ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૨ – ચિરાગ પટેલ
उ. ४.६.७ (८८४) यस्त इन्द्र नवीयसीं गिरं मन्द्रामजीजनत् । चिकित्विमनसं धियं प्रत्नामृतस्य पिप्युषीम् ॥ (तिरश्ची आङ्गिरस)
હે ઇન્દ્ર! જે કોઈ સાધક નવીન આનંદદાયક સ્તુતિઓથી આપનું સ્તવન કરે છે, એ સ્તોતાને સનાતન યજ્ઞથી વૃદ્ધિને પ્રાપ્ત થતી અને મનને પવિત્ર કરતી બુદ્ધિ આપો.
આ શ્લોકમાં ઋષિ સનાતન યજ્ઞનો ઉલ્લેખ કરે છે, જે બુદ્ધિમાં વૃદ્ધિ કરે છે અને મનને પવિત્ર કરે છે. સનાતન યજ્ઞ ઉપનિષદ પ્રમાણે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થયેલી શક્તિ કે ઉર્જા છે.
उ. ५.१.५ (८९०) पवमान रसस्तव मदो राजन्नदुच्छुनः । वि वारमव्यमर्षति ॥ (अमहीयु आङ्गिरस)
હે સુશોભિત થનારા પવિત્ર સોમ! દુરાચારીઓ માટે દુર્લભ, ઉત્સાહ વધારનાર દિવ્યરસ ઉનની ગળણીથી સારી રીતે શુદ્ધ કરી સંગ્રહાય છે.
આ શ્લોકમાં ઉનનો સંદર્ભ બે રીતે મહત્વનો છે. પ્રથમ તો ઉનને ગૂંથી ગળણી બનાવવાની પ્રક્રિયા સામવેદ કાળમાં પ્રચલિત હશે. બીજી રીતે એનું મહત્વ એ છે કે, ઉન આપનાર પ્રાણીઓ હિમાલય જેવા પહાડી પ્રદેશમાં જોવા મળે છે. એટલે, આ શ્લોકના રચયિતા ઋષિનું રહેણાંક એ પ્રદેશમાં હશે.
उ. ५.१.६ (८९१) पवमानस्य ते रसो दक्षो वि राजति ध्युमान् । ज्योतिर्विश्वं स्वर्दृशे ॥ (अमहीयु आङ्गिरस)
બધાનો નિરીક્ષક, સર્વેનો પ્રકાશક, દિવ્ય સોમ, અંતરિક્ષથી પ્રાકૃતિક ગળણીથી ગળાતો તીવ્રગતિથી અવતરિત થાય છે.
આ શ્લોકમાં ઋષિએ સોમ અંગેના ગૂઢાર્થને પુરેપુરો પ્રત્યક્ષ કરી દીધો છે. સોમને સર્વે જીવોનો નિરીક્ષક અને બધાંને પ્રકાશ અર્થાત ચૈતન્યશક્તિ આપનાર કહ્યો છે. આ વ્યાખ્યા પ્રાણને લાગુ પડી શકાય! ઉપનિષદમાં પ્રાણને સર્વવ્યાપક કહ્યો છે. પ્રાણથી જ જડ પદાર્થના બનેલા શરીરમાં ચૈતન્ય આવે છે. વળી, એ પ્રાણ અંતરિક્ષમાં પણ વ્યાપક છે. અને, અંતરિક્ષમાંથી પૃથ્વી પર વાતાવરણ દ્વારા ગળાઈને આવે છે. આ માટે વિજ્ઞાન ભૈરવ તંત્રમાં એવો ઉલ્લેખ છે કે, પ્રાણીઓ શ્વાસમાં જે વાયુ લે છે, એ માત્ર બાહ્ય આવરણ છે. એ આવરણની અંદર પ્રાણ રહેલો હોય છે જેને શોધવાનું વિજ્ઞાન હજી સુધી આપણે વિકસાવી નથી શક્યાં!
उ. ५.१.७ (८९२) प्र यद्गावो न भूर्णयस्त्वेषा अयासो अक्रमुः । घ्नन्तः कृष्णामप त्वचम् ॥ (मेध्यातिथि काण्व)
સૂર્યનાં કિરણોની જેમ તેજસ્વી, ગતિમાન સોમ, જે ચામડીની કાળાશ દૂર કરે છે. સારા પાત્રોમાં સંઘરાઈને પ્રશંસા પ્રાપ્ત કરે છે.
આ શ્લોકમાં, સામવેદ કાળમાં સોમનો ત્વચાની કાળાશ દૂર કરવા ઉપયોગ થતો હોય એમ જણાવાયું છે. આપણે એવું અનુમાન કરી શકીએ કે, સામવેદ કાળમાં શરીરની સ્વચ્છતા માટે લોકો સભાન હશે. વળી, શરીરને શુદ્ધ કરવા માટે વિવિધ પદાર્થોનો ઉપયોગ થતો હશે!
उ. ५.१.१२ (८९७) परिणः शर्मयन्त्या धारया सोम विश्वतः । सरा रसेव विष्टपम् ॥ (मेध्यातिथि काण्व)
હે સોમ ! જળથી ઘેરાયેલી પૃથ્વીની જેમ આપ આપની સુખદ રસધારથી અમને ચોતરફથી ઘેરી લો.
આ શ્લોકમાં પૃથ્વીને જળથી ઘેરાયેલી કહેવામાં આવી છે. સામવેદ કાળમાં પૃથ્વી સપાટ નથી એવો ખ્યાલ ચોક્કસપણે હશે એવું માની શકાય. વળી, વેદકાળના ભારતીય લોકો સમગ્ર પૃથ્વીનું ભ્રમણ કરી ચૂક્યાં હશે અને સમુદ્રની વ્યાપકતા વિષે જાણતાં હશે એમ ચોક્કસ મનાય. સામવેદના પહેલાંના ઘણાં શ્લોકોમાં પૃથ્વીની ગોળાઈ વિષે ઉલ્લેખ થઇ ચુક્યો છે. પશ્ચિમમાં રૂઢ માન્યતાઓથી વિપરીત ભારતીય દર્શન ઘણું વધારે વિકસિત હતું એમ ચોક્કસ કહી શકાય.
(originally published at http://webgurjari.in/2020/03/11/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_22/)