23 વર્ષે વાંસદા – ચિરાગ પટેલ જાન્યુઆરી 27, 2015

23 વર્ષે વાંસદા – ચિરાગ પટેલ જાન્યુઆરી 27, 2015

ડીસેમ્બર 27, 2014ને શનિવારે હું 23 વર્ષ પછી વાંસદા ગયો! મારી સાથે પારુલ, વૃન્દ, સ્વરા, હિનાભાભી, વિકાસભાઈ, અક્ષર, શ્લોક હતાં. અમે 12 જાણ બેસી શકે એવી વેન લઈને મુમ્બઈથી વહેલી સવારે સાડા ચારે લાછકડી (બાયફ કેન્દ્ર) અમારે મુકામે પહોંચી ગયા હતાં. અમને આવકારવા એટલી વહેલી સવારે, ગાત્રો થીજાવતી ઠન્ડીમાં, મિત્રો ઇન્દ્રજીત અને તેજસ, તથા ઇન્દ્રજીતનો ઉત્સાહી દીકરો દિગ્પાલ આવી ગયા હતાં!

મિત્રો ધર્મ અને અમિત વર્ષોથી ફેસબુક દ્વારા મારા સમ્પર્કમાં હતા. ધર્મ સાથે મારી વ્હોટ્સ એપ પર વાતચીતો થતી. પછી ધર્મે અમિત, ભુપેન્દ્ર વગેરે મિત્રો સાથે મળી વાંસદા ગ્રુપ વ્હોટ્સ એપ પર બનાવ્યું લગભગ જુન 16, 2014 માં. પછી તો લોગ આતે ગયે ઔર કારવાં બઢતા ગયા! ભાવના, ભારતી, બીના, દીપા, દીપ્તિ, ડોલી, સોનલ, અમિત, અનન્ત, ભુપેન્દ્ર, ધર્મ, હેમાંશુ, હિરેન, ઇન્દ્રજીત, જીતુ, કલ્પેશ, કૌશિક, મનિષ, મેહુલ, સાજીદ, સંજય, તેજસ પરમાર, તેજસ વ્યાસ, વિકાસ, વિપુલ, વિરાફ, યોગેશ અને મારી ગોઠડી માટે વ્હોટ્સ એપનો ચોતરો તૈયાર થઇ ગયો! હું ડીસેમ્બરમાં ભારત મુલાકાત લેવાનો હોવાથી મેં બધા આગળ ભેગાં થવાનો પ્રસ્તાવ મુક્યો. ધર્મ તો તરત વાંસદા દોડી ગયો સ્થળ અને સમય નક્કી કરવા! પછી ધર્મ, સંજય, યોગેશ, ઇન્દ્રજીત આસપાસના સ્થળે મુલાકાત લઈને સ્થળ નક્કી કરી આવ્યાં, અને મારી સાથે મસલત કરી, ડીસેમ્બર 27 તારીખ નક્કી કરી. બાકી બધાં મિત્રોની મંજુરી વ્હોટ્સ એપ પર લેવાઈ ગઈ.

ત્યારબાદ ઇન્દ્રજીત, યોગેશ, તેજસ પરમાર અને વિકાસે જે કર્યું એ કલ્પનાતીત હતું. તેમણે અમારી શાળા “શ્રી પ્રતાપ હાઇસ્કુલ”ના હાલના પ્રિન્સીપાલ શ્રી મહેન્દ્રસાહેબનો સંપર્ક કરી અમારી 1991ની 10માં ધોરણની બેચના તમામ વિદ્યાર્થીઓના નામ મેળવ્યાં અને એક મોટો કાર્યક્રમ ઘડી કાઢ્યો જેની અમને કોઈને જાણ સુદ્ધાં નહોતી! 24 ડિસેમ્બરે વ્હોટ્સ એપ પર મહેન્દ્રસાહેબે મને વાંસદા ખાતે 27મી તારીખના સન્માન સમારમ્ભમાં કુટુમ્બ સહીત હાજર રહેવા વિધિવત આમન્ત્રણ મોકલ્યું. એમાં મને અધ્યક્ષ, અને હેમાંશુ તથા ભુપેન્દ્રને મુખ્ય અતિથી તરીકે હાજર રહેવા આમન્ત્રણ હતું. સાથે જ અમારી બેચના તમામ મિત્રોને શાળા તરફથી ફોન કરી આમન્ત્રણ મોકલવામાં આવ્યા હતાં. મને તરત કંઈક અનોખું થઇ રહ્યાંની લાગણી થઇ આવી. મેં ઇન્દ્રજીતને એ વિષે પૂછ્યું. પણ તે ફોડ થોડો પાડે! તેણે કહ્યું કે, “બસ, તું આવી જા. બધું થઇ રહેશે.” મને ખાસ ચિન્તા અમારા રોકાણની હતી, કારણ કે અમે આઠ જણા હોઈ કોઈને ઘરે રાતવાસો કરવામાં તકલીફ પહોંચે.

અમે લાછકડી પહોંચી લગભગ સાડા પાંચે નિદ્રાધીન થયાં અને સાત વાગ્યે ઉઠી ગયાં. અમારે શાળાએ સાડા આઠે પહોંચવાનું હતું. શરીર ધ્રુજાવતી ઠન્ડીમાં ન્હાવાની એવી તકલીફ ઉભી થઇ કે, ગરમ પાણી ખાસ આવતું નહોતું. મુમ્બઈથી વાંસદાની રાત્રી મુસાફરી દરમ્યાન મને ખાસ ઉન્ઘ નહોતી આવી. અને, મુમ્બઈ “ગેટવે ઓફ ઇન્ડિયા”ની મુલાકાત દરમ્યાન મેં સ્વરાને સતત ઉંચકી હોવાથી મારો જમણો હાથ ઉંચો જ નહોતો થતો! એટલે, હું તો જેમતેમ શરીર ભીન્જવી તૈયાર થઇ ગયો. અમે જ્યાં રોકાણ કર્યું, એ બાયફની હોસ્ટેલ હતી. વ્યવસ્થા ઘણી સારી હતી. અમે કેન્ટીનમાં ચા પીધી અને થોડો નાસ્તો કર્યો. લાછકડીથી શાળાએ પહોંચવાનો રસ્તો મને યાદ હતો. પરંતુ, 23 વર્ષમાં એની આજુબાજુની જગ્યા એટલી બદલાઈ ચુકી હતી કે હું ભૂલો પડ્યો. છેવટે, સાચો રસ્તો શોધી આગળ વધ્યાં. રસ્તામાં મેં વૃંદને હું મિત્રો સાથે વહેલી સવારે ઘરેથી દોડવા આવતો એ જગ્યા બતાવી. પછી ફટાફટ શાળાએ પહોંચ્યા.

શાળામાં મહેન્દ્રસાહેબે અમારું સ્વાગત કર્યું અને સ્ટાફરૂમમાં અમને લઇ ગયા. મારા ઘણાં મિત્રો આવી ગયા હતાં. વર્ષો પછી અમે મળી રહ્યાં હતાં. 1990માં મહેન્દ્રસાહેબ પ્રતાપ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને પહેલવહેલું અમને 10માં ધોરણમાં ઈન્ગ્લીશ શીખવવું શરુ કર્યું હતું. આજે (2014) તેઓ પ્રિન્સીપાલ છે. ત્યાં ચા-બિસ્કીટને ન્યાય આપી, અમે શાળામાં ફરી, જૂની યાદો તાજી કરી. વૃન્દ પુરા સમય દરમ્યાન દરેક ઘટના કે સ્થળના ફોટા પાડી એ ક્ષણોને અમરત્વ આપતો હતો! શાળાના નવા બનેલા મકાન તરફ અમે જઈએ એ પહેલાં વાંસદા કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીઓને મળ્યાં. નવા મકાન તરફ જતી વખતે કેડેટો દ્વારા પરેડ કરી અમને સલામી આપવામાં આવી. રસ્તે બાલિકાઓ શણગારેલાં કળશ સાથે અમને આવકારતી ઉભી હતી.

તાળીઓના ગડગડાટે સમારંભ ખંડમાં અમારો જે સત્કાર થયો એ અવિસ્મરણીય અને અવ્યક્ત છે! સમગ્ર ખંડ જાણે 23 વર્ષોથી મારા પ્રત્યે સંગ્રહી રાખેલો પ્રેમ એકસાથે વરસાવી રહ્યો હતો! મારા હૈયામાં એનો જે પડઘો પડ્યો એમાં 23 વર્ષોનો અંતરાલ ખરી પડ્યો, અને હું હજુ કાલે જ વાંસદા છોડી ગયો હોઉં એવો ભાવ આવી ગયો! સ્ટેજ પર મહેન્દ્રસાહેબ અને ટ્રસ્ટીઓ સાથે હું અને ભુપેન્દ્ર બેઠાં. સામે બીજા મિત્રો, પારુલ, વૃન્દ, સ્વરા, હિનાભાભી, વિકાસભાઈ, અક્ષર, શ્લોક, અમારા શિક્ષકો બેઠાં. ખંડમાં હાલનાં વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો પહેલેથી બેઠાં હતાં. આ કાર્યક્રમમાં કેતન, સુરેશ, આશા, નિસાર, ઝહીર, શૈલેશ, બળવંત, સાજીદની હાજરી મારા માટે આશ્ચર્યકારક હતી!

“સ્મરણ 2014” નામના કાર્યક્રમની શરૂઆત બાલિકાઓના મધુર કંઠે ગવાયેલી સરસ્વતી વન્દનાથી થઇ. દરમ્યાન હેમાંશુ પણ આવી ગયો અને અમારી સાથે સ્ટેજ પર ગોઠવાયો. ત્યારબાદ સરસ મજાની રંગોળી દ્વારા શણગારાયેલી સરસ્વતીની પ્રતિમા સમક્ષ બાલિકાઓએ સ્વાગત નૃત્ય કર્યું. મહેન્દ્રસાહેબે મા સરસ્વતી આગળ દીપ પ્રગટાવવાનું મને સન્માન આપ્યું. મેં શાળાની વિદ્યાર્થીની દ્વારા એ શુભ કાર્ય કરાવવાની ઈચ્છા કરી, એટલે સાહેબે મારી દીકરી સ્વરા અને નૃત્યવૃન્દની એક બાલિકાને બોલાવી, અને અમે ત્રણે ભેગા મળી દીપ પ્રગટાવ્યો. જાણે મા સરસ્વતી સમક્ષ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક દીપે સંકળાઈ દેવત્વ પ્રગટ કરી રહ્યાં!

શાળા તરફથી અમારું ફૂલગુચ્છ અને સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ મહેન્દ્રસાહેબે અમારો પરિચય આપી પ્રસંગાનુરૂપ વક્તવ્ય આપ્યું. અમારી બેચ વતી, મિત્રોએ અમારા સમયના જે શિક્ષકો હાજર હતા તેમનું શાલ ઓઢી સન્માન કર્યું. વિદ્યાબેન, બારૈયાસાહેબ, ચૌહાણસાહેબ, જાદવસાહેબ, પ્રતિભાબેન, સુમિત્રાબેન, ઢીમ્મરસાહેબ, સોમાસાહેબ, મહેન્દ્રસાહેબ – અમારા જીવનનો પાયો મજબૂત કરનારા કસબીઓ છે જેમનું જાહેરમાં સન્માન કરવાની અમને આજે તક મળી. અમે બધાં મિત્રોએ ગ્રુપ ફોટો પડાવ્યો જે છાપામાં અહેવાલસહિત છપાયો હતો. ત્યારબાદ અમારી બેચ વતી મિત્રોએ ટ્રસ્ટીઓનું ફૂલ આપી સન્માન કર્યું. આખરે શાળાને ગતિશીલ રાખનાર ચાલકબળ ટ્રસ્ટીઓ અને કેળવણી મંડળ જ છે! પ્રસંગને અનુરૂપ છતાંય કંઈક શીખવી જાય એવું પ્રવચન ઢીમ્મરસાહેબે આપ્યું. ટ્રસ્ટી મંડળ તરફથી પણ પ્રવચન થયા, અને છેવટે મેં પણ હાલના વિદ્યાર્થીઓને શીખ મળે એ હેતુથી મારા અનુભવ મુજબ વક્તવ્ય આપ્યું. સમારંભ પૂરો થયા બાદ સર્વે મિત્રોએ ભેળાં, શાળામાં ભોજન લીધું. વાતચીતોનો રસ ભોજનમાં ભળી રસથાળને અનોખી લહેજત આપી રહ્યો!

અમે બધાં મિત્રો ભેગાં મળી વનચેતના નામના પ્રકૃતિના ખોળે વસેલા અને પ્રકૃતિમય સ્થળે ગયાં. અહિ મિત્ર-પત્નીઓ અને બાળકો પણ આવી ગયા હતાં. મારું કુટુમ્બ બાયફ પર આરામ કરવા પાછું ગયું હતું. અમે અલક-મલકની વાતો કરી ગપ્પાં મારતાં બેઠાં. મોટા વૃક્ષો નીચે એક મોટું સ્ટેજ હતું, જેના પર ગાદલાં -તકિયા બિછાવી અમુક મિત્રો બેઠાં. બાકીના બધાં ખુરશીઓ પર બેઠાં. અમિતા (તેજસ પરમારના પત્ની) અને કૃતિ (તેજસ પરમારના દીકરી)એ અમને બધાંને નવી રમત શીખવી, જેમાં અમે જોડાઈ ગયા. છેલ્લે હું અને ભુપેન્દ્ર બાકી રહ્યાં, અને અમારા બેમાંથી કોઈ મચક આપી નહોતું રહ્યું, એટલે છેવટે રમત પડતી મુકાઇ. થોડા સમય બાદ પારુલ અને કુટુમ્બીજનો અમારી સાથે જોડાઈ ગયા.અમે ચા-નાસ્તાને ન્યાય આપ્યો. બધાંએ ખુબ વાતો કરી અને બાળકોએ પ્રકૃતિના સાન્નિધ્યમાં ખુબ મજા કરી. પછી અમે સમગ્ર પરિસરમાં ઘૂમી વળ્યાં. એક ઠેકાણે પકડાયેલા રાની પશુઓને તપાસવાની જગ્યા હતી. ત્યાંથી આગળ જતા એક પુલ હતો, અને ત્યાં ઉજાણી કરી શકાય એવી બેઠક હતી. બાજુમાં કમળોથી શોભતું એક તળાવ હતું. થોડે દુર રોપા ઉછેરવાની જગ્યા અને હરીતઘર (ગ્રીનહાઉસ) હતાં. સાચે જ, નામ સાર્થક કરતુ હોય એવું આ સ્થળ સમગ્ર વન વિસ્તારની ચેતના જગાવી બેઠું હોય એવું જાગ્રત હતું. ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમને અભિનંદન!

સાંજ થવા આવી એટલે અમે પાછા શાળાએ પહોંચ્યાં. અમારા 1991ના વર્ગખંડમાં સર્વે મિત્રો ભેગાં અમારા બાળકો અને જીવનસાથીઓ હતા. મહેન્દ્રસાહેબ પણ આવી ગયા. પછી તો અમે 1991ના વર્ષમાં પહોંચી ગયા અને અમારી પાટલીઓ શોધી બેસી ગયાં. મહેન્દ્રસાહેબને અમે અમારો વર્ગ લેવા વિનંતી કરી. તેમણે સહુનો આભાર માન્યો અને સમગ્ર ઘટનાક્રમના નીચોડ સમાન “અનબિલીવેબલ” પતિની વાત કરી.

Once there was a man whose name was ‘unbelievable’. He was married to a very nice woman. And the two of them were a much contended couple. One day unbelievable was so sick, that he knew he was dying.
So he called his wife and said to her, “Darling, I have spent my whole life, being called by this idiotic name. Now that I am dying please promise me one thing, not to put this name ‘unbelievable’, on my grave stone. You can put a saying or a picture anything but not my name. I do not want to carry it into eternity.”
So the wife agreed. When he died she put, a saying on his grave stone which read, “Here lays a faithful husband who never betrayed his wife”.
From that day people would pass by and read the grave stone. And say, It is ‘unbelievable’.

મહેન્દ્રસાહેબના કહેવા મુજબ આજનો અમારો ઉપક્રમ પણ “અનબિલીવેબલ” જ હતો!

બધાંની વિનંતીને માન આપી મેં, હેમાંશુ, પારુલ (મારી પત્ની), ભાવિશા (હેમાન્શુની પત્ની) અને સોનલે પોતાનાં હૃદયના ભાવ વ્યક્ત કર્યાં. મેં થોડીક હળવી નટખટ વાત કરી કે “પારુલ એ મારું મનગમતું ગુલાબ છે. પણ, એનો મતલબ એવો નહિ કે હું બાગમાં બીજાં ફૂલોને સૂંઘવાને બદલે નાક બંધ કરી દઉં!” મારા માથે ટપાલીઓ પડવાની જ બાકી રહી પછી તો! પારુલ અને ભાવિશાએ શાળાનાં, શિક્ષકોનાં અને અમારાં વખાણ કર્યાં. બીનાની ફુંક મારી વાળ ઉડાડવાની અદા મહેન્દ્રસાહેબને યાદ હતી, એટલે તેમની વિનંતી પર બીનાએ એ જૂની અદા ફરી કરી બતાવી! પછી અમે ત્રીજા માળે નવા (મારા માટે નવા) વિઝ્યુઅલ રૂમમાં ગયા. ત્યાં ઇન્દ્રજીતે નેટ પરથી ખાંખાખોળાં કરી શોધેલા ફોટાનો સ્લાઈડ શો જોયો. એમાં મેં પારુલને ઉચકી હોય એવો એક ફોટો હતો. બધાએ ફરી પારુલને ઉચકી લેવા બુમો પાડી. એમાંથી છટકવા મેં બહાનું કાઢ્યું કે, “માણસ પોતાના વજનથી વધારે વજન ઉચકી ના શકે!” મેં અને ઇન્દ્રજીતે અમારી કવિતાઓના હથોડા બધાં પર ઝીંક્યા! અમે કોરસમાં 1988માં શાળાના વાર્ષિક કાર્યક્રમમાં કરેલી કવ્વાલી “ગપ્પી ગપ્પી ગપ્પી ઔર ગપ્પી મેરા નામ હૈ”ની બે પંક્તિઓ ગાઈ (વધારે કોઈને યાદ નહોતી). ફરી, શાળા તરફથી આયોજિત રાત્રીભોજ અને સાથે વાતચીતોનો દોર માણી, લગભગ દશ વાગ્યે અમારા ઉતારે પહોંચ્યા. બે દિવસનો થાક અને હાથનો દુખાવો હતો, એટલે મેં એક પેરાસીટામોલ ગોળી લીધી અને સુઈ ગયો.

બીજા દિવસે એટલે કે ડીસેમ્બર 28ને રવિવારે સવારે ઉઠી, અમે લગભગ સાડા આઠે પરવાર્યાં. ત્યાં તેજસના ઘરે નાસ્તો કરવા માટે ઇન્દ્રજીતનો ફોન આવ્યો. અમે સીધા તેજસની ઘરે પહોંચ્યા. ત્યાં ચા-નાસ્તો કર્યાં. તેજસના માતા-પિતા, બહેન સાથે જૂની યાદો તાજી કરી. તેજસના દીકરા કૃતાર્થને અમારી સાથે મજા પડી હોય એમ લાગ્યું. ભુપેન્દ્રનું કુટુમ્બ પણ અમારી સાથે હતું. પછી અમે મગનસાહેબ અને રમીલાબેનને મળ્યાં. કોઈ બીજાં કામમાં તેઓ વ્યસ્ત હોવાથી ગઈકાલના કાર્યક્રમમાં આવી શક્યાં ન્હોતાં. પછી અમિતના ઘરે ધીરજબેનને મળ્યા. તેમની તબિયત ઠીક ના હોવાથી તેઓ પણ ગઈકાલે શાળામાં આવી શક્યા નહોતા. અમિતના ઘરેથી અમે ઇન્દ્રજીતના ઘરે ગયા. ત્યાં પાછળ વાડામાં ઊગેલાં વૃક્ષો અને દુર ખેતર જોઈ મોજ પડી. ઇન્દ્રજીત પાસેથી વડોદરાના મારા ઘરે ઉછેરવા રક્ત ચંદનનો રોપો અને બી લીધાં. ઇન્દ્રજીતનું ઘર જોઈ એવું લાગ્યું કે, આદર્શ ઘરની કલ્પના કરી હોય તો એ ઘર આવું હોય! પછી કેતનને તેના ઘરે પાંચ મિનીટ મળી, રસ્તામાં ઢીમ્મર સાહેબ અને ટાવર પાસે કલ્પેશને મળ્યાં. થોડી વાતો કરી, સુશીલાબેનની ઘરે ગયા. સુશીલાબેન નાદુરસ્ત તબિયતને લીધે શાળામાં આવી શક્યા નહોતા. તેમની સાથે મહર્ષિ અરવિંદની વાતો કરી, તેમના સ્મરણ અને આશીર્વાદરૂપ પુસ્તક લીધું. પછી, મારા વાંસદાના ઘરોમાંનું એક ઘર જોયું. એ બંધ હતું, પણ એની સાથે જોડાયેલી યાદો ઉઘડી ઉઠી! શ્લોકના કહેવા મુજબ, હું એ સમયે ઝુંપડીમાં રહેતો હતો (હા, હા, હા, …). અમિતે વૃંદને કહ્યું કે, “દીકરા, તમને બધી સગવડો મળી છે; એટલે અમારી તકલીફો તમને નહિ ખબર પડે!” બાજુમાં મિત્ર સાજીદના ઘરે ગયા. ત્યાં બીના અને સોનલ પણ આવ્યા હતા. સાજીદના ઘરે ભાભીએ એટલી બધી વાનગી બનાવી હતી કે વાત ના થાય. પણ બધી સ્વાદિષ્ટ બહુ હતી, એટલે ચાખવામાં જ ઘણું બધું ખવાઈ ગયું!

સાજીદના ઘરેથી વિદાય લઇ અમે મારા વાંસદામાંના છેલ્લા ઘરે પહોંચ્યા. હાલ એ બંધ પડ્યું છે અને જર્જરિત સ્થિતિમાં લાગે છે. ત્યાંથી ઢોળાવ પર થઇ અમે કાવેરી નદી પહોંચ્યા. વચ્ચે ચંપાવાડી વિસ્તારમાં કોઈના લગ્નનો વરઘોડો હતો, એટલે ગાડીને થોડી મુશ્કેલીથી લઇ જઈ શક્યા. કાવેરી નદીના શિવમંદિર પાસે આવેલા પુલ પર ઉભા રહી મેં ઘેબનશા ડુંગર,દરબાર ગઢમાં આવેલી પ્રાથમિક શાળા, ગુપ્ત ગંગાની યાદો તાજી કરી. કાવેરી નદી હાલ બહુ ગંદી થઇ હોય એમ લાગ્યું. ઇન્દ્રજીતે કહ્યું કે, “અમે દર વર્ષે સાફ કરાવીએ છીએ પણ ફરી ગંદકી આવી જ જાય છે.”

ચંપાવાડી થઈને અમે ડાંગી થાળી પીરસતા લિમઝર ગામે આવેલા ભોજનાલયમાં ગયા. યોગેશે બધી વ્યવસ્થા કરી હતી. તેજસ, અમિત, ઇન્દ્રજીત સહકુટુંબ ત્યાં હાજર હતા. અમારી સાથે ભુપેન્દ્રનું કુટુંબ પણ જોડાયું. આ ભોજનાલય ડાંગી આદિવાસી સ્ત્રીઓને રોજગાર મળે એ હેતુથી વનવિકાસ નિગમ ચલાવે છે. ત્યાં અમે મકાઈ અને નાગલીના રોટલા, રીંગણનું શાક, છાશ, પાપડ વગેરેની મોજ માણી. પ્રાકૃતિક વાતાવરણમાં ઉછરેલાં ધાન્ય અને શાક વડે બનેલાં ભોજનમાં અદભૂત સ્વાદ હતો.

લિમઝરથી બપોરે અમે ડાંગના પ્રવેશદ્વાર સમા વઘઇના બોટનિકલ ગાર્ડન ગયા.મારું કુટુંબ, તેજસનું કુટુંબ, ઇન્દ્રજીત અને દીકરો દિગપાલ, ભુપેન્દ્રનું કુટુંબ, અમિત, યોગેશ, ધર્મ – એવું અમારું થોડું મોટું ગ્રુપ હતું. રસ્તામાં મારા પિતાજી જ્યાં કામ કરતા એ વનવિકાસ નિગમનો “વનિલ ઉદ્યોગ” મેં પારુલને બતાવ્યો. મેં અને ઇન્દ્રજીતે નેશનલ પાર્કમાં વાઘની વસ્તી વિષે ચર્ચા કરી. એ વિસ્તારમાં ક્યારેક વાઘ દેખાયાની ઘટનાઓ બને છે. બોટનીકલ ગાર્ડનમાં ઘણીબધી વનસ્પતિઓ, વુક્ષો જોઈ હૈયું ઠંડુ થયું. લીચી ભારતીય ફળ છે, એ જાણી આશ્ચર્ય થયું. અમેરિકામાં મેં પહેલવહેલી વાર લીચી જોઈ હતી. એ વિયેતનામથી આવતી હોય છે. 23 વર્ષે ગાર્ડનની સ્થિતિ જોઈ થોડું દુઃખ થયું! હવે વનસ્પતિની જાળવણી કથળી છે. લીલોતરી પણ ઓછી લાગે છે. વાતો કરતાં-કરતાં અમે ગાર્ડનના અમુક ભાગમાં ફર્યાં. બાળકોને તો દોડવાની, રમવાની મોજ પડી ગઈ હતી. ત્યાં વાંસની બનેલી સિસોટીઓ વેચાતી હતી, એ બાળકોને બહુ ગમી. બહાર પ્રવેશદ્વાર પાસે ભયજનક ઢોળાવ વાળા રસ્તે વાહનોની જોખમી અવરજવર હતી. બાળકોને સાચવતા અમે રસ્તાની બીજી બાજુએ વાંસના રમકડાં લેવા ગયા. એ બાજુ “કોલેજીયન મિક્સ” નામે શીંગ-ચણા, લીલો મસાલો ભેળવેલી વાનગીની જયાફત ઉડાવી. બાળકોએ રમકડાં વડે રમવું શરુ કરી દીધું. થોડી વારે અમે યોગેશના ઘરે જવા નીકળ્યા.

યોગેશના ઘરે મારા વાંસદા-પ્રવાસનું અંતિમ ચરણ હતું। અમારી સાથે કૌશિક, સંજય અને મેહુલ જોડાયાં હતાં. બધાએ મસ્ત ચા પીધી. મહેન્દ્રસાહેબ પણ ત્યાં આવી પહોંચ્યા. અમે ઘણાબધા ફોટા લીધાં અને છેવટે વિદાય લીધી. અમારી સાથે ધર્મ, ઇન્દ્રજીતની પત્ની પ્રતિમા અને દીકરો દિગપાલ હતાં. વેનમાં અમે ઘણી બધી વાતો કરી. ધર્મ વડોદરાથી છૂટો પડી, અમદાવાદ બસમાં ગયો. પ્રતિમા, દિગપાલને અમે અંકલેશ્વર ઉતાર્યાં.

આટલાં વર્ષે વાંસદા અને વિખુટા પડેલાં મિત્રોને મળી મારા જીવનનો સહુથી અગત્યનો ભાગ નવપલ્લવિત થઇ ઉઠ્યો! અમારી મૈત્રીનો દોર ઓર મજબુત થયો. સર્વે મિત્રોના કુટુંબો વચ્ચે ઓળખાણ થઇ અને ઘરોબો રચાયો. બધાં બાળકોને તો એકબીજા સાથે રમવાની ઘણી મજા પડી ગઈ હતી. પારુલ, હિનાભાભી, વિકાસભાઈ સાથે મેં વાંસદાની ઘણી બધી વાતો કરી હતી. એનું મૂર્તરૂપ સાક્ષાત નિહાળી તેમને ખુબ આનંદ થયો. મેં વ્હોટ્સ એપ પર મિત્રોને કહ્યું કે, “આપણે ફરી મળીશું, વારંવાર મળીશું, પણ આવો 23 વર્ષે પહેલીવાર મળવાનો રોમાંચ નહિ રહે.” સાજીદે એનો છેદ ઉડાડતા કહ્યું કે, “ના, આપણે હવે વધારે રોમાંચ અને આનંદ સાથે ફરી મળીશું।” ચોક્કસ, સાજીદ!

(સમગ્ર બે દિવસની ગતિવિધિના કુલ 785 ફોટા જે વૃંદ અને અક્ષરે લીધાં એને અહી માણો:
https://drive.google.com/?tab=mo&authuser=0#folders/0B7qytIh5VSMRRnlYMmRwLUdKRzQ  OR https://drive.google.com/folderview?id=0B7qytIh5VSMRRnlYMmRwLUdKRzQ&usp=sharing)

3 comments on “23 વર્ષે વાંસદા – ચિરાગ પટેલ જાન્યુઆરી 27, 2015

  1. મારા ભાઈ શ્રી મહેન્દ્ર ઉમેદરામ પુરોહિત વાંસદાના છે. તેઓએ વાંસદાના સંસ્મરણો તેમની ઇબુકમાં લખ્યા છે. આપની ઈચ્છા હોય તો જણાવશો. હું ફોરવર્ડ કરી દઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *