ડલ્લાસ એટલે ખલ્લાસ 1 – ચિરાગ પટેલ ડીસેમ્બર 02, 2014

ડલ્લાસ એટલે ખલ્લાસ 1 – ચિરાગ પટેલ ડીસેમ્બર 02, 2014

હું 23 નવેમ્બરથી 29 નવેમ્બર ડેલસ (અમેરિકી ઉચ્ચાર) એટલે કે ડલાસ (ભારતીય ઉચ્ચાર) હતો. અહી અમેરિકામાં નવેમ્બરના છેલ્લા ગુરુવારે “થેન્ક્સગીવીન્ગ ડે” હોય છે, અને મોટે ભાગે એના બીજા દિવસે “બ્લેક ફ્રાયડે”ની રજા હોય છે; એટલે મેં બીજા ત્રણ દિવસ રજા મૂકી ડલાસ જવાનું ગોઠવ્યું. ત્યાં હિનાભાભી અને વિકાસભાઈ પાંચ મહિનાથી રહે છે. હું ક્લીવલેન્ડ રહું છું. એટલે લગભગ 1400 માઈલ ગાડી હન્કારવી પડે! મારી સાથે હિનાભાભીના પિતાજી દિનેશભાઈ હતા એટલે અમે વારાફરતી ગાડી ચલાવી પહોંચવાનું નક્કી કર્યું.

ક્લીવલેન્ડથી અમે બપોરે સાડા ચાર વાગ્યે I-80 એક્સપ્રેસ વે પર નોક્સવિલ, આયોવા રાજ્યમાં હેમન્ત-હેતલની મોટેલ પર જવા નીકળ્યાં. અમારે શિકાગો થઈને જવું પડે એટલે ત્યાં થોડો ટ્રાફિક નડ્યો. આયોવા શરુ થયા પછી થોડો રસ્તો થીજેલાં વરસાદ (ફ્રીઝીન્ગ રેઇન) વાળો હતો એટલે જાળવીને ચલાવતાં આગળ વધ્યાં. મુખ્ય રસ્તેથી અમારે નાનો રસ્તો લેવાનો હતો. એ 24 માઈલ અમે સાવચેતીથી ગાડી ચલાવી; એ વિસ્તારમાં રાત્રે કોઈ હરણ ગાડી સાથે અથડાઈ ના જાય એ ધ્યાન રાખીને! અહી ગાડી 60માઈલ પ્રતિ કલાકની ઝડપે જતી હતી. એટલે જો હરણ ગાડી સાથે ભટકાય તો હરણ તો મરી જ જાય, સાથે ગાડીને મોટું નુકશાન થાય. અમે નોક્સવિલ સ્થાનિક સમય મુજબ રાત્રે દોઢ વાગ્યે પહોંચ્યા. થોડી વાતો કરી નિદ્રાધીન થયાં.

ત્યાં બીજે દિવસે હેતલના માતા-પિતાનું આતિથ્ય માણી, ડલાસ જવા બપોરે સાડા ત્રણ વાગ્યે નીકળ્યાં.
અમે કેન્સસ સીટી, ઓકલાહોમા સીટી થઈને રોનક (ડલાસની પશ્ચિમ તરફનું ગામ) લગભગ રાત્રે બે વાગ્યે પહોંચ્યા. રસ્તે અમને થોડો વરસાદ અને ધુમ્મસ નડ્યા. કેન્સસ સીટી અને ઓકલાહોમા સીટી વચ્ચે તો જાણે ભૂતિયા વિસ્તાર હોય એમ માઇલો સુધી સમ ખાવા પુરતી બત્તીઓ જોવા ના મળી. ધુમ્મસ એટલું ગાઢું હતું કે ગાડીથી 15 ફૂટ કરતા વધુ દૂરનું કશું જોઈ ના શકાય એટલે એકદમ ધીરે હન્કારવી પડી. રાત્રે તો થોડી વાતો કરી અમે સુઈ ગયા. ડલાસમાં એ વેળા વરસાદથી ભીન્જાયેલા રસ્તા હતા.

બીજે દિવસે રવિવાર હતો અને અમે થાકેલા નસકોરા બરાબર બોલાવતા સુતા હતા એટલે મોડા ઉઠ્યા. હિનાભાભીએ મજાની કેક અને પીઝા બનાવ્યા હતા. સાન્જે અમે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન મન્દિર જે અરવિન્ગમાં છે ત્યાં ગયા. ત્યાં રાજીવભાઈ શાહને મળી મજા પડી. અમે લગભગ 11 વર્ષે મળ્યાં. ત્યારબાદ ગ્રાન્ડ પ્રેરીમાં વડતાલ સન્સ્થાનના મન્દિરે ગયા. આખો દિવસ ડલાસનો તડકો અને ગરમી માણવાની મજા પડી. મને એવું લાગ્યું કે જાણે હું વડોદરામાં ફરી રહ્યો છું, જે ટોરાનો (ટોરન્ટો) જેવું હોય. બપોરે સુરેશદાદા સાથે ફોન પર વાત થઇ અને અમે સોમવારે સાન્જ તેમની સાથે વિતાવવાનું નક્કી કર્યું.

સોમવારે સરસ મજાના તડકામાં અમે વિકાસભાઈએ જ્યાં મકાન રાખ્યું છે એ જગ્યા જોવા ગયા. હજુ મકાન બન્ધાતા પાંચ મહિના થશે. અમુક મોડેલ હોમ જોઇને અમે થોડા ફેરફાર નક્કી કર્યા. આજુબાજુ ઘણું બધું નવું બની રહ્યું છે. નવી દુકાનો, નવા ઊડતા રસ્તાઓ (ફ્લાયઓવર), નવા મકાનો; ઘણું બધું નવું થઇ રહ્યું છે. ન્યૂયોર્ક -ન્યુજર્સીથી ઘણી મોટી કમ્પનીઓ આ જગ્યે આવી ગઈ છે અથવા આવી રહી છે. ડલાસ છેલ્લા ચાર-પાચ વર્ષથી અમેરિકાના સહુથી ઝડપી વિકસતા દશ શહેરોમાં આવે છે. ડલાસમાં કુલ 17 બિલિયોનેર રહે છે. બાજુના મોટા શહેર ફોર્ટ વર્થમાં બીજા 8 બિલિયોનેર રહે છે. ડલાસ અને ફોર્ટ વર્થ ટુંક સમયમાં એક શહેર થઇ જશે એવું લાગે છે. અત્યારે આ બે શહેરો એકબીજામાં ભળી જતાં હોય એમ જણાય છે અને એમને ડી.એફ.ડબ્લ્યુ. મેટ્રોપ્લેકસ કહે છે. બપોરે અમે હિનાભાભીએ બનાવેલી મસ્ત મજાની પાઉંભાજીને ન્યાય આપ્યો.

સાન્જે અમે સુરેશદાદાને મળવા તેમના દીકરા ઉમન્ગભાઈના અરવિન્ગમાં અવેલા ઘરે પહોચ્યા. ત્યાં જોડિયા બન્ધુ વિહન્ગભાઈ અને બા હાજર હતા. દાદા એકદમ હળવા મુડમાં હતા. તેમની “બની આઝાદ” પુસ્તિકામાં બતાવેલી બાબતો આબેહુબ ચરિતાર્થ થઇ હોય એમ મને લાગ્યું. ભાઈઓ ઉમન્ગ અને વિહન્ગ સાથે તો એકદમ જલસો પડી ગયો. તેમનો જ શબ્દ પ્રયોગ છે – “ડલ્લાસ એટલે ખલ્લાસ”. આ શબ્દો તો પછી મેં પણ બહુ જ વાપર્યા. અમે વિવિધ વિષયો પર એટલી વાતો કરી કે મજ્જો આવી ગયો. અમે વાતોના તડકા સાથે ઉમન્ગભાઈ અને બાએ બનાવેલા પાઉં ભાજી અને મીઠાઈ પર હાથ સાફ કર્યા. દાદા અને તેમના પરિવાર સાથે વિતાવેલી આ સાન્જ યાદગાર રહી ગઈ. અમે લગભગ ચાર કલાક વાતોનો રસ લીધો પણ સમયની ખબર જ ના પડી! હિનાભાભી, વિકાસભાઈ, દીનેશપપ્પા, મીનામમ્મી બધાં સુરેશદાદા, બા, વિહન્ગભાઈ, ઉમન્ગભાઈને હજુ યાદ કરે છે. વિહન્ગભાઈએ મને ડલાસ લાવવાનું મિશન હાથ ધર્યું છે! મને પણ બત્રીસે કોઠે દીવા થઇ ગયા છે.

તો હવે, ડલ્લાસ એટલે ખલ્લાસ!

8 comments on “ડલ્લાસ એટલે ખલ્લાસ 1 – ચિરાગ પટેલ ડીસેમ્બર 02, 2014

  1. હું ડલ્લાસ માં ૧૯૭૪ માં રહ્યો છું . બેકર હોટેલમાં…હવેતો ખુબ બદલાઈ ગયું છે …

  2. ડલાસ આવી જાય તો મજા આવી જાય.
    ‘એવું ના બને’ અને ‘આશા એક જ એ રહી’ એ બે મારી જૂની કવિતાઓની પંક્તિઓ યાદ કરી લીધી !

  3. “ડલ્લાસ એટલે ઉલ્લાસ” રાખ્યું હોત તો ? ખલ્લાસ ક્યારેક ભળતો અર્થ આપી બેેસે છે.

    સુજાને ત્યાં મજા; સાથે કામ કર્યાં એનો ઉમંગ હશે જ. ઝીણવટભરી વીગતો જાણીને આનંદ થયો. ૧૪૦૦ માઇલની સફર કાર રસ્તે ! વાહ !

  4. ંડલ્લાસ ખલ્લાસની મુસાફરી અને તેના વર્ણન અને વસ્તી ઉપરથી લાગે છે કે ભારત જેવા હવામાનના કારણે તેનો વિકાશ વધી રહ્યો છે. ભારતીઓ પણ ત્યાં વસવાની એટલે જ ઇચ્છા રાખે છે.સરસ.મઝા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *