મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું. પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી. હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે અને શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા વડે બનેલા સ્તર પર જુદું છે. એનો અનુભવ કરવાની ચાવી યોગમાં બતાવી છે. પણ એ માટે જે નિષ્ઠાથી પ્રયત્ન કરવો પડે એનો આપણે અભાવ ધરાવીએ છીએ. યોગમાં જ એક જુદો રસ્તો પણ બતાવ્યો છે. કોઈ વ્યક્તિ જો એ રસ્તે આગળ વધી હોય તો તેના બતાવેલા આ રસ્તે પ્રયોગો કરવા સહેલાં થઇ પડે. મને એકાએક આનન્દી મા વિષે આકર્ષણ થયું હતું અને મેં તેમની પાસેથી શક્તીપાતની દીક્ષા લીધી હતી. ઘણાં-ઘણાં અનુભવો થયા છે જે અનુકુળતાએ પ્રગટ કરીશ. લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં મને પ્રથમ ચક્ર મુલાધારના ભેદન વિષે પ્રયોગ કરવાનું મન થયું અને મેં આનન્દી માની એ માટેની ડીવીડી મન્ગાવી.

ડીવીડી આવી અને એના ત્રીજા દિવસે કોઈ પૂર્વનિર્ધાર વગર જ એ ડીવીડી જોઇને મૂલાધાર પર કામ કરવાનું મન થયું. પલાઠી વાળી હું જમીન પર બેસી ગયો અને ડીવીડી શરુ કરી દીધી. ડીવીડીમાં આનન્દી મા અને તેમના પતિ દીલીપજી મૂલાધાર અને સ્વાધિષ્ઠાન વિષે સમજુતી આપે છે અને પ્રયોગની પધ્ધતિ વર્ણવે છે. લગભગ 5 કલાક ચાલે એટલી ત્રણ ડીવીડીમાં સામગ્રી છે. મૂલાધાર ચક્ર વિષે ક્યારેક લખીશ. હાલ, તો મૂલાધાર ભેદન વિષે મારો અનુભવ જણાવું.

મને કરોડરજ્જુમાં એકાએક ઠંડુ પ્રવાહી વહેતું હોય એવો અનુભવ થયો, અને કરોડરજ્જુના મૂળથી લઈને માથાની વચ્ચે સુધી એક પ્રકાશિત નળી હોય એવો અનુભવ થયો. થોડીવાર આખા શરીરમાં ધીમી ધ્રુજારી થવા લાગી અને પછી એકાએક ગુદાદ્વારની ઉપરના ભાગે એકદમ ઠંડક થવા લાગી. મારું સમગ્ર ધ્યાન હવે એ ભાગ તરફ કેન્દ્રિત થવા લાગ્યું. એકાએક મને લાલાશ પડતાં પીળા રન્ગની ચોરસ આકૃતિ દેખાઈ અને એની ચાર બાજુ ચાર પાંખડી હોય એવું લાગ્યું. થોડીવાર બાદ ઉગ્ર મુખાકૃતિ અને પાતળા સરખાં ગણેશ દેખાયા. મેં તેમને પ્રણામ કર્યા. એકાએક તેમની જગ્યે અન્ધકાર વચ્ચે દુર પ્રકાશમાં ઉભેલી એક સ્ત્રી આકૃતિ દેખાઈ. તેમને ઘુંટણથી નીચે સુધીના હોય એવા લામ્બા વાંકડિયા વાળ હતા. તેમણે જમણા હાથમાં ત્રિશુલ પકડ્યું હતું. તેમનો ચહેરો અને શરીર અત્યંત કાળા અને ખુબ ભયાનક હતા. પરન્તુ મને તેમનો સહેજે ડર લાગ્યો નહિ, ઉલટાનું મને તેમના પ્રત્યે ઊંડી લાગણી અને માન જન્મ્યાં. એ હતા દક્ષિણી કે ડાકિની સ્વરૂપા અમ્બા. મેં તેમને પ્રણામ કર્યા. હવે, સોહમના ધ્વની સાથે માથાના મધ્યબિંદુ પર થી મૂલાધાર ચક્ર પર કોઈક પ્રવાહીના ટીપાં પડતા હોય એવી લાગણી જન્મી. થોડીવારમાં હું ધ્યાનમાંથી જાગ્રત થયો .

બે દિવસ બાદ વહેલી સવારે તન્દ્રામાં મને મૂલાધાર ચક્રની આકૃતિ ફરી દેખાઈ. આ વખતે એકદમ ગાઢા કાળા પ્રવાહીમાં સોનેરી રન્ગનું મૂલ ચક્ર ફરતું હતું!

અસ્તુ!

Print Friendly, PDF & Email

2 thoughts on “મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ

  1. સુરેશ જાની says:

    અત્યંત વ્યસ્ત હોવા છતાં, આવા અભ્યાસ અને અનુભવ માટે હાર્દિક અભિનંદન.

  2. Vaishali Radia says:

    કોઈ યોગી આત્માને આવા અનુભવ થાય! આવા અનુભવો અમારા સુધી પહોંચાડવા માટે ખૂબ આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.