વૃધ્ધિ કરનાર આ સોમ ઇન્દ્રને પ્રિય રસોની વર્ષા કરે છે.
સોમ એટલે કે ચૈતન્ય ઇન્દ્ર અર્થાત મનને પ્રિય અથવા પ્રેરક એવા રસોનો સ્ત્રાવ કરે છે એમ આ શ્લોકમાં ઋષિ કહે છે.
उ.९.१.११ (११८५) नृचक्षसं त्वा वयमिन्द्रपीतंस्वर्विदम्। भक्षीमहि प्रजामिषम्॥ (असित काश्यप / देवल)
હે સોમ! સમસ્ત પ્રાણીઓનું નિરીક્ષણ કરનાર, સર્વજ્ઞ ઇન્દ્ર દ્વારા પાન કરાતા આપ અમને સંતાન, અન્ન, બળ અને સદજ્ઞાન આપો.
આ શ્લોકમાં પણ ઋષિ આ પહેલાનાં શ્લોકોમાં નિર્દેશિત સોમની વ્યાખ્યાનો જ વિસ્તાર કરે છે. સોમ એ શુદ્ધ ચૈતન્ય છે પરંતુ એ આત્માના અર્થમાં નહીં. અહિ ઋષિ સોમને સમસ્ત પ્રાણીઓનું નિરીક્ષણ કરનાર કહે છે. એટલે, સોમ એ જ બ્રહ્મ અથવા પરમાત્મા જેનો અંશ એ આત્મા છે. અને, તો જ સોમ સર્વે પ્રાણીઓનું નિરીક્ષણ કરી શકે છે.