સાન્ખ્યયોગ – ચિરાગ પટેલ ઓગસ્ટ 03, 2013

સાન્ખ્યયોગ – ચિરાગ પટેલ ઓગસ્ટ 03, 2013

સાન્ખ્યયોગ નામક દ્વિતીય અધ્યાયમાં કુલ 72 શ્લોક છે અને એનું પઠન કરતા લગભગ 9 મિનીટ જેવો સમય થાય છે. આ અધ્યાય સહુથી વધુ વન્ચાતો અને સહુથી વધુ રસપ્રદ છે. આ અધ્યાયમાં સમગ્ર ગીતાનો નીચોડ આવી ગયો હોય એમ જણાયા વગર રહેતું નથી. નામ પ્રમાણે જ આ અધ્યાય તત્વજ્ઞાનનો અધ્યાય છે. છતાં, આ જ અધ્યાયના ઉત્તરાર્ધમાં કર્મ વિષેની સમજુતી પણ છે. એટલે કે, સાન્ખ્યયોગમાં જ્ઞાન અને કર્મનો સમન્વય થયો છે એમ ગણી શકાય.

આ અધ્યાયની શરૂઆતમાં કૃષ્ણ અર્જુનના અહમ પર ઘા કરતાં હોય એમ કહે છે કે, અર્જુન, તું શૂરવીર છું, તો આમ મોહ કેમ પામે છે? આવું તો શ્રેષ્ઠ પુરુષો ના કરે, કે આવું કરવાથી તને સ્વર્ગ નહિ મળે અને કીર્તિ પણ નહિ મળે! તું નપુન્સક કેમ બને છે?તને આવું શોભે? શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતા છોડી યુદ્ધ કર!

હવે, અર્જુન મુન્ઝવણ પામે છે, પરન્તુ તેમની વૃત્તિ હજુ યુદ્ધ કરવાની થતી નથી. એટલે, તેઓ કૃષ્ણને કહે છે કે, હું ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણને કેવી રીતે મારી શકું? એના કરતાં તો ભિક્ષા માન્ગવી સારી. પણ, હું કાયરતાને લીધે ગુંચવાયો છું, એટલે જે સાચું હોય એ મને કહો . હું તમારો શિષ્ય.

અર્જુનના આ શબ્દો સામ્ભળી કૃષ્ણ મલકાય છે. તેમના શબ્દોએ ધારી અસર નીપજાવી છે, જેથી અર્જુન હવે કૃષ્ણને પોતાને સમજાવવાની જવાબદારી સોંપવા તૈયાર થાય છે. જ્યાં સુધી સામેની વ્યક્તિ પોતાને સામ્ભળવા યોગ્ય ના થાય ત્યાં સુધી પોતાની વાત કરવી નહિ . વળી, સામેની વ્યક્તિને કેવી રીતે પોતાને સામ્ભાળતો કરવી એ વિશેની મનોવૈજ્ઞાનિક યુક્તિ પણ અહી જોવા મળે છે. હવે, ગીતાનું ખરું તત્વજ્ઞાન કૃષ્ણ સમજાવે છે.

કૃષ્ણ સહુ પ્રથમ તો અર્જુનને પોતાના સગાંઓને મારવામાં જે ખચકાટ થાય છે એ કેમ યોગ્ય નથી એ સમજાવે છે . એ માટે કૃષ્ણના તર્ક નીચે મુજબ છે:

* જે સાચો જ્ઞાની છે તે કોઈનું જીવન રહે કે ના રહે એનો શોક નથી કરતો.
* આપણે બધાં આ જન્મ પહેલાં પણ હતાં અને મૃત્યુ પામ્યા પછી પણ હોઈશું.
* જેવી રીતે આપણે બાળપણ, યુવાની અને વૃદ્ધત્વ પામીએ છીએ, એવી જ રીતે નવું શરીર પણ પામીએ છીએ.
* શરીરની ઇન્દ્રિયો વડે જે અનુભવ થાય છે, એ સર્વે ક્ષણભન્ગુર છે, કાયમી નથી. એથી, સુખ-દુઃખથી વ્યાકુળ થવું નહિ.
* ક્યારેય અશુભ કાયમ રહ્યું નથી, અને શુભનો કદી અભાવ રહ્યો નથી.

કૃષ્ણ આત્માની ઓળખ આપે છે. કૃષ્ણ આત્માના જે ગુણધર્મો કે લક્ષણો સમજાવે છે એ આ પ્રમાણે છે :

* આત્મા નિત્ય, અપ્રમેય, અજન્મા, અચળ, સર્વવ્યાપી, અવ્યક્ત, અચિન્ત્ય, અવિકારી અને અવિનાશી છે.
* સમગ્ર વિશ્વ – દ્રશ્ય જગત આત્માથી જ વ્યાપ્ત છે.
* આત્માનો કોઈ નાશ કરી શકે નહિ. એ જ પ્રમાણે, આત્મા કોઈનો નાશ કરી શકે નહિ.
* આત્માના દરેક શરીરો નાશવન્ત છે.
* આત્મા જૂના શરીરનો ત્યાગ કરી નવું શરીર ધારણ કરે છે.
* ચાર જડ તત્વ – પૃથ્વી, જળ, અગ્નિ કે વાયુની આત્મા પર કોઈ અસર થતી નથી.
* જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચેના ગાળામાં જ શરીરરૂપે આત્મા અભિવ્યક્ત થાય છે .

અહી આત્મા માટે ચાર તત્વોને અનુલક્ષીને એવું કહેવાયું છે કે, આત્મા ચાર તત્વોથી પર અને પાંચમાં તત્વ આકાશ સમાન છે, જે નિત્ય, અવિનાશી, સ્થિર, બાકીના ચાર તત્વો વડે નાશ ના કરી શકાય એવો છે. વળી, આકાશમાં ગ્રહો, તારાઓ, નક્ષત્રો વગેરે પદાર્થો બને છે અને નાશ પામે છે. આકાશ તો એ સર્વેથી પર છે, અનન્ત છે અને એક છે. આત્મા વિષે પણ એવું જ કહી શકાય.

આત્માના ગુણધર્મો જણાવી કૃષ્ણ અર્જુનને માનસિક રીતે શત્રુઓને મારવા તૈયાર કરે છે. તેઓ અર્જુનને સમજાવવા માન્ગે છે કે અર્જુન સગાંઓને મારવા માટે જે આનાકાની કરે છે, એ મરવું કે મારવું ભ્રમ છે.

વળી પાછા કૃષ્ણ અર્જુનને ડર બતાવી યુદ્ધ માટે ઉશ્કેરે છે. કૃષ્ણે બતાવેલાં ડર આ પ્રમાણે છે : 1) ક્ષત્રિય માટે યુદ્ધથી મોટું કોઈ કર્તવ્ય નથી. 2) સ્વર્ગના દ્વારરૂપ યુદ્ધ તો ભાગ્યશાળીને મળે. 3) જો યુદ્ધ નહિ કરું તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવી પાપને પામીશ. 4) વર્ષો સુધી લોકો તારી નિન્દા કરશે અને એ તારા જેવા ગૌરવશાળી માટે તો મૃત્યુ સમાન છે. 5) જેઓ તને અત્યાર સુધી માન આપતાં આવ્યા છે તેઓ તને તુચ્છ માનશે, ડરપોક માનશે. 6) તારા માટે બહુ કડવા શબ્દો બોલશે. 7) તું યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ મળશે, જીતીશ તો રાજ્ય મળશે. 8) જય -પરાજય, લાભ-હાનિ, સુખ-દુઃખને સમાન ગણ.

અહી એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે જે કૃષ્ણ આત્માની વ્યાખ્યા કરી શકે છે એ સ્વર્ગનો ખ્યાલ કે પાપ-પુણ્યને કેવી રીતે માની શકે? એવું લાગે છે કે, અર્જુનને યુદ્ધ માટે તૈયાર કરવામાં કૃષ્ણ અર્જુનના જ શબ્દોને હથિયાર બનાવી વાપરે છે. કૃષ્ણ આગળ જ્યારે કર્મ વિષે વાત કરે છે ત્યારે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય વગેરે જેવા ખયાલોનું ખન્ડન કરે છે.

અત્યાર સુધી કૃષ્ણ આત્માનું તત્વજ્ઞાન સમજાવે છે. હવે તેઓ અર્જુનને કર્મ વિશેની સમજૂતી આપે છે.

કર્મ વિષે કૃષ્ણના વચનો આ પ્રમાણે છે:

* કર્મયોગનું પાલન આરમ્ભ એટલે કે બીજ અને વિરુદ્ધ પરિણામરૂપ ફળથી મુક્ત છે.
* કર્મયોગનું પાલન કરનાર એક જ વિચાર કે માર્ગથી દોરવાય છે, જ્યારે એનું પાલન ન કરનાર ઘણાં બધાં વિચારો પાછળ દોડતો હોય છે.
* કર્મના ફળમાં માનનાર માટે વેદ સર્વોચ્ચ પ્રમાણ હોય છે અને સ્વર્ગની પ્રાપ્તિ સર્વોચ્ચ લક્ષ્ય. કર્મયોગી આવા પ્રલોભનોથી પર હોય છે.
* કર્મફળમાં માનનાર અવિવેકી પુરુષો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વિવિધ ક્રિયાઓ કરતાં હોય છે. તેમની કર્મયોગમાં દ્રઢ બુદ્ધિ હોતી નથી.
* અર્જુને (કર્મયોગીએ) વેદના કાર્યોથી અને સુખ-દુઃખથી આસક્ત થયા વગર આત્મા સાથે એકત્વ સાધે એવું કર્મ કરવું.
* બ્રહ્મને જાણી લેનાર માટે વેદોનું કોઈ મહત્વ રહેતું નથી.
* અર્જુને (કર્મયોગીએ) માત્ર કર્મ કરવું પણ એના પરિણામની અપેક્ષા ન રાખવી.
* પરિણામની આસક્તિ રાખ્યા વગર અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામને એકસમાન ગણી કાર્ય કરવું એ સમત્વ જ યોગ છે.
* આવો સમત્વરૂપી યોગ એ જ કર્મની કુશળતા છે.
* આવો યોગ જ વ્યક્તિને જન્મ-મૃત્યુથી મુક્ત કરી અવિચલ પદમાં રાખનાર બને છે.
* જ્યારે અર્જુનની (કર્મયોગીની) બુદ્ધિ આસક્તિથી મુક્ત થશે ત્યારે સામ્ભળેલા કે સામ્ભળવા બાકી લોક-પરલોક પ્રત્યે વૈરાગ્ય થશે.
* વિવિધ વચનોથી દોરવાયેલી બુદ્ધિ જ્યારે કર્મયોગમાં સ્થિર થાય ત્યારે યોગી આત્માને પામી શકે છે.

અહી આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ હકીકતે સ્વર્ગને કે વિવિધ લોક-પરલોકને વેદોમાં જણાવેલાં કે ખોટાં ખ્યાલ માત્ર માને છે. તેમના માટે આવા લોકની અપેક્ષા તો અવિવેકી, અજ્ઞાની લોકો રાખે છે જે નિમ્ન કક્ષાની અપેક્ષા છે.

કૃષ્ણના અત્યાર સુધીના શબ્દો અર્જુનની માનસિકતા બદલવામાં અકસીર નીવડે છે. હવે, અર્જુનની અન્દરનો જિજ્ઞાસુ જાગી ઉઠે છે અને તે કૃષ્ણને “સ્થિતપ્રજ્ઞ” એટલે કે કર્મયોગીના લક્ષણ કે કાર્યો વિષે પૂછે છે. જવાબમાં કૃષ્ણ જે કહે છે એ જોઈએ. એના પરથી કર્મયોગી કેવી રીતે બનવું તેમ જ આત્મજ્ઞાન કેવી રીતે પામવું એનો સરસ બોધ મળે છે.

સ્થિતપ્રજ્ઞ યોગીનાં લક્ષણો:
1) આવો પુરુષ મનની સઘળી આસક્તિ છોડી દે છે.
2) તે આત્માથી આત્મામાં જ સન્તોષ પામે છે, એટલે કે બધું એક આત્મારૂપ છે એવો ભાવ કેળવે છે.
3) તેને દુખ ઉદ્વેગ નથી લાવતું કે સુખમાં તે નિસ્પૃહ હોય છે.
4) તેના મોહ, ભય અને ક્રોધ નાશ પામ્યાં હોય છે.
5) તે શુભ થાય તો પ્રસન્ન નથી થતો કે અશુભ થાય તો દ્વેષ નથી કરતો.
6) કાચબો સર્વે અન્ગોને સન્કેલી લે છે એવી રીતે તે ઇન્દ્રિયો દ્વારા ચાલતી ક્રિયાઓમાં આસક્ત નથી થતો.
7) વ્યક્તિ ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ ના કરે, જેમ કે જીભને ખોરાક ન લેવાથી રસ નથી મળતો, પરન્તુ તેની રસ પ્રત્યેની આસક્તિ આવી રીતે દુર નથી થતી. જ્યારે, આત્મજ્ઞાનીને આવી કોઈ આસક્તિ જ નથી હોતી. આ માટે, કર્મયોગીએ મારામાં ચિત્ત પરોવી ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ.
8) ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતી વસ્તુઓનું ચિન્તન આસક્તિ જન્માવે છે. આસક્તિને લીધે એ વસ્તુઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે છે. એ ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ જન્મે છે. ક્રોધથી વ્યક્તિનું મન મૂઢ બની જાય છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે. આ ભ્રમથી સારાસારનો વિવેક નષ્ટ થઇ જાય છે. આથી વ્યક્તિનું પતન થાય છે. જ્યારે આત્મજ્ઞાની તો ઇન્દ્રિયોથી જે તે વસ્તુ ગ્રહણ કરતો હોય તો પણ પ્રસન્ન અન્તઃ કરણ વાળો હોય છે.
9) પ્રસન્ન અન્તઃ કરણવાળો યોગી પરમમાં સ્થિત થઇ જાય છે અને પરમ શાન્તીને પામે છે.
10) જે સ્થિતિ બધાં માટે કંટાળાજનક છે એ યોગી માટે રસપ્રદ છે, જ્યારે બધાંને જેમાં રસ પડે છે એના પ્રત્યે યોગી ઉદાસીન રહે છે.
11) જેમ અનેક નદીઓ સમુદ્રમાં એની સ્થિતિને વિચલિત કર્યા વગર સમાઈ જાય છે, એમ જ સર્વે કાર્યો સ્થિતપ્રજ્ઞમાં આસક્તિ કે વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે.
12) મોહ, અહન્કાર અને સ્પૃહા વિનાનો આવો પુરુષ શાશ્વત શાન્તિમાં સ્થિત હોય છે.

અન્તમાં બ્રાહ્મી સ્થિતિ વર્ણવતા કૃષ્ણ કહે છે કે, શાશ્વત અવિચલ એવી બ્રાહ્મી સ્થિતિને પામીને યોગી મોહિત થતો નથી અને અન્તકાલે નિર્વાણ પામી બ્રહ્મને પામે છે.

અહી આત્મજ્ઞાની બનવાનો એક સહેલો ઉપાય સૂચિત કરતા કૃષ્ણ જણાવે છે કે વ્યક્તિએ હરહમ્મેશ કૃષ્ણમય બની રહેવું. જે વ્યક્તિ આત્મજ્ઞાન આપી શકે છે તે પોતે એવી સ્થિતિને પામ્યો હોય તો જ આટલા અધિકારપૂર્વક કહી શકે. વળી, અહી કૃષ્ણ વ્યક્તિના પતન થવા વિષે ઘણું સરસ વિશ્લેષણ કરે છે. અહી એક ઉદાહરણ એવું છે કે, જેવી રીતે વાયુ જળમાં રહેલી નૌકાને ખેચી જાય છે એવું જ વિષયોમાં રત રહેલી ઈન્દ્રિયોનું છે જે વ્યક્તિના મનને સતત એ વિષયોમાં જ પરોવેલું રાખે છે.

એક મુદ્દો નોન્ધવા જેવો છે કે, કૃષ્ણ માત્ર કર્મ અને એની આસક્તિ વિષે વાત કરે છે. તેમણે પાપ કે પુણ્ય આપતાં કર્મો વિષે ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો. એવું માની શકાય કે, કૃષ્ણ માટે પાપ કે પુણ્ય જેવું કશું નથી. કૃષ્ણ હમ્મેશાં કર્મ, પછી એ પાપ હોય કે પુણ્ય, એના ફળ કે પરિણામ પ્રત્યે અનાસક્ત રહેવા વિષે ભાર મુકે છે.

આખો અધ્યાય અર્જુનની માનસિકતામાં બદલાવ લાવવા માટે કારણભૂત બને છે અને તેમને એક અલગ જ વિચાર કક્ષાએ લાવી મુકે છે. કર્મયોગી કે આત્મજ્ઞાની વિષે જણાવી કૃષ્ણ અર્જુનને એ રસ્તે વધવા પ્રેરણા આપે છે.

કૃષ્ણે આત્મા અને પરમાત્મા વચ્ચે પણ કોઈ ભેદ નથી પાડ્યો. આત્મા જો અનન્ત હોય તો એકથી વધુ અનન્ત હોય એવું શક્ય નથી. એટલે આત્મા એ જ પરમાત્મા. એ માટે આપણે એવું ઉદાહરણ લઇ શકીએ કે, સમુદ્ર એક જ હોય છે, પણ એની અન્દર અનેક મોજાં ઉદ્ભવે છે. એ દરેક મોજાં એકબીજાથી અલગ પ્રકારના અને અલગ અસ્તિત્વ ધરાવે છે. જેવું મોજું જન્મી નષ્ટ થાય છે એવું જ પાછું સમુદ્રમાં ભળી જાય છે અને વળી પાછુ નવા સ્વરૂપે દેખા દે છે.

13 comments on “સાન્ખ્યયોગ – ચિરાગ પટેલ ઓગસ્ટ 03, 2013

 1. ચિરાગ, તે ઘણીજ સરસ રજૂઆત કરી છે. જૈન સિધ્ધાંત – દાદા ભગવાન ની કર્મ ની વાત પ્રમાણે તો દરેકે પોતાનું કર્મ જાતેજ ભોગવવાનું છે. પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં ઉપદેશ્યા પ્રમાણે જો કર્મ ના ફળ ની આશા રાખ્યા વિના કરેલું કર્મ તેને કરનાર ને બંધન કરતા રહેતું નથી.કેમ કે તે કર્મ બહ્જન હિતાય કરવામાં આવેલું છે. અને કર્મ કરનારે તેના ફળ ને કૃષ્ણને અર્પણ કરેલું છે – અને તમે અહી ગીતા નો જ આધાર લીધો છે (દાદા ભગવાન અહી જુદા પડે છે) જે પ્રમાણે બરાબર છે. ફરીથી જનાવુંછું કે તમરી રજૂઆત સારી અને ટુ ધી પોઈન્ટ છે.

  • આભાર બંકિમકાકા. હું ગીતા પર વિશ્લેષણ કરી રહ્યો છું અને એ મુજબ જ મારા તારણો રજુ કરું છું. તમે યોગ્ય સમજ્યા છો.

 2. ચિરાગ તારા જ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયો છું.તારો ધર્મ પ્રત્યેનો પ્રેમ પણ ઘણો છે. જ્ઞાનમાં તું મારાથી કેટલાય ઘણો આગળ છે. હવેથી હું તને પ્રણામ કરીશ.
  હરનિશના પ્રણામ.

 3. જૈનમાં કર્મને ખપાવવાં (ક્ષમાવવાં)ની વાત છે તે કર્મના અકર્મ અને વીકર્મની વાત છે….દાદા ભગવાન કહે છે તેમાં કૃષ્ણનું “હું કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી”વાળું આવી જાય છે. કર્મ પછી તે શારીરીક હોય કે માનસીક પણ ઝીણામાં ઝીણું કર્મ પણ ચીત્તની ફ્લોપી/ડીસ્ક ઉપર છાપ પાડી દે છે. સહેજ સાજ અડવાથી પણ જો વસ્તુ ઉપર આંગળાંની છાપ પડી જઈને ગુનો ઉકેલવામાં મદદરુપ બનતી હોય તો ચીત્ત પરની છાપો તો જન્માન્તરો સુધી રહે જ…..

  આ છાપો બધી ચીતના સંગ્રહમાં રહીને બીજાં જન્મોમાં પણ અસર ઉપજાવી શકે…ગુના કરાવી કે પકડાવી શકે ! કોઈ કોઈનું પાપ કે પુણ્ય લેતું નથી – ભગવાન પણ નહીં – કારણ કે તે દરેકના પોતાના જ “ગુપ્ત–ચીત્ર” ચીત્રગુપ્તના ચોપડામાં સંગ્રહાયેલું હોય છે. કોઈને ગાળ દેવાથી સામાને નહીં પણ ગાળ દેનારના ખાતાંમાં જ તે ગાળ પાછળ જોડાયેલું સક્રીય મન નોંધાઈ જાય છે…આ બધી નોંધોને ભુંસી શકાતી નથી સીવાય કે તે છાપો–કર્મોને ખપાવાય….અકર્મ અને વીકર્મવાળી વાત વીનોબાજીએ સરસ સમજાવી છે. તે મુજબ કર્મની છાપ જ ન પડવા દેવાની સચોટ યુક્તી બતાવી છે ! દાદા અને બાબા બન્ને પ્રેક્ટીકલ માણસો છે તેથી આવા હાથવગા ઉપાયો બતાવી શકે છે.

  દરેકે દરેકનું પોતાનું જ જોવાનું હોય છે તે વાત વાલીયામાંથી વાલ્મીકી બનાવી શકે છે !

  ચીરાગ પાસે વીચારને રજુ કરવાની કળા છે. તેની ધર્મશ્રદ્ધા આ કળાથી સરસ પ્રત્યાયન પામે છે…ધન્યવાદ.

  • જુ.કાકા, ગીતામાં કહ્યું છે, જેમ અનેક નદીઓ સમુદ્રમાં એની સ્થિતિને વિચલિત કર્યા વગર સમાઈ જાય છે, એમ જ સર્વે કાર્યો સ્થિતપ્રજ્ઞમાં આસક્તિ કે વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે. એટલે કે સ્થિતપ્રજ્ઞ બનવું એ કર્મની છાપ પાડવા ના દેવાનો ઉપાય છે. વળી, સ્થિતપ્રજ્ઞ બનવા વિષે આ અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે આપણે હરહંમેશ કૃષ્ણમય બની રહેવું.

 4. ગીતા બાબતમાં મારા વિચારો સદંતર જુદા પડે છે, પણ અહીં હું આ અધ્યાયના સંદર્ભમાં જ વાત કરીશ.

  કૃષ્ણે અર્જનને નાણી જોયો છે. એનું સ્તર શું છે તે જાણીને એમણે યુદ્ધની તરફેણમાં દલીલો રજુ કરી છે. -શિષ્યના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એવા ત્રણ ભાગ પડે છે. એમની એક દલીલ છે કે આત્માનો નાશ થતો.. બીજી દલીલ એ છે કે આત્મા નાશવંત હોય તો પણ શું? ત્રીજી દલીલ ક્ષત્રિયના ધર્મ વિશે છે. ત્રણેય પ્રકારની દલીલો અર્જુનનું સ્તર નક્કી કરવા માટે છે.

  જુઓ કૃષ્ણના મુખેથી પહેલી વાત નીકળી છે તે. – જેનો વિચાર કરવાનો નથી તેનો તું વિચાર કરે છે અને વાતો બહુ બુદ્ધિશાળી હો એવી કરે છે. આ વાત કહેતી વખતે જ કૃષ્ણને અર્જુનના સ્તરનો ખ્યાલ આવી ગયો હતો.

  બીજું ગીતાની રચના જે સમયમાં થઈ તેમાં વેદોક્ત ઉપાસના ઊણી ઊતરતી હતી. વેદોમાં તો અમારી ગાયોનાં આંચળમાં દૂધ દો, અમને અન્ન દો, ધન દો વગેરે પ્રાર્થનાઓ હતી. પરંતુ સમાજની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. મોટાં સામ્રાજ્યો બનવા લાગ્યાં હતાં સત્તાધીશ હવે ઇન્દ્ર જેવો નજીકનો મિત્ર નહોતો રહ્યો. ( જો કે ઋગ્વેદમાં પણ પ્રત્યક્ષ દેવતા તો માત્ર અગ્નિ છે, ઇન્દ્ર એમના પૂર્વજોનો મિત્ર હતો). આ સંયોગોમાં નવી ફિલસુફીની જરૂર હતી, જેના પરિણામે ઉપનિષદો સર્જાયાં.

  વળી વેદોની સકામ કર્મણ્યતાની સામે શ્રમણ પરંપરાની અકર્મણ્યતા પણ સ્થાપિત થઈ હતી. ગીતામાં કર્મને તો સાચવી રાખ્યું છે, પણ સ્વર્ગ,નર્ક વગેરેપૂર્વમિમાંસામાં સૂચિત પરિણામોથી એને અલગ કરી નાખ્યું છે.

  આમ છતાં ‘કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેષુ કદાચન’ જ વ્યક્તિગત જીવનમાં કેટલું સફળ થાય એ ચર્ચાનો મુદ્દો છે. એ લાંબા ગાળાનાં ધ્યેયોની દૃષ્ટિએ કદાચ સમજાવી શકાશે, પણ લાંબા ગાળાની સામાજિક સક્રિયતાનો રોડ મૅપ ગીતામાં નથી. એ સમય જ વ્યક્તિગત ચિંતનનો હતો.બુદ્ધે જે કર્યું તેમાં પણ દરેક વ્યક્તિએ પોતે જ અમુક પ્રયત્ન કરીને નિર્વાણ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. સમૂહની હાજરી નથી દેખાતી.

  • આભાર દીપકભાઈ. મેં ગીતાનો પૂર્વાપર ઈતિહાસ કે એવો સંદર્ભ લીધા વગર માત્ર અને માત્ર ગીતામાં શું કહેવાયું છે એનું વિશ્લેષણ મારી દ્રષ્ટીએ કરવા પ્રયત્ન કર્યો છે.

  • મારું સમુદ્ર અને મોજા – એ ઉદાહરણ અહી પણ લાગુ પડે છે. દરેક મોજું પોતાની વ્યક્તિગત મુક્તિ માટે પ્રયત્ન કરી શકે. કોઈ વધુ મોટું કે વધુ શક્તિશાળી મોજું જ્યારે નાશ(નિર્વાણ) પામે છે ત્યારે પોતાની સાથે બીજા અમુક મોજાઓને પણ મુક્તિ અપાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *