નવું સરનામુ
આ બ્લૉગની બધી પૉસ્ટ હવે નવે ઠેકાણે: http://rutmandal.info/guj/
રાજયોગ અંગ ૧ - યમ
રાજયોગ અંગ ૧ - ચિરાગ પટેલ જુન ૧૨, ૨૦૧૦
પતંજલિ ઋષિનાં અષ્ટાંગ યોગથી કોણ પરિચિત નહિ હોય? પતંજલિ યોગસૂત્રમાં અલગ - અલગ પદોમાં સમાયેલા આ નિર્દેશોનું દુનિયાભરમાં આજે તો અનુકરણ કરનારા બહુ લોકો છે. ઘણા વિદ્વાનોએ એના પર સરસ વિવેચન પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદનું “સરળ રાજયોગ” પુસ્તક અષ્ટાંગ યોગ પર આધારિત છે. આપણા મુખ્ય દરેક ધર્મ કે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો અને રાજયોગના નિર્દેશોમાં ઘણું જ સામ્ય છે. રાજયોગ કે અષ્ટાંગ યોગ (જેને અષ્ટાંગ વિન્યાસ યોગ પણ કહે છે)નાં આઠ અંગ પ્રમાણે ક્રમે ક્રમે વધતા જઈને મનુષ્ય પરબ્રહ્મને પામી શકે છે. દરેક અંગ એકપછી એક સિદ્ધ કરી શકાય કે એકસાથે એકથી વધુ અંગોનો પણ અભ્યાસ કરી શકાય. આ લેખમાળા માટે માનનીય રાજેશભાઈ પડાયાનું સૂચન હતું. તેમને સરળ રાજયોગની મારી ભૂતપૂર્વ લેખમાળા પરથી આ સૂચન કર્યું હતું. એ જૂની લેખમાળા અહી વાંચી શકો છો: http://rutmandal.info/parimiti/2007/09/08/ અને http://rutmandal.info/parimiti/2007/09/09/
આજે પહેલા અંગ “યમ”ની છણાવટ કરીશું. યમનો રાજયોગમાં જે અર્થ લીધો હોઈ શકે એમ હું માનું છું એ મુજબ જે મનથી સિદ્ધ થઇ શકે એવું નિવૃત્તિનું લક્ષણ એ યમ છે. વળી, જે જેવી રીતે થઇ શકે એ યમ છે. કોઈ પણ ધર્મનો પાયો “યમ”નાં અંગ પર રચાયેલો બહુ સહેલાઈથી અનુભવી શકાય એમ છે. યમમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એવા પાંચ નિગ્રહોનો સમાવેશ થાય છે.
સત્યમેવ જયતે - આ સૂત્રથી ભારતનો બચ્ચેબચ્ચો પરિચિત છે. પણ, એનું પાલન ભાગ્યે જ કોઈ કરતુ હોય છે. સત્ય હંમેશા વિજયી નીવડે છે. સત્ય એટલે આચાર અને વિચારથી જેવી હકીકત હોય એવી જ રજુ કરવી. ના તો એમાં કશું ઉમેરવું કે ના તો કશું એમાંથી બાદ કરવું. આટલી સીધીસાદી વાત છે છતાં એનું પાલન કેટલું અઘરું છે! કળિયુગમાં સત્યનું તપ સહુથી શ્રેષ્ઠ કહ્યું છે. આજે આપણે જે રીતે ડગલેને પગલે અસત્યનો પક્ષ લઈએ છીએ એ જોઇને સાચે જ લાગે છે કે સત્યનું તપ સહુથી શ્રેષ્ઠ છે. આપણે પહેલા પગથિયે જ ગબડી પડીએ છીએ. વિદ્વાનો એવું પણ કહી ગયા છે કે, સત્ય બોલો અને પ્રિય બોલો. ઘણીવાર આ બંને ઉપવિધાનો પરસ્પર વિરોધી થતા જોવા મળે છે. એ માટે આપણને એવું સમજાવવામાં આવે છે કે જે સત્ય બોલવાથી કોઈની હાનિ ના થતી હોય તેવું સત્ય બોલવું, તેમ જ, જે અસત્ય કોઈની હાનિ થતી અટકાવે એ સત્ય વિરોધી નથી. અંગત રીતે હું માનું છું કે, જે સત્ય છે એના કદી વિકલ્પ ના હોય. જે સત્ય છે એ સત્ય જ છે, પૂરેપૂરું અને સંપૂર્ણ સત્ય. એમાં કોઈ પણ અવકાશ રહેતો નથી. દરેક સત્ય કોઈની હાનિ સાથે સંકળાયેલું હોય છે અને દરેક અસત્ય કોઈની હાનિ અટકાવતું જ હોય છે. એટલે, સત્યપાલન કરવું જરૂરી છે. આજના યુગમાં કોઈ સંપૂર્ણ સત્યપાલન કરી શકે એ અશક્ય લાગે છે. જો કરે તો, પ્રભુ હાથવેંતમાં છે!
ભારતીયો માટે સત્ય અને અહિંસા શબ્દો સાથે ગાંધીબાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજીએ અહિંસાત્મક પ્રતિકાર પર અનન્યપણે ભાર મુક્યો હતો. અહિંસા શબ્દ ઘણો છેતરામણો છે. આપણે ડગલેને પગલે હિન્સાભર્યા કર્મોનો ગુણાકાર કરતા રહીએ છીએ. અરે, શ્વાસ લેવા જેવી સ્વાભાવિક પ્રક્રિયા પણ હિંસાથી ભરપુર છે. તો અહિંસા જેવા યમના અંગ દ્વારા ઋષિ શું કહેવા માગે છે? જડ કે ચેતન પદાર્થ કે જીવની બિનજરૂરી હાનિ કરવાથી બચવું એ જ અહિંસા ગણી શકાય. હવે વ્યક્તિએ વ્યક્તિએ અને પરિસ્થિતિ પ્રમાણે આ “બિનજરૂરી હાનિ”નો અર્થ ચોક્કસપણે બદલાયા કરતો હોય છે.
અસ્તેય એટલે ચોરી ના કરવી એ. હવે, ચોરી કરવી એટલે કોઈનું બિનઅધિકૃતપણે લઇ લેવું એમ કહી શકાય. આજે તો ધોળી ટોપીઓ અને સરકારી અમલદારો પુરેપુરા “સ્તેય”માં માને છે. પ્રજા પણ સરકારી સંપત્તિનો વ્યય કરવામાં માનતી થઇ ગઈ છે. આપણે જરુરિયાત વગર વૃક્ષના પાંદડા પણ ના તોડવા જોઈએ. અરે, વણજોઈતી પ્રાકૃતિક સંપદા પણ વાપરવી ના જોઈએ. અસ્તેયના વ્રતનું પાલન “ગો ગ્રીન” ચળવળમાં કેવો ક્રાંતિકારી ફાળો આપી શકે!
અપરિગ્રહ એટલે કોઈનું દાન ન લેવું, જરૂરીયાત કરતા વધુ સંપત્તિ ન રાખવી અને કોઈ પણ પ્રકારના મોહનો ત્યાગ. વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ જો દાનનો અસ્વીકાર કરે તો તેનું ગૌરવ જળવાય છે અને દાન આપનારની શેહમાં ક્યારેય પણ આવવું પડતું નથી. દાન લેનાર સાચે જ પરિસ્થિતિ અને સમયને આધીન થઇ દાનીને પરાધીન થતો હોય છે. વળી, દાની પણ પોતાનો અહં આ રીતે વધારતો હોય છે. વોરેન બફેટ કે બિલ ગેટ્સ જેવા સૌથી વધુ સંપત્તિવાન વ્યક્તિઓ પોતાની અધિકતર સંપતિને માનવસેવા માટે વાપરે છે. એ જ પ્રમાણે, મધ્યમવર્ગી વ્યક્તિઓ પણ પોતાને જરૂર ના હોય એવી સંપત્તિનું સેવા નિમિત્તે જે-તે સંસ્થાને દાન કરી શકે છે. આ દાન ખાનગી રાહે થવું જરૂરી છે, નહીતર જાહેરાત તો અહંકારને વધારનારી જ થઇ પડે. મોહ એટલે જે-તે પદાર્થ કે પ્રાણી પ્રત્યે લાગણીનું અધિક માત્રામાં હોવું એ. આવી વધુ પડતી લાગણી આપણા મોહના પાત્રને નુકશાનકર્તા નીવડતી હોય છે. આ બધી બાબતોથી બચવુ જરૂરી છે.
બ્રહ્મચર્ય પર તો પુસ્તકો ભરાય એટલું લખી શકાય છતાં એનો અંત ના આવે! બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો પરનો સંયમ કેળવીને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી. અહી “ઇન્દ્રિય નિગ્રહ” એવો અર્થ નથી કરવામાં આવ્યો પણ “ઇન્દ્રિય સંયમ” એવો અર્થ છે. આ અર્થ મેં “ભગવતી ભાગવત” પુરાણમાં કરવામાં આવેલ બ્રહ્મચર્ય વ્રતના નિર્દેશો પરથી લીધો છે. બસ, આથી વધુ બ્રહ્મચર્ય બાબતે કહેવાની ઈચ્છા નથી થતી!
યમના આ પાંચ પદનું ચુસ્ત પાલન કોઈ પણ વ્યક્તિને પરમાત્માના પ્રકાશને ઝીલવા સક્ષમ બનાવે છે. સાચે જ, મનુષ્યના કોઈ પણ ધર્મ કે સમાજના વિકાસ માટે આ પદ અત્યંત મહત્વના છે.
સર્જકો સાથે સાંજ 2010
સર્જકો સાથે સાંજ 2010 - ચિરાગ પટેલ જુન 09, 2010
ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક સર્જક કૃતિ રજુ કરે પછી શ્રીચિનુ મોદીએ એ કૃતિનું વિવેચન કર્યું હતું. મારા જેવા કવિતાના બાલમન્દિરીયા માટે તો આ ઘણી જ અમૂલ્ય ઘટના અને તક હતી. મને સમગ્ર કાર્યક્રમનું વિડીઓ શૂટિંગ કરવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. (આ વખતે કૅમની મેમરી ખૂટી ના પડે એનું ધ્યાન રાખ્યું હતું.)
આ કાર્યક્રમમાં આદરણીય શ્રી મધુ રાય સહિત 100 ઉપરાંત સાહિત્ય રસિકો ઉપસ્થિત હતાં. કાર્યક્રમના પૂર્વાર્ધનું સંચાલન આદરણીય શ્રી હરનિશ જાનીએ તેમની હળવી શૈલિમાં કર્યું હતું. ઉત્તરાર્ધ સમગ્રપણે શ્રી ચિનુ મોદીનો હતો. તેમણે બધાંને જલસો કરાવી દીધો. એકેડમીના પ્રમુખ આદરણીય શ્રી રામ ગઢવીએ પ્રસ્તાવના અને આભારવિધિ કર્યાં હતાં તથા ભાવિ કાર્યક્રમની ઝલક આપી હતી.
સમગ્ર કાર્યક્રમના વિડીઓ મેં રજૂઆતના સમય પ્રમાણે ક્રમાનુસાર ગોઠવીને નીચે પ્રમાણે લીંક મુકી છે. લીંક પર ક્લીક કરવાથી નવા વિન્ડોમાં ખૂલશે.
1) પ્રારમ્ભિક ઓળખવિધિ, સત્કાર શ્રી રામ ગઢવી દ્વારા:
– http://www.youtube.com/watch?v=GdozNE-su9c
2) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=A4fqCnUN_2o
3) શ્રી જગદિશ ક્રીશ્ચીયન:
– http://www.youtube.com/watch?v=b7FlDWFp3js
4) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=4fK4ULDFz60
5) શ્રીમતિ રચના ઉપાધ્યાય:
– http://www.youtube.com/watch?v=7rmwdD1XloA
6) ચિરાગ પટેલ:
– http://www.youtube.com/watch?v=aMfwmGSadvE
7) શ્રીમતિ હંસા જાની:
– http://www.youtube.com/watch?v=W3uIvZymXDo
8 ) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=ZnfJzrvu4P8
9) શ્રી પ્રવિણ પટેલ “શશી”:
– http://www.youtube.com/watch?v=aoznKT66yLQ
10) શ્રી ચન્દ્રકાંત દેસાઈ:
– http://www.youtube.com/watch?v=ncM_3Ya5xts
11) શ્રી હરનિશ જાની:
– 1 - http://www.youtube.com/watch?v=6Ty4oqlvAVM
– 2 - http://www.youtube.com/watch?v=v37zaLEK-Bs
12) શ્રી વિરાફ કાપડિયા:
– http://www.youtube.com/watch?v=PVgF7MSVKnY
13) શ્રી રોહિત પંડ્યા:
– 1 - http://www.youtube.com/watch?v=R36nOx2dqa4
– 2 - http://www.youtube.com/watch?v=fnm0yzvdec0
14) શ્રી હરનિશ જાની:
– http://www.youtube.com/watch?v=1YY-_ZiQZHo
15) શ્રી ડૉ. નિલેશ રાણા:
– http://www.youtube.com/watch?v=_cmquBja9MM
16) શ્રીમતિ મોના નાયક “ઉર્મિ”:
– http://www.youtube.com/watch?v=s8K3if5U_sU
17) આદરણીય બિસ્મિલ મંસૂરી:
– http://www.youtube.com/watch?v=JnSR_3fvfxE
18) શ્રી અશોક વિદ્વાંસ:
– http://www.youtube.com/watch?v=pjpoewrgiM4
19) શ્રી હરનિશ જાની:
– કાવ્ય - http://www.youtube.com/watch?v=Biw8I58Bs8g
– હળવું - http://www.youtube.com/watch?v=UK17d1EMSAY
20) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ”:
– 1 - http://www.youtube.com/watch?v=S0injId3d9Q
– 2 - http://www.youtube.com/watch?v=S6lyD6c1F70
– 3 - http://www.youtube.com/watch?v=Uwo2a5JTurM
– 4 - http://www.youtube.com/watch?v=9t2TGNvdGwI
– 5 - http://www.youtube.com/watch?v=LLsCSOeSa3E
– 6 - http://www.youtube.com/watch?v=0DjOQE0dTfY
21) શ્રી ચિનુ મોદી “ઈર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
– 1 - http://www.youtube.com/watch?v=zr73iC4ihY0
– 2 - http://www.youtube.com/watch?v=1aIUBaM1eaE
– 3 - http://www.youtube.com/watch?v=C7gtX0-wJBI
22) શ્રી રામ ગઢવી દ્વારા આભારવિધિ અને ભાવિ કાર્યક્રમો:
– http://www.youtube.com/watch?v=gLN3wdTJx2U
પ્રતિભાવ આપશો.
ઑટોબાન
ઑટોબાન - ચિરાગ પટેલ મે ૩૧, ૨૦૧૦
દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે પણ આ હાઈવે સીસ્ટમનો ઉપયોગ બખૂબી કર્યો હતો. શરૂઆતમાં આ માર્ગ વ્યવસ્થા “એડોલ્ફ હિટલરનો રસ્તો” તરીકે ઓળખાતી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ દરેક માર્ગનો જર્મનીએ નવેસરથી વિકાસ કર્યો અને ઘણાબધા નવા હાઈવે પણ બાંધ્યા. આ આખી માર્ગ વ્યવસ્થા “ઑટોબાન” (autobahn) તરીકે ઓળખાય છે. જો કે મર્યાદિત પ્રવેશવાળો રસ્તો સહુપ્રથમ ઈટાલીમાં ૧૯૨૨મા બન્યો હતો.
ઑટોબાનની અમુક ખાસીયતમાની એક એવી છે કે આ માર્ગો પર ઘણી બધી જગ્યે કાર અને બાઈક માટે ગતિની કોઈ મર્યાદા રાખવામાં નથી આવી. મેં એક શો દરમ્યાન ૨૦૦ માઈલ/કલાકની ઝડપે ગાડીને જતા જોઈ છે. જર્મનીમાં આ કારણે વર્ષોથી કાર બનાવનારા આ ગતિ પર જતી કાર બનાવવા માટે પ્રખ્યાત છે. જર્મન કાર જેવી કે આઉડી, બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, ઓપલ, પોર્શે, સ્માર્ટ, ફોક્સવેગન, વગેરે અતીઝડપ અને સલામતી માટે વિશ્વભરમાં પસંદ કરાય છે. ઑટોબાન પર જો કે ટ્રક, બસ વગેરે માટે ગતિ મર્યાદાનું ચુસ્તી પૂર્વક પાલન થાય છે. વળી, ફુલસ્પીડે ગાડી ચલાવવા માટેના પણ જે નિયમો છે તે પણ સખ્તાઈ પૂર્વક અમલમાં છે. આ કારણને લઈને જ ઑટોબાન પર ગતિ મર્યાદા ના હોવા છતાં સહુથી ઓછા અકસ્માતો થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ આઇઝનહોવર જર્મનીમાં યુદ્ધ લડ્યા હતા અને “ઑટોબાન” વ્યવસ્થા જોઇને ચકિત થઇ ગયા હતા. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમેરિકાની “ઇન્ટરસ્ટેટ હાઈવે સીસ્ટમ” તેમણે શરુ કરી અને થોડા સમયમાં તો દુનિયાની સહુથી મોટી હાઈવેની માયાજાળ અમેરિકામાં પથરાઈ ગઈ. આ હાઈવે સિસ્ટમને લીધે અમેરિકાનો આર્થિક વિકાસ અકલ્પ્ય ઉચાઇઓને આંબી ગયો. અમેરિકામાં હાઈવેની માયાજાળ ૬૪લાખ કિલોમીટર લાંબી છે. અમેરિકન એક્સપ્રેસ વેમાં દરેક માર્ગને નંબર આપવાની પધ્ધતિ પણ જાણવા જેવી છે. ઉત્તર-દક્ષિણ જતા માર્ગને એકી સંખ્યા આપવામાં આવી છે, જેમ કે બોસ્ટનથી ફ્લોરીડા જતા માર્ગને I-૯૫ કહે છે. પૂર્વ-પશ્ચિમ જતા માર્ગને બેકી સંખ્યા આપવામાં આવી છે, જેમ કે ન્યૂયોર્કથી સાનફ્રાન્સિસ્કો જતા માર્ગને I-૮૦ કહે છે. મુખ્ય વે પરથી જો કોઈ નાનો ઉપ-વે કાઢ્યો હોય તો એને ત્રણ આંકની સંખ્યામાં પહેલો આંકડો એકી હોય છે અને આ નાનો ઉપ-માર્ગ જો બે મુખ્ય માર્ગને જોડે તો પહેલો આંકડો બેકી હોય એવી ત્રણ આંકડાની સંખ્યા આપવામાં આવી છે. I-૯૫ પરથી I-૧૯૫ નીકળીને ન્યુજર્સીના દરિયા કિનારે પૂરો થાય છે, જ્યારે I-૪૭૬ માર્ગ ઉત્તરમાં I-૮૧ અને દક્ષિણમાં I-૯૫ને જોડે છે.
મોડે-મોડે પણ ભારત આવી એક્સપ્રેસ વે સીસ્ટમમાં જોડાયું છે. એક ગુજરાતી તરીકે આપણે અમદાવાદ અને વડોદરાને જોડતા ભારતના સહુપ્રથમ ૯૫ કીલોમીટરના “નેશનલ એક્સપ્રેસ વે ૧” માટે ગૌરવ અનુભવીએ છીએ. આપણી સરકાર ૨૦૨૨ સુધીમાં કુલ ૧૮હજાર કિલોમીટરની હાઈવે સીસ્ટમ વિકસાવવા કટિબદ્ધ છે. ચાલો, દેરસે આયે દુરસ્ત આયે.
હાલ તૈયાર થયેલા માર્ગો પરથી કેટલાક અવલોકનો અહી ટાંકું છું.
૧) આપણે જે માર્ગ તૈયાર કરી રહ્યા છીએ એને નામ આપવાની કોઈ વ્યવસ્થા જણાતી નથી. એમાં સંપૂર્ણ અન્ધાધુન્ધી પ્રવર્તે છે.
૨) આપણા લોકો હજી “રોડ સેન્સ” ધરાવતા નથી એટલે વાહન ચલાવવાના નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરાવવું જરૂરી છે. થોડી શરતચૂકથી થતા અકસ્માત નિવારી શકાય તો સોનામાં સુગંધ ભળે.
૩) આપણા એક્સપ્રેસ વે પરથી જે એક્ઝીટ લેવાય છે એ ઘણો તીવ્ર વળાંક ધરાવે છે. ઝડપે જતી ગાડી એક્ઝીટ લે તે વખતે શરતચૂકથી પલટી ખાય એ શક્યતા છે.
૪) રસ્તાની આજુબાજુ પુરતી જગ્યાનો ઘણે ઠેકાણે અભાવ છે. ભવિષ્યમાં ટ્રાફિક વધે કે ઈમરજન્સી હોય ત્યારે આ તકલીફ તરત નજરે ચઢે.
૫) રસ્તાનું સમારકામ નિયમિત થતું રહેવું જોઈએ, અને નિયમિત અવલોકન પણ થતું રહેવું જોઈએ.
૬) આવા હાઈવે પર લોકોને ચાલતા ઓળંગવા પર સખ્ત મનાઈ હોવી જોઈએ. હજી આજુબાજુ રહેતા લોકો “શોર્ટકટ” માટે દ્રુત ગતિ માર્ગ ઓળંગી જતા હોય છે.
૭) હાઈવે પર લગભગ દર ૩૦ કિલોમીટર અંતરે પેટ્રોલ પંપ અને ખાવા-પીવાની વ્યવસ્થા હોવી જરૂરી છે.
વ્હૉટ્સ યોર રાશિ?
વ્હૉટ્સ યોર રાશિ? - ચિરાગ પટેલ મે ૨૯, ૨૦૧૦
આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ રહ્યો છું એ વાચી ત્યારે પહેલવહેલો આ પ્રશ્ન જ મારા મનમાં ઉઠ્યો હતો.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર પૃથ્વીના સંદર્ભે ચંદ્રની ગતિ આકાશમાં કયા નક્ષત્રમાં થાય છે તેના પર આધારિત હોય છે. જ્યારે પાશ્ચાત્ય જ્યોતિષમાં સૂર્યનું સ્થાન જે તે નક્ષત્રમાં હોય તે પ્રમાણે રાશિ નક્કી કરવામાં આવે છે. વળી, ભારતીય જ્યોતિષ આપણી સૂર્યમાળાની બહારની આકાશગંગા અને તારાઓના સંદર્ભે નક્ષત્રોનાં સમયગાળાને નક્કી કરે છે. જ્યારે પાશ્ચાત્ય જ્યોતિષ માત્ર સૂર્યમાળાનાં ગ્રહોના સંદર્ભમાં નક્ષત્રોના સમયગાળાને નક્કી કરે છે. આ કારણને લઈને પાશ્ચાત્ય જ્યોતિષમાં દરેક રાશિનું નક્ષત્ર દરવર્ષે એક સરખા સમયે અને એક સરખા દિવસો માટે હોય છે, જ્યારે ભારતીય જ્યોતિષ પ્રમાણેની રાશિનું નક્ષત્ર દરે વર્ષે જુદા સમયે હોઈ શકે છે અને દરેક રાશિનો સમયગાળો પણ જુદો-જુદો હોય છે. બન્ને પધ્ધતિમાં લગભગ 24 ડીગ્રી જેટલો સ્થાનફેર છે.
આ બધી ગણતરી પાશ્ચાત્ય વિશ્વમાં સહુપ્રથમ ટોલેમી નામના ગ્રીક પણ ઈજીપ્તના રહેવાસી એવા ખગોળવિદે આપી હતી. ભારતીય જ્યોતિષનું મૂળ ભારતના બીજા ઇતિહાસની જેમ વિવાદાસ્પદ છે. આધુનિક ગણતરી સહુપ્રથમ વરાહમિહિરે આપી હોવાનું કહેવાય છે. આધુનિક ખગોળશાસ્ત્ર મુજબ આકાશમાં દેખાતા પદાર્થોના સમુહને નક્ષત્ર તરીકે ગણવામાં આવે છે. હાલના સંશોધન મુજબ કુલ ૮૮ નક્ષત્રો છે. સંપૂર્ણ યાદી: http://en.wikipedia.org/wiki/List_of_constellations. હવે ચંદ્રનું અવકાશમાં સ્થાન પૃથ્વીના સ્થાન પર અને પૃથ્વીનું સ્થાન સૂર્યના સ્થાન પર આધારિત હોવાથી, બંને પ્રકારના જ્યોતિષમાં સૂર્યની અવકાશમાં ગતિને આધાર લઈને ગણતરી કરવામાં આવે છે. સૂર્ય સમગ્ર વર્ષ દરમ્યાન જે-જે નક્ષત્ર પરથી પસાર થાય છે એ નક્ષત્રોને રાશિ ગણવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં ત્યારબાદ આ ગણતરીમાં ચંદ્ર સ્થાન લઇ લે છે અને એ મુજબ બાળકના જન્મની રાશિ નક્કી થાય છે.
આધુનિક ખગોળવિજ્ઞાને સાબિત કર્યું છે કે સૂર્ય હકીકતે ૧૨ નહિ પણ ૧૩ રાશિ પરથી વર્ષ દરમ્યાન પસાર થાય છે. જાણીતી ૧૨ રાશિઓ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન ઉપરાંતની રાશિને ઓફિયુકસ (Ophiuchus) કહે છે. આ રાશિને સર્પેન્ટેરિયસ (Serpentarius) પણ કહે છે.
ભારતીય જ્યોતિષશાસ્ત્ર જો આ રાશિને અપનાવે તો એનું “સર્પ” રાશિ નામ રાખી શકાય. આમ પણ નેપ્ચ્યુન, યુરેનસ અને પ્લૂટોને અપનાવ્યા છે અને એ પ્રમાણે ફળાદેશ નક્કી કરવામાં આવ્યા છે તો ભવિષ્યમાં સર્પ રાશિ વિષે નવું બધું જાણવા મળે તો નવાઈ ના પામતા. જે લોકો જ્યોતિષ જોયા વગર પગલું પણ નથી ભરતા તેમનું શું થશે? બધી જૂની ગણતરીઓમાં ફેરફાર થશે તો શું જૂની ગણતરી પ્રમાણે કરેલા કાર્યમાં પણ ફેરફાર થશે? (લગ્નમાં ફેરફાર કરવા તો ઘણા લોકો તૈયાર થશે. મારી પત્ની તો હવે સર્પ રાશિની છે, મારો મેળ ના પડ્યો - જેવા બહાના…) આપણે આ બધી ગણતરીઓમાં અટવાવાને બદલે આત્મશ્રધ્ધા સાથે પુરી લગનથી હાથમાં લીધેલું કાર્ય કરીએ એ જરુરી છે. તો જ, ભગવાન પણ આપણી મદદ કરશે, નહીંતર આ બધા ગ્રહોને ભરોસે આપણને છોડી મુકશે!
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત
માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત - ચિરાગ પટેલ મે ૨૫, ૨૦૧૦
માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ પ્રમાણે છે: રાજા બલિ, પરશુરામ, વિભીષણ, વ્યાસ, હનુમાન, અશ્વત્થામા, કૃપાચાર્ય. મહાભારત અને રામાયણ મુજબ વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, ગાલવ, રુશ્યશ્રુંગ, દીપ્તિમાન અને પરશુરામ ભવિષ્યના સપ્તર્ષિ છે. રાજા બલિ નવા યુગમાં ઇન્દ્ર બનશે. હનુમાનને ઇચ્છામૃત્યુનું બ્રહ્મા દ્વારા વરદાન હતું. વિભીષણને રામે એક કલ્પ સુધીનું જીવન આપ્યું હતું. આ ઉપરાંત, નારદ મુની, રીંછ નેતા જામ્બવન, શાન્તનું રાજાનો મોટોભાઈ દેવાપી કે જે નવા સત્યયુગમાં ચન્દ્રવંશની સ્થાપના કરશે, મારુ કે જે નવા સત્યયુગમાં સૂર્યવંશની સ્થાપના કરશે, હાલના સપ્તર્ષિઓ કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ, તેમ જ ગાલવ પણ ચિરંજીવી મનાય છે.
આ સર્વેમાં માર્કંડેય સહુથી દીર્ઘ આયુષ્ય ધરાવે છે. આવા આ ઋષિ વિષે એવી વાર્તા છે કે એક દિવસ તેમને પોતાના પિતાને ઉદાસ બેઠેલા જોયા. એટલે માર્કંડેય તેમને ઉદાસીનું કારણ પૂછે છે. પિતા જણાવે છે કે માર્કંડેયનો જન્મ પોતાની મોટી ઉંમરે શિવની કૃપાથી થયો હતો. એક જ્યોતિષિના કહેવા મુજબ તેનું આયુષ્ય ૧૬ વર્ષનું હતું, અને આજે માર્કંડેયનો ૧૬મો જન્મદિન હતો! આ સાંભળી, માર્કંડેય તરત જ શિવમંદિરમાં દોડી જાય છે અને શિવલિંગને વળગી મળે છે. સમયે યમ તેના પ્રાણ લેવા આવે છે અને ત્યાં જ શિવ પ્રગટ થઇ યમને મનાઈ કરે છે કે, “મારો ભક્ત જ્યારે મારા લીંગની પૂજા કરે ત્યારે તું નજીક નહિ આવી શકે.” યમ ત્યારબાદ આ બાળકની ભક્તિની પરાકાષ્ઠા જોઈ તેનાથી દુર રહેવાનું વચન આપે છે અને આમ માર્કંડેય ચિરંજીવ બની જાય છે. માર્કંડેય ઋષિના નામ પર એક મુખ્ય પુરાણ રચાયું છે અને લગભગ દરેક પુરાણમાં તેમનો ઉલ્લેખ છે. માર્કંડેય પુરાણમાંથી જ દુર્ગા સપ્તશતી બની છે જે ચંડી પાઠ તરીકે પણ ઓળખાય છે.
માર્કંડેય ઋષિનો ઉલ્લેખ મહાભારતના વનપર્વમાં પણ આવે છે. આપણે એ ઉલ્લેખને સમજવા પ્રયત્ન કરીએ. આ પર્વના અંગ્રેજી અનુવાદની લિંક: http://www.sacred-texts.com/hin/m03/m03187.htm અને http://books.google.com/books?id=gftTFPyi378C&dq=complete+idiot%27s+guide+to+hinduism&printsec=frontcover&source=bn&hl=en&ei=AiT8S7HbGYT78Aa8nMXtBQ&sa=X&oi=book_result&ct=result&resnum=6&ved=0CDEQ6AEwBQ#v=onepage&q=markandey&f=false પર 13મુ પાનું.
યુધિષ્ઠિર માર્કંડેય ઋષિની પ્રાર્થના કરી અભિવાદન કરે છે કે, તેઓ નારાયણ (પાણીમાં રહેનાર - વિષ્ણુ)ને ત્યાગ અને ધ્યાન વડે પોતાના હૃદય કમળમાં સતત દર્શન કરે છે અને એ જ કૃપાથી સૃષ્ટિના સર્જન અને વિનાશના સાક્ષી બને છે. જ્યારે વિનાશને અંતે બ્રહ્મા નારાયણનાં નાભી-કમળમાં સુઈ જાય છે ત્યારે માત્ર તેઓ જ પૂજા માટે જીવિત હોય છે. તેથી તેઓ સૃષ્ટિના સર્જનનું કારણ જણાવે.
માર્કંડેય કહે છે કે, “જ્યારે યુગચક્રની સમાપ્તિ થવાની હોય છે ત્યારે માણસ ભૂખમરાથી પીડિત હોય છે અને હજારો મૃત્યુ પામે છે. આકાશમાં સાત સૂર્ય દેખાય છે અને આ સૂર્યની જ્વાળાઓમાં બધી નદીઓ અને સમુદ્રના પાણી સુકાઈ જાય છે. આ સંવર્તક નામના અગ્નિથી વનસ્પતિઓ, ઘાસ વગેરે બળીને ભસ્મ થઇ જાય છે. સાથે જ ખુબ જ જોરથી પવન વાય છે. આ અગ્નિ અને પવન પૃથ્વીથી પણ દુર લાખો યોજનો સુધી ફેલાઈ જાય છે જે દેવો, દાનવો અને યક્ષોને પણ ભયથી ધ્રુજાવે છે, અને દરેકનો વિનાશ કરી નાખે છે. ત્યારબાદ, વિવિધ રંગના વાદળોથી આકાશ ભરાઈ જાય છે. આ વાદળા ૧૨ વર્ષ સુધી સતત જળ વરસાવે છે. પૃથ્વીની સંપૂર્ણ ભૂમિ જળબમ્બાકાર થઇ જાય છે. એ વાદળો પણ પવનને લીધે જતા રહે છે. ત્યારબાદ, સમગ્ર બ્રહ્માંડ પાણીથી ભરાઈ જાય છે. માત્ર હું આ બધું જોતો પાણીમાં તરતો રહું છું. ત્યાં મને એક વડનું વૃક્ષ દેખાય છે જેના પર એક નાનો સુંદર છોકરો હોય છે. આ જ નારાયણ છે જે મને પોતાના પેટમાં સમગ્ર સૃષ્ટિ દિવ્ય રૂપે રહેલી બતાવે છે. ફરી નવી સૃષ્ટિનો જન્મ થતા હું આ નવી પૃથ્વી પર આવી ગયો છું.”
હવે, આપણી પૃથ્વી કે બ્રહ્માંડના અંત વિષે આપણી આજની વૈજ્ઞાનિક માન્યતા જોઈએ તો એ મુજબ પાંચ અબજવર્ષ બાદ જ્યારે સૂર્યનું આંતરિક બળતણ (હાઈડ્રોજનની હિલીયમમાં રૂપાંતરણની પ્રક્રિયા) ખૂટી પડશે ત્યારે તેનો આંતરિક ભાગ ગુરુત્વાકર્ષણને લીધે સંકોચાશે. આને લીધે બાહ્ય ભાગમાં તાપમાન વધશે અને એ વિસ્તરણ પામતું જશે. આ વિસ્તરણ છેક મંગળ ગ્રહ સુધી પહોચી જશે (એટલે કે પૃથ્વી પણ આ વિસ્તરણમાં આવી જશે). સૂર્યની આ સ્થિતિને રેડ જાયન્ટ કહે છે. બુધ અને શુક્ર તો આ વિસ્તરણમાં ચોક્કસ ગળી જશે. પૃથ્વી કદાચ એની કક્ષા વિસ્તારીને છટકી પણ શકે. વૈજ્ઞાનિકો હજી આ બાબતે સ્પષ્ટ નથી. કદાચ પૃથ્વીને રેડ જાયન્ટ સૂર્ય ગળી પણ જાય. ૨૦૦૮મા થયેલા સંશોધન મુજબ એવું લાગે છે કે સૂર્ય તેના મહત્તમ રેડ જાયન્ટના કદ સુધી વિસ્તરે એ પહેલા જ એટલે કે આજથી ૧ અબજ વર્ષ પછી પૃથ્વીની કક્ષા ઘટવાને કારણે અને સૂર્યની ગરમી વધવાને લીધે પૃથ્વીનું વાતાવરણ નાશ પામશે. લગભગ ૩ અબજ વર્ષમાં તો તેની બધી જ નદીઓ અને સમુદ્રના પાણી સુકાઈ જશે. એનું વાતાવરણ શુક્ર જેવું ઘાટા રંગબેરંગી વાદળો ભરેલું થઇ જશે. ત્યારબાદ, એ વાતાવરણ પણ છટકી જશે અને પૃથ્વી સુકીભઠ્ઠ રહી જશે. ધીરે ધીરે સૂર્ય સંકોચાઈને શ્વેત-વામન કે વ્હાઈટ ડવાર્ફ સ્વરૂપ ધારણ કરશે. સૂર્ય કરતા મોટા તારા કૃષ્ણવિવર કે બ્લેક હોલ બની જશે. મોટા બ્લેક હોલ નાના બ્લેક હોલને ગળતા જશે. ધીરે ધીરે બ્રહ્માંડ મૂળ અંડ સ્વરૂપ ધારણ કરી લેશે જેની અંદર હાઈડ્રોજન દબાણને કારણે પ્રવાહી સ્વરૂપમાં હશે. ફરી અમુક સમય બાદ એ અંડ વિસ્તરશે અને નવું બ્રહ્માંડ બનશે.
હવે, આ વૈજ્ઞાનિક માન્યતાને માર્કંડેય ઋષીએ જણાવેલા વર્ણન સાથે મેળવી જુઓ. સમાનતા બહુ જ સચોટ રીતે નજરે પડે છે. આથી શું માની શકાય કે માર્કંડેય ઋષિ ખરેખર આ બ્રહ્માંડના જન્મ પહેલા જે બ્રહ્માંડ હતું એમાં જન્મ્યા હતા? જો માર્કંડેય એક કાલ્પનિક વ્યક્તિ હોય તો શું એવું માની શકાય કે મહાભારતના રચનાકાર સૃષ્ટિના અંત વિષે સચોટ અનુમાન કરી શક્યા છે? આ અનુમાન કરવા માટે વ્યાસ પાસે કયું જ્ઞાન હતું? આ બધા અને બીજા આવા પ્રશ્નો અનુત્તર જ રહેશે. આપણી સંસ્કૃતિના પાયામા જે સાહિત્ય છે અને એના જે રચનાકાર છે તેમને કોટિ કોટિ વંદન. આપણે હિંદુ ધર્મમાં વ્યાપેલી બદીઓ દુર કરી સ્પષ્ટ દ્રષ્ટિ કેળવીએ અને પાછા વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા થઈએ એવી ‘મા’ને પ્રાર્થના.
યોગ અને આધુનિક સમાજ
યોગ અને આધુનિક સમાજ - ચિરાગ પટેલ મે ૧૫, ૨૦૧૦ શનિવાર
હમણા થોડા દિવસોથી ૮૩ વર્ષના પ્રહલાદ જાની વિષે ઘણી ચર્ચા સમાચાર પત્રોમાં ચાલી રહી છે. આ ચર્ચામાં msnbc કે યાહૂ પણ બાકાત નથી.ડોકટરો કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસનું શરીર ૬ દિવસ ખોરાક-પાણી વગર ટકી ના શકે, વધુ ૧ કે ૨ દિવસ ખેંચી શકે. જ્યારે પ્રહલાદભાઈ ૭૦ વર્ષથી કંઈ પણ લીધા વગર જીવે છે. તેઓ મળ કે મૂત્રત્યાગ પણ નથી કરતા. જો આ સાચું હોય તો આશ્ચર્યજનક બીના કહેવાય. અમદાવાદમાં ડોકટરો અને ભારતીય રક્ષા સંસ્થાન લગભગ ૧૫ દિવસ સુધી પ્રહલાદભાઈ પર નજર રાખતાં હતાં અને હવે તેમનાં પરિણામો જાહેર કરી રહ્યાં છે. વધુ વિગતો હજી વધુ પૃથક્કરણ બાદ જાહેર કરવામાં આવશે. પણ, અત્યારથી જ આ બાબતે બન્ને બાજુના પક્ષાકારો વચ્ચે ઈ-યુદ્ધ છેડાઈ ચુક્યું છે.
પ્રહલાદભાઈ વિષે ચર્ચા કરવા કરતા મેં ગઈકાલે જોયેલા એક TV કાર્યક્રમ વિષે વાત કરું. હું ફોરેસ્ટ ગમ્પ મૂવી જોઈ રહ્યો હતો અને એ પૂરું થયું ત્યારબાદ ચેનલો ખૂંદતા હિસ્ટરી ચેનલ પર સુપર હ્યુમન નામનો કાર્યક્રમ ચાલતો હોવાથી એ જોવો શરુ કર્યો. એ વખતે એમાં ત્રણ વ્યક્તિઓ વિષે ચર્ચા થઇ રહી હતી. એક દાદાજી અને તેમના પોતરાઓમાં જન્મજાત એવી ખૂબી હતી કે તેમનાં શરીર ચુંબકીય બની ગયા હતાં. બીજા એક વ્યક્તિમાં એવી ખૂબી હતી કે તે પોતાના શરીરમાંથી ૩ લાખ વોલ્ટ વીજળી પસાર કરી શકતો હતો! હું જે વ્યક્તિની વાત કરવા માગું છું તેનું નામ મને યાદ નથી. પણ તેણે યોગ અને પ્રાણાયામથી એવી શક્તિ વિકસિત કરી હતી કે તે દોઢ કલાક સુધી શૂન્ય ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં કાંઈ જ પહેર્યા વગર રહી શકે છે. સુપર હ્યુમન કાર્યક્રમમાં ડોકટરો અને મોનીટરીંગ સામગ્રી સામે તેને બરફ ભરેલા ટબમાં એક કલાક સુધી રાખવામાં આવ્યો હતો! એક કલાક બાદ તે ઉઠ્યો અને સામાન્યપણે જ વાતચીત કરવા લાગ્યો અને પુછાતા પ્રશ્નોના જવાબ આપવા લાગ્યો!
જે ડોક્ટર ચકાસણી કરતા હતાં તેનું કહેવું હતું કે માણસનું શરીર ૧૫ મિનીટ કરતા વધુ સમય કશું પહેર્યા વગર શૂન્ય ડીગ્રી સેલ્સિયસ તાપમાને રહી ના શકે. શરીર જેમ ઠંડુ પડતું જાય તેમ હૃદયના ધબકારા વધતા જાય અને છેવટે સ્ટ્રોક આવે. ધ્રુવ પ્રદેશમાં જતા કે વિન્ટર ઓલીમ્પીક્ના એથ્લેટ યોગ્ય તાલીમને કારણે વધુ સમય સુધી રહી શકે છે, પરંતુ ૧ કલાકથી વધુ બર્ફિલા વાતાવરણમાં રહેવું સાચે જ સુપરમેનનું કામ છે! કાર્યક્રમમાં જે વ્યક્તિ પર આ પ્રયોગ થયો હતો તેનું કહેવું હતું કે તે વર્ષોથી યોગની સાધના કરે છે અને ઉડ્ડિયાન બન્ધ કર્યા બાદ તે હૃદય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યાન બાદ ગમે તેટલી ઠંડી પડે તો પણ તેનું હૃદય શરીરને સામાન્ય સ્થિતિમાં રાખી શકે છે. આમ, યોગની મદદથી તે શરીરને કેળવી શક્યો છે અને સુપરમેન જેવી કાબેલિયત બતાવી શક્યો છે.
માનવ શરીરને કેળવવામાં યોગ ઘણી મદદ કરે છે, એ નીર્વિવાદિત બાબત છે. પ્રાચીન યોગ શાસ્ત્રમાં વર્ણવેલ સુપરમેન જેવી કાબેલિયત આપણે આજે વિજ્ઞાનની મદદથી સુલભ કરી શક્યા છીએ. જેમ કે, અણિમા સિદ્ધિ બહુ જ વિશાળ વિશ્વના દર્શન આપે છે. શું હબલ ટેલિસ્કોપની મદદથી દેખાતું વિશ્વ અણિમા સિદ્ધિની ઉપલબ્ધી નથી? લધિમા સિદ્ધિ એકદમ સૂક્ષ્મ જગતને જોવાની દ્રષ્ટિ આપે છે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી આજ સિદ્ધિ કેવી ઉપલબ્ધ થઇ ગઈ છે! વિમાનની મુસાફરી આજે એટલી સુગમ થઇ ગઈ છે કે સામાન્ય માણસ પણ ઉડતો થઇ ગયો છે. આવી તો અનેક સિદ્ધિઓની યાદી આપી શકાય.
આમ છતાં યોગ દ્વારા મળતી સિદ્ધિઓનું મૂલ્ય ઓછું ના આંકી શકાય. યોગીને મળતી સિધ્ધિઓ પ્રાકૃતિક સંપદાનો લઘુત્તમ ઉપયોગ કરીને પામી શકાય છે. કદાચ આ સિધ્ધિઓ મળતા સમય જતો હોય છે, પણ એ માટે પ્રકૃતિનું સંતુલન સાધીને યોગી પ્રગતિ કરતો હોય છે. સામે આપણે એવું પણ કહી શકીએ કે આધુનિક વિજ્ઞાનની સિધ્ધિઓ સામાન્ય જનસમુદાયને આવરી લે છે અને યોગિક સિધ્ધિઓ વ્યક્તિગત બની રહે છે. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આ બે અંતિમો વચ્ચે સંતુલન સધાય અને આપણને એક નવી વ્યવસ્થા મળી શકે. વિજ્ઞાનની દડમજલ ઘણી લાંબી છે, હજુ તો એને ૨૦૦ વર્ષ થયા છે અને એ પા-પા પગલી માંડી રહ્યું છે. વૈજ્ઞાનિક અભિગમ એ છે કે તટસ્થભાવે સિદ્ધિનું મૂલ્યાંકન થાય. કોઈ પણ પક્ષને શંકાથી પર પુરાવાઓ સહીત અને પુનરાવર્તિત રીતે સિદ્ધિઓને ચકાસવાની તક મળે.
યોગના વિજ્ઞાનને પ્રયોગાત્મક રીતે જોવાથી એક નવો જ પથ મળી શકશે એમાં કોઈ શંકા નથી. આ મારો વ્યક્તિગત, અંગત અનુભવને આધારે, મત છે.
ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ
ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ - ચીરાગ પટેલ માર્ચ 16, 2010
આ વર્ષે 14મી માર્ચને રવીવારે અમેરીકામાં “ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ”(Day Light Saving Time - DST) શરુ થયો. અને એ સાથે જ મારી રોજીન્દી દેહધાર્મીક ક્રીયાઓએ એકસાથે બળવો પોકારીને મને અધમુવો કરી દીધો. ઉન્ઘના કલાકો ઘટી ગયા. ભુખ લાગવામાં ફેરફાર થઈ ગયો. શરીરને સ્લોથ પ્રાણી સાથે મીત્રતા બન્ધાઈ ગઈ!
ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ માટે થોડી વીગતો જણાવી દઉં. ઈન્ટરનેટના મરજીવા બનવાથી બધું મળી જ રહેશે, પણ અહીં હું થોડું મારું ડહાપણ દેખાડી દઉં. બુધ્ધીવાનને માથે શીન્ગડા તો હોતા નથી. બેન્જામીન ફેન્કલીનનું સુવર્ણ વાક્ય છે કે, “અર્લી ટુ બેડ ઍન્ડ અર્લી ટુ રાઈઝ મેઈક્સ અ મૅન હેલ્ધી, વેલ્ધી ઍન્ડ વાઈઝ!” એટલે આ વાક્યનું ચુસ્તીપુર્વક પાલન કરવા તેણે સવારે સુરજ ઉગે એટલે તોપ ફોડવાની પ્રથા શરુ કરાવી. (આજે પણ ઘણાં લોકોને વહેલા ઉઠવું એ શરીરમાં તોપો ફુટતી હોય એવું લાગે છે.) ન્યુઝીલૅન્ડના જ્યોર્જ હડસને દાદા ફ્રેન્કલીનના વીચાર અને પ્રથાનો વીસ્તાર કરી આધુનીક ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમને જન્મ આપવાનું ઘૃણાજનક(?) કામ કર્યું. ઉનાળાના દીવસોમાં સુરજદાદા આપણા કરતાં વહેલાં ઉગી જતા હોવાથી તેમની કૃપાનો ફાયદો લેવા માટે ઘડીયાળને એક કલાક વહેલી કરી દેવામાં આવે છે. એટલે કે ડીએસટી શરુ થાય એ દીવસે ઘડીયાળમાં જો સવારના 7 વાગ્યા હોય તો એને 8 કરી દેવાના. એ જ પ્રમાણે, ડીએસટી પુરો થાય (ઑક્ટોબરમાં) ત્યારે ઘડીયાળમાં જો સવારના 8 વાગ્યા હોય તો પાછા 7 કરી દેવાના!
હવે, આ ધોળુ(!) કામ શરુ થાય ત્યારે સવારે ઉઠ્યાં હોઈએ 9 વાગ્યે અને ઘડીયાળ પણ 9 જ બતાવતું હોય. પણ, જ્યારે સેલફોન પર રીન્ગ વાગે કે કોઈ ગમતો ઈડીયટ બૉક્સનો કાર્યક્રમ આ ઈડીયટને જોવાની ઈચ્છા થાય ત્યારે જ ખબર પડે કે આજે તો “ઈડીયટ” બની ગયા; અને ઘડીયાળને બોર્નવીટા પીતી કરી દેવાની. આ સાથે શરીરમાં ન્યુટનના ત્રીજા નીયમની અસરો દેખાવી શરુ થઈ જાય. જો કે, મને તો ન્યુટનનો આ નીયમ ખોટો પડતો દેખાતો હોય છે. ઘડીયાળને કલાક દોડાવી દેવાની ક્રીયા સામે શરીરમાં જે અને જેટલા સમય સુધીની પ્રતીક્રીયાઓ દેખાય છે એ પરથી નીયમ ખોટો જ લાગે છે!
રાત્રે મોડા ઉંઘ આવી હોય (1 કલાક મોડી તો ખરી જ, શરીરને ઘડીયાળના કાંટા સમજાય ખરા?) અને વહેલી સવારે સેલફોનમાં મુકેલો એલાર્મનો કુકડો મંથરાકર્મ કરે! પછી, ઉંઘને વનવાસે મોકલી જ આપવી પડે, ઑફીસ કાંઈ 1 કલાક મોડી શરુ નથી થવાની. જેમ-તેમ પરવારીએ. ખાસ તો ખુલાસો થવાની તકલીફ થઈ જાય. બીરબલના કહ્યા પ્રમાણે શરીરે નરવા રહેવા હાજતના દર્શન તો કરવા જ પડે. અહીં “દર્શન” શબ્દને “જોવું” એ અર્થમાં નથી લેવાનો એ કહેવાની જરુર તો નથી જ, પણ આમ કહેતા સયાજીનગરી ટ્રેનમાં સવારે વડોદરાથી મુમ્બઈ જતાં જે “દર્શન” થાય છે એ યાદ આવી ગયું. બીરબલના સમયે આવી ટ્રેન તો હતી નહીં, તો પછી બીરબલે આવા શબ્દો કેમ પ્રયોજ્યા હશે? ખેર, આપણી ગાડી આગળ ચલાવીએ. ઑફીસે પહોંચતા કાર બહુ સાચવીને ચલાવવી પડે. ના, મને ઝોકા આવે છે એટલે નહીં. મારી આગળ-પાછળ કે આજુ-બાજુવાળાને ઝોકું આવે અને અમારી ગાડીઓનું ભવ્ય મીલન થતું અટકાવવું હોય તો ધ્યાન તો રાખવું જ પડે. ઑફીસમાં એકાદ ચાના કપથી મુડ ના બને એટલે થોડી વાતચીતના તડાકા મારી કામ પર લાગવું પડે. બપોરે 12 વાગે અને બધાં ભોજન માટે આઘા-પાછાં થાય! ઘડીયાળ ભલે 12 વગાડે, પેટમાં એ વખતે 12 ના વાગ્યા હોય. અને જો એ વખતે પેટને અવગણીને ભોજનને નમસ્કાર કરીએ તો પેટ સાંજે 4 વાગ્યે આપણાં 12 વગાડી દે! સાંજે ઘરે પહોંચીને પણ પેટની એ જ રામાયણ. પેટ જો કે એ વખતે રાવણના પાઠમાં આવી જાય અને આપણે બનવું પડે હનુમાન. માંડ-માંડ રાતના 10 વાગે અને ઘડીયાળ પ્રમાણે સુવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ કુરુક્ષેત્ર સર્જાય! ઉંઘ કૌરવોના પાઠમાં આવી જાય અને આપણે કૃષ્ણની મદદ વગર નીદ્રાને જીતવી પડે. હાશ, છેવટે ઉંઘ તો આવી.. કુકડે કુક… રામ, રામ, રામ… ફરી સવાર પડી ગઈ, બહુ જલ્દી…
અમુક મારી નાતના બીરાદરો ડી.એસ.ટી. સામે વીરોધ નોન્ધાવવા રસપ્રદ આંકડા રજુ કરતાં હોય છે. જેમ કે, જેમને રતાન્ધળાપણું છે તેમને સવારે તકલીફ પડે છે. ડી.એસ.ટી શરુ થાય એના પહેલા અઠવાડીયે વર્ષના બીજા કોઈ પણ અઠવાડીયા કરતાં વધુ કાર-અકસ્માતો, ઉંચું રક્તચાપ અને હ્રદયરોગના હુમલાના દર્દીઓ આવે છે. વળી, કાળુ કામ કરનાર લોકો માટે પણ રાતના કલાકો ઘટી જાય છે, એમને તો સીધી પેટ પર લાત પડે છે! અમેરીકામાં સંશોધન થયું છે કે ડી.એસ.ટી.ને લીધે આર્થીક વ્યવસ્થા પર લગભગ 1 બીલીયન ડૉલરનું ભારણ આવે છે!
વર્ષો પહેલાં જ્યારે લોકોની મોટાભાગની પ્રવૃત્તીઓ સુર્યપ્રકાશ પર નીર્ભર હતી ત્યારે આ ગોઠવણ મદદ કરતી હશે. પણ, હવેના જીવનમાં માત્ર ઘડીયાળ જોઈને જ કામ થાય છે. બહાર સુર્યપ્રકાશ હોય કે ના હોય, કામના સ્થળે 24 કલાક વીજળીની બત્તીઓ ધમધોકાર ચાલતી હોય છે. કાશ, ખુરશી પર બેઠેલા લોકોને આમ-આદમીની ચીન્તા આ બાબતે તો થાય એવી પ્રભુને પ્રાર્થના!
પ્રાણાગ્નિહોત્ર વિધિ
પ્રાણાગ્નિહોત્ર વિધિ - સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010
ધારણા:
હ્રદયકમળ - અરણીકાષ્ઠ
મન - અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ - આહવનીય અગ્નિ
હૃદય - ગાર્હપત્ય અગ્નિ
નાભિ - દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન - સભ્યાગ્નિ
મૂલાધાર - આવસથ્યાગ્નિ
વાણી - હોતા
પ્રાણ - ઉદગાતા
ચક્ષુ - અધ્વર્યુ
મન - બ્રહ્મા
શ્રોત્ર - આગ્નીધ્ર
અહંકાર - પશુ
પ્રણવ - દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ - પત્ની
વક્ષ:સ્થળ - વેદી
રુંવાટા - દર્ભ
બંને હાથ - સ્ત્રુચ અને સ્ત્રુવ
આહુતિ - તર્જની, મધ્યમા, અંગૂઠો
ઋષિ - સુવર્ણ સમાન કાંતિવાળા ક્ષુધાગ્નિ ઋષિ
દેવતા - આદિત્ય
છંદ - ગાયત્રી
મંત્ર - ॐ प्राणाय स्वाहा ॥ इदमादित्यदेवाय न मम ॥
અપાનાહુતિ:
આહુતિ - મધ્યમા, અનામિકા, અંગૂઠો
ઋષિ - ધોળી આકૃતિવાળા શ્વેતાગ્નિ ઋષિ
દેવતા - સોમ
છંદ - ઉષ્ણીહ
મંત્ર - ॐ अपानाय स्वाहा ॥ इदं सोमाय न मम ॥
વ્યાનાહુતિ:
આહુતિ - અનામિકા, કનિષ્ઠિકા, અંગૂઠો
ઋષિ - કમળ જેવા રંગના હુતાશન ઋષિ
દેવતા - અગ્નિ
છંદ - અનુષ્ટુપ
મંત્ર - ॐ व्यानाय स्वाहा ॥ इदमग्नये न मम ॥
ઉદાનાહુતિ:
આહુતિ - કનિષ્ઠિકા, તર્જની, અંગૂઠો
ઋષિ - ઇન્દ્રગોપ (અળસિયું) જેવા રંગના અગ્નિ ઋષિ
દેવતા - વાયુ
છંદ - બૃહતી
મંત્ર - ॐ उदानाय स्वाहा ॥ इदं वायवे न मम ॥
સમાનાહુતિ:
આહુતિ - સર્વ આંગળીયો
ઋષિ - વીજળી સમાન રંગના વિરૂપક ઋષિ
દેવતા - પર્જન્ય
છંદ - પંક્તિ
મંત્ર - ॐ समानाय स्वाहा ॥ इदं पर्जन्याय न मम ॥
છઠ્ઠી આહુતિ:
આહુતિ - સર્વ આંગળીયો
ઋષિ - વૈશ્વાનર મહાન અગ્નિ ઋષિ
દેવતા - પરમાત્મા
છંદ - ગાયત્રી
મંત્ર - ॐ ब्रह्मणे स्वाहा ॥ इदं परमात्मने न मम ॥
આ વિધિ કરનાર બ્રહ્મરૂપ થવાને સમર્થ થાય છે.
(શ્રીદેવીભાગવત મહાપુરાણ એકાદશ સ્કંધ અધ્યાય ૨૨ મંત્ર ૨૫ થી ૪૧ પર આધારિત)
(ઈંગ્લીશ રુપાંતરણ @ http://rutmandal.info/blossoms/2010/02/06/pranagnihotra/)
નાતાલનો તારો
નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ તારાના અણસાર મેળવવા પ્રયત્ન કર્યાં છે. ઘણાં એમ કહે છે કે એ કોઇ ધુમકેતુ હશે. પરંતુ, પુરાણકાળમાં ધુમકેતુઓને ખરાબ નિશાનિ તરિકે જોવામાં આવતા હતાં. કોઇ એમ કહે છે કે એ કોઇ તારાનો વિસ્ફોટ હશે. જો કે, ચિનમાં 3000 વર્ષોથિ આવિ કોઇ પણ પ્રકાશિત ખગોળિય ઘટનાઓનિ નોન્ધ લેવાતિ આવિ છે અને લગભગ 2000 વર્ષ પુર્વે આવિ કોઇ ઘટના થઇ હોવાનો ઉલ્લેખ નથિ. તો પછિ આકાશમાં સહુથિ વધુ તેજસ્વિ પદાર્થો ચન્દ્ર, શુક્ર, ગુરુ સાથે સંકળાયેલિ આ કોઇ ઘટના હશે?
બેબિલોનમાં 2000 વર્ષો પુર્વેનો ઇતિહાસ જોઇએ તો ખ્યાલ આવશે કે મેજાઇ લોકો એવા જ્ઞાનિ પુરુષો હતા કે જેઓ ખગોળિય ઘટનાનો અભ્યાસ કરતા હતાં. બેબિલોનમાં ભારતના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેનિ ખગોળવિદ્યાનિ અસર હતિ. તે લોકો માનતા હતા કે જ્યારે ચન્દ્ર અને ગુરુ ભેગા થાય ત્યારે મહાપુરુષનો જન્મ થતો હોય છે. ભારતિય જ્યોતિષશાસ્ત્ર મુજબ ચન્દ્ર અને ગુરુનિ યુતિ જો કોઇનિ કુંડળિમાં થાય તો તે વ્યક્તિ નેતા બને અથવા એવો પ્રભાવ ધરાવે. આ યુતિને “ગજકેસરિ યોગ” કહેવામાં આવે છે.
વળિ, અમુક જગ્યેથિ 2000 વર્ષ પુર્વેના એવા સિક્કા મળિ આવ્યાં છે જેમાં એક બાજુ પાછુ ફરિને જોતા ઘેટાનું ચિત્ર છે અને બિજિ બાજુ ઝ્યુસ એટલે કે પ્રાચિન ગ્રિક દેવ ગુરુનું ચિત્ર છે. ઘેટું એ મેષ રાશિ (એરિઝ)નું ચિહ્ન છે. એટલે, અમુક ખગોળવિદોને ખાંખાખોળાં કરતાં મળિ આવ્યું કે અપ્રિલ 17 ઇ.પુ. 6માં મેષ રાશિમાં ચન્દ્ર અને ગુરુનિ યુતિ વહેલિ સવારે પુર્વ દિશામાં થઇ હતિ! આ યુતિ પાછિ એવિ ભવ્ય હતિ કે એમાં ચન્દ્ર વડે ગુરુનુ ગ્રહણ પણ થયુ હતુ!
આમ, પ્રચલિત માન્યતા મુજબના 25 ડિસેમ્બરે નહિ પણ એપ્રિલ 17 ઈસ્વિસન પુર્વ 6 એ ઇશુનિ જન્મતારિખ ગણાય. વળિ, નાતાલનો તારો (ક્રિસમસ સ્ટાર) એ કોઇ તારો નહિ પણ ચન્દ્ર અને ગુરુનિ યુતિ છે. આ તારણનો વિરોધ કરવાનિ પુરિ છુટ છે, કારણ કે આ તારિખ કે યુતિ પણ સર્વસ્વિકૃત નથિ.
નાતાલનિ વધામણિ!
(ઇંગ્લિશ અનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/12/23/christmas-star/)

