2009 ભારતયાત્રા 2

2009 ભારતયાત્રા 2 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 15, 2009

જાન્યુઆરી 12, 2009 સોમવાર

આ દીવસ સ્વામી વિવેકાનન્દનો જન્મદીવસ છે અને ભારતમાં “યુવાદીન” તરીકે એની ઉજવણી થતી હોય છે (સરકારી ચોપડે). વડોદરામાં રામકૃષ્ણ મીશન તરફથી એક મેમોરીયલ નામે “રામકૃષ્ણ મીશન વિવેકાનન્દ મેમોરીયલ” શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર જ્યાં શરુ કરવામાં આવ્યું છે એ બંગલો અલકાપુરી વીસ્તારમાં આવેલો છે અને “દીલારામ બંગલો” નામે ઓળખાય છે. સ્વામી વિવેકાનન્દ જ્યારે પરીવ્રાજક તરીકે આખા ભારતમાં ફર્યાં હતાં ત્યારે એપ્રીલ 1892માં વડોદરામાં આ બંગલા ખાતે રોકાયા હતાં. આ બંગલો તે વખતનાં વડોદરા રાજ્યના દીવાન શ્રી મણીલાલ જે.નાં રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આવા ઐતીહાસીક મહ્ત્વ ધરાવતાં બંગલા અને કેન્દ્રની પ્રવૃત્તી વીશે વધુ માહીતી આ લીંક પર મળી રહેશે: http://www.rkmvm.com/vadodara/meoriable.asp.

આજના દીવસે કેન્દ્રમાં સ્વામીજીની એક વીશાળકાય પ્રતીમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. તત્કાલીન રાજ્યપાલ શ્રી નવલકીશોર શર્માના અધ્યક્ષપણે એ કાર્યક્રમ બપોરના લગભગ 4 વાગ્યે પુરો થવાનો હતો એટલે મેં કેન્દ્રની મુલાકાત માટે સાંજનો સમય પસંદ કર્યો. બીજું, મારી ખાસ ઈચ્છા કેન્દ્રના સંચાલક સ્વામી નીખીલેશ્વરાનંદજીને મળવાની હતી. ભીડભાડમાં તેમને મળવું લગભગ અશક્ય જ હોય એટલે સાંજનો સમય વધુ અનુકુળ આવે.

રામકૃષ્ણ મીશનના મંદીરો કે કેન્દ્રોની વીશેષતા એ હોય છે કે, તેમાં ધ્યાનખંડ મુખ્ય હોય છે. આ ખંડમાં ત્રીમુર્તી - સ્વામી વિવેકાનન્દ, રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણીદેવી -નાં ફોટાં કે મુર્તીઓ હોય છે. મીશનનાં અનુયાયીઓ ઠાકુર (રામકૃષ્ણ પરમહંસ)ને મા કાલીનું જ એક સ્વરુપ માને છે. ઠાકુરના જ શબ્દોમાં - જે રામ હતાં, જે કૃષ્ણ હતાં, એ જ હવે સદેહે અહીં છે. નરેન, એ પણ તારી વેદાંતની દ્રષ્ટીએ નહીં, પરંતુ સાક્ષાત સદેહે - વીશ્વાસ મુકીએ તો જે પરમ તત્વ છે તેનાં અંશસ્વરુપ અવતાર તેઓ હતાં.

સાંજે લગભગ 6 વાગ્યે અમે કેન્દ્રમાં પહોંચી ગયા. મુખ્ય ધ્યાનખંડમાં કોઈ બંગાળી ભજન ગવાતું હતું. મને શબ્દો તો ખબર ના પડ્યાં, પરંતુ ભાવ મનને સ્પર્શી ગયો. હું ત્યાં બેઠો બેઠો ઠાકુરનાં ફોટાને જોયા કરતો હતો. ફોટામાં મને એકાએક ચૈતન્યનો આભાસ થયો! કોઈ જીવંત વ્યક્તી જાણે સ્થીર થઈને બેઠાં હોય એવો જ ભાવ મને જાગ્યો. લગભગ 10 મીનીટ સુધી મને એવો ભાસ થયા કર્યો. સાથે સાથે મને પરમ શાંતીનો અનુભવ થતો ચાલ્યો, અને મેં આજ્ઞાચક્રમાં ધ્યાન કરવાનું શરું કર્યું. મને પેલું ચીરપરીચીત નીલા રંગનું વર્તુળ દેખાવું શરું થઈ ગયું. મનમાં ઉઠતાં દરેક તરંગો એ વર્તુળરુપી કેન્દ્રમાં લીન થતાં ચાલ્યાં. પાંચેક મીનીટ બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.

ધ્યાનખંડના પ્રવેશદ્વાર પર ઠાકુરનાં જીવનનાં ઘણાં પ્રસંગો ચીત્રીત કરવામાં આવ્યાં છે. એ બધાં ચીત્રો જોવાની ખુબ મજા પડી. નીચે ઉતરવાનાં પગથીયાં પાસે પરસાળમાં હીમાલયનું એક વીશાળ ચીત્ર હતું. એ જોઈને મારો એક જુનો વીચાર પાછો સળવળવા માંડ્યો. મારી એવી ઈચ્છા છે કે, જ્યારે હું ઘરમાં એક અલાયદો મંદીર માટેનો ખંડ બનાવીશ ત્યારે એમાં દીવાલોને ઢાંકી દે એટલાં મોટાં હીમાલયનાં પોસ્ટર મુકીશ. ત્યાં બેસતાં જ એવો આભાસ થવો જોઈએ કે જાણે હીમાલયની વચ્ચે મંદીર આવેલું છે. અહીં અમેરીકામાં આબેહુબ સાચી લાગે એવી છત બનાવી આપતી વેબસાઈટ જુઓ: http://www.theskyfactory.com/

નીચે એક કચેરી જેવા ઓરડામાં સ્વામી નીખીલેશ્વરનન્દજીને મળી શકાય એમ હતું. અમે ત્યાં બેઠાં અને સ્વામીજીની રાહ જોવાં લાગ્યાં. સ્વામીજી આવ્યાં અને અમે તેમના આશીર્વાદ લીધાં. સરળ, સૌમ્ય સ્વામીજી થોડાં થાકેલાં હતાં અને તેમની તબીયત નાદુરસ્ત હતી. એટલે તેઓ ડોક્ટરને મળવા વીદાય થયાં.

આજના દીવસમાં કોઈ ફોટો પાડ્યો નહતો. બીજાં ફોટા જોવા માટે ક્લીક કરો: http://public.fotki.com/chipmap/

2009 ભારતયાત્રા 1

૨૦૦૯ ભારતયાત્રા 1 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 07, 2009

જાન્યુઆરી 11, 2009 રવીવાર

બરાબર ત્રણ વર્ષ પછીં મેં ભારતની મુલાકાત લેવા માટેની તારીખ નક્કી કરી. મુખ્ય કારણ એ હતું કે, જાન્યુઆરી 11, 2006ને બુધવારે મારા પીતાજીનું મૃત્યુ થયું હતું. એટલે, એ જ દીવસે મેં ભારત ઉતરવાનું નક્કી કર્યું! મુખ્યત્વે જે આધ્યાત્મીક સ્થાનોની મેં મુલાકાત લીધી હતી એનો અહેવાલ આ લેખમાં આપીશ. થોડાંફ ફોટાઓ: http://public.fotki.com/chipmap/public/

જ્યારે પણ અમેરીકાથી જતાં ભારતની ભુમી પર પગ મુકતાં જે હાશકારો અને ઘર પરત ફર્યાનો અનુભવ થાય છે, તે અવર્ણનીય છે. એના માટે તો ભારતથી અમુક વર્ષો દુર રહેવું પડે! અને તો જ “જનની જન્મભુમી સ્વર્ગથી પણ મહાન છે” એ વાક્યની સાર્થક્તા સમજાય છે. જેટ એરવેઝમાં હું અમદાવાદ એરપૉર્ટ ઉતર્યો અને વડોદરા ઘરે પહોંચ્યો. મારો ભાઈ કુણાલ, તેની પત્ની જીજ્ઞા, મીત્ર દીગંત, તેની પત્ની શીતલ અને પુત્રી ફોરમ લેવા આવ્યાં હતાં. મારી સાથે મારી મમ્મી હતી. આ મારો પારુલ અને વૃન્દ વગર લાંબી મુસાફરીનો પ્રથમ અનુભવ હતો.

જેટલૅગને તાબે થયા વગર મેં એ જ દીવસે નીકોરા ગામની મુલાકાત લેવાનું નક્કી કર્યું. કુણાલને શંકા હતી કે હું જાગી નહીં શકું. હા, લગભગ 32 કલાકની મુસાફરી (લેંસડેલના ઘરેથી વડોદરાનાં ઘર સુધી) દરમ્યાન માત્ર 3-4 કલાકની ઉંઘ લીધી હોવાથી મારી ક્ષમતા પર અવીશ્વાસ થવો સ્વાભાવીક જ હોય ને! પરંતું, મેં માત્ર અને માત્ર રાત્રે જ સુવાનો નીર્ણય કર્યો હોવાથી મારી વાત પર અડગ રહ્યો. 11 દીવસના રોકાણમાંથી હું 2-3 દીવસ જેટલૅગમાં બગાડવા જેટલો ઉદારદીલ નથી.

સહુપ્રથમ અમે કંડારી ગામ ગયા. ત્યાંથી પારુલનાં ભાભીનાં પપ્પા-મમ્મી-ભાઈ-ભાભીને સાથે લઈ અમે નીકોરા જવા નીકળ્યાં. નીકોરા ગામ એ ભાભીનું મોસાળ થાય. દીનેશપપ્પાએ ત્યાં આગોતરી જાણ કરી દીધી હોવાથી ભાભીના મામાઓ ત્યાં ગામને પાદર અમારી રાહ જોતાં હતાં. યોગી મધુસુદનદાસજી કે જેઓ “ધ્યાનયોગી”ના નામે ઓળખાય છે, તેમના શીષ્યા આનન્દીમાની પ્રેરણાથી નીકોરાની સીમમાં શ્રીયંત્રના આકારનું ધ્યાનમંદીર બનાવવામાં આવ્યું છે. આનન્દીમા શીષ્યોને શક્તીપાતની દીક્ષા આપતાં હોય છે. આનન્દીમાની ભાવસમાધી અને સુંદર કંઠે ગવાતું ગીત સાંભળવા http://www.youtube.com/watch?v=Mx2299_Y8uA અને http://www.youtube.com/watch?v=vouXD7HMSuo જુઓ. મન્દીરના પરીસરને અડીને જ “નમામિ દેવી નર્મદે” મા નર્મદા રમણીય દર્શને વહે છે.

આ મન્દીર વીશે મેં લગભગ 4 વર્ષ પહેલાં લેખ વાંચ્યો હતો અને અનાયાસે 4 મહીના પહેલાં યુટ્યુબ પર આનન્દીમાની ભાવસમાધીનો વીડીયો જોયો. એટલે નીકોરાની મુલાકાત લેવાની મને ઈચ્છા થઈ અને એ પુરી પણ થઈ. ધ્યાનમન્દીર વીશે વધુ માહીતી તમને http://www.dyc.org પર મળી શકશે.

ધ્યાનમન્દીરનાં ગર્ભગૃહમાં જે શાંતીની અનુભુતી થઈ એ અદભુત છે. આટલી શાંતીનો અનુભવ આ પહેલાં મને થયો નથી અને બાદ પણ હજુ સુધી થયો નથી. ગર્ભગૃહમાં ધ્યાનયોગીજીની મુર્તી છે. ત્યાં બેસનાર દરેકને આપોઆપ ગાઢ શાંતીનો અનુભવ થાય છે. શાંત થયા બાદ મેં ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો. ધ્યાનમાં મને આજ્ઞાચક્રમાં કેન્દ્રીત એક ત્રીકોણ દેખાયું. આ ત્રીકોણની ત્રણ બાજુઓ જુદાં જુદાં રંગની બનેલી હતી. સમગ્ર અદ્રષ્ટ સૃષ્ટીમાંથી રંગીન પ્રકાશનાં કીરણો આ ત્રીકોણમાં ભળી જતાં લાગ્યાં. આ પહેલાં અને પછી મને ક્યારેય આવું ત્રીકોણ દેખાયું નથી. મને કાયમ એક નીલા રંગનું વર્તુળરુપ કેન્દ્ર દેખાતું હોય છે. આ અનુભવ કંઈક જુદો જ હતો. લગભગ 15 મીનીટ આ સ્થીતીમાં રહ્યા બાદ હું ધ્યાનમાંથી ઉઠ્યો.

બહાર પાછળના ભાગમાં લટાર મારી. નર્મદાનો પટ મનને પ્રજ્વાળતો શાતાદાયક વહેતો હતો. એકાએક બગલાં કે એવાં જ કોઈક પક્ષીઓની હારબંધ ટોળી ત્યાંથી પસાર થઈ. વાહ! આવો નજારો આજ પહેલાં અનુભવ્યો નથી! ધ્યાનમન્દીરના નીચેના ભાગે ધ્યાનખંડ અને અનુષ્ઠાનખંડ જોયાં. ત્યાં ઉભેલાં ભાઈએ ખબર આપ્યાં કે આનન્દીમા થોડીવારમાં અહીં આવશે. આનન્દીમા 21 દીવસોથી મૌન વ્રતમાં હતાં એટલે કોઈની સાથે બોલશે નહીં એવું અમને કહેવામાં આવ્યું. આનન્દીમા અને દીલીપજી આવ્યાં અને ધીમે ધીમે પગથીયાં ઉતરીને નીચે અનુષ્ઠાન ખંડ તરફ જવાં લાગ્યાં. તેઓ એક ખુબ જ સાદી વ્યક્તી અને સૌમ્ય મુર્તી જણાતાં હતાં. તેમનો ચહેરો તેજસ્વી લાગતો હતો.

આમ તો ધ્યાનમન્દીરમાં ફોટા પાડવાની મનાઈ છે. પરંતું, મેં થોડી છુટછાટ તો લઈ જ લીધી અને અમુક ફોટા તમારી સાથે વહેંચ્યાં છે જે તમે આ લેખની શરુઆતમાં આપેલી લીંક પર જોયા હશે.

નીકોરાની મુલાકાતે મારા અસ્તીત્વ પર એક અનોખી છાપ છોડી છે. આમ પણ મને નર્મદા માટે સવીશેષ આકર્ષણ છે. ઘણીવાર નર્મદામાં લીન થઈ જવાની ઈચ્છા થઈ આવે છે. નર્મદા, નર્મદા, નર્મદા…

પુરાણવિવેચન

પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી)

[સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.]

પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં કહીં અયોગ્ય પણ વાતો આવે છે - એ બધાથી કરીને, પુરાણો ખોટાં છે, સ્વાર્થી બ્રાહ્મણોનાં રચેલાં છે, ધર્મસ્વરૂપ એવું હોય જ નહિ ઇત્યાદિ આપણે બોલીએ છીએ; પણ આપણે જે વિવેક કરી ગયા, તેટલાથી જાણવું સહજ છે, કે એ પુરાણો કોઈએ જાણી જોઈને ખોટું સમજાવવા રચ્યાં નથી. એ જેવાં રચાયાં છે, તેવાં જ રચાવાની આવશ્યકતા હતી. એ આવશ્યકતાને અનુસરીને, પ્રાચીન ધર્મની વાત ઉચ્છેદ ન પામતાં સ્થિર થઈ સમજનારને કાળાંતરે પણ સમજાય, એવી રચના કરવામાં ઋષિઓએ પરમાર્થબુધ્ધિથી જ સયુક્તિક વ્યવસ્થા કરી છે. અમે તો એટલે સુધી પણ માનીએ છીએ, ને સિધ્ધ કરી બતાવીશું કે પુરાણોમાં જે સ્થૂલ અતિશયોક્તિ અને રૂપક રચ્યાં છે, તે જાણી જોઈને જ તેવે રૂપે રચ્યાં છે, કે તે તે વાતના અસમ્ભવિતપણા ઉપરથી બુધ્ધિમાન માણસો તેને અક્ષરશઃ સત્ય ન માનતાં તરત તેમનું રહસ્ય વિચારવા માંડે અને પરમાર્થરૂપ સત્ય સમજી જાય; પણ બધા લોકો આવા બુધ્ધિમાન હોતા નથી ને હોય નહિ; તથા વિશેષે કરીને પુરાણકાળની અવ્યવસ્થાના સમયમાં તો થોડા જ હશે. એટલે કે જેમ એક પાસાથી સંસ્કારવાનને માટે પુરાણોની અસંગત ભવ્ય કલ્પનાઓમાં પણ સત્ય માર્ગ સૂચવી દીધો છે, તેમ તે જ અસંગતિવાળાં રૂપકાદિથી પ્રાકૃત લોકની બુધ્ધિને ભક્તિભાવ બતાવી ધર્મભ્રષ્ટ થતાં અટકાવવાની સબલ શૃંખલા પણ બાંધી દીધી છે.

આ પ્રમાણે જોતાં પુરાણ રચનારની સ્વાર્થપરાયણતા કરતાં નિઃસીમ પરમાર્થતા જ રહેલી સમજાય છે. અજ્ઞાનરૂપ સ્વલ્પ દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે અને આર્ય-બુધ્ધિનું આર્યત્વ પ્રતિપાદિત થાય છે. જો એ જ પુરાણો વચમાં આવ્યાં ન હોત, તો આજ આપણે યવન હોત, મુસલમાન હોત, ફિરંગી હોત કે અંગ્રજ હોત, એમાંનું કાંઈ કહી શકાતું નથી - પણ કોઈને કોઈ રીતે આપણે અધમતાને પામ્યા હોત. અંગ્રેજ, ફિરંગી, મુસલમાન કે યવન, એ નામમાં કાંઈ આભડછેટ ભરાઈ બેઠી નથી; પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ગમે તેવી દીનતા તથા હીનતાએ પહોંચ્યા છતાં પણ ધર્મપરાયણતારૂપ મહાનિયમ અને તેનાં ફળ આપણે જે સાચવી રહ્યા છીએ, તે સચવાયાં ન હોત.

જે જે પ્રજા પોતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વીસરી જઈ પોતાની દીનતા સ્વીકારતી ચાલે છે, તે તે પ્રજા નિરંતર અધોગતિને પામતી જાય છે, એવું ઈતિહાસમાં અનેક દ્રષ્ટાંતોથી સિધ્ધ થાય છે. આવાં સર્વ અનિષ્ટ પરિણામથી ઉગારનાર પુરાણો છે, ભક્તિપ્રધાન વહેમરૂપ ધર્મ તે જ આપણો ત્રાતા છે. પુરાણમાત્રના પ્રણેતા વ્યાસ મુનિને નારદે ખરું જ કહ્યું છે, કે તેમણે ભગવદગુણ ગાયા નથી, માટે જ તેમના આત્માને સંતોષ થતો નથી - અર્થાત પુરાણપ્રતિપાદિત ધર્મની એવી ગૂઢ મહ્ત્તા છે, કે તે જ ધર્મ જેમ આર્યત્વનો ત્રાતા છે, તેમ પરમસત્યનો બોધક છે અને એ રીતે પરમ મોક્ષરૂપ છે.

ભક્તિ અને જ્ઞાન, ઉભય એક જ છે. આ એકતા પુરાણોમાં સ્પષ્ટ સમજાય છે ને તેને જ લીધે પુરાણોની ગૂઢ મહત્તા સિધ્ધ થાય છે. પછી સંપ્રદાયને વળગીને કોઈ ભક્તિમાત્રનું જ જ્ઞાન ઉપર પ્રધાનપણું બતાવે તો ભલે. ભક્તિ અને જ્ઞાન જુદાં પડી શકતાં જ નથી, જ્ઞાન વિના ભક્તિ અંધ રહે છે. ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે, પાંગળું રહે છે. જે જાણવું તે જ ભજવું. જાણ્યા વિના ભજાય નહિ ને ભજ્યા વિના જાણ્યું કહેવાય નહિ. વેદાંતનું જે અપરોક્ષ જ્ઞાન તે જ ભક્તિ છે. ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરભક્તિ તે જ અપરોક્ષ જ્ઞાન છે. જ્ઞાન તે ભક્તિ ને ભક્તિ તે જ જ્ઞાન - એ જ અપરોક્ષ કૈવલ્ય. શ્રીગીતાજીમાં પણ એ જ કહ્યું છે, કે ‘સાંખ્ય-જ્ઞાન અને યોગ-કર્મ, ભક્તિ ઇત્યાદિ-ને એકરૂપ જાણનાર જ જાણે છે.’ શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે, કે ‘આત્મારૂપ મુનિઓ જે કર્મ-ગ્રંથિથી મુક્ત છે, તે પણ પરમ પુરુષની કેવળ અહેતુકી ભક્તિ આદરે છે.’ આમ ભક્તિજ્ઞાનનાં એકતાપરાયણ પુરાણો સર્વથા સાર્થક છે, ઉપયુક્ત છે ને ધર્મવ્રત આર્યોને સર્વ પ્રકારે પૂજ્ય છે.

પુરાણોનું પુરાણ

પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008

દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ.

મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, “કૂ”કારાદિ 1, “સ્ક”કારાદિ 1.

[પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા]
1 - મત્સ્યપુરાણ - 14,000
2 - માર્કંડેયપુરાણ - 9,000
3 - ભવિષ્યપુરાણ - 14,500
4 - ભગવતી ભાગવતપુરાણ - 18,000
5 - બ્રહ્મપુરાણ - 10,000
6 - બ્રહ્માંડપુરાણ - 12,100
7 - બ્રહ્મવૈવર્તપુરાણ - 18,000
8 - વામનપુરાણ - 10,000
9 - વાયુપુરાણ - 24,600
10 - વિષ્ણુપુરાણ - 23,000
11 - વરાહપુરાણ - 24,000
12 - અગ્નિપુરાણ - 16,000
13 - નારદપુરાણ - 25,000
14 - પદ્મપુરાણ - 55,000
15 - લિંગપુરાણ - 11,000
16 - ગરુડપુરાણ - 19,000
17 - કૂર્મપુરાણ - 17,000
18 - સ્કન્દપુરાણ - 81,000

[ઉપપુરાણ ક્રમ - નામ]
1 - સનત્કુમારપુરાણ
2 - નૃસિંહપુરાણ
3 - નારદીયપુરાણ
4 - શિવપુરાણ
5 - દુર્વાસાપુરાણ
6 - કપિલપુરાણ
7 - મનુપુરાણ
8 - શુક્રપુરાણ
9 - વરુણપુરાણ
10 - કાલિકાપુરાણ
11 - સાંબપુરાણ
12 - નંદિપુરાણ
13 - સૂર્યપુરાણ
14 - પરાશરપુરાણ
15 - આદિત્યપુરાણ
16 - મહેશ્વરપુરાણ
17 - ભાગવતપુરાણ (શ્રીકૃષ્ણચરિત્ર)
18 - વસિષ્ઠપુરાણ

વ્યાસ ઈતીહાસ

વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008

આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાયમાં જણાવ્યાં પ્રમાણે ઓળખીએ.

સૌપ્રથમ પુરાણો પ્રમાણે સમયનાં એકમ સમજીએ.

1 મહાકલ્પ = 309,173,760,000,000 મનુષ્ય વર્ષ = 100 બ્રહ્મા વર્ષ
1 બ્રહ્મા વર્ષ = 360 બ્રહ્મા દીવસ
1 બ્રહ્મા દીવસ = 2 કલ્પ
1 કલ્પ = 4,294,080,000 મનુષ્ય વર્ષ = 14 મંવંતર
1 મંવંતર = 306,720,000 મનુષ્ય વર્ષ = 71 મહાયુગ
1 મહાયુગ = 4,320,000 મનુષ્ય વર્ષ = 4 યુગ (સત, ત્રેતા, દ્વાપર, કલી)
1 કૃતયુગ (સતયુગ) = 1,728,000 મનુષ્ય વર્ષ
1 ત્રેતાયુગ = 1,296,000 મનુષ્ય વર્ષ
1 દ્વાપરયુગ = 864,000 મનુષ્ય વર્ષ
1 કલીયુગ = 432,000 મનુષ્ય વર્ષ

આપણો અત્યારે જે મંવંતર ચાલે છે એને “વૈવસ્વત” નામનો સાતમો મંવંતર કહે છે. આ મંવંતરમાં અત્યારે 28મો મહાયુગ ચાલી રહ્યો છે. આવા 28મા દ્વાપરયુગમાં આપણાં “વેદવ્યાસ” કૃષ્ણ દ્વૈપાયન થઈ ગયાં. દરેક મહાયુગના દ્વાપરયુગમાં જે તે યુગના “વેદવ્યાસ” થાય છે. શ્રીમદ ભગવતી ભાગવત કે દેવીભાગવતમાં જણાવ્યાં મુજબ નીચે મુજબનાં યુગ પ્રમાણે વ્યાસ થયાં.

[દ્વાપરયુગ - વેદ વ્યાસ]
1 - બ્રહ્મા
2 - પ્રજાપતિ
3 - શુક્રાચાર્ય
4 - બૃહસ્પતિ
5 - સૂર્ય
6 - મૃત્યુ
7 - ઇન્દ્ર
8 - વસિષ્ઠ
9 - સારસ્વત
10 - ત્રિધામા
11 - ત્રિવૃષ
12 - ભરદ્વાજ
13 - અંતરિક્ષ
14 - ધર્મ
15 - ત્રય્યારુણિ
16 - ધનંજય
17 - મેધાતિથિ
18 - વ્રતિ
19 - અત્રિ
20 - ગૌતમ
21- ઉત્તમ હર્યાત્મા
22 - વાજશ્રવા વેન
23 - અમુષ્યાયણ સોમ
24 - તૃણબિન્દુ
25 - ભાર્ગવ
26 - શક્તિ
27 - જાતુકર્ણ્ય
28 - કૃષ્ણ દ્વૈપાયન (હાલ)
29 - દ્રોણપુત્ર અશ્વત્થામા (હવે પછી)

ગ્રહણ

ગ્રહણ - ચીરાગ પટેલ ડીસેમ્બર 13, 2008

આપણે બધાં સુર્યગ્રહણ (solar eclipse) કે ચન્દ્રગ્રહણ (lunar eclipse) થી પરીચીત છીએ. સાદી વૈજ્ઞાનીક વ્યાખ્યા કરીએ તો “ગ્રહણ” (Eclipse) એટલે દ્રષ્ટા કોઈ પદાર્થને એના મુળ સ્વરુપે નીહાળી ના શકે એવી ઉભી થતી પરીસ્થીતી.

પૃથ્વી પોતાની ધરી પર પરીભ્રમણ કરે છે અને સાથે સાથે સુર્ય ફરતે 1 વર્ષે પુરી થતી પ્રદક્ષીણા સતત કરતી રહે છે. ચન્દ્ર પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી પૃથ્વી ફરતે 30 દીવસે પુરી થતી પ્રદક્ષીણા કરતો રહે છે. જ્યારે પૃથ્વી અને સુર્ય વચ્ચે ચન્દ્ર આવી જાય ત્યારે પૃથ્વીના અમુક ભાગમાં રહેતા લોકો માટે સુર્યગ્રહણની ખગોળીય ઘટના બને છે. ચન્દ્ર સ્વયંપ્રકાશીત ના હોવાથી સુર્યના ઉછીના પ્રકાશ પર આધાર રાખે છે. એટલે જ્યારે સુર્ય અને ચન્દ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચન્દ્ર સુધી પહોંચતા સુર્યના પ્રકાશમાં અવરોધ આવે છે અને ચન્દ્રગ્રહણ સર્જાય છે. જ્યારે ચન્દ્ર કે સુર્ય સમ્પુર્ણપણે ના દેખાય ત્યારે એવા ગ્રહણને ખગ્રાસ કે પુર્ણ ગ્રહણ કહે છે. જ્યારે ચન્દ્ર કે સુર્યનો અમુક ભાગ ના દેખાય તો એને ખંડગ્રાસ કે અંશતઃ ગ્રહણ કહે છે. વધુ માહીતી માટે આ લીંક જુઓ:
http://en.wikipedia.org/wiki/Lunar_eclipse
http://en.wikipedia.org/wiki/Solar_eclipse

ભારતીય ખગોળ કે જ્યોતીષશાસ્ત્ર મુજબ સુર્યગ્રહણની સ્થીતી નીપજાવતા કાલ્પનીક બીન્દુને “રાહુ” કહે છે, જ્યારે ચન્દ્રગ્રહણ કરતાં કાલ્પનીક બીન્દુને “કેતુ” કહે છે. ચન્દ્રગ્રહણ હમ્મેશા પુનમ (full moon) વખતે થાય છે અને સુર્યગ્રહણ અમાસ (new moon) વખતે થાય છે. આ જ પ્રમાણે દરેક આંતરીક ગ્રહો (બુધ, શુક્ર) વડે પૃથ્વી સન્દર્ભે સુર્યગ્રહણ થતાં હોય છે.

આજે આપણે એક જુદાં જ પ્રકારનાં ગ્રહણની સમ્ભાવના વીશે વાત કરીશું. આપણો દેહ આપણે પૃથ્વી સાથે સરખાવી શકીએ. આપણું મન એ ચન્દ્રનું નીરુપણ છે. જ્યારે સુર્યને આત્માનો કારક કહ્યો છે. આત્મા સચ્ચીદાનન્દઘન પુર્ણ પરમાત્માનો અંશ છે. સદૈવ નીરાકારી આત્માને ઓળખવામાં આપણું મન આડે આવે છે. એટલે કે, આ મનરુપી ચન્દ્ર વડે આત્મારુપી સુર્યનું ગ્રહણ થાય છે. જ્યારે મન મર્કટ ખસી જશે ત્યારે ફરી આત્માનો પ્રકાશ પ્રત્યક્ષ ઝળહળી ઉઠશે.

મનનો પોતાનો પ્રકાશ નથી. એ તો આત્માના ઉછીના પ્રકાશ વડે દોરવાય છે અને પ્રકાશીત થાય છે. પરંતુ આ મનને પણ શરીરની મર્યાદા નડી જાય છે અને ઉદભવે છે ચન્દ્રગ્રહણ જેવી સ્થીતી. જ્યારે, મન આ મર્યાદા અતીક્રમી જાય છે ત્યારે ફરી શરીરરુપી પૃથ્વીને શીતળ પ્રકાશમાં નવડાવી દે છે.

ઈશ્વર - 2

ઈશ્વર - 2 - સ્વામી વિવેકાનન્દ નવેમ્બર 27, 2008

11. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઈશ્વર સમાન રીતે વીદ્યમાન છે. સમગ્ર વીશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને દર્શન કરો.

12. ઈશ્વરની પુજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અન્દર નીગુઢ રીતે રહેલા ‘આત્મતત્વ’ની જ પુજા કરીએ છીએ.

13. ધર્મની અનુભુતી થઈ શકે છે. શું તમે તેના માટે તૈયાર છો? શું તે તમને ખરેખર જોઈએ છે? જો એવું હોય તો તમને તેની અનુભુતી અવશ્ય થશે અને પછી તમે સાચા અર્થમાં ધાર્મીક બનશો. જ્યાં સુધી તમે અનુભુતી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી નાસ્તીકો અને તમારી વચ્ચે કશો પણ ભેદ નથી. નાસ્તીકો તો પ્રમાણીક છે, પરંતુ જે મનુષ્ય પોતાને ધર્મમાં શ્રધ્ધા હોવાનું કહે છે છતાં તેની અનુભુતી કરવાનો પ્રયત્ન કરતો નથી તે પ્રમાણીક નથી.

14. હું ભુતકાળના તમામ ધર્મોનો સ્વીકાર કરું છું અને એમના આદેશ પ્રમાણે પુજા કરું છું; ઈશ્વરને ગમે તે સ્વરુપે તેઓ પુજે, હું એ પ્રત્યેક ધર્મ પ્રમાણે ઈશ્વરની પુજા કરું છું. હું મુસલમાનોની મસ્જીદમાં જઈશ; હું ખ્રીસ્તીઓના દેવળમાં જઈને ‘ક્રુસ’ની આગળ ઘુંટણીયે પડીશ; હું બૌધ્ધોના મન્દીરમાં પ્રવેશ કરીને ભગવાન બુધ્ધ અને એમના શાસનનું શરણ શોધીશ. મનુષ્યમાત્રના હ્રદયમાં પ્રકાશ પાથરતી જ્યોતીનું દર્શન કરવા મથતા હીન્દુની સાથે વનમાં જઈને હું ધ્યાનમાં બેસીશ.

15. ભારતમાં જેને ‘યોગ’ કહીએ છીએ તેના દ્વારા આ ધર્મની પ્રાપ્તી થાય છે. કર્મયોગી આ યોગને મનુષ્યો અને સમગ્ર મનુષ્યજાતી વચ્ચેની એકતા રુપે, રાજયોગી એને જીવ અને બ્રહ્મની એકતા રુપે, ભક્ત એને પ્રેમસ્વરુપ ઈશ્વર અને પોતાની વચ્ચે એકતા રુપે અને જ્ઞાની એને બહુધા વીલસતા ‘સત’ની એકતા રુપે નીહાળે છે. ‘યોગ’નો અર્થ આ છે.

16. હવે પ્રશ્ન આ છે: શું ધર્મ દ્વારા ખરેખર કંઈ સીધ્ધ થઈ શકે ખરું? હા, જરુર થઈ શકે. ધર્મ મનુષ્યને અમર બનાવે છે. એણે જ મનુષ્યને તેની આજની સ્થીતીએ પહોંચાડ્યો છે અને એ જ આ મનુષ્ય-પશુને ઈશ્વર બનાવશે. આ છે ધર્મની સીધ્ધી. મનુષ્ય-સમાજમાંથી ધર્મની બાદબાકી કરો અને પછી જુઓ કે શું શેષ રહે છે? પશુઓના જંગલ સીવાય બીજું કશું જ નહીં!

17. તમને કોણ સહાય કરશે? તમે પોતે જ વીશ્વને માટે સહાયરુપ છો. આ વીશ્વમાં કઈ વસ્તુ તમને સહાય કરી શકે? તમને સહાય કરે એવો મનુષ્ય, ઈશ્વર કે દાનવ ક્યાં છે? તમને કોણ પરાજીત કરી શકે? તમે જ આ વીશ્વના વીધાતા છો; સહાય માટે તમે બીજે ક્યાં પ્રયત્ન કરશો? એવી સહાય તો તમારા પોતાના સીવાય બીજે ક્યાંયથી ક્યારેય પણ આવી નથી. તમારા અજ્ઞાનને કારણે તમે એવું માની લીધું કે તમે કરેલી પ્રત્યેક પ્રાર્થનાનો જે ઉત્તર મળ્યો તે કોઈ ‘સત્વ’ તરફથી મળ્યો; પરંતુ ખરેખર તો તમે પોતે જ તમારી એ પ્રાર્થનાનો અજાણપણે ઉત્તર વાળ્યો છે.

18. ગ્રંથોનું અધ્યયન કરીને આપણે એવા ભ્રમમાં પડીએ છીએ કે આપણને આધ્યાત્મીક સહાય મળી રહી છે; પરંતુ ગ્રંથોના અધ્યયનના આપણા ઉપર પડતા પ્રભાવનું પૃથક્કરણ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આવાં અધ્યયનોથી -આપણી બુધ્ધીને લાભ થાય છે, આપણા અંતર-આત્માને નહીં. આમ, આધ્યાત્મીક વીકાસને વેગ આપવામાં ગ્રંથોનું અધ્યયન અપ્રયાપ્ત છે, એટલે જ આપણામાંથી લગભગ દરેક જણ આધ્યાત્મીક વીષયો પર ભલે અત્યંત અદભુત ‘વ્યાખ્યાન’ આપી શકે, પરંતુ જ્યારે આચરણની કે સાચું આધ્યાત્મીક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણને ભાન થાય છે કે આ બાબતમાં આપણે ગજબ રીતે ઉણા છીએ. આત્મવીકાસને વેગ આપવો હોય તો તેની પ્રેરણા તો કોઈ બ્રહ્મનીષ્ઠ આત્મા પાસેથી જ પ્રાપ્ત કરવી જોઈએ.

19. ઈશ્વર જ સત્ય છે, આત્મા સત્ય છે; આધ્યાત્મીક્તા જ સત્ય છે. તેમને વળગી રહો.

20. જગતના ભીન્ન ભીન્ન ધર્મો પોતપોતાના ઉપાસના વીધીમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં તો તેઓ બધા એક જ છે.

21. ધ્યાન એ મહત્વની બાબત છે. ધ્યાનનો અભ્યાસ કરો! એ સર્વોત્તમ વસ્તુ છે. ધ્યાનમાં મગ્ન થયેલું ચીત્ત એટલે આધ્યાત્મીક જીવનનો નીકટતમ ઉપાય. આપણા જીવનની એ એક જ ક્ષણ એવી છે કે જ્યારે આપણે ભૌતીક્તાથી તદ્દન અલગ થઈ જઈએ છીએ અને તમામ ઉપાધીઓથી મુક્ત બનેલો આપણો આત્મા કેવળ સ્વરુપમાં જ રમમાણ રહે છે. એવો અદભુત છે આ આત્માનો સંસ્પર્શ.

22. જેઓ પોતાની જાતનું ઈશ્વરને સમર્પણ કરે છે તેઓ કહેવાતા તમામ પ્રવૃત્તીશીલ લોકો કરતાં જગતનું વીશેષ ભલું કરે છે. જે વ્યક્તી સમ્પુર્ણપણે આત્મશુધ્ધી સાધે છે તે ઉપદેશકોની ફોજ કરતાં વધુ કાર્ય સીધ્ધ કરે છે. ચીત્તશુધ્ધી અને મૌનમાંથી જ શક્તી સમ્પન્ન વાણીનો ઉદય થાય છે.

23. આજે આપણને જરુર છે એ જાણવાની કે ઈશ્વરની હસ્તી છે જ અને આપણે અહીં જ અને આ ક્ષણે જ તેનું દર્શન - તેની અનુભુતી કરી શકીએ.

24. ‘ભોજન, ભોજન’ બોલવું અને ખરેખર ભોજન કરવું, ‘પાણી, પાણી’ બોલવું અને ખરેખર પાણી પીવું - એમાં જમીન-આસમાનનો ફેર છે. એ જ રીતે માત્ર ‘ભગવાન, ભગવાન’ રટવાથી તેનો સાક્ષાત્કાર પામવાની આશા આપણે રાખી શકીએ નહીં. એ માટે તો પ્રયત્ન અને અભ્યાસ કરવો જોઈએ.

25. અનીષ્ટના સીતમોની વચ્ચે પણ બોલો - ‘મારા પ્રભુ, મારા પ્રીયતમ!’ મૃત્યુની યાતના વચ્ચે પણ કહો: ‘મારા પ્રભુ! મારા પ્રીયતમ!’ ધરતી ઉપરની તમામ બુરાઈઓ વચ્ચે પણ પુકારો, ‘મારા પ્રભુ, મારા પ્રીયતમ!’ - ‘તું અહીં છે, હું તારું દર્શન કરું છું. તું મારી સાથે છે, હું તારી અનુભુતી કરું છું, હું તારો છું, મને અપનાવી લે. હું આ સંસારનો નથી પણ તારો છું; તો પછી મારો ત્યાગ ના કર.’ હીરાની ખાણ છોડીને કાચમણીની પાછળ પડશો નહીં! આ જીવન તો એક મહાન તક છે. અરે! શું તું સંસારના સુખ ભોગોની શોધમાં છે? પ્રભુ જ સર્વ સુખોનો સ્ત્રોત છે. એ પરમતત્ત્વને પામવાનો પ્રયત્ન કર, એને જ મેળવવાનું ધ્યેય રાખ, એટલે તું જરુર એને પામી શકીશ.

26. આપણે ઉત્સાહી અને આનન્દી થવું જોઈએ. ઉદાસીન ચહેરાઓ કંઈ ધર્મનું નીર્માણ કરી શકે નહીં. ધર્મ તો જગતની સૌથી વધુ આનન્દપુર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે એ સર્વોત્તમ છે.

27. વસ્તુમાત્રને ઈશ્વર સ્વરુપ માનીને પુજન કરો - પ્રત્યેક રુપ તેનું મન્દીર છે; બાકીનું બધું ભ્રાંતી છે. હંમેશાં હ્રદયની અન્દર દ્રષ્ટીપાત કરો, બહાર નહીં. એવા જ ઈશ્વરનો, એવી જ પુજાનો વેદાંત ઉપદેશ આપે છે.

————————————————–
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર…

હોલોગ્રાફીક યુનીવર્સ

હોલોગ્રાફીક યુનીવર્સ - ચીરાગ પટેલ નવેમ્બર 08, 2008

ઘણાં વખતથી વીશ્વની “હોલોગ્રાફીક” પ્રકૃતી વીશે લખવાની ઈચ્છા હતી. આજે લખવા બેઠો છું.

સહુપ્રથમ, હોલોગ્રાફીક થીયરી શું છે એ સમજીએ. આ માટે http://en.wikipedia.org/wiki/Holography એ એક સારો સ્ત્રોત છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પદાર્થ પર કોઈ ઉદગમમાંથી આવતાં પ્રકાશના તરંગો અથડાઈને પરાવર્તન પામ્યા બાદ કોઈ પડદા પર પડે, અને સાથે એ જ ઉદગમમાંથી આવતાં અને પડદા પર સીધાં અથડાતાં તરંગો એકબીજા પર સમ્પાત થતાં પડદાં પર જે આકૃતી રચાય એને હોલોગ્રાફીક ઈમેજ (holographic image) કહે છે. આ આકૃતી વ્યતીકરણ (interference) કે વીવર્તન (diffraction)ની પ્રકાશીય ઘટનાને કારણે રચાય છે.

હવે જાદુ જુઓ, હોલોગ્રાફીક ઈમેજને જુઓ તો એવું લાગે કે જાણે કોઈએ જુદા-જુદા કદના અને શેડના વર્તુળો દોર્યાં છે! આ ઈમેજ પર હવે જે ઉદગમમાંથી પ્રકાશ આવ્યો હતો એવો જ પ્રકાશ પાડતાં મુળ પદાર્થ દેખાય. વળી, એક બીજી ખાસીયત એ કે, હોલોગ્રાફીક ઈમેજ ધરાવતાં પડદાના ગમે તેટલા નાના ટુકડાં કરીએ, એ દરેક ટુકડો મુળ પદાર્થને સમ્પુર્ણપણે બતાવી શકે છે!!! એટલે કે દરેક વર્તુળ મુળ પદાર્થની છાપ ધરાવતું હોય છે, એમ કહી શકાય. હા, વર્તુળના કદ અને શેડ પ્રમાણે મુળ પદાર્થની પ્રતીકૃતી નાની-મોટી અને ધુન્ધળી કે સ્પષ્ટ દેખાઈ શકે છે.

આ થીયરીને આધાર લઈને ડેવીડ બોહ્મ (David Bohm) નામના ભૌતીકશાસ્ત્રી અને કાર્લ પ્રીબ્રમ (Karl Pribram) નામનાં મનોવૈજ્ઞાનીકે બ્રહ્માંડ અને જીવન વીશે એક અલગ થીયરી આપી, જેને હોલોગ્રાફીક પેરેડાઈમ (holographic paradigm) કહે છે. એના વીશે વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/Holographic_paradigm. દરેક ક્વોંટમ થીયરીની જેમ આ થીયરી પણ ચર્ચાસ્પદ છે.

આપણાં મગજમાં જ્ઞાનતંતુઓ સળંગ નલીકા બનેલા નથી હોતા. આ જ્ઞાનતંતુઓ જ્યાં મગજના કોષોને મળે છે ત્યાં વચ્ચે અવકાશ હોય છે અને જાણે વાયરલેસ રેડીયોની જેમ સન્દેશો (વીદ્યુતપ્રવાહ સ્વરુપે) કોષોને મળે છે. યાદશક્તીને લગતી નવી માન્યતા એ છે કે, મગજનાં ગમે તેટલા ટુકડા કરીએ તો પણ દરેક યાદગીરી એ દરેક ટુકડાઓમાં સમાયેલી હોય છે! એમ હોવાના કારણ તરીકે હોલોગ્રાફીક થીયરી રજુ કરાઈ છે. જ્યારે બે જ્ઞાનતંતુઓ એક જ માહીતીનું વહન કરતાં હોય તો એ હોલોગ્રાફીક ઈમેજ ઉત્પન્ન કરતાં હોય છે, જે મગજના દરેક કોષોમાં સંગ્રહાય છે!

ઘણાં હોલોગ્રાફીક થીયરીના સમર્થકો એવું માને છે કે, આપણું બ્રહ્માંડ પણ હોલોગ્રાફીક ઈમેજ છે. તેમના કહેવા મુજબ આખું બ્રહ્માંડ જેવું છે એવું એક કણમાં પણ છપાયેલું છે, જે બ્રહ્માંડે તે પીંડે વાળી વાત મુજબ જ. માત્ર એક કણનો સમ્પુર્ણ અભ્યાસ કરવાથી સમગ્ર બ્રહ્માંડનો પરીચય થઈ જાય છે. થીયરી ઓફ એવરીથીંગ (Theory of Everything - TOE) પર કામ કરનાર વૈજ્ઞાનીકો ક્વોંટમ મીકેનીક્સ (quantum mechanics) અને ગ્રેવીટી (gravity) ના સીધ્ધાંતોનો સમંવય કરતી ક્વોંટમ ગ્રેવીટી (quantum gravity) ની થયરી વીશે વીચારે છે. તેઓ હોલોગ્રાફીક પ્રકૃતીને વધુ માન્યતા આપતાં થયાં છે.

આપણાં પ્રાચીન સાહીત્યમાં કહ્યું છે કે, જે બ્રહ્માંડે વસતો એ જ કણ કણમાં પણ વસતો.

મારા સ્વપ્ન દર્શન

મારા સ્વપ્ન દર્શન - ચીરાગ પટેલ નવેમ્બર 02, 2008

મારા ઉપર લખ્યા તારીખ સુધીના આધ્યાત્મીક સ્વપ્નો વીશે આજે હું ઉલ્લેખ કરીશ. આ ગપ્પા નથી કે ભ્રમ નથી. અને આપને જો એવું લાગે તો મારી પાસે સચ્ચાઈ સાબીત કરવાના કોઈ પુરાવા પણ નથી. માત્ર અને માત્ર એક દસ્તાવેજ તરીકે આ લેખને જોશો તો પણ મને ગમશે.

1)
લગભગ મે, 2005માં એક રાત્રે હું થોડો થોડો જાગ્રત અવસ્થામાં આવ્યો. એકાએક. ત્યારબાદ, હું ગણપતીની વન્દના કરતાં શ્લોકોનું ઉચ્ચારણ કરવા લાગ્યો. આ બધાં શ્લોકો હું જે લય અને સ્પષ્ટતા સાથે અસ્ખલીત 5 મીનીટ સુધી બોલતો રહ્યો એ મને હજુ પણ નવાઈ પમાડે છે! સમ ખાવા પુરતો એક શબ્દ પણ મને સમજમાં આવ્યો હોય તો હરામ બરાબર.

આ શ્લોકોની ભાષા ઋગ્વેદની સંસ્કૃત ભાષા હોય એવું મને લાગે છે. કારણ કે, આ સ્વપ્ન બાદ મેં ઋગ્વેદના અમુક શ્લોકો વાંચવાની શરુઆત કરી, અને મને એ ભાષા મારી સ્વપ્નની ભાષાને મળતી આવતી લાગી.

2)
મારા સ્વપ્નમાં એક યુવાન સન્યાસી દેખાયા. તેમણે ભગવા રંગનું વસ્ત્ર શરીરે વીંટાળ્યું હતું. તેમના બાજુબન્ધ અને મણીબન્ધ પર રુદ્રાક્ષની માળા વીંટેલી હતી. તેમના કપાળે નાથ સમ્પ્રદાયના સન્યાસીઓ જેવી આભા હતી અને મસ્તક પર રાખનું ત્રીપુંડ હતું. તેમના વાળ ખુબ જ કાળા હતા. તેમને મધ્યમ કદની દાઢી હતી. તેઓ એક પર્વત પરથી નીચે ઉતરી રહ્યાં હતાં. પરંતુ તેમનામાં એક વીચીત્રતા હતી. તેમણી કોઈ કારણસર માથુ પાછળ તરફ ઢળતું રાખેલું હતું, જાણે કે કાંઈક ગરદનની ઉપર ચઢતાં દબાવી રાખેલું હોય એમ!

થોડા સમયમાં યુવાન સન્યાસી અદ્રશ્ય થઈ ગયા અને એક સીંહાસન પર બેઠેલા વૃધ્ધ સન્યાસી દેખાયા. તેમણે મારી બાજુ જોયું અને એકદમ ખડખડાટ હસ્યા. થોડી વાર હસ્યા બાદ તેમણે ડાબી આંખ મીચકારી.

3)
બીજા એક સ્વપ્નમાં મને એક મન્દીર દેખાયું. મન્દીરના ગર્ભગૃહમાં માની મુર્તી હતી. મુર્તીનું વર્ણન કરી શકું એટલી યાદ નથી રહી. મુર્તીની બન્ને બાજુ આછા વાદળી રંગનો પ્રકાશ હતો. મુર્તીની ઉપરની બાજુ ટ્યુબલાઈટ હતી. મુર્તીની આગળ તરફ પીત્તળની રેલીંગ હતી. વળી, પુરુષ અને સ્ત્રી અલગ અલગ દર્શન કરી શકે એ રીતે પણ મન્દીરની વચ્ચેથી પસાર થતી રેલીંગ હતી. માની મુર્તીને સરસ રીતે શણગારવામાં આવી હતી.

મારી જાણમાં આવું કોઈ મન્દીર નથી. કારણ મન્દીરનું વર્ણન ઘણાં મન્દીરોને મળતું આવી શકે છે, જ્યારે ‘મા’ની મુર્તી મેં જે જોઈ એવી કોઈ મન્દીરમાં જોઈ નથી. કદાચ, નાનપણમાં ટીવી પર જોઈ હોઈ શકે અને હું ભુલી ગયો હોઉં!

4)
બીજા એક સ્વપ્નમાં ‘મા’ સાક્ષાત દેખાયા હતાં. તેમણે આછાં ગુલાબી રંગના વસ્ત્રો પહેર્યાં હતાં. એક હાથમાં ચક્ર અને બીજો હાથ આશીર્વાદ આપવા માટે વળેલો હતો. તેમણે મસ્તક પર ત્રણ ચક્રો હોય એવો મુગટ પહેર્યો હતો. તેમની આજુબાજુ ઘોર અન્ધકાર હતો. ‘મા’ ખુબ જ પ્રકાશીત હતાં.

5)
કલકત્તામાં ગંગાનદી પર બનેલા સસ્પેંસન બ્રીજ જેવા પુલ પર એક સ્ત્રી જતી મને દેખાઈ. તેના મુખ પર પરેશાની અને વ્યાકુળતાના ભાવ હતાં. તેની સાથે બાજુમાં એક ઘોડો પણ જતો દેખાયો. ત્યારબાદ, તે સ્ત્રી લીલા રંગનાં વસ્ત્રોમાં શ્રીનાથજીના ગૌર સ્વરુપની પુજા કરતી દેખાઈ. તે સ્ત્રી જ્યાં રહેતી હતી એ હવેલી દેખાઈ. હવેલીને સીસમના બારી-બારણાં હતાં. દીવાલો પર સરસ મજાનાં ચીત્રો દોરેલા હતાં. શ્રીનાથજીની પુજા માટે ખાસ એક ઓરડો હતો. જુલાઈ 02, 2006.

6)
જાન્યુઆરી 01, 2007. આજે ધ્યાનમાં ‘મા’નું સ્વરુપ સાક્ષાત દેખાયું. ‘મા’નો ચહેરો, તેમનાં શણગાર, તેમની સુવર્ણરજ સમાન ચમકીલી ત્વચા. અવર્ણનીય રુપ. હજુ આજ સુધી આવું દર્શન થયું નથી. ‘મા’નો જે ચહેરો દેખાયો હતો એનું વર્ણન કરવા માટે શબ્દો જ નથી. એ ચહેરો યાદ કરતાં જ અકથ્ય આનન્દનો અનુભવ થાય છે.

7)
જુન 04, 2007. આજે ધ્યાનમાં આજ્ઞાચક્રમાં કૃષ્ણ રંગનાં એક ચક્રનું દર્શન થયું. અદભુત, પ્રકાશીત, ચમકીલો મેઘલ શ્યામ રંગ. હું એની મધ્યમાં રહેલ ગર્તામાં ઉંડો જ ઉતરતો રહ્યો. આ ચક્રનું દર્શન ઘણીવાર ધ્યાનમાં થાય છે.

8)
ઑગસ્ટ 31, 2007. મને સ્વપ્નમાં એક “હાપીલ” (Haapil) નામનાં સ્થળનો નકશો દેખાયો. નકશો જુના પીળા કાગળ પર દોરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, એક શહેરનાં મધ્યભાગમાં આવેલ ઘુમ્મટવાળું એક મકાન દેખાયું. એની બાજુમાં રસ્તો હતો અને થોડાં પક્ષીઓ ઉડતાં હતાં. પછી, એ મકાન પર Dr William Razhik એવું લખેલું દેખાયુ. એક ચશ્મા, દાઢીધારી વ્યક્તી દેખાયો. તેણે લામ્બો, કાળો ઓવરકોટ પહેર્યો હતો. તેના હાથમાં ચામડાની એક બૅગ હતી.

9)
સપ્ટેમ્બર 07, 2007. આજે મારા એમ.આર.આઈ. સ્કૅન દરમ્યાન મને એક શાળા દેખાઈ. એમાં યુનીફોર્મ પહેરેલાં બાળકો દેખાયાં. તેમની સાથે એક કોકેશ્યન (ગોરી) સ્ત્રી અને એક બાળક દેખાયાં.

આડવાત. એમ.આર. આઈ. સ્કૅન કરાવવાનું કારણ એ હતું કે, મને ઘણી વાર ધ્યાનમાં સતત ઘંટડીનો રણકાર સમ્ભળાતો હોય છે. મેં ડૉક્ટરની મુલાકાત લીધી અને એમણે ઈ.એન.ટી. સ્પેશ્યાલીસ્ટને રીફર કર્યાં. સ્પેશ્યાલીસ્ટે બધાં ટેસ્ટ કર્યાં અને મને જણાવ્યું કે, કદાચ બ્રેઈન ટ્યુમરને લીધે આવું હોઈ શકે. પણ, એમ.આર.આઈ. સ્કૅનમાં એવું કાંઈ આવ્યું નહીં. એટલે ડૉકટરે કહ્યું કે, જો આ અવાજ કોઈ તકલીફ ના કરતો હોય તો એ તરફ ધ્યાન આપવાનું બન્ધ કરી દો. એવું થવાનું કારણ મગજમાં જ હોઈ શકે, જેનો કોઈ ઉપાય નથી. મને એ વાતની ખાતરી થઈ કે યોગશાસ્ત્ર મુજબ જે સાત નાદની વાત છે, એમાંનો એકાદો નાદ મને સમ્ભળાય છે.

10)
ઑગસ્ટ 01, 2008. હું હમ્મેશા ‘મા’નું ધ્યાન કરું છું. આજે ધ્યાનમાં એકાએક ‘મા’નુ સ્વરુપ દ્વીભુજ ગોપાલમાં પરીવર્તીત થઈ ગયું! બંસીબજૈયા, કૃષ્ણ કનૈયા, ત્રીભંગ. તેમણે પીળું પીતામ્બર પહેર્યું હતું. તેમની પાછળ એક ગાય અડીને ઉભી હતી. સમગ્ર પ્રદેશ સુવર્ણ પ્રકાશથી આચ્છાદીત હતો. અદભુત.

11)
ઑગસ્ટ 23, 2008. આજે સ્વપ્નમાં એક પુરાણુ સ્થળ દેખાયું. એ સ્થળ એક સમ્પુર્ણ લમ્બચોરસ આકારનું હતું. એમાં એક ખુણામાં કાળા કૃષ્ણની મુર્તી હતી. આ મકાન એક રણપ્રદેશમાં આવેલું હતું. એકાએક એ વીસ્તારમાં ભારતીય સૈનીકો અને દુશ્મન સૈનીકો વચ્ચે યુધ્ધ થયું. ભારતીય સૈનીકોમાં એક હું પણ હતો. થોડા ગોળીબાર પછી, બન્ને પક્ષે નક્કી કર્યું કે લડવાને બદલે વૉલીબૉલ રમીએ. અને બધાં આરામથી રમવા લાગ્યાં. રમવાનું પુરું થયા બાદ, હું મન્દીરમાં જઈને કૃષ્ણની પુજા કરવા લાગ્યો અને “રંગીલા શ્રીનાથજી” ગાવા લાગ્યો. હ્રદય આનન્દથી ભરાઈ આવ્યું.

12)
સપ્ટેમ્બર 09, 2008. આજે સ્વપ્નમાં એક અમેરીકન કુટુમ્બ દેખાયું - પતી, પત્ની અને બાળક. પત્નીએ બૉલીવુડ ફીલ્મી ગીતો પર યોગના આસનો કર્યાં અને શીખવાડ્યાં. પતી લગભગ બૅડમીંટનના ખેલાડી - પ્રકાશ પદુકોણ- જેવો દેખાતો હતો.

13)
સપ્ટેમ્બર 13, 2008. દીલ્હીના બોમ્બધડાકાના સમાચાર સામ્ભળ્યાં એના અડધા કલાક પહેલાં જ અર્ધજાગ્રતાવસ્થામાં પ્રલયનું સ્વપ્ન આવ્યું. અગ્ની એશીયામાં ભયંકર ધરતીકમ્પથી બધું હલવા માંડ્યું અને આકાશમાંથી શીલાઓ પડવા લાગી. ભારતમાં મોટા પુરની સ્થીતી ઉભી થઈ. અરેબીયામાં જ્વાળામુખી પર્વત ઉભો થઈ ગયો અને લાવા ઓકવા માંડ્યો. અને સ્વપ્ન પુરું. સાથે હું પણ જાગી ગયો.

ભવીષ્યમાં જ્યારે સ્વપ્ના આવશે ત્યારે ફરી ક્યારેક એ વીશે લખીશ. આપની ટીપ્પણી આવકાર્ય છે.

સુક્ષ્મ શરીર દીક્ષા

સુક્ષ્મ શરીર દીક્ષા - ભાવાનુવાદ : ચીરાગ પટેલ ઑક્ટોબર 14, 2008

(ચેતવણી: આપને આ વર્ણન અરુચીકર પણ લાગી શકે છે.)

આ શરીર ક્યારેક નાશ પામવાનું છે.
એને અહીં અને અત્યારે જ મરેલું જુઓ.
મારા બધાં જ પરીચીતો, મીત્રો અને સગાં આ મૃત શરીરને છેલ્લી વાર જોવા આવ્યાં છે.
તેમણે મારાં શરીરની ત્રણવાર પ્રદક્ષીણા કરી અને મારા આત્મા માટે પ્રાર્થના કરી, અને દરેકે મારા શરીર પર થોડું પાણી રેડ્યું.
શરીરને લાકડાની નનામી સાથે બાન્ધવામાં આવ્યું છે.
એક વ્યક્તી આગળ પાણીનું માટલું લઈને ચાલે છે; મારા નજીકનાં અને વ્હાલાં લોકો અંતીમયાત્રામાં છે, તેઓ ‘નારાયણ, નારાયણ’ એવો જાપ કરી રહ્યાં છે.
તેઓ એને ચીતાભુમી સુધી લઈ જાય છે, જ્યાં એક ચીતા એને સ્વીકારવા તૈયાર છે.
નનામીને ચીતાનાં લાકડાં પર મુકવામાં આવે છે, નનામીની દોરીઓ છોડવામાં આવે છે.
આપણે આ વીશ્વમાં નગ્ન શરીરે આવ્યાં હતાં, અને આપણે એમાંથી નગ્ન શરીરે જઈએ છીએ.
શરીરના દરેક છીદ્રો પર કપુર મુક્વામાં આવે છે, થોડું સુખડનું લાકડું, અને થોડાં નાનાં અને મોટાં લાકડાંનાં ટુકડાં છાતી પર મુકવામાં આવે છે.
કપુરને પ્રગટાવવામાં આવે છે.
બળતા કપુરની વાસ અનુભવો; ધુમાડો, કપુરની નાની આગ જુઓ; સુખડ બળવાની વાસ અનુભવો, લાકડાનાં નાના ટુકડાં બળતાં જુઓ, તણખાં ઉડતાં જુઓ; અને પછી મોટી આગ જુઓ.
પાણીનું માટલું લેનાર વ્યક્તી ચીતાની ત્રણવાર પ્રદક્ષીણા કરે છે, અને માટલું જમીન પર ફેંકી દે છે.
પાણીનું માટલું એ જીવનરસથી ભરપુર શરીરનું ઉદાહરણ છે.
માટલું તુટી જાય છે, એમાંથી પાણી બહાર આવે છે અને ધરતીને ભીંજવે છે.
માટીમાંથી ઉદભવેલ જીવન એમાં મળી જાય છે.
જેમ જેમ શરીર બળે છે, તેમ તેમ એની દરેક વસ્તુઓ જેમ કે, ભય, ધીક્કાર, લજ્જા, ઘૃણા, કુળ, જાતી, ધારણા, કુટુમ્બ, સમ્બન્ધ, એ બધું જ જ્યાંથી આવ્યું હતું ત્યાં ભળી ગયું.
હું આ બધું જ જોઈ રહ્યો છું.
તેથી, આશ્ચર્યજનક રીતે, મારું મૃત્યુ થઈ ના શકે.
ચૈતન્યનું મૃત્યુ કેવી રીતે થાય?
માત્ર શરીરને મૃત્યુ અને નાશ છે.
આપણે કપડાં બદલીએ એ રીતે શરીર બદલીએ છીએ.
દરમીયાન, ચીતા સમ્પુર્ણ શરીરને ભસ્મીભુત કરી દે છે.
માત્ર મુઠ્ઠીભર રાખ રહી જાય છે.
આ ભસ્મ શીવ પોતાના શરીર પર આભુષણોની જેમ લગાવે છે.
આ ભસ્મને શેની જરુર છે?
એને કોઈ ભય છે?
ઈચ્છા?
ક્રોધ કે વાસના કે લોભ કે ગર્વ કે ઈર્ષ્યા?
એ સારા-નરસાને જાણે છે?
સત્ય કે અસત્ય?
કાંઈ જ નહીં.
પરમ શાંતીની એ સ્થીતીનો 2-3 મીનીટ અનુભવ કરો.
દરમ્યાન, આકાશમાં ક્યાંકથી કાળાં ઘનઘોર વાદળો ઘેરાય છે.
સમગ્ર વાતાવરણ એકાએક ઠંડું બની જાય છે અને વર્ષા શરુ થતાં પહેલાંની ભીની લહેરખીઓ વાય છે.
સમગ્ર આકાશથી લઈને પૃથ્વીને અડતી વીજળીના ચમકારા સમાન દેવી પ્રકાશી રહી છે, અને જમીન પર વરસાદનાં ટીપાં પડવાં શરું થાય છે.
ટીપાંઓથી પૃથ્વી રોમાંચીત થઈ ઉઠે છે, અને વર્ષાથી ભીંજાતી માટીની સુગન્ધ પ્રસરી રહે છે.
ઠંડાં અમૃતસમાન વરસાદની દૈવી ધાર ભસ્મ પર પડવી શરુ થાય છે.
એ અમૃત હોવાને લીધે ભસ્મ નવો આકાર ધારણ કરે છે.
એ આકાર કેવા પ્રકારનો છે?
જાણે પરોઢીયે પુર્વ ક્ષીતીજે ઉગતાં સુર્યના લાલ ગોળા સમાન, ધીરે ધીરે ઉગતો, અને પ્રકાશીત કેસરી રંગમાં પરીવર્તીત થતો, પછી નીલા આકાશમાં અત્યંત તેજસ્વી ઉજ્જ્વળ પ્રકાશ સમ, પણ આશ્ચર્ય પમાડે એમ સ્વાભાવીક ઉષ્ણતા વગર.
એ મારા મસ્તીષ્કની ઉપર આવે છે, નીચે ઉતરે છે, મસ્તીષ્ક પર ઉજ્જ્વળ તેજસ્વી પ્રકાશનાં ગોળામાં પરીવર્તીત થાય છે.
એ ત્યાં થોડો સમય રહે છે, મારા મસ્તીષ્કમાં ઉતરે છે, અને મને મસ્તીષ્કમાં સફેદ પ્રકાશનાં ઠંડાં તેજસ્વી ફુવારાનો અનુભવ થાય છે.
એ મારા ગરદન નીચે જાય છે અને સરસ રીતે હ્રદયમાં સ્થીત થાય છે.
મારું હ્રદય આનન્દથી ઉભરાઈ જાય છે.
ત્યાં એ મઘધનુષના દરેક રંગોનાં બનેલાં પ્રકાશનાં લાખો તણખાં જન્માવે છે: જામ્બલી, નીલાં, વાદળી, લીલાં, પીળાં, નારંગી, રાતાં.
મારું સમગ્ર શરીર નખશીખ પ્રકાશમય બની જાય છે.
પ્રકાશનો ગોળો બે ભાગમાં છુટો પડે છે, દેવી અને શીવ બની જાય છે.
મારા હ્રદયકમળમાં શીવ પીઠનાં આધારે સુતાં છે, અને દેવી એમની ઉપર સાયુજ્યમાં બેઠી છે.
એમનાં સાયુજ્યનો રોમાંચ મારા સમગ્ર શરીરને ભરી દે છે.
સમ્ભોગના આનન્દથી જ સમગ્ર જીવસૃષ્ટી ઉત્પન્ન થાય છે, તે આ આનન્દ માટે જ જીવે છે, અને જ્યારે શરીર જીર્ણ થાય અને જીવન ટકાવી ના શકે, ત્યારે નવા શરીર માટે પુરાણું શરીર છોડી દે છે.
હવે મારું શરીર એના દરેક અણીયાળાં ભાગમાંથી દરેક રંગનાં તણખાં ઉત્સર્જી રહ્યું છે: અંગુઠાં, આંગળીઓ, સ્તન, આંખો.
જે કોઈ આ તણખાંનાં સમ્પર્કમાં આવે છે એ માનસીક શાંતી, ચૈતન્ય, શક્તી, આનન્દ, ધન, દરેક ઈચ્છાઓનાં શમન, દરેક સાથે મૈત્રી, કામનો આનન્દ, શરીર અને મનનાં દરેક રોગોથી મુક્ત - એમ દરેકથી તરબોળ થઈ જાય છે.