ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧
– ચિરાગ પટેલ
(originally published at http://webgurjari.in/2017/10/24/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_1/)
ગીતામાં કૃષ્ણ પોતાની વિભૂતિઓના વર્ણનમાં કહે છે કે, वेदानां सामवेदोऽस्मि (૧૦.૨૨). ચારેય વેદોમાં પ્રમુખ તો ઋગ્વેદ છે, પરંતુ એનો સાર જેને ગાઈ શકાય એવા ગીત સ્વરૂપે સામવેદમાં છે. આપણે આ લેખમાળાની શરૂઆત સામવેદરૂપી રત્નથી કરીશું.
સહુપ્રથમ પૂર્વાર્ચિક નામે સંગ્રહિત છ અધ્યાય જોઈશું. સંસ્કૃતમાં એક જ શબ્દના અનેક અર્થ જોવા મળે છે અને મારો ઝુકાવ સ્વાભાવિકરીતે ભૌતિક અર્થ તરફ રહેશે.
પૂ. ૧.૧.૧. અર્થાત પૂર્વાર્ચિકના પહેલા અધ્યાયના પહેલા ખંડના પહેલા શ્લોકમાં પ્રથમ શબ્દ “અગ્ન” છે. અગ્નિ એટલે યજ્ઞનો અગ્નિ કે જઠરાગ્નિ. અગ્નનો અર્થ પ્રકાશક કે સર્વવ્યાપક કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વિદ્યુતચુંબકીય તરંગો વ્યાપ્ત છે. જ્યાં આપણી કે આપણા શોધેલાં યંત્રોની નજર પહોંચે છે એ સર્વે સ્થળે વિદ્યુતચુંબકીય અને પ્રકાશના તરંગોનો વ્યાપ છે. એટલે અગ્ન શબ્દ પાછળ રહેલો ભાવાર્થ આપણે જોઈ શકીએ છીએ. એ જ શ્લોકમાં આગળ ઋષિ કહે છે કે સ્વયંને તારી ભેટ આપવા મારા હૃદયમાં આવ. એટલે આપણી અંદર શરીરમાં પણ એ જ પ્રકાશ કે વિદ્યુત ચુંબકીય તરંગો રહેલાં છે.
પૂ. ૧.૧.૨ આ શ્લોકમાં અગ્નિને સમસ્ત વિશ્વના દરેક યજ્ઞના હોતા તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે. આપણા બ્રહ્માંડમાં દરેક પ્રાકૃતિક ઘટનાઓ જેવી કે હાઇડ્રોજન વાદળમાંથી તારાઓ અને ગ્રહો વગેરે બનવું, દરેક અવકાશી પદાર્થોની એકબીજા સાથેની પ્રતિક્રિયાઓ કે એમની આંતરિક પ્રક્રિયાઓ, વગેરેના કારણરૂપે કે પરિણામરૂપે અગ્નિ જ હોય છે.
પૂ. ૧.૧.૯ આ શ્લોકમાં અગ્નિને વિશ્વના આધાર અને વહનકર્તા કહ્યા છે. વળી, અરણી મંથન દ્વારા સ્થિરચિત્તવાળા તેમને પુષ્કરમાં પ્રગટ કરે છે. અહીં વિશ્વનો અર્થ સજીવ સૃષ્ટિ લઈએ તો સૂર્ય સજીવ સૃષ્ટિનો આધાર ગણી શકાય. પ્રકાશના કિરણો ઉર્જાના વહન દ્વારા સજીવ સૃષ્ટિનો આધાર બને છે. અરણી મંથન એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પુષ્કર એટલે હૃદયને શુદ્ધ લોહી મળે છે અને સમગ્ર શરીરમાં પહોંચી એ જીવનનો આધાર બને છે.
પૂ. ૧.૨.૩ આ શ્લોકમાં અગ્નિમાં આહુતિઓથી વાયુના દળ ફરી ઉપસ્થિત થાય છે એવો ઉલ્લેખ છે. અહીં આપણે વર્ષાચક્રનો સંદર્ભ જોઈ શકીએ છીએ.
પૂ. ૧.૨.૬. અને પૂ. ૧.૨.૭ શ્લોકમાં હિંસારહિત યજ્ઞની વાત મુકવામાં આવી છે. એ સમયે માત્ર હિંસક યજ્ઞો જ થતા હશે એ જરૂરી નથી. વળી, પૂ.૧.૨.૭ શ્લોકમાં અશ્વનો ઉલ્લેખ છે. જે કાળમાં સામવેદની રચના થઈ એ સમયે પાલતુ ઘોડાઓ હશે.
પૂ. ૧.૨.૮ શ્લોકમાં “ઔર્વ” શબ્દ જોવા મળે છે. એનો અર્થ પૃથ્વીના પેટાળના ગંધક, પોટાશ જેવા ખનિજ તત્ત્વો કરવામાં આવે છે. એનાથી પેટાવાતા અગ્નિનો સૂચક શબ્દ “ભૃગુવત” ત્યાર બાદ આવે છે. આનો અર્થ એ થયો કે સામવેદના રચનાકાળમાં રાસાયણિક પ્રક્રિયાથી અગ્નિ પેટાવવાની પદ્ધતિ પ્રચલિત હશે.
પૂ. ૧.૨.૧૦ અહીં સૂર્યને દ્યુલોકથી ઉપર, સ્વયંપ્રકાશિત અને પ્રાચીન તેજને સમાવિત કરનાર કહ્યા છે. દ્યુલોક એટલે આકાશથી પણ ઉપર. સ્વયંપ્રકાશિત વિશેષણ અચંબિત કરે એમ છે. પૃથ્વી પર રહેનાર એ કાળના મનુષ્યો સૂર્ય સ્વયંપ્રકાશિત છે એવું કેવી રીતે જાણી શક્યા હશે? વળી, સૂર્ય પ્રાચીન તેજને સમાવનાર છે. આ પ્રાચીન તેજ કદાચ બ્રહ્માંડનું મૂળ કે બિગ બેંગનું સૂચક હોય એમ નથી લાગતું?
અહીં ફરી કોમેન્ટું ? ! અહીં આવવાની આદત છૂટી ગઈ છે – ક્ષમાયાચના.
dada, me aa comment ghana samaye joi. Chokkas, tam tamare marji pade tyare aavo
dada, aa site par sahuthi paheli comment aa tamari aavi 😀