સખ્ય સંવત્સરી – ચિરાગ પટેલ મે 16, 2017
એના હૈયે વસુ હું સદાય,
ફૂલડાં ઉપવનનાં હરખાય.
કુટુંબહિત કદી ના ભૂલતી,
પ્રેમે કરી સહુને જાળવતી.
એની આંખેથી જો ટપકે આંસુ,
દુઃખ ઓગાળી સુખ પ્રગટાવે.
કદીક જો ગુસ્સો ભભૂકે એનો,
દાહક જ્વાળામાં પ્રેમ જ પ્રગટે.
એના કટાક્ષોમાં પ્રેમ મ્હોરતો,
એના સ્મિતમાં લાગણી વહેતી,
એની પીડામાં સહુ વલોવાતા,
એના કષ્ટે સઘળું ધરાશાયી થતું!
આટલાં વર્ષોના સાથમાં,
સમયની એરણ પર,
કસોટી સખ્યની થાય ભરપૂર.
પણ સાંગોપાંગ નીતરે પાર!
પ્રાર્થું ‘મા’ને હરપળ,
ઈચ્છાપૂર્તિ સઘળી તારી થાયે;
મળે અનહદ સુખ, ‘ને છેવટે
જીવનનું લક્ષ્ય પણ!
“રોશની” અર્પણ તને “દીપ”!