રંગ વૈભવ – ચિરાગ પટેલ નવેમ્બર 15, 2017
મૌન ભર્યા દિવસમાં રાતનાં સ્વપ્ન ઘોળ્યાં
રાતી લાગણીઓના નાના ફૂલડાં ખીલ્યાં
ઝરમર વરસતી સાંજનાં શમણાં ફરી ઊગ્યાં
અધખુલ્લી ઉષામાં ઘેનના “દીપ” પ્રગટ્યાં
પ્રેમનો આસવ તારી આંખમાં ઘૂઘવાતો
સદ્યસ્નાત હું ચોફેર રાગ-રંગમાં પથરાતો
અનોખી પળના આભલાં સઘળે વિખરાતાં
અસ્તિત્વના સંચારે સહુ એકમાં પડઘાતા
છે ઉર્ધ્વમૂળ ઉર્ધ્વગતિનું ધ્રુવીકરણ
અકથ્ય ઊર્મિએ હીંચતું અંતઃકરણ
સમયના રેતકણ આગિયા થઈ ઉડતાં
કોઈ ચમકે કોઈ અડાબીડમાં ખોવાતાં
શક્તિ છે તો શિવ છે ‘ને છે દ્વૈતભાવ
જગત છે તો બ્રહ્મ છે ‘ને છે અદ્વૈતભાવ
હળવેકથી તન-મન-આતમ ભીંજાતાં
ટહુકો કરે “રોશની” સહુને પખાળતાં