ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૨
– ચિરાગ પટેલ
पू.पा. ५.९.११ (५६४) अञ्जते व्यञ्जते समञ्जते क्रतुँरिहन्ति मध्वाभ्यञ्जते । सिन्धोरुछ्वासे पतयन्तमुक्षणँहिरण्यपावाः पशुमप्सु गृभ्णते॥
સ્તોત્ર સોમરસને ગાયના દૂધમાં વિશિષ્ટ રીતે મેળવે છે જેનો સ્વાદ દેવગણ લે છે. એ સોમમાં ગાયનું ઘી અને મધનું મિશ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ નદીના પાણીમાં રહેલા સોમને સુવર્ણથી શુદ્ધ કરીને તેજસ્વી કરવામાં આવે છે. (ગૃત્સમદ શૌનક)
પાણીમાં રહેલી અશુદ્ધિ દૂર કરવા માટે સોનાનો ઉપયોગ વેદિકકાળમાં થતો હતો એની પુષ્ટિ આ શ્લોકમાં મળે છે. ઋષિ ગૃત્સમદ શૌનકને આપણે આ માહિતીનું શ્રેય આપી શકીએ.
કોઈને જો આ પદ્ધતિ અંગે પ્રશ્ન થતો હોય તો આ લિન્ક પર એને લાગતો આધુનિક પ્રયોગ જોવા મળશે: http://news.rice.edu/2013/11/25/rice-scientists-id-new-catalyst-for-cleanup-of-nitrites/. સોમરસ બનાવવા માટે એક નવી પદ્ધતિ પણ અહીં વર્ણવવામાં આવી છે. ગાયનું દૂધ, ગાયનું ઘી, મધ, પાણી અને સોમવલ્લીના રસનું મિશ્રણ કરી, સોનાથી એને શુદ્ધ કરી, સોમરસ બનાવવામાં આવતો.
पू.आ. ६.१.९ (५९४) अहमस्मि प्रथमजा ॠतस्य पूर्वं देवेभ्यो अमृतस्य नाम । यो मा ददाति स इदेवमावदहमन्नमन्नमदन्तम्द्मि ॥
હું અન્નદેવ સનાતન યજ્ઞ દ્વારા દેવતાઓથી પણ પહેલા ઉત્પન્ન થયેલો છું. જે મને સતપાત્રોને આપે છે તે ચોક્કસ બધાનું કલ્યાણ કરે છે. માત્ર પોતાના માટે મારો ઉપયોગ કરનારા કંજૂસોને હું જ ખાઉં છું. (આત્મા)
સનાતન યજ્ઞ એટલે બ્રહ્માંડમાં રહેલો અગ્નિ કે સૂર્ય જેવા તારાઓ દ્વારા વનસ્પતિની પ્રથમ ઉત્પત્તિ થઇ હતી અને પ્રાણીજગત પછી ઉત્પન્ન થયું હતું. એ વાતનો આડકતરો નિર્દેશ આ શ્લોકમાં ઋષિ આત્મા કરે છે. વળી, ઋષિ અન્નદાનનો મહિમા પણ કરે છે.
पू.आ. ६.२.७ (६०१) यज्जायथा अपूर्व्य मघवन्वृत्रहयाय । तत्पृथिवीमप्रथयस्तदस्तभ्ना उतो दिवम् ॥
હે અદભુત વૈભવશાળી ઈન્દ્ર ! વૃત્રનો નાશ કરવા માટે આપે પૃથ્વીને વિસ્તૃત કરવાની સાથે દ્યુલોકને પણ સ્થિર કર્યું. (નૃમેધ/પુરુમેધ આંગિરસ)
આ શ્લોક કોઈ ભૌગોલિક ઘટનાનો ઉલ્લેખ કરે છે જે આજનું વિજ્ઞાન સમગ્રપણે હજુ જાણતું નથી. ભૂતકાળમાં પૃથ્વીનો વિસ્તાર થયો હતો. એના બે સૂચિતાર્થ કરી શકાય. એક તો એ કે, સમુદ્રમાંથી ભૂમિનો ભાગ બહાર આવ્યો હોય. બીજો અર્થ એવો કરી શકાય કે, પેંજીયા કે ગોંદવનમાંથી ભારતીય ઉપખંડ છૂટો પડી એશિયા સાથે જોડાયો હોય. વળી, એ જ સમયગાળામાં દ્યુલોક અર્થાત પૃથ્વીનું વાતાવરણ પણ કોઈ ઊથલપાથલમાંથી પસાર થયા બાદ સ્થિર થયું હોય! આ ઘટના લગભગ 1થી 1.5 કરોડ વર્ષ પહેલાં બની હતી.ઋષિ આંગિરસને આ ઘટનાની જાણ થઈ એ આશ્ચર્યજનક છે.
पू.आ. ६.३.५ (६०६) ते मन्वत प्रथमं नाम गोनां त्रिः सप्त परमं नाम जानन् । ता जानतीरभ्यनूषत क्षा आविर्भुवन्नरुणीर्यशसा गावः ॥
વાણીના શબ્દો સ્તુત્ય છે એ સહુપ્રથમ સમજીને ઋષિઓએ એકવીસ છંદોમાં થનારા સ્તોત્રોને જાણ્યાં. પછી એ વાણીથી ઉષાની સ્તુતિ કરી જે તેજથી સૂર્યકિરણો પ્રગટ થયાં. (વામદેવ ગૌતમ)
અક્ષરો ભેગા મળી શબ્દો રચે છે. શબ્દોથી વાક્યો બને છે. વાક્યોનું ગઠન શ્લોક છે. અક્ષર, શબ્દ, વાક્ય કે શ્લોકને જયારે જાપ માટે કે ચોક્કસ પૂજાવિધિ માટે ઉચ્ચારાય છે ત્યારે એ મંત્ર કહેવાય છે. વામદેવ ગૌતમ ઋષિ આપણને ઉચ્ચારતી વાણીનું મહત્વ અહીં જણાવે છે. મેં અનેકવાર વાંચ્યું છે કે, સંસ્કૃતના દરેક અક્ષર એ મંત્ર છે. વળી, ઋષિ સામવેદકાળમાં પ્રચલિત 21 છંદોની વાત કરે છે. એ છંદોના નામ તો અહીં લખ્યા નથી. પરંતુ, મેં વાંચ્યું છે એ પ્રમાણે છંદોના નામ અને અક્ષર સંખ્યા:
પ્રથમ સપ્તક(દિવ્ય): ગાયત્રી 24, ઉષ્ણિક 28, અનુષ્ટુપ 32, બૃહતી 36, પંક્તિ 40, ત્રિષ્ટુપ 44, જગતી 48
બીજું સપ્તક (દિવ્યેતર): અતિ જગતિ 52, શકવરી 56, અતિ શકવરી 60, અષ્ટિ 64, અત્યષ્ટિ 68, ધૃતિ 72, અતિ ધૃતિ 76
ત્રીજું સપ્તક (દિવ્ય માનુષ): કૃતિ 80, પ્રકૃતિ 84, આકૃતિ 88, વિકૃતિ 92, સંસ્કૃતિ 96, અભિવૃત્તિ 100, ઉત્કૃતિ 104
पू.आ. ६.३.१२ (६१३) अग्निरस्मि जन्मना जातवेदा घृतं मे चक्षुरमृतं म आसन् । त्रिधातुरर्को रजसो विमानोऽजस्त्रं ज्योतिर्हविरस्मि सर्वम् ॥
હું જન્મથી જ અગ્નિસ્વરૂપ, સર્વજ્ઞ, તેજરૂપ છું. ઘીનો પ્રકાશ મારી આંખો છે. મારા મુખમાં અમરતા આપનારી વાણી છે. હું ત્રણે પ્રાણો (પ્રાણ, અપાન , વ્યાન )માં રહેલો પ્રાણ છું. અંતરિક્ષને માપનાર વાયુ છું. સતત તેજયુક્ત સૂર્ય, હવિ, અને હવિવાહક અગ્નિ હું જ છું. (વિશ્વામિત્ર ગાથિન)
આ શ્લોકમાં આપણને પ્રકૃતિના તત્વોથી ભિન્ન આત્મતત્વની લાક્ષણિકતાઓ જણાવવામાં આવી છે. સામવેદના શ્લોકોમાં રહેલી અપ્રવાહિતાને પુષ્ટ કરે એવો આ વધુ એક શ્લોક છે. આ શ્લોક મૂળ સામવેદનો જો હોય તો, એવું માનવું યોગ્ય છે કે, વેદના રચનાકાર ઋષિઓ અમુક સામાજિક વાતો, અમુક પ્રકૃતિને લગતી વાતો કે ઐતિહાસિક માહિતી આપવાની સાથે વચ્ચે વચ્ચે આ રીતના શ્લોક મૂકીને કોઈ આધ્યાત્મિક જ્ઞાન આપવા માંગે છે. જો આ શ્લોક મૂળ વેદિક શ્લોક ના હોય તો એ ઉપનિષદની રચના પછી ઉમેરાયો હોય એવી શક્યતા છે.
(originally published at: http://webgurjari.in/2018/12/07/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_12/)