2009 ભારતયાત્રા 3
2009 ભારતયાત્રા 3
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 1
આજનો દીવસ મેં પહેલેથી નક્કી રાખ્યો હતો. મારે આ દીવસ માત્ર મારી જાત સાથે ગાળવો હતો! કદાચ અત્યાર સુધીના જીવનમાં મેં માત્ર અને માત્ર એકલતામાં મારી જાત સાથે સમય કાઢ્યો જ નહતો. આવો મહામુલો અવસર આજે મને પ્રાપ્ત થવાનો હતો (જો જો પાછા મારા આ વીચારની પારુલ આગળ ચાડી ના ખાતાં!!!)! મને નર્મદા નદીનાં કીનારાનો પ્રદેશ અને નર્મદાનાં પવીત્ર નીરનું અદમ્ય આકર્ષણ છે. આમ તો નર્મદા કીનારે બહુ ઓછું ફરેલો છું. પણ, જ્યારે ગયો છું ત્યારે જે અનુભુતી થાય છે એનું વર્ણન કરી શકું એમ નથી. છતાંય થોડો પ્રયત્ન કરીશ.
હું, કુણાલ (ભાઈ), મમ્મી અને દીગંત (મીત્ર) - ચાર જણાં નારેશ્વર જવા નીકળી પડ્યાં. રસ્તામાં નૅશનલ હાઈવે 8 પર કંડારી ગામ પાસે પોંક પાડનારાં બેઠાં હતાં. એક જગ્યે અમે રોકાયા અને 1 કીલોગ્રામ પોંકનો નીર્દેશ આપી દીધો. વાહ, લીલોછમ પોંક અને રતલામી ઝીણી-તીખી સેવ ખાવાનો જલસો પડી ગયો! અમે પાછા નારેશ્વરના રસ્તે ચઢી ગયા. કરજણ ગામે અમે હાઈવે પરથી અન્દરનો રસ્તો લીધો. લગભગ 10 વાગ્યે નારેશ્વરની સીધ્ધભુમી પર પહોંચી ગયા.
રંગ અવધુત આશ્રમના ચોગાનમાં ગાડી પાર્ક કરીને અમે નીકળી પડ્યાં. મેં એકલાએ નદી તરફ જમણા કીનારા તરફની વાટ પકડી. કુણાલ, દીગંત અને મમ્મી આશ્રમમાં રોકાયા. નર્મદાનાં દર્શન કરીને ખુબ આનન્દ થયો. હું જમણી તરફ નજીક એક વડ તરફની જગ્યા જોઈને એ બાજુ ગયો. મેં ત્યાં એક અલગારી સાધુને જોયા અને એ ફક્કડ ગીરધારી સાધુ પોતાની મસ્તીમાં ત્યાં બેઠો હતો. હું થોડો આગળ ગયો અને વડ નીચે બેસવા ગયો ત્યાં જ માતાજીની છબી દેખાઈ. કોઈએ પુજા કરીને એ છબી એમ જ મુકી રાખી હશે! મેં મનોમન વંદન કર્યાં અને બેઠો. નજીકમાં બહુ જ શોરબકોર થતો હતો. કદાચ થોડાંક છોકરાંઓનું એક વૃન્દ ઉજાણી માટે નારેશ્વરનાં નર્મદા કીનારે આવ્યું હતું (?). હું શહેરના કોલાહલને છોડીને તો અહીં આવ્યો હતો અને છતાંય એ કોલાહલ તો અહીં પણ મળી ગયો. એટલે મને અસુખ લાગ્યું અને મેં થોડાં અંતરીયાળ વીસ્તારમાં જવાનું નક્કી કર્યું.
જમણી બાજુ ચાલતો ચાલતો લગભગ એકાદ કીલોમીટર સુધી પહોંચી ગયો અને લાગ્યું કે હવે શાંત જગ્યા મળી. એક ઝાડ જોઈને હું એની છાયામાં બેઠો. લગભગ બે કલાક જાત સાથે સંવાદનો સેતુ સાધ્યો. ફરી એકાદ કલાક બધું અવલોકન કરતો બેઠો. નર્મદાનું મધુરું પાણી, મઝાનો કીનારો, સામે દેખાતાં ખેતરો, ચરતી ભેંસો. વાહ, સરસ વાતાવરણ! પણ, આ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન અશાંતી ખુબ હતી. આટલી સરસ મઝાની જગ્યા પર વ્યાપારીવૃત્તી અને કોલાહલનું વરવું પ્રદર્શન જોઈને ગ્લાની વ્યાપી ગઈ! રંગ અવધુત ગયા અને નારેશ્વરની પવીત્રતા ગઈ એવું મને લાગ્યું.
એ જગ્યેથી થોડો આગળ વધ્યો અને રસ્તામાં મરેલા સાપનું શબ અથડાતાં રહી ગયું! આગળ જતાં જોયું તો ત્યાં ટ્રકની અવર-જવર હતી!!! જય દત્તાત્રેય, જય રંગ અવધુત, જય નર્મદામૈયા, જય નારેશ્વર!
હું પાછો ફર્યો અને કીનારે દેખાતી ઝુંપડીનુમા દુકાનોમાંથી એક દુકાને બેઠો. હું ખાટલા પર બેઠો. ત્યાં સરસ મઝાનો કંતાનનો મંડપ બાંધેલો હતો. ત્યાં ચાની લારી ચલાવતાં એક ભાઈ અને બહેન બેઠાં હતાં. મેં એમની સાથે વાતચીત શરુ કરી. બન્ને ખુબ જ ગરીબ લાગતાં હતાં, પણ બહુ જ સ્વમાની અને પ્રામાણીક લાગ્યાં. તે બીચારાં પૈસાનાં અભાવે છોકરાંઓને ભણાવી નહોતા શકતાં એનું દુઃખ સ્પષ્ટ ઝળકતું હતું. મેં તેમને ચા બનાવવા કહ્યું અને મજ્જેની ચા પીધી. મેં એમને વધુ પૈસા આપ્યાં અને છોકરાંઓ માટે ચોપડીઓ લાવવાની સુચના આપી. એ ભાઈ મને કહે કે, “ભાઈ, હું તમને ક્યારનો જોતો હતો. મને લાગ્યું કે આ કોઈ બહુ શાંત અને અલગ વ્યક્તી લાગે છે. મને ગમ્યું.” એટલે પછી મેં મને જે લાગ્યું એ કહ્યું. એ ભાઈએ મને કહ્યું કે, “જો તમારે શાંત અને પવીત્ર વાતાવરણ જોઈતું હોય તો દીવાબેટ જાઓ. ત્યાં રંગ અવધુતના એક શીષ્ય રહે છે.”
હું રંગ અવધુત આશ્રમ પાછો ફર્યો. આશ્રમમાં અવધુતની મુર્તી આગળની જગ્યામાં ધ્યાનમાં બેઠો. પાછળ રુકમાની મુર્તી! લગભગ 25 મીનીટ ધ્યાનમાં બેઠો. ચીરપરીચીત વર્તુળ પાછું આજ્ઞાચક્રમાં દેખાવા લાગ્યું. એ દરમ્યાન એક ભવ્ય દાઢીધારી મુર્તી અલપઝલપ દેખાઈ. ખુબ જ શાંતી લાગી.
પછી આશ્રમમાં બધે ફર્યો. એટલામાં મમ્મી, કુણાલ અને દીગંત આવ્યાં. પછી અમે ત્યાંની દુકાનમાં બે ઑડીયો સીડી ખરીદી. ત્યાં ઑફીસમાં સુભાનપુરા-વડોદરાના એક કાકા સાથે પરીચય થયો. થોડીવાર બાદ દીવાબેટ જવા નીકળ્યાં.
આગળનું વર્ણન હવે પછીનાં હપ્તે! ફૉટાઓ જુઓ: http://public.fotki.com/chipmap
- ચીરાગ પટેલ માર્ચ 15, 2009
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

વાંચવાની મજા આવી.
જો કે, એકલા પોતાની સાથે જ સમ્ય ગાલવો હોય , તો અહીં ઓછી વસ્તીના કારણે ઘણી જગ્યાઓ મળી જાય. ભારતની હોય કે અમેરીકાની - પરમ તત્વ તો બધે એક જ છે ને ?
પ્રેક્ષાધ્યાનની તાલીમ લેતાં મેં અમારા ઘરમાં જ બધાં સુતાં હતાં ત્યારે ડ્રોઈંગ રુમમાં જ આ માટે પ્રયત્ન કર્યો હતો અને સાવ અલગ જ અનુભુતી થઈ હતી.