જાગો – ચીરાગ પટેલ

જાગો – ચીરાગ પટેલ Mar 04, 2008

થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):

  1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.
  2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.
  3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.
  4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.
  5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.

ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.

આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.

અને હવે એમ કહું કે, આ ‘આગ’ ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???

ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે – ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.

વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! ‘આગ’ જોર પકડી રહી છે…

બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.

મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.

ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.

આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.

આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.

થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???

Print Friendly, PDF & Email

One thought on “જાગો – ચીરાગ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.