જોગીડો – ચીરાગ પટેલ સપ્ટેમ્બર 13, 2008
રે જોગીડો ચાલ્યો આજે સાચી રાહ પર,
ભેખ ધર્યો અનોખો, રસ્તો પકડ્યો નવો.
રે જોગીડો…
મારી ડુબકી અતળ પાતાળે, મુલાધારે,
ત્યાં તો ભાત ભાતનાં મોતીડાં પામ્યો.
રે જોગીડો…
સ્વાધીષ્ઠાને બેઠાં કામ-કાંચનના મગર,
ડીલે ચોળી ત્યાગ-સત્યની હળદર બધી.
રે જોગીડો…
રવ રવ નરક રસ્તે, ભુખ-તૃષ્ણા મણીપુરે,
જપ-તપ કરતો પામે પાર નરપુંગવ.
રે જોગીડો…
શરુ થયો ઉર્ધ્વમાર્ગ જ્યારે ગયો અનાહતે,
આતમદર્શનની સીડી ચઢ્યો ચન્દનખાણ.
રે જોગીડો…
સર્વ સીધ્ધીનું કેન્દ્ર ઉમટે જ્યારે વીશુધ્ધે,
એનાથી આગળ વધ્યો એ રુપાની ખાણ.
રે જોગીડો…
ગોપાલદર્શન અવર્ણનીય જ્યારે આજ્ઞાએ,
સોનાની ખાણ રહે ત્યાં જોગીરાજ આખરે.
રે જોગીડો…
બ્રહ્મામૃતસાગરે મારી છેવટે ડુબકી સહસ્ત્રારે,
ભળી ગયો મહાસાગરમાં, તે-તે હું-હું, બધે.
રે જોગીડો…
મીઠાની પુતળી ભળી ગઈ સાગર-ઉંડાણે.
રે જોગીડે ભાળ્યો છેડો સાચી રાહ પર.