પ્રયુતિ કલ્પના (માઈક્રોફિક્શન) વાર્તા
હું ક્યાં? – ચિરાગ પટેલ 8696 માર્ગશીર્ષ કૃષ્ણ ચતુર્થી 2019 Dec 15 Sunday
જ્યારે કોઈ પડકાર ઝીલવાની નોબત આવે ત્યારે જ આપણને ખબર પડે કે કેટલી વીશી સો થાય.
મારા માટે આ નોબત દશમા ગ્રહ પર ઉતરાણ કરવા જતા આવી! બધાં જાણતાં હતાં કે, દશમો ગ્રહ એ કોઈ ગ્રહ નહિ પણ સૂક્ષ્મ કૃષ્ણ વિવર (બ્લૅક હોલ) છે! હું જાણતો હતો, પણ દુરાગ્રહી હોવાથી આ ગ્રહને છેડવાનો હઠાગ્રહ ગ્રહી લીધો.
પૃથ્વી છોડ્યે આ પાંચમો દિવસ અને દશમો વસમો પાડવાનો શરુ થઇ ગયો છે. મારા શરીરની બધી ક્રિયાઓ મારો આદેશ માનવાને બદલે દશમને વશમ થઇ ગઈ છે. હૃદયના ધક્કે રુધિરાભિસરણ તંત્ર પ્રતિસરણ તંત્ર બની મગજને ભરવાને બદલે ખાલી કરતું થઇ ગયું છે. પાચન તંત્ર સ્ફોટ તંત્રમાં ફેરવાઈ ગયું છે. શ્વસન તંત્રમાં શ્વાસ જ નથી રહ્યાં! દરેક શ્વાસે મહાપ્રાણ ધમનીઓ ફાડીને કોષે-કોષે વિદ્યુત ચમકારા કરતો હોય એવું લાગે છે. ચેતાતંત્ર મગજમાંથી તરંગો મોકલે એ અંગોમાં પહોંચે એ પહેલા જ દશમના ગુરુત્વ તરંગો એમને ગ્રસી લે છે. હે જગન્માતા, હે પરાશક્તિ, હવે તો તું જ મને જીવતો પાછો ધરા પર મોકલે તો ખરું! આવા દુરાગ્રહ કદી નહિ કરું! કેટલાં દશમે સો થાય એ ખબર પડી ગઈ બાપલીયા.
મારો આ સંદેશ પૃથ્વી પર પહોંચે તો સારું!.
જીવન ક્યાં?
પ્રાણ ક્યાં?
ચેતન ક્યાં?
હું ક્યાં?
માયા ક્યાં?
બ્રહ્મ ક્યાં?
અરે… અરે…
હું એ જ બ્રહ્મ!
આ તો માયાનો ભ્રમ માત્ર!
હું જ સર્વ!
હર કાંઈ હું જ!
દરેક પૃથ્વીવાસી જીવંત પ્રસારણમાં વિજ્ઞાનના મરજીવાને પળ-પળ વિખાતો જોઈ આંસુ સારતાં હતાં. સહુને એક મૂઠી ઉંચેરા માનવીનો ગરવ પણ હતો!