સંસ્થાકિય વ્યવસ્થાપન (Organizational Management) – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 01, 2017
વર્ગમાં આજે સહુથી પહેલો તાસ ઈંગ્લિશનો હતો.
શિક્ષકે મનિયાને ઉભો કર્યો અને પૂછ્યું, “બોલ મનિયા, વસંતે મને મુક્કો માર્યો – એનું ઈંગ્લીશ કર.”
માનિયાએ માથુ ખંજવાળ્યું અને બોલ્યો, “વસંત પંચમી!”
સહુને વસંત પંચમીની શુભેચ્છાઓ.
***********************************************************************
થોડી ટેક્નિકલ ચર્ચા આજે કરીશું. એમાં પ્રૉજેક્ટ , પ્રોગ્રામ અને પોર્ટફોલિયો વચ્ચે સરખામણી જોઈશું.
કોઈ સંસ્થા જયારે પોતાની દિશા નક્કી કરે છે ત્યારે એ પોર્ટફોલિયો કહેવાય છે. પોતાના પોર્ટફોલિયો માટે નક્કી કરેલાં ધ્યેય પ્રાપ્તિ માટે એકથી વધુ કાર્યક્રમોની રૂપરેખા બનાવે છે જે પ્રોગ્રામ કહેવાય છે. દરેક પ્રોગ્રામને પૂરો કરવા એકથી વધુ પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, આદરણીય જુ.કાકાએ “શુદ્ધ ગુજરાતી ભાષાનું જતન” એ ધ્યેય હેઠળ કંઈક કરવાનું નક્કી કર્યું, એ પોર્ટફોલિયો કહેવાય. એ પોર્ટફોલિયો અંગે ઈમેલથી જુ.કાકાએ મિત્રો સાથે ચર્ચા કરી અને “વેબગુર્જરી” વેબસાઈટ નામના પ્રોગ્રામ હેઠળ એ ધ્યેયને પામવા પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. વેગુ સાઈટના પ્રોગ્રામ હેઠળ અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં; જેમ કે, ડોમેન રજીસ્ટર કરવું, સાઈટની થીમ નક્કી કરવી, સાઈટ પર પીરસવાની સામગ્રી, લેખકોનો સંપર્ક, સમયપત્રક, જાહેરાત, વગેરે.
(credit: https://pmstudycircle.com/2012/03/project-management-vs-program-management-vs-portfolio-management/)
1) કાર્ય ક્ષેત્ર
પ્રૉજેક્ટનું ધ્યેય પહેલેથી નક્કી હોય છે અને પ્રોજેક્ટના કાર્યકાળ દરમિયાન એમાં ફેરફાર થયા કરતા હોય છે.
પ્રોગ્રામનું કાર્યક્ષેત્ર વધારે વિસ્તૃત હોય છે અને એમાં એક કરતા વધુ પ્રોજેક્ટ અને પોર્ટફોલિયો હોઈ શકે છે.
પોર્ટફોલિયો સંસ્થાની વ્યૂહરચના મુજબ કાર્યક્ષેત્રમાં ફેરફાર આવતો હોય છે.
2) બદલાવ
પ્રોજેક્ટને અમલમાં મુકતાં એમાં ઘણાં ફેરફાર થતા હોય છે.
પ્રોગ્રામમાં આંતરિક અને બાહ્ય પરિબળોને લીધે ફેરફાર આવતાં હોય છે.
સંસ્થાની વ્યૂહરચના પોર્ટફોલિયો બદલવામાં મોટો ભાગ ભજવે છે.
3) આયોજન
પ્રોજેક્ટના અમલીકરણમાં વિસ્તૃત ફલકમાંથી બારીક વિગતોનું આયોજન સતત ચાલ્યા કરતુ હોય છે.
પ્રોગ્રામનું આયોજન હંમેશા વિસ્તૃત ફલક પર થતું હોય છે જે વિવિધ પ્રોજેક્ટને માર્ગદર્શન પૂરું પડે છે.
પોર્ટફોલિયોમાં માર્ગદર્શિકાઓ હોય છે જે પ્રોગ્રામનું ફલક નક્કી કરે છે.
4) વ્યવસ્થાપન
પ્રોજેક્ટમાં કૌશલ્ય ધરાવતા કામગારોનું વ્યવસ્થાપન કરવાનું હોય છે.
પ્રોગ્રામમાં વિવિધ પ્રોજેક્ટ મેનેજરોનું વ્યવસ્થાપન હોય છે અને પોર્ટફોલિયોમાં વિવિધ પ્રોગ્રામ મેનેજરોને આવરી લેવામાં આવે છે.
5) સફળતાનો માપદંડ
ઉત્પાદનની ગુણવત્તા, સમયસર ઉત્પાદન, ખર્ચ, ગ્રાહક સંતોષ વગેરે પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે.
પ્રોગ્રામની સફળતા એના ધ્યેય મુજબના આયોજન અને લાભ પાર આધારિત હોય છે.
પોર્ટફોલિયોની સફળતા આર્થિક રોકાણ અને અમલીકરણની ઉપલબ્ધી પરથી નક્કી થાય છે.