મુક્તક – ચિરાગ પટેલ

એક મદમસ્ત યૌવના મારું દિલ લઇ હવા મહીં વિલિન થઇ ગઇ,
મને કિંકર્તવ્યમૂઢ બનાવતી એ સમાધિસ્થ કરતી ગઇ.

મહેફિલ છે જામેલી, ‘ને દિલમાં એક આશ ઉઠતી,
કે પિયુનો સંગ નથી, ‘ને જીવનમાં ઉમંગ નથી.

ચાંદ પર તો ડાઘ છે, ‘ને ચાંદની હાથ આવતી નથી,
ખુશ્બુને બદબૂ કહી અમે દુનિયાથી રુઠી ચાલ્યા.

બાગમાં સુરખી છે, ‘ને દિલમાં ઉભાર છે;
જઇએ તો ક્યાં? અંદર કે બહાર?

જોયો ના દિન, ના રાત, ના જોયું એકે શમણું;
દેખાયું મને તારી યાદમાં પ્રભાત એક ઉગમતું.

વિશ્વાસે ડૂબે વ્હાણ, ભવસાગર તરું છું રાખી વિશ્વાસ;
મળ્યો ના જો તારો સાથ, જોશે જગ પ્રીતમાં અવિશ્વાસ.

એવી પૂર્વભૂમિકા શીદને બાંધવી?
હું જ હતો વિશ્વામિત્ર ‘ને તુ મેનકા.

અમરત પીધાં, ઝેર પીધાં, આખું આયખું પીધાં;
લીધાં તો બસ પ્રેમ લીધાં, પ્રેમનાં કોલ લીધાં.
દીધાં તો બસ હૈયાં દીધાં, વ્હાલપનાં છાંયાં દીધાં.

સુવાસ ઘણી બધી હતી, મારા ઉપવનમાં;
પ્રજ્વલિત થયું એક જ પારુલ, મારા ઉપવનમાં.

વાસંતી મ્હોર ખિલ્યો છે, આ ઉપવનમાં;
એને આશ છે, પેલાં પારુલ સંગ મિલનની.

મ્હેંકે છે રોમેરોમમાં, સુંવાળપ ભીની-ભીની;
આવેગ છે પ્રતિકાત્મક, અનેરા સંબંધ આસવનો.

જીંદગીનું ઝેર તો પીધું છે, જાણી જાણી;
અનુભવ્યું છે એને, હરપળ માણી માણી.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *