શક્તીપાત દીક્ષા

શક્તીપાત દીક્ષા - ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009

મેં અને પારુલે શક્તીપાત દીક્ષા લેવાનું ફેબ્રુઆરીમાં નક્કી કર્યું. એટલે મેં ધ્યાનયોગ કેન્દ્રનો સમ્પર્ક કર્યો અને ત્યાંથી તુલસી ગૉટફ્રેડ્સન સાથે સમ્પર્ક થયો. તેમણે મને દીક્ષા લેવા માટેની વીધી જણાવી અને આવેદનપત્રો મોકલ્યા. મારે અને પારુલે એ ભરીને મોકલવાના હતાં અને સાથે અમારો એક ફૉટો પણ મોકલવાનો હતો. સાથે જ દાનરુપે જે કંઈ આપવું હોય એ મોકલવાનું હતું.

શક્તીપાત એટલે ગુરુની આધ્યાત્મીક શક્તીનો શીષ્યમાં પ્રવેશ. એ માટે ગુરુની શારીરીક ઉપસ્થીતી હોય કે ના હોય, ગુરુના સન્કલ્પ માત્રથી શક્તીપાત થઈ શકે છે. શક્તીપાત એ કુન્ડલીની શક્તીનાં જાગરણનું કાર્ય કરતી કળ કે સ્વીચ છે. એમ કરવાથી શીષ્યની આધ્યાત્મીક પ્રગતી અકલ્પનીયરુપે ઝડપી બને છે, અને આ પ્રગતી દરેક જીવ માટે અન્તીમ લક્ષ્યરુપ જીવના શીવ-શક્તી સાથેના ઐક્યથી સમાપ્ત થાય છે. શક્તીપાતની અસર ત્રણ જન્મો સુધી રહે છે, અને એ યેનકેન પ્રકારેણ સાધકને અન્તીમ ધ્યેય સુધી પહોંચાડીને જ રહે છે. માર્ગમાં આવતાં વીઘ્નો દુર કરવા માટે ગણેશની પ્રાર્થના મદદરુપ બને છે.

મેં તુલસી સાથે અમુક ઈ-મેલની આપ-લે કરી અને તેમણે શક્તીપાત વીશેની અમુક શન્કાઓ દુર કરી. આખરે મેં જરુરી પત્રો અને ફૉટા સાથે દાનની રકમ ચેકથી મોકલી. હું સ્વામી વિવેકાનન્દને મારા ગુરુ તરીકે માનુ છુ. એટલે તેમણે અને ‘મા’ ભુવનેશ્વરીએ મારા માટે જે પથ નક્કી કર્યો હશે તે થઈને જ રહેશે, એમ માની આગળ વધવાનું નક્કી કર્યું. મેં આનન્દીમા અને બાપુજી - દીલીપજીને 11 જાન્યુઆરી, 2009ના રોજ નીકોરા ધ્યાનમન્દીરમાં પહેલ-વહેલી વાર જોયા હતાં. એ વર્ણન અગાઉના મારા ભારતપ્રવાસ વીશેના લેખોમાં જણાવી ગયો છું. આનન્દીમા વીશે “ચિત્રલેખા” સામયીકમાં લગભગ 2 વર્ષ પહેલાં મેં વાંચ્યું હતું. વળી, પારુલના નાના ભાભીનું મોસાળ નીકોરા ગામ હોવાથી મેં ધ્યાનમન્દીર વીશેનો લેખ ધ્યાનથી વાંચ્યો હતો. મને જાણે કે પુર્વતૈયારી કરવાની હોય એ રુપે દેવીપુરમ્ ના અમૃતાનન્દજી દ્વારા તૈયાર કરેલ શાસ્ત્રીયશુધ્ધ શ્રીયંત્ર લાભપાંચમને દીવસે નવેમ્બર 03, 2008ને સોમવારે મળ્યું હતું. વળી, ઑક્ટોબર, 2008માં અશ્વીન નવરાત્રીમાં પહેલવહેલી વાર અમે કુમારીકાભોજન અને નવચન્ડી હવન કર્યો હતો. આમ, જાણે ભાવીજીવનનો પાયો નંખાયો હોય એમ મેં ભારતમાં ઉતરતાવેંત જ નીકોરાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને ફેબ્રુઆરી, 2009માં એકાએક શક્તીપાત દીક્ષા લેવાનું નક્કી કર્યું. આનન્દીમાનું “ગુરુ મારી બેલડીને…” ભજન યુટ્યુબ પર પહેલવહેલી વાર સામ્ભળી-જોઈને તો હું મન્ત્રમુગ્ધ થઈ ગયો હતો.

એપ્રીલ 12, 2009 રવીવારના રોજ પારુલના જન્મદીને મેં તુલસી સાથે વાત કરી અને ધ્યાન દોર્યું કે મેં પત્રો મોકલી આપ્યા છે. એ જ વખતથી મને લાગતું હતું કે શુક્રવારે કંઈક આવવું જોઈએ. એપ્રીલ 15, 2009 બુધવારથી મારા આજ્ઞાચક્રના સ્થાને સતત એક દબાણનો અનુભવ થવો શરુ થયો. શુક્રવાર એપ્રીલ 17, 2009ને દીવસે સાન્જે ઘરે આવ્યો ત્યારે જાણ્યું કે ધ્યાનયોગ કેન્દ્ર તરફથી એક પૅકેટ આવ્યું છે. એ પૅકેટને સ્પર્શતાવાર જ આજ્ઞાચક્ર પર દબાણ વધવા લાગ્યું. એ પૅકેટ પર લખ્યા મુજબ એપ્રીલ 15, 2009ના રોજ એ મોકલવામાં આવ્યું હતું! મને તો ચટપટી વધી ગઈ અને સાન્જે જ દીક્ષા લેવાનું નક્કી કરી દીધું. ઝટપટ હું, અને પારુલ ન્હાઈને તૈયાર થઈ ગયા. અમારા કરતાં વૃન્દને પૅકેટનું કુતુહલ વધુ હતું. પૅકેટ ખોલ્યું અને વાંચ્યા બાદ સમજાયું કે તરત દીક્ષા લેવી શક્ય નથી. એ માટે અમુક પુર્વતૈયારી જરુરી હતી. એટલે રવીવારે એ વીધી કરવી નક્કી કર્યું. મને એ વખતે આખાં કપાળ પર કપુરનો લેપ થયો હોય એમ ખુબ જ ઠન્ડક લાગી અને બહુ જ આનન્દ વ્યાપી વળ્યો. હસવાનું મન પણ થઈ આવ્યું.

શનીવાર એપ્રીલ 18, 2009 અમે 12 ગુલાબના ફુલ, 2 નાળીયેર, 2 સફરજન અને સ્ટ્રૉબેરીની ખરીદી કરી. અમારી પાસે શુધ્ધ સુતરાઉ આસન હતાં અને પારુલનાં મમ્મીએ શુધ્ધ ઉનનાં બે નવા આસનો કાઢી આપ્યાં. બપોરે અમે જાયન્ટ નામના ગ્રૉસરી સ્ટોર(કરીયાણાંની દુકાન!!!)માં બધું લેતાં હતાં ત્યારે મેં તુલસીને ફોન કરીને રવીવારે સવારે 9 વાગ્યે દીક્ષા લેવાનો સમય જણાવ્યો. મને મનમાં હતું કે જો આનન્દીમા સાથે વાત થાય તો કેવું સારું! અને તુલસીએ મને ફોન હૉલ્ડ કરવા જણાવ્યું. સામેથી એક સૌમ્ય પુરુષસ્વર સમ્ભળાયો કે, “હું બાપુજી બોલું છું.” મને શું કહેવું ખબર ના પડી, પણ 3-4 સેકંડમાં હોશ સમ્ભાળીને મેં આશીર્વાદ માંગ્યાં. દીલીપજીએ કહ્યું કે, “મા સાથે વાત કરો.” એકદમ મૃદુ, સૌમ્ય, અણીશુધ્ધ સ્ત્રીસ્વર સમ્ભળાયો અને મેં આનન્દીમા પાસે આશીર્વાદ માંગ્યાં. પછી પારુલે પણ આનન્દીમા સાથે વાત કરી. ફોન મુક્યા બાદ પાછાં ફરતાં મને એકાએક સીન્દુરની સુગન્ધનો 2-3 સેકન્ડ માટે અનુભવ થયો. મેં એ જગ્યે પાછાં ફરીને જોવાનો પ્રયત્ન કર્યો કે, કોઈ વસ્તુમાંથી એ સુગન્ધ આવે છે કે શું. પણ, ફરી એ સુગન્ધી ના મળી! અમે કાઉન્ટર પર નાણાં ચુકવીને ગાડીમાં બેઠાં. ત્યાં પારુલ બોલી કે તેને સીન્દુરની સુગન્ધ આવે છે. અમને લાગ્યું કે કદાચ ગુલાબનાં ફુલોની એ સુગન્ધી છે. પારુલને ઘણાં સમય સુધી એ સુગન્ધ આવી. મને તો એ ફરી ના જણાઈ.

સન્ધ્યાપુજા વખતે મેં ધ્યાનયોગ તરફથી મળેલ ભુતશુધ્ધી મન્ત્રનું લેમીનેટેડ પૉસ્ટર પારુલને બતાવ્યું. એમાં બતાવેલ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનનું ચીત્ર જેવું જ આબેહુબ ચીત્ર મારી મમ્મીએ વડોદરાથી 2 અઠવાડીયા પહેલાં મોકલાવ્યું હતું. આજના દીવસમાં લસણ અને ડુન્ગળી અમારે લેવાનાં નહોતા અને 12થી 18 કલાકનો ઉપવાસ કરવાનો હતો. હા, થોડું દુધ, પાણે કે જ્યુસ લઈ શકાય.

રાત્રે મને સરખી ઉન્ઘ ના આવી અને પેટમાં થોડી બળતરા થવા માન્ડી. સવારે સાત પહેલાં ઉઠી ગયો અને દાંત સાફ કર્યા બાદ થોડું દુધ ગરમ કરીને પીધું. પારુલને કશું જ નહોતું લેવું. હું, પારુલ અને વૃન્દ પરવારી ગયાં. મેં વૃન્દને સુચના આપી કે કોઈ પ્રકારનો અવાજ ના કરે અને ફોન આવે તો કરનારને એક કલાક બાદ કરવાનું કહેવું. મેં ‘મા’ને પ્રાર્થના કરીને શક્તીપાત દીક્ષાની તૈયારી કરી. પારુલે સુચન કર્યું કે ફુલ કે ફળને કોઈ ઋતુમાં આવેલી છોકરી કે સ્ત્રી અડકી હોય એટલે શુધ્ધી કરવી. હું જો કે એમાં માનતો નથે પરન્તુ પારુલનું સુચન થયું અને ધ્યાનયોગ કેન્દ્ર તરફથી આવેલી ચોપડીમાં પણ આ વાત લખી હોવાથી, દરેક વસ્તુ અને વસ્ત્રો પર ગન્ગાજળ છાંટીને શુદ્ધીનો ભાવ કર્યો. ત્યારબાદ લગભગ નવ વાગ્યે અમે સુચન પ્રમાણે શક્તીપાતની દીક્ષા લીધી અને લગભગ અડધા કલાક જેવું ધ્યાન કર્યું. દીક્ષાની વીગતો જાહેર કરવી યોગ્ય કે અયોગ્ય એ નીર્ણય હું કરી શકું એમ ના હોવાથી જાહેર નથી કરતો. જો ભવીષ્યમાં એ વીશે નીર્દેશ મળશે તો જરુરથી જણાવીશ.

હા, ધ્યાન પુરું થયા બાદ મેં અને પારુલે જે અનુભવ્યું એ જરુરથી તમને જણાવું છું. સહુપ્રથમ પારુલનો અનુભવ જાણીએ. પારુલને જ્યારે જ્યારે હું મારા અનુભવો કે સ્વપ્નદર્શન જણાવતો ત્યારે તે હમ્મેશા મને કહેતી કે તેને જ કેમ કોઈ અનુભવ નથી થતાં. પણ, શક્તીપાત દીક્ષા બાદ તેણે જે અનુભવ્યુ તે જાણીએ. તેણે મને શનીવારે જ જણાવ્યું હતું કે, જો તેને કોઈ પણ અનુભવ ના થયા તો પણ તે ખાલી ખોટું નહીં જણાવે. આમ પણ પારુલ હમ્મેશા જે તેને સાચુ લાગ્યું કે અનુભવાયું હોય તે જ કહેતી હોય છે અને તે પણ શબ્દો ચોર્યા વગર! પારુલ કદી પણ પાંચ મીનીટથી વધુ ટટ્ટાર બેસી શકતી નથી. તેને ટેકાની જરુર પડતી જ હોય છે. આજે તે અડધો કલાક કોઈ પણ પ્રયાસ કે દુ:ખાવા વગર બેસી શકી. હા, તેને પગમાં ખાલી ચઢી ગઈ, પણ એ અસહનીય તો નહોતું જ. ધ્યાનમાં તેને ગરદનથી શરુ કરીને પેટના ભાગ સુધીની કરોડરજ્જુમાં ઠન્ડકનો અનુભવ થયો, જાણે કરોડરજ્જુમાં બરફીલું ઠન્ડુ પાણી ભરી દીધું હોય. આ ઠન્ડક તેનાં ફેફસામાં અને હ્રદયમાં પણ ફરી વળી. તેને માથું એકદમ ભારે લાગ્યું. ધ્યાન બાદ તેને ખુબ જ આરામ અને આનન્દનો અનુભવ થયો, તથા માથાનો દુ:ખાવો પણ ગાયબ થઈ ગયો. તેને શરીર ખુબ હળવું લાગ્યું, ખુબ સ્ફુર્તી અને મુક્તીનો અનુભવ થયો અને સારું લાગ્યું.

હવે, મારો અનુભવ જાણીએ. ધ્યાનમાં ટટ્ટાર બેઠાં બાદ મારુ માથુ સહેજ ઉંચુ થઈ ગયું. મને આજ્ઞાચક્ર અને નાકના અડધા ભાગ સુધીના પ્રદેશમાં ખુબ જ દબાણનો અનુભવ લગભગ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. મારું શરીર જાણે લોખન્ડનો બનેલો ગોળો હોય એવો અનુભવ થયો અને એ ગોળો જાણે જમીન સાથે બળપુર્વક ખોડાઈ રહ્યો હોય એવું લાગ્યું. મારા વજનદાર લોખન્ડી શરીરનો ભાર પણ મને અનુભવાયો. ધ્યાન દરમ્યાન અલપ-ઝલપ 1-2 સેકન્ડના અનેક દ્રશ્યો દેખાયાં. કોઈનો ચહેરો, સીંહની બાજુમાં બેઠો હોઉં અને સીંહનો જમણી બાજુનો ચહેરો અને ડોક દેખાય એવું દ્રશ્ય, એક નદી અને એના પર દુર દેખાતો પુલ, હું નદીના પુલની રેલીન્ગ પર ચાલતો હોઉં અને નીચે નદી દેખાતી હોય, વગેરે દ્રશ્યો મને દેખાયાં. મારા શરીરમાં કમર નીચે જાણે કશું જ ના હોય એવો અનુભવ સમગ્ર ધ્યાન દરમ્યાન રહ્યો. સમ્પુર્ણ ધ્યાન દરમ્યાન મોટે ભાગે એકાગ્રતા ટકી રહી.શ્વાસોચ્છવાસ ખુબ જ ધીમાં પડી ગયાં અને આંખો ઘણી જ અસ્થીર થવા લાગી.

અમે એ પણ અનુભવ્યું કે શનીવારે અનુભવેલી સીન્દુરની સુગન્ધ ગુલાબનાં ફુલોની નથી. વળી, જ્યારે પણ હું ધ્યાનયોગી મધુસુદનદાસજી અને આનન્દીમાનો ફૉટો જોઉં ત્યારે આજ્ઞાચક્ર પર દબાણ અનુભવું છું. ધ્યાનકેન્દ્ર તરફથી મળેલી માર્ગદર્શીકા મુજબના મને થયેલાં અનુભવોની સુચી બનાવું તો અત્યાર સુધી (શક્તીપાત દીક્ષા લેતાં પહેલાંના) થયેલા અનુભવો આ મુજબ છે:

- હું વર્ષોથી સ્વામી વિવેકાનન્દની રાજયોગ પુસ્તીકામાં કરેલા વર્ણન પ્રમાણે ધ્યાન કરું છુ.
- મને એકવાર સ્વપ્નમાં એક દાઢીધારી વૃધ્ધ સન્તના દર્શન થયાં હતાં. આ સન્તનો દેખાવ ધ્યાનયોગીજીને ઘણે અન્શે મળતો આવે છે.
- જાન્યુઆરી 13, 2009 મન્ગળવારે નારેશ્વરમાં ધ્યાનમાં દેખાયેલા સન્ત પણ દેખાવે ધ્યાનયોગીજીને મળતાં આવે છે.
- મને ઘણીવાર અન્ત:પ્રેરણા થતી હોય છે.
- જ્યારે ધ્યાન ગાઢ બને ત્યારે મને સતત ઘન્ટડીનો રણકાર સમ્ભળાય છે.
- લગભગ મહીનાથી હથેળીઓ અને પગનાં તળીયે જે તે અન્ગમાં તકલીફ હોય એના દબાણબીન્દુઓ એમનેમ જ દુ:ખી આવે છે. જાણે કોઈએ બહારથી દબાણ આપ્યાં વગર જ એ બીન્દુઓ દબાવી દીધાં હોય એવો અનુભવ થાય છે. એ દુ:ખાવો મટી જાય ત્યારે એને સબન્ધીત અન્ગમાં પણ સારું થતું હોય એવું લાગે છે.
- જ્યારે કોઈ શક્તી કે પ્રાણવાન સ્થળ કે વસ્તુનો સમ્પર્ક થાય ત્યારે આજ્ઞાચક્ર પર દબાણનો અનુભવ થાય છે.

અમારા નવા અનુભવો ભવીષ્યમાં જણાવતો રહીશ. પ્રણામ.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

નવા અનુભવ માટે હાર્દીક અભીનંદન .. આનાથી જીવનમાં અને અભીગમમાં શું ફેર આવ્યો તે પણ જણાવજે.

ભાઇ શ્રી ચિરાગ -તમારો શક્તિપાત્ દિક્ષાનો અનુભવ એ ખૂબ અંગત ગણાય.તમે આમ જાહેર કરો તે આનંદની વાત છે.પણ મને લાગે છે કે આમ કરવાથી તમને જે અંગત અનુભૂતિ -બળ મળ્યું હોય છે.તે ઓછું થઇ જાય છે. સાચા યોગી અને લોકોને કથા કરતા સાધુ તેવો તફાવત ગણી શકાય.
નારેશ્વર-દીવાબેટ વિ જગ્યાઓ થી હું પરિચીત છું.શ્રી રંગ અવધૂતનો દત્ત બાગ રાજપીપલામાં હતો.”નારેશ્વરવાળા મહારાજ”ને મેં ઘણીવાર જોયા છે.(સાંભળ્યા છે-સમજ્યા નથી.) હવે પછી ગરુડેશ્વર જવાનું સાખશો.શ્રી વાસુદેવાનન્દસરસ્વતિની સમાધિ છે-ખૂબ પવિત્ર સથળ છે-શાંતિ મળશે.નારેશ્વરમાં તમે તે લિમડો જોયો જે શ્રી રંગ અવધૂતની બેઠકની આજુબાજુ ઝુકીને ગુફાનું રૂપ આપ્યું છે,
હું ખૂબ ભૌતિક વસ્તુઓમાં માન નારો છું એટલે જ નાનપણથી કાશી કર્તાં અમેરિકાની વાટ પકડી. તમે આધ્યાત્મિક વ્યક્તિ છો-મને ઝી ટીવી પર સા-રે-ગ-મ-પા જોવાનો -બ્રોડવે પર નાટકો જોવાનો શોખ છે. એટલે તમારી વાતો મને બહુ સમજાતી નથી.
હા, થોડું ઘણું ફિઝીક્સ સમજાય છે.એટલે તમારી સ્ટ્રીંગ થિયરી સમ્જાઇ .
તમને વાંચતાં ,મને એક વાત કાયમ લાગે છે કે તમારે ગુજરાતીમાં ફિઝીક્સ લખ્વું જોઇએ- ગુજરાતી પર તમારું પ્રભૂત્વ બહુ સરસ છે.

- હરનીશ જાની

ચિરાગભાઈ,
જીવનમાં ઉચ્ચતમ ગતિ પ્રાપ્ત કરી દિક્ષાપાત્.. તે માટે ખૂબ ખૂબ અભિનંદન !!
હરનિશઅંકલે કહી તે વાત - આ અનુભવો અન્યને કહેવાથી ચેતનાશક્તિ આપણામાંથી ઓછી થઈ જાય તેવું મેં પણ સાંભળ્યું છે.
આવનારી ઘટનાઓ માટે કુદરતી સંકેત મળી જતા હોય તે પણ એટલું જ સાચું …

ABHINANDAN to both of you.

God Bless you both.

Regards

Digant

Great bhai bhabhi!

congratulations and best wishesh to both of you!

we also experienced something. r k mission ma chhella 10 diwas thi annual function chale chhe. mummy ane purnima ben roj jay chhe.

hu ane jigna kaale gaya. jigna ne joine swami ji ekdam bolya ” are aaje suraj paschim thi ugyo!! to bachi ne kya bhagish jigna! ” ” kaale tame 4 thi 6 maa avo! special vato karishu!”

pachhi ame bije diwase gaya! swami ji ne malya! swami ji jigna ne joie ne ekdam khush thayi gaya! jigna ne ena family wishe puchhyu! pachi jigna e mari job vishe emne kahyu!

pachhi swami ji sandhya aarti ma java ubha thaya! jigna ne ane mane prasad aapyo! jigna ekdam e samaye radi padi! swami ji e tarat ene bheti padya ane ena mathe hath ferav va mandya! ene 15-20 min sudhi pakdi rakhi ane vahal karya kare! pachhi jigna ne kahe” aaj thi apde banne friend! tare roj mari pase aavanu ane 28 mi sudhi roj mari sathe jamvanu! mummy ane kunal ne pan sathe jamvanu! ane maro mobile no rakh! roj rate tare mane gud nite kahine sui javanu! jigna ne jane evi rite prem karta hata ke emni chhokri hoy! ane amne banne ne bau badhi books ane CD aapi!

it was really a great experience! we both felt that we have a hand of pappa on us through swamiji!
-કુણાલ પટેલ

JIJU NICE ONE……………

SAMIR & SWEETU

આદરણીય હરનીશભાઈ,

મારા ફીઝીક્સનાં લખાણને આપે માણ્યું અને પ્રતીભાવ આપ્યો એ બદલ ખુબ ખુબ આભાર. જ્યારે કંઈક ઉભરી આવશે ત્યારે હું લખીશ અને તમને જણાવતો રહીશ.

હું મારી જાતને એક આધ્યાત્મીક વૈજ્ઞાનીક તરીકે ગણાવવું પસન્દ કરીશ. મને જે અનુભવ થાય એ તમારી બધાની સાથે વહેંચવું મને ગમે છે. વળી, મારી સામે શ્રીરામકૃષ્ણ પરમહંસનો આદર્શ છે કે જેમણે શબ્દો ચોર્યા વગર પોતાના દરેક અનુભવો તેમને મળનાર સાથે વહેંચ્યા હતાં. જો કદાચ આમ કરવાથી મારી શક્તી ઓછી થતી હોય તો પણ હું એમ કરવું જરુરી સમજું છું.

નારેશ્વરમાં લીમડો મેં જોયો હતો. હવે પછી જ્યારે ભારત જઉં ત્યારે ચોક્કસથી ગરુડેશ્વર જવાનું નક્કી કર્યું છે.

હરનીશભાઈ, સા-રે-ગ-મ કે બીજા રીયાલીટી શો અને ગુજરાતી નાટકોનો હું ‘ભુત’ છું. બ્રોડવે પર કદી ગયો નથી.

પ્રણામ,
ચીરાગ

Dear Chirag

I read you as must as my eyes permit me to read.

I congratulate you on the larges of your heart.

Love from
RATILAL CHANDARIA

અ દ ભૂ ત
હાર્દિક અભિનંદન
સામાન્યતયા અનુભવો ઘણા ઓછા વ્યક્ત કરે છે-કરી શકે છે કારણ કે તે અવર્ણિય હૉઈ અનુભૂતિમા આશ્ચર્ય મુદ્રામા મૌન થઈ જાય છે.વળી તે અંગેની પાત્રતા ન હોય તો ગૅરસમજ થવા સંભવ રહે છે.જો તે ભ્રમ હોય તો તેના જીવનમા સગુણાત્મક પરિવર્તન જણાતું નથી…
તમારામાં સત્યનો રણકાર છે વળી તમારા તે તરફ્ના કુદરતી વલણ પણ સહાયભુત રહ્યું છે.અમારી નમ્ર માન્યતા મુજબ આ શરુઆત છે અહી અટકવાનું નથી.
તમારી સિધ્ધીમાં આગળ્ વધો તેવી પ્રભુપ્રાર્થના

– પ્રજ્ઞા વ્યાસ

Dada,

Your question was somewhere in back of my mind. You asked me how this initiation of SHAKTIPAAT will help me grow in life.

Just a minute ago, I read a very beautiful sentence.

“Trees do not eat their own fruits, the lakes do not drink their own water. It
is for the welfare and good of others that saints (come down from heavens
and )take the human form”.

I have my extension to this.

“When this tree has nurtured well, it provides much better fruits. When this lake is maintained well, it gives pellucid water.”

So, spirituality is that nourishment or maintenance.

વહાલા ભાઈ ચીરાગ,

તમારો અનુભવ જોયો… આ પહેલાંય ઘણાના આવા અનુભવો વાંચ્યા છે..દરેકના જુદા, અને વળી તે વ્યક્તી સુધી જ સીમીત.. આપણે તો તે કહે તે માનવાનું ! તમને આમાં રસ હોય અને શ્રદ્ધા હોય તો પ્રેમથી આગળ વધો..તમારે માટે મારા દીલમાં આદર છે..

મને પોતાને તો આમાં જરાયે વીશ્વાસેય નથી તેથી શ્રદ્ધા તો હોય જ ક્યાંથી..!

હું એ માટે તમારી સાથે દલીલો ન કરું; કારણ કે મને ખ્યાલ છે કે, દલીલોથી કોઈ કોઈનો મત ફેરવી શકતું નથી..કોઈ ઉલટો સ્વાનુભવ થાય અને મત પલટાય એવું કદીક બને છે..

વળી, મને કોઈ અનુભવ ન હોય અને હું તમારી સામે દલીલે ચડું તેય તેટલું જ અયોગ્ય..
બરાબર ?.. મારી તમને શુભેચ્છાઓ…ઉ.મ..

અને ભાઈ ચીરાગ, મને આધ્યાત્મ અંગે પુસ્તકીયુ જ્ઞાન જ છે, પણ એવુ લાગે છે કે આવા અનુભવોની પ્રસીધ્ધીથી શું ફાયદો થવાનો? જે નથી માનતા એમને કોઈ ફરક નથી પડતો, જેમણે ઘણીજ સીધ્ધી મેળવી લીધી છે (જેમકે દલાઈ લામા?) એ આવી બાબતો થી પર થઈ ચુક્યા છે, અને જે લોકો આ બન્નેની વચ્ચે છે, એમની વાહ-વાહ મેળવવી - that defeats the point of making progress on spiritual journey…

-મેહુલ.

મને લાગ્યુ કે અનુભવ વહેંચવાથી જ એનુ પૃથક્કરણ કરવાના નવા અભીગમ જાણી
શકાય એમ છે. જેમ એક વૈજ્ઞાનીક પ્રયોગ કરીને પોતાના તારણોની બીજા સાથે
ચર્ચા કરે છે કે તારણો પ્રગટ કરે છે અને એની ખરાઈની કસોટી કરે છે; તેમ જ
હું માનુ છું કે આધ્યાત્મીક અનુભવો પણ કોઈ છુપાવી રાખવાની વસ્તુ નથી.
વળી, આ શક્તીપાત દીક્ષા વખતે આનન્દીમાએ લખેલા પત્રમાં આપેલા નીર્દેશ -
“પોતાના અનુભવો તમે મીત્રો, સમ્બન્ધીઓને જણાવી શકો છો” મુજબ મને લખવાનુ
ઈન્ધણ મળ્યું.

મારા અનુભવો “વાહ-વાહ” મેળવવા માટે તો નથી જ વહેંચ્યા. અનંત
આકાશગંગાઓમાંની એક મધ્યમ કદની આકાશગંગા નામે “દુધગંગા”માં આવેલા એક નાના
કદના “સુર્ય” નામના તારાના એક નાના-શા ગ્રહ પૃથ્વી પરના 8 અબજ મનુષોમાંનો
એક એવો હું વળી શું ગુમાન કરું? અનુભવો શું માત્ર એક ડૉક્યુમેંટ્રી કે
રોજનીશી તરીકે ના લખી શકાય?

વાહ કે આહ જે પણ મળે કે કાંઈ પણ ના મળે, મારો નીર્ધાર અડગ છે.

પ્રણામ,

ચીરાગ

મજાના અનુભવો છે.

આ પહેલાં પણ આની ચર્ચા બાબતે વાત થઈ હતી. પરંતુ એ ન કરવી એવુંય શા માટે ? ડાયરીની માફક સ્વાન્તઃ સુખાય લખાતું રહે તો કાંઈ ખોટું નથી જ.

જે લોકો આમાં માને છે તેમને તો ઉપયોગી થાય જ. આશા રાછું કે આ બન્નેનો આ આંતરીક પ્રવાસ આગળ વધતો જ રહે.

મને તો આ આખી પ્રક્રીયામાં પૈસાની વાતે એલર્જી થાય. પહેલાના સમયમાં તો ગુરુ ખુદ શીષ્યને શોધતા આવે, એનો સમય પાકી ગયો હોવાથી. એમાં કોઈ નાણાંકીય નીયમો ન હોય. પણ હવે તો સંસ્થાઓ ને એના વહીવટને માટે એ પણ જરુરી બનતું હોઈ સહજ ગણવું રહ્યું.

હું આ બાબતે નાસ્તીક નથી. મને વીવેકાનંદલખ્યા અનુભવો બહુ ગમ્યા છે. પણ જ્યાં સુધી પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી અભીપ્રાય આપવા માટે હું અચકાઉં. ગુરુની પ્રત્યક્ષ હાજરી આમાં આ બધુ કરવાનું હોય છે. આમાં તો ફોન અને પત્રોનોય ઉપયોગ કરી શકાયાનું જાણીને આનંદ.


- જુ.કાકા

ચીરાગ,

આ બાબત જ એવી છે કે એના વીશે લખવામાં અને પ્રચાર કરવામાં વીશેશ કાળજી રાખવી જરુરી છે. તુ જ કહે, નીચેની વર્તણુકો પરથી “વાહ વાહ” એવુ અર્થઘટન તો થવાનુ જ:

૧) પોતાના લખાણો / અનુભવોનો સતત પ્રચાર
૨) Blog hit statistics updates
૩) કોઈ એ ઈ-મેઈલ દ્વારા આપેલા પ્રતીભાવોને જાતે જ comments તરીકે મુકવા,
વીગેરે.

આ બાબત પાછળ તારો હેતુ શુધ્ધ હોઈ શકે, પરંતુ એ વીશે ગેરસમજણ થવાની પુરેપુરી સંભાવના છે - અને ખાસ કરીને આધ્યાત્મની બાબતમા વીશેશ કાળજી જરુરી છે. આધ્યાત્મની વાતો માં એક સરળતા, સહજતા અને રુજુતા ટપકે તો જ એ સાર્થક થાય, એવુ મારુ માનવુ છે, અને એવો મારો વાંચવાનો અનુભવ કહે છે.

અહીં જે ચર્ચા થઈ એમા જે તે સ્પશ્ટતા કરી એને જુદા જુદા સ્વરુપે જો મુકવામા આવે, તો લખાણોમાથી અનાયાસે ટપકતો અહંકાર અને એમાથી પેદા થતી ગેરસમજણોને નીવારી શકાય (અહીં “અહંકાર” ને વ્યાપક અર્થમા લીધેલો છે). શંકરાચાર્યે પણ નીર્વાણ-શશ્ટકમમા પહેલા પાંચ શ્લોકોમા “પોતે શું નથી” એ જણાવ્યુ, “અહં નીર્વીકલ્પો નીરાકાર રુપો” કહેતા પહેલાં… :-)

મને શ્રધ્ધા છે કે આ ચર્ચાથી તુ તારા અનુભવો પ્રસીધ્ધ કરવામા નીરુત્સાહી ના થાય..

-મેહુલ.

મહેરબાની કરી ને લખવાનુ ચાલુ રાખો.. મારા જેવા લોકો કે જે science અને religion વચ્ચે ગોથા ખાય છે એમના માટે તમારુ લખાણ ખુબ જ મદદરુપ નીવડે છે.

વિશાલ

ખુબ મજા આવિ ગઇ.મને ધ્યાન્-કુન્દ્લિનિ બાબતો મા રસ ે.મને નિકોરા ગામ ક્યા અવ્યુ તે જનાવ્સો.ફોન નમ્બર આપ્સો.મારે દિક્ષા લેવિ ચ્હે

આશ્રમનો નકશોઃ http://wikimapia.org/5376809/Anandima-Ashram-Nikora

ધ્યાનમન્દીર કબીરવડની સામે આવેલા ગામ નીકોરાની સીમમાં છે.

http://www.dyc.org - website
Contact Tulsi @ tulsi108@comcast.net for Shaktipaat or any other info.

Leave a comment

(required)

(required)