માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ – ચિરાગ પટેલ ડિસેમ્બર 24, 2016
ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુ માં આરામ થી સૂતો તો..બાજુ માથી એક શેઠ નીકળા.
શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે.
ભૂરો : આગળ વધીને શુ કરવાનું?
શેઠ : પથારા માંથી દુકાન કરવાની,
દુકાન માંથી વખાર કરવાની
પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાના
ભુરો : પછી શું કરવાનું ?
શેઠ : પછી તારા હાથ નીચે માણસો કામ કરશે
અને તારે આરામ થી ઊંઘવાનું
ભૂરો : તો અત્યારે હું શું કરતો હતો ?
* * * * * * * * * * * *
હજારો વર્ષોથી માણસ અનેક ઉપાધિઓ અને ઉધમાતો કરતો આવ્યો છે! અને, એ બધી ઉપાધીઓને આમંત્રણ આપ્યા પછી શાંતિની શોધમાં દોડતો રહ્યો છે! ખાસ કરીને ભારતમાં એ માટે અનેક સંશોધનો થયા છે. આજે આપણે એના મૅનૅજમૅન્ટમાં ઉપયોગી પાસા વિષે વિચાર કરીશું.
જ્યારે વ્યક્તિને નિર્ણય લેવાનો હોય ત્યારે એની પરિસ્થિતિ એના નિર્ણય પર અને એના અમલ પર બહુ મોટી અસર કરે છે. અમુક મૅનેજમૅન્ટ પોઝિશન ખુબ જ તણાવભરી કામગીરી ધરાવે છે. એના માટે લાયક ઉમેદવાર શોધવા સ્ટ્રેસ ટેસ્ટ કે એવી પરિસ્થિતિના પ્રશ્નો પૂછી લાયક ઉમેદવારની મનોસ્થિતિ ચકાસવામાં આવે છે. જો કે આજકાલ તો દરેક નોકરી-ધંધામાં તણાવભર્યા કામ વધી ગયા છે. તણાવ વ્યક્તિને અમુક નિર્ણયો પર સંતુલિત પૃથક્કરણ કરતા રોકે છે. પરિણામે ભુલભર્યા નિર્ણયો લેવાઈ જાય છે. અને છેવટે તો એ તણાવમાં વધારો જ કરે છે.
આજે આપણે તણાવ ઓછો કરવાના અમુક સહેલાં ઉપાયો જોઈએ.
- જયારે માનસિક તાણ વધે ત્યારે શ્વાસોચ્છ્વાસ વધી જતાં હોય છે. પ્રયત્નપૂર્વક ધીમા , ઊંડા શ્વાસ લેવાથી તાણ ઓછો થાય છે.
- રોજ ધીરે ધીરે ૐનો મધ્યમ સ્વરે ઉચ્ચાર અડધો કલાક સુધી કરવો. અનેક પ્રયોગોથી આ સ્વતઃ સિદ્ધ પ્રયોગ છે. ‘અ’ ઉચ્ચાર નાભિથી, ‘ઉ’ ઉચ્ચાર છાતી મધ્યેથી અને ‘મ’ ઉચ્ચાર નાક અને હોઠ વચ્ચેથી સરખા અંતરાલમાં થાય એ ધ્યાન રાખવું. ટટ્ટાર કરોડ, ગરદન અને શક્ય હોય તો હથેળીઓ છતી રાખવી.
- રોજ ઓછામાં ઓછું 5 મિનિટ શ્વાસ અને ઉચ્છ્વાસ પર ધ્યાન આપવાથી અનેક લાભ થાય છે. કોઈ પણ કાર્ય કરતા શરીર ટટ્ટાર રાખી નાકના ટેરવા પર ધ્યાન આપવું. શ્વાસ કે ઉચ્છ્વાસ પ્રયત્નપૂર્વક લીધા સિવાય માત્ર અને માત્ર એમના આવાગમન પાર ધ્યાન આપવું.
- સંગીત અને નૃત્ય બહુ જ અકસીર પ્રયોગ છે. ગમતું સંગીત સાંભળો, ગાઓ, નાચો.
- કુટુંબીજનો, મિત્રો સાથે વાર્તાલાપ કરવાથી તાણ ઓછો થાય છે. (વધી પણ શકે છે, સંભાળજો !)
- 30મિનિટની ઝડપી ચાલ સંપૂર્ણ શરીર અને મન પર સરસ અસર કરે છે.
આ ઉપરાંતના પણ અનેક પ્રયોગો છે જે તમે અહીં કોમેન્ટ બોક્સમાં મુકશો તો અનેક લોકોને લાભ મળશે.
ૐ શાંતિ શાંતિ શાંતિ: