પ્રેમની ઋતુ – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 14, 2018
પ્રેમની કૂંપળો ફૂટી ફરી, આવી પ્રેમની ઋતુ;
યાદોનાં ફૂલ ખીલ્યાં ફરી, આવી પ્રેમની ઋતુ.
હોઠની રતાશ લજામણી, વિખેરે મધુર સ્મિત;
આંખોના ભીનાં આમંત્રણ, આવકારે નવા ગીત.
સ્નેહ ટપકે મૌનમાં, બોલકો ચહેરો પડઘાય;
હૈયાની આતુર સરવાણી, અંગ-અંગ સોહાય.
દોડતાં ધબકારમાં હણહણતો આવેગ ઘેલો;
ધસમસતાં રક્તમાં નિશ્ચય ઘોળાતો હઠીલો.
નવલા આકાશમાં વિહરે, પ્રસન્ન આતમ સંગ;
રંગીલી સૃષ્ટિ નિખરે, સાગરમાં આનંદ તરંગ.
ઘુંટાતું એક જ સ્વપ્ન, અલખ નિરંજન સાકાર;
એકમાં એક ભળી, બને એ શૂન્ય નિરાકાર.
“દીપ” હંમેશ ઝંખે “રોશની”, પ્રેમ છે અપૂર્વ;
“મા” આશિષ પામું, હર પળ ભરતી સર્વસ્વ!
ઘણા વખત પછી કવિતા? નવી વસંત મ્હોરી ….
હા દાદા, એટલો વ્યસ્ત થઇ ગયો હતો કે કવિતા સુષુપ્તાવસ્થામાં હતી! ફરી મ્હોરી ઉઠી 🙂