જાગૃતિ – ચિરાગ પટેલ 2019 ફેબ્રુઆરી 23
આપણે સર્વે, સમગ્ર પ્રાણી જગત રાત પડે સુઈ જઈએ છીએ અને સવાર થતા ઉઠી જઈએ છીએ. વત્તે-ઓછે અંશે હરકોઈ વ્યક્તિ આ પ્રાકૃતિક વ્યવસ્થાને આધીન હોય છે. ભારતીય શાસ્ત્રો તો કહે જ છે કે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર પ્રાકૃતિક વૃત્તિ સર્વ પ્રાણીમાં સમાન હોય છે. આ વૃત્તિઓ જાગ્રત કે અજાગ્રતપણે મન અને ચેતનાને વશ કરી લેતી હોય છે. વળી, જીવન જીવવા અને ઉત્ક્રાંતિના ક્રમને આગળ ધપાવવા પણ આ વૃત્તિઓ જ ચાલક બળ બને છે.
મનુષ્યમાં ચારેય પ્રાકૃતિક વૃત્તિઓ પશુસમાન હોય છે. પરંતુ, મનુષ્ય બીજા પ્રાણીઓથી અલગ એ રીતે પડે છે કે, એ આ પ્રાકૃતિક વૃત્તિઓને કંઈક અંશે નાથી શકે છે. આજે હું નિદ્રા વિશેના મારા એક અનુભવને જણાવી રહ્યો છું.
હું ઘણા સમયથી રાત્રે સૂતી વેળા જાગ્રતપણે મારી ઊંઘની પ્રક્રિયા જોવા પ્રયત્ન કરતો હોઉં છું. યૌગિક પરંપરામાં એવું મનાય છે કે, જે વ્યક્તિ પોતાને ઊંઘમાં સરી જતી જોઈ શકે એ મૃત્યુને જીતી જાય છે. હજુ સુધી તો મને મારા પ્રયત્નમાં સફળતા નથી મળી. પરંતુ, બે દિવસ પહેલા એટલે કે 2019 ફેબ્રુઆરી 21 ગુરુવારની વહેલી સવારે મને જાગ્રતપણે ઊંઘમાંથી ઉઠવાનો અનુભવ થયો!
ઉઠવાના સમય પહેલા અનાહત ચક્રના સ્થાને કોઈ પ્રકાશ થયો. અનાહત ચક્ર છાતીના પિંજરામાં નીચેના ભાગે જ્યાં સહુથી નીચેની પાંસળીઓ ભેગી થતી હોય ત્યાં શરીરના વચ્ચેના ભાગે આવેલું છે. આ સ્થાને પ્રકાશ થયો અને એકાએક મણિપુર ચક્રથી વિશુદ્ધિ ચક્ર સુધીના માપનું કોઈ આંતરિક શરીર ચેતનવંતુ થયું. મણિપુર ચક્ર નાભિથી એક આંગળ નીચે હોય છે અને વિશુદ્ધિ ચક્ર ગળામાં છાતીના પિંજર થી સહેજ ઉપર પડતા ખાડામાં હોય છે. આ આંતરિક શરીર ચેતનવંતુ થયું એ અનાહત ચક્રમાં જે પ્રકાશ થયો એને વીંટળાયેલું કોઈ આવરણ હોય એવું મને લાગ્યું. એક ક્ષણમાં આ બધું થઈ ગયું. બીજી ક્ષણમાં આ આંતરિક શરીરનો પ્રકાશ સમગ્ર શરીરમાં ફરી વળ્યો અને મારુ શરીર ચેતનવંતુ બન્યું. એ જ ક્ષણે મન પણ જાગ્રત થઈ ગયું અને હું અર્ધ ઊંઘમાં હોઉં એવી અવસ્થામાં આવી ગયો, જે હું ઉઠતી વેળા રોજેરોજ અનુભવું છું!
ત્રણ સ્તર ચેતનવંતા થવાની આ પ્રક્રિયામાં પહેલું સ્તર બીજા સ્તરને જાણે સૂકા ભઠ વાદળીના ટુકડાને ભરપૂર પાણીમાં બોળતાં હોઈએ એવી રીતે ચેતનાથી તરબોળ કરતુ હતું!
અસ્તુ! ૐ તત સત!