મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું . પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી . હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે અને શરીરમાં ઉત્પન્ન થતી અલગ તરન્ગ આવૃત્તિની ઉર્જા પર જુદું છે . એનો અનુભવ કરવાની ચાવી યોગમાં બતાવી છે . પણ એ માટે જે નિષ્ઠાથી પ્રયત્ન કરવો પડે એનો આપણે અભાવ ધરાવીએ છીએ . યોગમાં જ એક જુદો રસ્તો પણ બતાવ્યો છે . કોઈ વ્યક્તિ જો એ રસ્તે આગળ વધી હોય તો તેના દ્વારા આ રસ્તે પ્રયોગો કરવા સહેલાં થઇ પડે . મને એકાએક આનન્દી મા વિષે આકર્ષણ થયું હતું અને મેં તેમની પાસેથી શક્તીપાતની દીક્ષા લીધી હતી . ઘણાં -ઘણાં અનુભવો થયા છે ત્યારબાદ જે અનુકુળતાએ પ્રગટ કરીશ . લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં મને સહુપ્રથમ ચક્ર મુલાધારના ભેદન વિષે પ્રયોગ કરવાનું મન થયું અને મેં આનન્દી માની એ માટેની ડીવીડી મન્ગાવી .

ડીવીડી આવી અને એના ત્રીજા દિવસે કોઈ પૂર્વનિર્ધાર વગર જ એ ડીવીડી જોઇને મૂલાધાર પર કામ કરવાનું મન થયું . પલાઠી વાળી હું જમીન પર બેસી ગયો અને ડીવીડી શરુ કરી દીધી . ડીવીડીમાં આનન્દી મા અને તેમના પતિ દીલીપ્જી મૂલાધાર અને સ્વાધિષ્ઠાન વિષે સમજુતી આપે છે અને પ્રયોગની પધ્ધતિ વર્ણવે છે . લગભગ 5 કલાક ચાલે એટલી ત્રણ ડીવીડીમાં સામગ્રી છે . મૂલાધાર ચક્ર વિષે ક્યારેક લખીશ . હાલ, તો મૂલાધાર ભેદન વિષે મારો અનુભવ જણાવું .

મને કરોડરજ્જુમાં એકાએક ઠંડુ પ્રવાહુ વહેતું હોય એવો અનુભવ થયો અને કરોડરજ્જુના મૂળથી લઈને માથાની વચ્ચે સુધી એક નળી હોય એવો અનુભવ થયો . થોડીવાર આખા શરીરમાં ધીમી ધ્રુજારી થવા લાગી અને પછી એકાએક ગુદાદ્વારની ઉપરના ભાગે એકદમ ઠંડક થવા લાગી . મારું સમગ્ર ધ્યાન હવે એ ભાગ તરફ કેન્દ્રિત થવા લાગ્યું . એકાએક મને લાલાશ પડતાં પીળા રન્ગની ચોરસ આકૃતિ દેખાઈ અને એની ચાર બાજુ પર ચાર પાંખડી હોય એવું લાગ્યું . થોડીવાર બાદ ઉગ્ર મુખાકૃતિ અને પાતળા સરખાં ગણેશ દેખાયા . મેં તેમને પ્રણામ કર્યા . એકાએક તેમની જગ્યે અન્ધકાર વચ્ચે દુર પ્રકાશમાં ઉભેલી એક સ્ત્રી આકૃતિ દેખાઈ . તેમને ઘુંટણથી નીચે હોય એવા લામ્બા વાંકડિયા વાળ હતા . તેમણે જમણા હાથમાં ત્રિશુલ પકડ્યું હતું . તેમનો ચહેરો અને શરીર કાળાં અને ખુબ ભયાનક હતા . પરન્તુ મને સહેજે ડર લાગ્યો નહિ, ઉલટાનું મને તેમના પ્રત્યે લાગણી અને માં જન્મ્યાં . એ હતા દક્ષિણી કે ડાકિની સ્વરૂપા અમ્બા . મેં તેમને પ્રણામ કર્યા . હવે, સોહમના ધ્વની સાથે માથાના મધ્યબિંદુ પર થી મૂલાધાર ચક્ર પર કોઈક પ્રવાહીના ટીપાં પડતા હોય એવી લાગણી જન્મી . થોડીવારમાં હું ધ્યાનમાંથી જાગ્રત થયો .

બે દિવસ બાદ વહેલી સવારે તન્દ્રામાં મને મૂલાધાર ચક્રની આકૃતિ ફરી દેખાઈ . આ વખતે એકદમ ગાઢ કાળા પ્રવાહીમાં સોનેરી રન્ગમાં આ આકૃતિ દેખાઈ!

અસ્તુ!

25 comments on “મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

 1. અષ્ટાંગ યોગ માં મહર્ષિ પતંજલી એ જે આઠ યોગ ની વાત કરેલ છે તેમં સૌ પ્રથમ યમ આવે છે. યમ પાંચ છે, નિયમ પાંચ છે. અને તેમાં પણ આહાર શુદ્ધી એ પ્રથમ સોપાન છે એટલે સાધના માર્ગે જતા પહેલા આહાર શુદ્ધી હોવી ખુબજ જરૂરી છે. બાદમાં વિચાર શુદ્ધી વીગેરે સોપાનો આવે છે. પરંતુ આહાર કે વિચાર શુદ્ધી થયા વગર સીધાજ ડીવીડી ચાલુ કરી ને બેસી જવા થી મુલાધાર ચક્ર નું ભેદન શક્ય તો નથી છતા આપને એ દિવ્ય અનુભવ થયો છે તો આપનાં કોઈ સંચિત કર્મો થકી જ આમ બન્યું હશે. જેમ એક જ રોગ ની દવા અનેક હોય છે તેમ એક મુલાધાર ચક્ર નાં ભેદન માં દરેક સાધક નો અનુભવ એક સરખો હોય નહિં તેવું મારૂં નમ્ર માનવું છે.

 2. મેં તમારો અનુભવ વાંચ્યો એના પરથી મને લાગે છે કે તમારું મૂલાધાર ચક્ર જાગૃત થઇ ગયું છે તમને આના સિવાય બીજા અનુભવ થયા હોય તો જનાવસો મને પણ કુંડલીની જાગરણ માં રસ છે મને પણ તમારા જેવો અનુભવ કરવો છે ચિરાગભાઈ.

 3. આપે જે મૂલાધાર ચક્ર ની વાત કરી તેમાં મને જરાય તથ્ય નથી લાગતું. આપે ઉપજાવી કાઢેલ વાત કહી હોય તેવું લાગે છે. આપની પાસે કોઈ પ્રમાણ હોય તો આપશો જી..

  • અરે ભાઈ સંજય, આ તો મારો અનુભવ છે. મારા બીજાં લેખો પરથી તમે જ નક્કી કરો કે હું વિશ્વાસપાત્ર છું કે નહિ. પ્રમાણમાં તો એવું કહીશ કે તમે જાતે અનુભવ કરી જુઓ તે જ પ્રમાણ। બીજું તો કોઈ પ્રમાણ હોઈ ના શકે. ન્યુટને કહ્યું કે ગુરુત્વાકર્ષણ છે. આપણે દરેક એ જાતે અનુભવીએ છીએ અને માનીએ છીએ. એમાં બીજું કોઈ પ્રમાણ ના હોય!

 4. આ અનુભવ શેર કર્યો એ ગમ્યું. ચાર દિવસ બહુ જ વ્યસ્ત હતો; એટલે આ વાંચવામાં મોડો પડ્યો છું – તે માટે માફ કરજે.
  આ બાબત મારો અભિપ્રાય..
  —-
  દેખાયેલી આકૃતિઓ મનમાં પડેલા સંસ્કારોના આધારે હોઈ શકે. પણ અનુભવાયેલ લાગણીઓ/ સંવેદના ધ્યાનનું ઉંડાણ બતાવે છે.
  ઘણા વર્ષોની રાજયોગની તારી સાધના કદાચ આ અનુભૂતિના પાર્શ્વભૂમાં છે.

  • આભાર સુ.દાદા, ચોક્કસપણે લાગણી કે ભાવ જ અગત્યના છે, આકૃતિઓ એ સંસ્કાર છે.

 5. ચિરાગભાઈ,
  આપના અનુભવો વિષે તો કોઈ કોમેન્ટ ન કરી શકુ, કારણ સૌ સૌના અનુભવ અને સમજણ જુદા જુદા હોય શકે.
  હું કોસ્મીક એનર્જીમાં માનું છું શરીર એ શક્તિનું ‘ઘન’ સ્વરુપ છે. માનવી જન્મે છે ત્યારે શક્તિ ‘ઘન’ સ્વરુપે પ્રકટ થાય છે અને સાત ચક્રોને પણ હું જુદી રીતે નિહાળું છું. મુલાધાર ચક્રમાં શક્તિ દબાયેલી રહેલી હોય છે, જેવી રીતે કોઈપણ અણુ-પરમાણુમાં શક્તિ છુપાયેલી હોય છે, જ્યારે પરમાણુભેદન થાય ત્યારે શક્તિ છુટી પડે છે અને તે પ્રવાહિત થાય છે અને તેને કન્ટ્રોલ કરવી પડે છે. શક્તિપાત પર, ગાંધીનગરમાં શ્રી વિભાકર પંડ્યાએ કેટલુક કાર્ય કરેલું છે. મારા એક મિત્ર એમના શિષ્ય હતા, અને અન્યને શક્તિપાત દ્વારા વિવિધ રોગોમાંથી મુક્ત થવામાં મદદ કરતા હતા અને તેમાં જ તેમનું મૃત્યુ પણ થયેલું. પણ એ અલગ વિષય છે. આપણી ચક્રભેદનની વાત પર આવીએ. ધર્મમાં જેને ‘મોક્ષ’ કહેવામાં આવે છે તેને હું મુલાધારની શક્તિને કોસ્મિક એનર્જીમાં મળવાની વાતને હું ‘મોક્ષ’ ગણું છું. મુલાધારમાંથી છુટી પડેલી શક્તિની ફ્રીક્વન્સી ઓછી હોય છે તેની ફ્રીક્વન્સી વધારવા તેને એસલરેટરમાંથી પસાર થવું પડે, અને ઇડા, પીંગળા તથા સુષુમ્ણા નાડી એ આ એસલરેટરની ચેનલ છે. આ ત્રણે ચેનલમાંથી પસાર થઈ શક્તિ કોસ્મિક એનર્જીની ફ્રીકવન્સીની નજીક પહોંચી જાય છે અને અંતમાં સહસ્ત્રારમાંથી પસાર થઈ કોસ્મોસમાં મળી જાય છે. ચક્રોની પાંખડીઓ એસલરેટરના ઇલેક્ટ્રોમેગ્નેટની જેમ શક્તિની ઝડપ વધારવામાં મદદરુપ થાય છે. આ પાંખડીઓ (મેગ્નેટ) ની સંખ્યા – ચાર, આઠ, બાર વગેરે એસલરેટરમાં કરવામાં આવેલી ગોઠવણને અનુરુપ છે. આ આખી ક્રિયામાં ખુબ જ ગરમી છુટી પડે છે. વિભાકરભાઈના અને અન્ય સાહિત્યમાં પણ એવો ઉલ્લેખ છે. આવી ગરમીનો અનુભવ હું ભણતો ત્યારે, વર્ષો પહેલા કરેલો, પણ ગભરાઈને આગળની પ્રવૃતિ છોડી દિધી હતી. લગભગ બધે જ કહેવાયું છે કે આ પ્રયત્ન/અનુભવ ગુરુની હાજરીમાં જ કરવો જોઈએ.
  આ આખી વાત આપના અનુભવ કરતાં જુદી પડે છે. પણ મેં અગાઉ લખ્યા મુજબ દરેકના અનુભવો જુદા હોય છે. આપની સાધનામાં આગળ વધવા શુભેચ્છાઓ..

 6. ધન્ય ધન્ય

  મૂલાધાર ચક્રનાં જાગૃત થવાથી અન્ય ચક્રો પણ આપોઆપ જાગૃત થાય છે અને કુંડલિની નામક સુષુમ્ણા નાડીમાં રહેલી દિવ્યશક્તિ ઊર્ધ્વગામિની બને છે. આ સ્થિતિને જ કુંડલિની જાગરણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો આ કુંડલિની એવી દિવ્યશક્તિ છે, જે આખાયે શરીરમાં વ્યાપેલી છે.મૂલાધરાની નિશાની ચાર પાંદડીઓવાળું કમળ છે અને તેનો રંગ લાલ છે. માનસિક રીતે સ્થિરતાઆધ્યાત્મિક રીતે સલામતીની લાગણીને કાબૂમાં રાખે છે.
  જાગરણ બાદ ભૂમિ સાથે અનુબંધ તથા સમસ્ત સાથે ઐક્ય .ઘર પરિવારનું સુખ પામે છે .લગ્ન જીવન અને સંબંધો પ્રત્યે સજગ રહે છે ..સાચવે છે .બાંધછોડ કરી શકે ..સ્વીકૃતિ ભાવ દાખવે ..તથા અન્ય લોકોસાથે કાયમી સારા સબંધો ,એકાત્મભાવ , સહાનુભુત અને વ્યવહારુ .*જાતનું સાચું મૂલ્યાંકન કરે .સલામતી અનુભવે .રીલેક્ષ થઈ શકે .*સ્વાભિમાની ,આત્મવિશ્વાસુ અને ધીરજવાન દેખાય છે .*જીવંતતા ,સ્થિરતા અને પવિત્રતા જોવા મળે .*જીવનમાં આવતા સારા –ખરાબ બદલાવોનો સામનો કરે છે .
  *વર્તમાનમાં જીવે છે ..રહે છે .*વૈશ્વિક સત્તા –ઈશ્વરમા શ્રધા રાખે છે .*ભૂતકાળથી શીખે છે .*પ્રકૃતિ અને ધરતી માતાને પ્રેમ કરે છે .
  મા.અશોકભાઇનું આ કાવ્ય અંગે જ્ઞાની મિત્રો ના રસાસ્વાદનું સુંદર સંકલન કર્યું છે

  જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
  જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે … જળકમળ

  કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?
  નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળકમળ

  નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,
  મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારિયો … જળકમળ

  રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,
  તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળકમળ

  મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,
  જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ

  લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,
  એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળકમળ

  શું કરું નાગણ હાર તારો ? શું કરું તારો દોરિયો ?
  શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ ? …જળકમળ

  ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
  ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળકમળ

  બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
  સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

  નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,
  મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ

  બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,
  અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ

  થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
  નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો …આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે.આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે ’મુલાધાર ચક્ર’ .આખો લેખ ચિંતનાત્મક છે

  • આભાર પ્રજ્ઞાબેન. તમે મૂલાધાર અને કુંડલીની વિષે એક નવીજ સમજણ આપી. આભાર.

 7. ભાઈ ચિરાગ,હું તો વાંચું છું એટલું જ. કોમેન્ટ કરવાની મારી સમજ નથી. તુ. લખતો રહે

 8. યોગ, ધ્યાન, શકતીપાત, મુલાધાર, ચક્ર, ભેદન, સ્વાધીષ્ઠાન, જાગ્રત, તન્દ્રા, વગેરે મન – ચીતની વીગતો છે.

  આફ્રીકા, યુરોપ, એશીયાના લોકો સ્વપનામાં ઘણી વખતે એવું અનુભવે છે.

  • આભાર વોરા કાકા. જો કે ધ્યાન એ સ્વપ્ન નથી. અને જ્યારે પ્રયોગ કર્યા બાદના અવલોકન કે તારણ દરેક વ્યક્તિએ લગભગ સરખા હોય તો એ બાબત માનવી પડે. તમને પણ આ પ્રયોગ હું કરી જોવા કહું છું. તમારા શું અનુભવ છે એ જાણવું ગમશે.

 9. શુભેચ્છાઓ.
  માનવ શરીરની ભીતરનું ને ખાસ કરીને મન–ચીત્ત સાથેનું સમજવું અઘરું છે…..આવા પ્રયોગો, અનુભવોમાં કાળજી ને સાવચેતી બહુ જરૂરી છે. વિવેકાનંદજીએ ચેતવણી આપી છે.

  • ચોક્કસ જુ.કાકા. ગુરુ/શિક્ષકની સહાયતા આમાં રક્ષક બનતી હોય છે.

 10. સાચે અદ્ભુત લાગણી થઇ આવી. આપનું વર્ણન એટલું તાદ્રશ છે જાણે આપને ધ્યાનમાં બેઠેલા જોતો હોઉં. મને ગોપી કૃષ્ણજીનું કુંડલીની પરનું પુસ્તક યાદ આવ્યું. આપે જે સીડીની વાત કરી તેનું પ્રાપ્તિ સ્થાન કહી શકો તો આભારી થઈશ

  • આભાર કેપ્ટનકાકા. તમે dyc.org ની મુલાકાત લઇ ત્યાંથી મેળવી શકો છો. પણ, શરૂઆત શક્તીપાતથી કરવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *