2009 ભારતયાત્રા 4
2009 ભારતયાત્રા 4 - ચીરાગ પટેલ ઍપ્રીલ 10, 2009
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 2
નારેશ્વર ગામથી ભરુચ તરફની દીશામાં નર્મદાના કીનારે લગભગ 3 કીલોમીટર દુર દીવાબેટ કે દીયાબેટ નામની જગ્યા છે.
અમે બે-ત્રણ વખત અલગ ઉમ્મરની વ્યક્તીઓને પુછતાં દીવાબેટ જવાના રસ્તે પહોંચ્યા. ત્યાં જવાનો રસ્તો કાચો હતો. થોડે દુર ગયા બાદ રસ્તા વચ્ચે પાણીનો વહેળો આવી જવાથી અમે કારને પાછળ મેદાનમાં પાર્ક કરવાનો વીચાર કર્યો. હજુ ખાસ્સુ ચાલવાનું હોવાથી મમ્મીએ કારમાં જ રોકાવાનું નક્કી કર્યું. મારો ભાઈ પણ કારમાં જ રોકાયો. એટ્લે હું તથા દીગંત ચાલતાં નીકળી પડ્યાં. અમને એવું જણાવવામાં આવ્યું કે ખેતરો વચ્ચેથી બહુ જલ્દી પહોંચી જવાશે.
થોડે-થોડે અંતરે પુછતાં અને પુછતાં નર પંડીત થતાં અમે દીવાબેટ નજીક પહોંચવા આવ્યાં. અમારી ચારે બાજુ દીવેલીયા, કપાસ અને ગુલાબનાં ખેતરો હતાં. અમારે ક્યાંક-ક્યાંક પાણીની નીકને વળોટીને જવા માટે થોડું કુદવું પણ પડતું હતું. લગભગ દરેક ખેતરમાં કોઈને કોઈ તો અમને કામ કરતું મળતું હતું, એટલે નસીબનાં બળીયા એવા અમે ભુલ્યાં વગર આગળ વધી રહ્યાં હતાં. અમે લગભગ નીચે જોઈને ચાલતાં હતાં. અહીં એક તો, અમુક ખેતરોમાં પાણી છોડ્યું હતું અને બીજું, કદાચ કોઈ સાપ કે બીજું કોઈ પ્રાણી અમારી અડફેટે ચઢી ના જાય એ ધ્યાન રાખવું પડે એમ હતું. એટલે અમે નીચે જોઈને ચાલતાં હતાં. એક ખેતરમાં માંચડાં પર બે ખેડુતો બેઠાં હતાં. અમારાથી ખાસ્સાં દુર હોવા છતા તે અમારી વાત સામ્ભળી ગયાં અને અમને આગળ વધવાનો ચોક્કસ રસ્તો બતાવી દીધો. મેં દોઢ ડહાપણ બતાવવાં “થેંક યુ” કહ્યું. તો સામેથી જવાબ મળ્યો - “મેન્શન નૉટ”! મેં દીગંતને પુછ્યું કે અહીં આવી જગ્યે તેણે આ જવાબની આશા રાખી હતી? અમને આશ્ચર્ય અને આનન્દ બન્નેની લાગણી થઈ. માર્ગમાં વચ્ચે નર્મદાનો સુકો પટ આવ્યો, જેને ઓળંગીને એક ટેકરી જેવી જગ્યે જવાનું હતું. ચોમાસામાં અહીં નદી વહેતી હશે એવું મને જણાયું અને એટલે જ કદાચ પેલી ટેકરી દીવાબેટ તરીકે ઓળખાતી હશે એમ લાગ્યું. અમે છેવટે દીવાબેટ પહોંચી ગયાં.
વાહ, અહીં તો ચારેબાજુ સુંદર વૃક્ષોનું અડાબીડ અને વચ્ચે એક મન્દીર જેવું સ્થળ હતું. વાતાવરણમાં પ્રગાઢ શીતળતા વ્યાપ્ત હતી. મન્દીરની બાજુની જગ્યામાં 3-4 મકાનો હતાં. અહીં બધે જ શાંતી, સાદગી અને પવીત્રતાનો અનુભવ થતો હતો. અમને એક બહેન અને એક ભાઈએ ઑફીસ જેવી જગ્યે આવીને નામ, સરનામુ અને સમ્પર્ક લખવા કહ્યું. એ બહેને અમને પટ્ટો, ઘડીયાળ, વૉલેટ, ફોન બધું ત્યાં મુકી દેવા કહ્યું, તથા બુટ-ચમ્પલ કાઢવાની જગ્યા બતાવી. મારાં વૉલેટમાં લગભગ દશ હજાર રુપીયા હતાં, પણ મને સ્થળ જોઈને કોઈ શંકા લાવવું ઉચીત ના લાગ્યું. અમે બધું મુકી દીધું. પછી એક ભાઈએ આવીને કહ્યું કે, અમારે ધોતીયું પહેરવું પડશે. હવે, અમારી પાસે તો ધોતીયું હોય નહીં એટલે અમે તેમને જ વ્યવસ્થા કરવા કહ્યું. તેમણે એક ઓરડીમાં જઈને બદલવા માટે બે ધોતીયાં આપ્યાં. ત્યાં અમે એક સુચના લખેલી જોઈ. એ મુજબ, પુરુષોએ ધોતીયું અને સ્ત્રીએ સાડી પહેરવી એવું સુચન હતું. અમે પેન્ટ કાઢીને ધોતીયાં પહેરી દીધાં. મને ધોતીયું પહેરવાની થીયરી ખબર હતી એટલે લગભગ સારી રીતે પહેરી શક્યો. એક આડવાત. મેં અમેરીકા પાછાં ફરતી વખતે પ્રેમજી અમ્બામાંથી એક સરસ ભગવા રંગનું પીતામ્બર ખરીદી લીધું. હવે તો હું અલગ-અલગ રીતે ધોતીયું સરસ પહેરી શકું છું.
દીવાબેટમાં દરેક પુરુષોએ ધોતીયાં પહેરેલાં હતાં તથા દરેક સ્ત્રીએ સફેદ સાડી પહેરેલી હતી. અહીં બધાં જ ખુલ્લાં પગે ફરતાં હતાં. આ સ્થળ એટલું વ્યવસ્થીત હતું કે ખુલ્લાં પગે ફરવાની ખરેખર મજા આવી ગઈ. એક આધેડ વયના ભાઈ અમને મન્દીરમાં લઈ ગયાં. ત્યાં એક ખન્ડમાં સતત 24 કલાક દત્તબાવનીના પાઠ થાય છે. મુખ્ય મન્દીરમાં રંગ અવધુતની મુર્તી છે. એની ઉપર તેમના ગુરુ વાસુદેવાનન્દસરસ્વતીની મુર્તી છે. અમારાં માર્ગદર્શક ભાઈએ અમને કહ્યું કે આ સ્થળ પર અવધુતના શીષ્ય રહે છે. અઠવાડીયે માત્ર એક જ વાર તેઓ બધાંને મળે છે, બાકીનો સમય તો તેઓ મૌનમાં અને સાધનામાં જ રત હોય છે અને કોઈને મળતા નથી. રંગ અવધુત વીશે વધુ માહીતી અહીં મળી શકશે: http://www.nareshvar.org/.
હું અને દીગંત બધું જોતાં હતાં. ત્યાં એકાએક મન્દીર તરફ ક્યાંકથી એક વયોવૃધ્ધ વ્યક્તી ઉતાવળે આવી પહોંચી. તે જ આ સ્થળના સંત હતાં. તેઓ લગભગ રંગ અવધુત જેવાં જ દેખાતાં હતાં. તેઓ શરીરે ભરાવદાર અને નીચી કાઠીના હતાં. તેમના માથે સમ્પુર્ણ સફેદ વાળ હતાં. તેમની દાઢી પણ શ્વેતકેશથી સજ્જ હતી. અમારા ભોમીયાભાઈએ જણાવ્યું કે એ જ બાપજી હતાં. અમે તેમને પ્રણામ કર્યાં. તેઓ અમને 10-15 સેકંડ જોતાં રહ્યાં. તે કદાચ થોડાં આશ્ચર્યમાં પડી ગયાં હોય એવું લાગ્યું. કશું જ બોલ્યા વગર, એકાએક જ તેઓ રીતસર દોડતાં પાછાં એમના ખંડમાં જતાં રહ્યાં. અમે બાદમાં 5-10 મીનીટ રોકાઈને ઑફીસે પાછાં ફર્યાં. ધોતીયું ઉતારીને અમે પેંટ ચઢાવ્યાં. ત્યારે અમે એક નાની છોકરી ઑફીસમાંથી નીકળીને બીજી તરફ જતી જોઈ. અમારા માર્ગદર્શક ભાઈએ જણાવ્યું કે એ અહીંના મુખ્ય વ્યવસ્થાપક બહેન હતાં. અમને ખુબ જ આશ્ચર્ય થયું. એ બહેન તો મને 12-13 વર્ષની છોકરી હોય એવાં લાગ્યાં હતાં.
અમે કાર પાર્ક કરેલા મેદાન તરફ જવા માટે હવે મુખ્ય રસ્તો લેવાનું નક્કી કર્યું. સાંજ ઢળવા આવી હતી એટલે ખેતરોનો રસ્તો લેવું થોડું અગવડભર્યું હતું. મુખ્ય રસ્તે અમે બહુ જ સહેલાઈથી મમ્મી અને કુણાલ હતાં એ જગ્યે પહોંચી ગયાં. રસ્તો થોડો લામ્બો હતો, પણ સહેલો હતો. જો વચ્ચે ખેતરોમાં પાણી છોડવામાં ના આવ્યું હોત તો કાર લઈને પણ અમે બધાં છેક મન્દીર સુધી જઈ શક્યાં હોત!
આમ, અમારો નારેશ્વર પ્રવાસ પુરો થયો. ભવીષ્યના જીવન માટેનો એક આદર્શ અને સાચી આધ્યાત્મીક્તાનું મને દીવાબેટમાં દર્શન થયું. રાત્રે લગભગ 9 વાગ્યે અમે વડોદરા પાછાં આવી ગયાં. રાત્રે જીજ્ઞા, શીતલ (દીગંતની પત્ની) અને ફોરમ (દીગંતની દીકરી) અમને જુના પાદરા રોડ પર પંખીવૃત્ત (બર્ડ સર્કલ) આગળ મળ્યાં અને અમે લારી પર મઝાનું તીબેટીયન ચાઈનીઝ ખાણું ઝાપટ્યું. મને હક્કા નુડલ્સ, મંચુરીયન ખાવાની મજા પડી ગઈ. પછીના દીવસે ઉતરાણ હોવાથી રસ્તા પર સખત ભીડ હતી. ત્યાં પતંગ અને ફીરકીનાં સ્ટૉલ પર હરાજીઓ ચાલતી હતી. વાહ, ભીડની પણ પોતાની મજા હોય છે!
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.


જાતે પ્રવાસ કર્યો હોય તેવી મજા આવી. દીવાબેટ અને દીવ એક જ?
તીબેટીયન ચાઈનીઝ ખાણું અને વડોદરામાં ? ચાઈનીઝ કરતાં એ શી રીતે જુદું પડે?