સામાજિક માધ્યમો / Social Media

(originally published at http://webgurjari.in/2015/12/18/social-media/)

ચિરાગ પટેલ

આધુનિક સમયની કોઈ પણ સંસ્થા કે પ્રસંગોના આયોજન માટે સોશ્યલ મિડીયા એક અનિવાર્ય સાધન બની ચુક્યુ છે. આપણે સહુ આ શબ્દ પ્રયોગને સમજીએ છીએ. મુખ્યત્વે ગુગલ, ફેઇસબુક, ટ્વીટરની ત્રિમૂર્તિ એટલે સોશ્યલ મિડીયા એવી ઓળખ બની ગઈ છે. જોકે સામાજિક માધ્યમો માત્ર ફેસબુક કે ટ્વીટર કે વૉટ્સ ઍપ્પ સુધી જ મર્યાદિત નથી. તેમનો વ્યાપ તો આપણી જરૂરિયાત અને આપણે જેમની સથે સંવાદ સાધવા માગીએ છીએ તે સમુદાયની જરૂરિયાતોને અનુરૂપ થતો રહે છે. જાણ્યે-અજાણ્યે આપણે બીજી અનેક જાણીતી ઈન્ટરનેટ સાઈટો વાપરતા હોઈએ છીએ, જે સોશ્યલ મિડીયાની વ્યાખ્યામા આવી જાય છે.

વિજાણુ વિશ્લેષક, નૃવંશશાસ્ત્રી અને ભવિષ્યવાદી બ્રાયન સૉલીસે ૨૦૦૮માં સંવાદ ત્રિપાર્શ્વચક્ર / Conversation Prismની પરિકલ્પના રજૂ કરી. સંવાદ ત્રિપાર્શ્વચક્ર સામાજિક માધ્યમોના વિકાસના દરેક તબક્કાનો દૃષ્ટિવિષયક નકશો કહી શકાય.

ConversationPrism_BrianSolis_

અભિમન્યુ પેઠે પ્રવેશ કરીને આ ચક્રવ્યુહમાં ખોવાઈ ના જતા. આપણે હવે આ સંવાદ ત્રિપાર્શ્વ ચક્રના આલિયા-ખાલિયા છૂટા પાડીએ.

સોશ્યલ મિડીયાની સાદી વ્યાખ્યા કરીએ. કોઇ પણ એવુ માધ્યમ કે જેના દ્વારા લોકો માહિતી અને વિચારોની આપ-લે કરી શકે, એ માહિતી પર ચર્ચા કરી શકે, એને સોશ્યલ મિડીયા કહી શકાય. પરંપરાગત માધ્યમમાં કોઇ એક સ્ત્રોતથી અનેક લોકો સુધી પહોચી શકાય એવી સગવડ હતી, જ્યારે સોશ્યલ મિડીયા દ્વારા અનેક સ્ત્રોત વડે અનેક લોકો સુધી પહોંચી શકાય છે. આ માહિતીના વહન માટે મુખ્યત્વે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. સ્માર્ટફોનની સગવડે સોશ્યલ મિડીયાને અકલ્પનીય વેગ આપ્યો છે.

બીજો એક મહત્વનો તફાવત જોઇએ. પરંપરાગત માધ્યમમાં એક જ માહિતીનો સ્ત્રોત હોય છે, જે કોઇ સંલગ્ન વિદ્વાન દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે, સોશ્યલ મિડીયામાં તો સામાન્ય માણસ પણ પોતાના જ્ઞાનને કે માહિતીને અન્યજનોના લાભાર્થે તદ્દન મફત કે નજીવા ખર્ચે મુકી શકે છે. આ ઘણો જ મોટો અને ક્રાન્તિકારી ફેરફાર છે. કોઈ પણ આલિયો-માલિયો (આલિયા ભટ્ટ કે વિજય માલ્યા નહિ) વ્યક્તિ પોતાનું અંગત જ્ઞાન પ્રદર્શિત કરે ત્યારે એમાં પ્રમાણભાન ચૂકવાની કે અધૂરી માહિતી પીરસાવાની અનેકગણી શક્યતા હોય છે. વળી, માહિતીની ખરાઈ કર્યા વગર એ અનેકો સુધી પહોચી પણ જાય છે. “વા વાયો ‘ને નળીયું ખસ્યું. એ જોઈ કૂતરુ ભસ્યું” ના તાલવાળા વધારે વાર થતા અનુભવોના ભયસ્થાન સામે, એ ફાયદો પણ છે કે, સામાન્ય માણસ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના પોતાના સ્પષ્ટ અભિપ્રાય જાહેર કરી શકે છે. રાજકારણમાં લોકશાહીનું જે મહત્વ અને ફાયદા-ગેરફાયદા છે એ સર્વે સોશ્યલ મિડીયાને પણ લાગુ પડે છે.

અમુક પ્રકારની માહિતીના વિશ્લેષણ માટે ટ્વીટર, ગૂગલ, એલીઝા વગેરે જેવી સાઈટ સુવિધા પુરી પાડે છે, જેનો ઉપયોગ કરી સંસ્થા માર્કેટીંગ માટે દિશા નક્કી કરી શકે છે. પ્રૉડક્ટ અંગેની જાહેરાત કરી જનમાનસમાં એના વિશે ઉત્સુક્તા જગાવી શકે છે. અમુક કંપનીઓ સોશ્યલ મિડીયા દ્વારા પોતાની પ્રૉડક્ટ ખરીદનારને અમુક ટકા વળતર પણ આપતી હોય છે. ઓછા ખર્ચે અને જોખમે પ્રૉડક્ટ વિશે લોકો સુધી પહોંચી અમુક કંપનીઓ પોતાના ભવિષ્ય અંગેના નિર્ણય પણ લઈ શકે છે.

સોશ્યલ મિડીયાને વ્યાખ્યાયિત કરવા હનીકૉમ્બ મોડેલ (Honeycomb model1) જાણીતું છે.

Social Media Honeycomb Model

એ મુજબ, સોશ્યલ મિડીયાના સાત નિર્માણ અંગો છેઃ

૧) ઓળખ (Identity) : વપરાશકર્તાની ઓળખ જેમ કે, નામ, જન્મતારીખ, સ્થળ, લિંગ, વગેરે વ્યક્તિગત બાબતો

૨) ચર્ચાવિચારણા (Discussion) : ટ્વીટ, બ્લૉગ વગેરે જેવા સાધનો વડે વિચાર વિમર્શ કરવો

૩) ભાગીદારીઃ (Sharing) : કમ્પની અને વપરાશકર્તાઓ માહિતીની આપ-લે કરે

૪) હાજરીઃ (Presence) : વપરાશકર્તાઓ એકબીજાની હાજરી જાણી/શોધી શકે

૫) સંબંધો (Relations) : સરખી વિચારસરણી ધરાવતા કે કોઈ પ્રત્યે લગાવ ધરાવનાર વપરાશકર્તાઓ વચ્ચે સમ્બન્ધની શક્યતા

૬) પ્રતિષ્ઠા (Reputation) : વપરાશકર્તાઓની પ્રતિષ્ઠાની જાણકારી

૭) સમુદાય (Groups) : વપરાશકર્તાઓ કોઇ એક ધ્યેય કે વિચારને લઈને સમુદાય કે જુથની સ્થાપના કરી શકે

આજના વેપાર ઉદ્યોગ તેમજ લગભગ દરેક પ્રકારના પ્રવાહ સાથે સંકળાયેલા સંચાલકો અને અગ્રણીઓ દ્વરા સંભવિત જુદાં જુદાં સામાજિક માધ્યમોના અસરકારક પ્રયોગ તેના ઉપભોકતાની રચનાત્મક વિચારસરણીની મયાદાથી જ સિમિત બની રહે છે.2

પોતાના સંદેશના અસરકારક પ્રચારક થવામાં સામાજિક માધ્યમોનો ઉપયોગ કરવા માટે આજના સમયના પ્રસિધ્ધ માર્કેટીંગ ગુરૂ ગાય કાવાસાકીન વિચારો પણ સામાજિક માધ્યમોની વિપુલ શક્યતાઓને સમજવામાં મદદરૂ બનશે.3

આપણે તો આપણા ઘરનું જ ઉદાહરણ જોઈએ.

વેબગુર્જરીમાં કોઈ પણ વ્યક્તિ ટિપ્પણી કરી શકે છે, પરંતુ તેણે પોતાનું નામ અને ઈ-મેલ જણાવવા પડે છે, જેથી અન્ય લોકો તેને ઓળખી શકે. જે-તે બ્લૉગ પૉસ્ટ પર વિચાર વિમર્શ કરવાની સગવડ પણ વેગુ પર છે. વળી, વેગુ ફેસબુક, ટ્વીટર, ઈમેલ વગેરે માધ્યમ દ્વારા પૉસ્ટ શૅરીન્ગની સગવડ આપે છે. વેગુ ટિપ્પણી મુકનાર ઑનલાઈન છે કે નહિ એ નથી જણાવતુ. ફેસબુકના ફૅનપેજ દ્વારા એ વાચકોના સમ્પર્કમા રહે છે તેમ જ વાચકો પણ એક્બીજાના સમ્પર્કમા રહી શકે છે. જે-તે પૉસ્ટને લાઈક કરવાની કે એ પૉસ્ટ કેટલા લોકોએ જોઈ એ સગવડ જે-તે પૉસ્ટ કેટલી લોકપ્રિય થઈ એ જાણી શકાય છે. ફેસબુકના માધ્યમ દ્વારા વેગુ પોતાના વાચકોના જૂથને સાંકળી લે છે. આમ, કહી શકાય કે વેગુ આજના સશક્ત સોશ્યલ મિડીયાના આયામને સિધ્ધ કરે છે.

આપ સહુ વાચકોની ભાગીદારી વિના સફળતાના શિખરો સિધ્ધ કરવા અશક્ય છે. વાચકોનો ૨૦લાખ કરતા વધુનો આંકડો વેગુ એક સફળ અને લોકપ્રિય સોશ્યલ મિડીયા ઉપભોક્તા હોવાની સાબિતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *