ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૭ – ચિરાગ પટેલ – ૨૦૨૦ ઑગસ્ટ ૧૮
उ. ७.४.२ (१०७७) तं त्वा विप्रा वचोविदः परिष्कृण्वन्ति धर्णसिम्। सं त्वा मृजन्त्यायवः॥ (कश्यप मारीच)
સમગ્ર વિશ્વને ધારણ કરતા સોમ! વાણીના વિશેષજ્ઞ યાજક સ્તુતિઓ વડે આપની શોભા વધારતાં સારી રીતે પવિત્ર બનાવે છે.
ઋષિ આ શ્લોકમાં સમગ્ર વિશ્વને ધારણ કરનાર તરીકે સોમને ઓળખાવે છે. આ જ દિવ્ય સોમ છે જે પ્રાણ રૂપ છે અને પૃથ્વીના વાતાવરણમાં એટલે કે દ્યુલોકમાં છે. આ સોમ પ્રત્યેક જીવનું પોષણ કરનાર અને ઇન્દ્રિયોને શક્તિ આપનાર તરીકે અનેક શ્લોકોમાં ઓળખાવાયો છે. એટલે જ, અહી ઋષિએ સમગ્ર વિશ્વને ધારણ કરનાર તરીકેની ઉપમા સોમને આપી છે.
उ. ७.४.६ (१०८१) एतमु त्यं दश क्षिपो मृजन्ति सिन्धुमातरम्। समादित्येभिरख्यत॥ (अमहीयु आङ्गिरस)
જેની માતા સમુદ્ર છે એવા સોમને શુદ્ધ કરવા દશે આંગળીઓ સહાયરૂપ છે, એવી રીતે સોમ દેવતાઓને મળે છે.
આ શ્લોકમાં ઋષિ સમુદ્રને સોમની માતા તરીકે ઓળખાવે છે. અહી, સમુદ્રનો ઉલ્લેખ છે એટલે સામવેદના રચયિતા ઋષિઓ ભારતમાં જ રહેતા હોય એમ ચોક્કસ કહી શકાય. અમુક ઇતિહાસકારો આર્યોને મધ્ય એશિયાના ઘાસના પ્રદેશમાંથી આવેલા જણાવે છે. પરંતુ, સમુદ્રનો ઉલ્લેખ એ ઇતિહાસકારોને ખોટા ઠેરવે છે. વળી, સોમનું ઉદગમ સ્થાન સમુદ્ર છે એવું ઋષિ કહે છે. વાતાવરણમાં રહેલા પ્રાણવાયુ એટલે કે ઑક્સીજનનું ઉદગમ સમુદ્રનું પાણી હોવું જોઈએ. આ શ્લોકમાં “દશ” શબ્દ સંખ્યા તરીકે વપરાયો છે જે સુનિયોજિત ગાણિતિક પધ્ધતિ પ્રતિ નિર્દેશ કરે છે.
उ. ७.४.८ (१०८३) स नो भगाय वायवे पूष्णे पवस्व मधुमान्। चारुर्मित्रे वरुणे च॥ (अमहीयु आङ्गिरस)
હે મધુર અને મનોહર સોમ! અમારા યજ્ઞમાં ભગ, વાયુ, પૂષા, મિત્ર અને વરુણ માટે આપ શુદ્ધ થાવ.
આ શ્લોકમાં ભગ શબ્દ વપરાયો છે જે તેજ કે પ્રકાશનો દ્યોતક છે. પૂષા એટલે પોષણ આપનાર. મિત્ર એટલે સૂર્ય. એવું લાગે છે કે, ઉપનિષદોના પાંચ તત્વોનું મૂળ આ પ્રકારના શ્લોકોમાં છે. ભગ એટલે અગ્નિ, વાયુ, પૂષા એટલે પૃથ્વી, મિત્ર એટલે અંતરિક્ષ અને વરુણ એટલે જળ એમ પાંચ તત્વો ગણી શકાય!
उ. ७.५.२ (१०८५) आ घ त्वावान् युक्तः स्तोतृभ्यो धृष्णवीयानः। रुणोरक्षं न चक्रयोः॥ (शुनःशेष आजीगर्ति)
હે ધૈર્યવાન ઇન્દ્ર! આપ કલ્યાણકારી બુદ્ધિથી સ્તુતિ કરનારાઓને મનગમતા પદાર્થ અવશ્ય આપો. આપ સ્તોતાઓને ધન આપવા માટે રથના ચક્રોની ધરી સમાન સહાયરૂપ હો.
उ. ७.५.३ (१०८६) आ यद् दुवः शतक्रतवा कामं जरितृणाम्। रुणोरक्षं न शचीभिः॥ (शुनःशेष आजीगर्ति)
હે ઇન્દ્ર! સ્તોતાઓ દ્વારા ઇચ્છિત ધન એમને આપો, જે રીતે રથની ગતિથી તેની ધરીને ગતિ મળે છે, તેવી જ રીતે સ્તુતિકર્તાઓને ધનની પ્રાપ્તિ થાય.
આ બંને શ્લોકોમાં ઋષિએ રથનો ઉલ્લેખ કર્યો છે. આર્યો રથમાં બેસી યુદ્ધો લડતાં. આ પણ એક વિવાદાસ્પદ વિષય છે.