પુરાણવિવેચન

પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી)

[સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.]

પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં કહીં અયોગ્ય પણ વાતો આવે છે - એ બધાથી કરીને, પુરાણો ખોટાં છે, સ્વાર્થી બ્રાહ્મણોનાં રચેલાં છે, ધર્મસ્વરૂપ એવું હોય જ નહિ ઇત્યાદિ આપણે બોલીએ છીએ; પણ આપણે જે વિવેક કરી ગયા, તેટલાથી જાણવું સહજ છે, કે એ પુરાણો કોઈએ જાણી જોઈને ખોટું સમજાવવા રચ્યાં નથી. એ જેવાં રચાયાં છે, તેવાં જ રચાવાની આવશ્યકતા હતી. એ આવશ્યકતાને અનુસરીને, પ્રાચીન ધર્મની વાત ઉચ્છેદ ન પામતાં સ્થિર થઈ સમજનારને કાળાંતરે પણ સમજાય, એવી રચના કરવામાં ઋષિઓએ પરમાર્થબુધ્ધિથી જ સયુક્તિક વ્યવસ્થા કરી છે. અમે તો એટલે સુધી પણ માનીએ છીએ, ને સિધ્ધ કરી બતાવીશું કે પુરાણોમાં જે સ્થૂલ અતિશયોક્તિ અને રૂપક રચ્યાં છે, તે જાણી જોઈને જ તેવે રૂપે રચ્યાં છે, કે તે તે વાતના અસમ્ભવિતપણા ઉપરથી બુધ્ધિમાન માણસો તેને અક્ષરશઃ સત્ય ન માનતાં તરત તેમનું રહસ્ય વિચારવા માંડે અને પરમાર્થરૂપ સત્ય સમજી જાય; પણ બધા લોકો આવા બુધ્ધિમાન હોતા નથી ને હોય નહિ; તથા વિશેષે કરીને પુરાણકાળની અવ્યવસ્થાના સમયમાં તો થોડા જ હશે. એટલે કે જેમ એક પાસાથી સંસ્કારવાનને માટે પુરાણોની અસંગત ભવ્ય કલ્પનાઓમાં પણ સત્ય માર્ગ સૂચવી દીધો છે, તેમ તે જ અસંગતિવાળાં રૂપકાદિથી પ્રાકૃત લોકની બુધ્ધિને ભક્તિભાવ બતાવી ધર્મભ્રષ્ટ થતાં અટકાવવાની સબલ શૃંખલા પણ બાંધી દીધી છે.

આ પ્રમાણે જોતાં પુરાણ રચનારની સ્વાર્થપરાયણતા કરતાં નિઃસીમ પરમાર્થતા જ રહેલી સમજાય છે. અજ્ઞાનરૂપ સ્વલ્પ દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે અને આર્ય-બુધ્ધિનું આર્યત્વ પ્રતિપાદિત થાય છે. જો એ જ પુરાણો વચમાં આવ્યાં ન હોત, તો આજ આપણે યવન હોત, મુસલમાન હોત, ફિરંગી હોત કે અંગ્રજ હોત, એમાંનું કાંઈ કહી શકાતું નથી - પણ કોઈને કોઈ રીતે આપણે અધમતાને પામ્યા હોત. અંગ્રેજ, ફિરંગી, મુસલમાન કે યવન, એ નામમાં કાંઈ આભડછેટ ભરાઈ બેઠી નથી; પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ગમે તેવી દીનતા તથા હીનતાએ પહોંચ્યા છતાં પણ ધર્મપરાયણતારૂપ મહાનિયમ અને તેનાં ફળ આપણે જે સાચવી રહ્યા છીએ, તે સચવાયાં ન હોત.

જે જે પ્રજા પોતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વીસરી જઈ પોતાની દીનતા સ્વીકારતી ચાલે છે, તે તે પ્રજા નિરંતર અધોગતિને પામતી જાય છે, એવું ઈતિહાસમાં અનેક દ્રષ્ટાંતોથી સિધ્ધ થાય છે. આવાં સર્વ અનિષ્ટ પરિણામથી ઉગારનાર પુરાણો છે, ભક્તિપ્રધાન વહેમરૂપ ધર્મ તે જ આપણો ત્રાતા છે. પુરાણમાત્રના પ્રણેતા વ્યાસ મુનિને નારદે ખરું જ કહ્યું છે, કે તેમણે ભગવદગુણ ગાયા નથી, માટે જ તેમના આત્માને સંતોષ થતો નથી - અર્થાત પુરાણપ્રતિપાદિત ધર્મની એવી ગૂઢ મહ્ત્તા છે, કે તે જ ધર્મ જેમ આર્યત્વનો ત્રાતા છે, તેમ પરમસત્યનો બોધક છે અને એ રીતે પરમ મોક્ષરૂપ છે.

ભક્તિ અને જ્ઞાન, ઉભય એક જ છે. આ એકતા પુરાણોમાં સ્પષ્ટ સમજાય છે ને તેને જ લીધે પુરાણોની ગૂઢ મહત્તા સિધ્ધ થાય છે. પછી સંપ્રદાયને વળગીને કોઈ ભક્તિમાત્રનું જ જ્ઞાન ઉપર પ્રધાનપણું બતાવે તો ભલે. ભક્તિ અને જ્ઞાન જુદાં પડી શકતાં જ નથી, જ્ઞાન વિના ભક્તિ અંધ રહે છે. ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે, પાંગળું રહે છે. જે જાણવું તે જ ભજવું. જાણ્યા વિના ભજાય નહિ ને ભજ્યા વિના જાણ્યું કહેવાય નહિ. વેદાંતનું જે અપરોક્ષ જ્ઞાન તે જ ભક્તિ છે. ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરભક્તિ તે જ અપરોક્ષ જ્ઞાન છે. જ્ઞાન તે ભક્તિ ને ભક્તિ તે જ જ્ઞાન - એ જ અપરોક્ષ કૈવલ્ય. શ્રીગીતાજીમાં પણ એ જ કહ્યું છે, કે ‘સાંખ્ય-જ્ઞાન અને યોગ-કર્મ, ભક્તિ ઇત્યાદિ-ને એકરૂપ જાણનાર જ જાણે છે.’ શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે, કે ‘આત્મારૂપ મુનિઓ જે કર્મ-ગ્રંથિથી મુક્ત છે, તે પણ પરમ પુરુષની કેવળ અહેતુકી ભક્તિ આદરે છે.’ આમ ભક્તિજ્ઞાનનાં એકતાપરાયણ પુરાણો સર્વથા સાર્થક છે, ઉપયુક્ત છે ને ધર્મવ્રત આર્યોને સર્વ પ્રકારે પૂજ્ય છે.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

પુરાણોને ધાર્મીક ગ્રંથ તરીકે જોવાને બદલે એક સાહીત્યીક દ્રષ્ટીથી મુલવવામા આવે તો વધુ સારી રીતે માણી શકાય. પુરાણોને mythological દ્રષ્ટીકોણથી જોવામા વધુ આનંદ છે (similar to Greek mythologies).

સાચી વાત ..
સાર ગ્રહણ કરવો જોઈએ.

Leave a comment

(required)

(required)