(originally published at http://webgurjari.in/2018/05/25/a-modern-viewpoint-of-ancient-indian-texts-markandey-rishi-and-the-end-of-the-world/)
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન: માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત – – ચિરાગ પટેલ
માર્કંડેય ઋષિનો ઉલ્લેખ મહાભારતના વનપર્વમાં પણ આવે છે. આપણે એ ઉલ્લેખને સમજવા પ્રયત્ન કરીએ. આ પર્વના અંગ્રેજી અનુવાદની લિંક: http://www.sacred-texts.com/hin/m03/m03187.htm અને http://books.google.com/books?id=gftTFPyi378C&dq=complete+idiot%27s+guide+to+hinduism&printsec=frontcover&source=bn&hl=en&ei=AiT8S7HbGYT78Aa8nMXtBQ&sa=X&oi=book_result&ct=result&resnum=6&ved=0CDEQ6AEwBQ#v=onepage&q=markandey&f=false પર 13મુ પાનું.
યુધિષ્ઠિર માર્કંડેય ઋષિની પ્રાર્થના કરી અભિવાદન કરે છે કે, તેઓ નારાયણ (પાણીમાં રહેનાર – વિષ્ણુ)ને ત્યાગ અને ધ્યાન વડે પોતાના હૃદય કમળમાં સતત દર્શન કરે છે અને એ જ કૃપાથી સૃષ્ટિના સર્જન અને વિનાશના સાક્ષી બને છે. જ્યારે વિનાશને અંતે બ્રહ્મા નારાયણનાં નાભી-કમળમાં સુઈ જાય છે ત્યારે માત્ર તેઓ જ પૂજા માટે જીવિત હોય છે. તેથી તેઓ સૃષ્ટિના સર્જનનું કારણ જણાવે.
માર્કંડેય કહે છે કે, “જ્યારે યુગચક્રની સમાપ્તિ થવાની હોય છે ત્યારે માણસ ભૂખમરાથી પીડિત હોય છે અને હજારો મૃત્યુ પામે છે. આકાશમાં સાત સૂર્ય દેખાય છે અને આ સૂર્યની જ્વાળાઓમાં બધી નદીઓ અને સમુદ્રના પાણી સુકાઈ જાય છે. આ સંવર્તક નામના અગ્નિથી વનસ્પતિઓ, ઘાસ વગેરે બળીને ભસ્મ થઇ જાય છે. સાથે જ ખુબ જ જોરથી પવન વાય છે. આ અગ્નિ અને પવન પૃથ્વીથી પણ દુર લાખો યોજનો સુધી ફેલાઈ જાય છે જે દેવો, દાનવો અને યક્ષોને પણ ભયથી ધ્રુજાવે છે, અને દરેકનો વિનાશ કરી નાખે છે. ત્યારબાદ, વિવિધ રંગના વાદળોથી આકાશ ભરાઈ જાય છે. આ વાદળા ૧૨ વર્ષ સુધી સતત જળ વરસાવે છે. પૃથ્વીની સંપૂર્ણ ભૂમિ જળબમ્બાકાર થઇ જાય છે. એ વાદળો પણ પવનને લીધે જતા રહે છે. ત્યારબાદ, સમગ્ર બ્રહ્માંડ પાણીથી ભરાઈ જાય છે. માત્ર હું આ બધું જોતો પાણીમાં તરતો રહું છું. ત્યાં મને એક વડનું વૃક્ષ દેખાય છે જેના પર એક નાનો સુંદર છોકરો હોય છે. આ જ નારાયણ છે જે મને પોતાના પેટમાં સમગ્ર સૃષ્ટિ દિવ્ય રૂપે રહેલી બતાવે છે. ફરી નવી સૃષ્ટિનો જન્મ થતા હું આ નવી પૃથ્વી પર આવી ગયો છું.”
હવે, આપણી પૃથ્વી કે બ્રહ્માંડના અંત વિષે આપણી આજની વૈજ્ઞાનિક માન્યતા જોઈએ તો એ મુજબ પાંચ અબજવર્ષ બાદ જ્યારે સૂર્યનું આંતરિક બળતણ (હાઈડ્રોજનની હિલીયમમાં રૂપાંતરણની પ્રક્રિયા) ખૂટી પડશે ત્યારે તેનો આંતરિક ભાગ ગુરુત્વાકર્ષણને લીધે સંકોચાશે. આને લીધે બાહ્ય ભાગમાં તાપમાન વધશે અને એ વિસ્તરણ પામતું જશે. આ વિસ્તરણ છેક મંગળ ગ્રહ સુધી પહોચી જશે (એટલે કે પૃથ્વી પણ આ વિસ્તરણમાં આવી જશે). સૂર્યની આ સ્થિતિને રેડ જાયન્ટ કહે છે. બુધ અને શુક્ર તો આ વિસ્તરણમાં ચોક્કસ ગળી જશે. પૃથ્વી કદાચ એની કક્ષા વિસ્તારીને છટકી પણ શકે. વૈજ્ઞાનિકો હજી આ બાબતે સ્પષ્ટ નથી. કદાચ પૃથ્વીને રેડ જાયન્ટ સૂર્ય ગળી પણ જાય. ૨૦૦૮મા થયેલા સંશોધન મુજબ (https://www.livescience.com/32879-what-happens-to-earth-when-sun-dies.html) એવું લાગે છે કે સૂર્ય તેના મહત્તમ રેડ જાયન્ટના કદ સુધી વિસ્તરે એ પહેલા જ એટલે કે આજથી ૧ અબજ વર્ષ પછી પૃથ્વીની કક્ષા ઘટવાને કારણે અને સૂર્યની ગરમી વધવાને લીધે પૃથ્વીનું વાતાવરણ નાશ પામશે. લગભગ ૩ અબજ વર્ષમાં તો તેની બધી જ નદીઓ અને સમુદ્રના પાણી સુકાઈ જશે. એનું વાતાવરણ શુક્ર જેવું ઘાટા રંગબેરંગી વાદળો ભરેલું થઇ જશે. ત્યારબાદ, એ વાતાવરણ પણ છટકી જશે અને પૃથ્વી સુકીભઠ્ઠ રહી જશે. ધીરે ધીરે સૂર્ય સંકોચાઈને શ્વેત-વામન કે વ્હાઈટ ડવાર્ફ સ્વરૂપ ધારણ કરશે. સૂર્ય કરતા મોટા તારા કૃષ્ણવિવર કે બ્લેક હોલ બની જશે. મોટા બ્લેક હોલ નાના બ્લેક હોલને ગળતા જશે. ધીરે ધીરે બ્રહ્માંડ મૂળ અંડ સ્વરૂપ ધારણ કરી લેશે જેની અંદર હાઈડ્રોજન દબાણને કારણે પ્રવાહી સ્વરૂપમાં હશે. ફરી અમુક સમય બાદ એ અંડ વિસ્તરશે અને નવું બ્રહ્માંડ બનશે.
હવે, આ વૈજ્ઞાનિક માન્યતાને માર્કંડેય ઋષીએ જણાવેલા વર્ણન સાથે મેળવી જુઓ. સમાનતા બહુ જ સચોટ રીતે નજરે પડે છે. આથી શું માની શકાય કે માર્કંડેય ઋષિ ખરેખર આ બ્રહ્માંડના જન્મ પહેલા જે બ્રહ્માંડ હતું એમાં જન્મ્યા હતા? જો માર્કંડેય એક કાલ્પનિક વ્યક્તિ હોય તો શું એવું માની શકાય કે મહાભારતના રચનાકાર સૃષ્ટિના અંત વિષે સચોટ અનુમાન કરી શક્યા છે? આ અનુમાન કરવા માટે વ્યાસ પાસે કયું જ્ઞાન હતું? આ બધા અને બીજા આવા પ્રશ્નો અનુત્તર જ રહેશે. આપણી સંસ્કૃતિના પાયામા જે સાહિત્ય છે અને એના જે રચનાકાર છે તેમને કોટિ કોટિ વંદન.