અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ

અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013

ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનવિષાદયોગમાં કુલ 47 શ્લોક છે. નામ પરથી જ આપણે કહી શકીએ કે આ અધ્યાયમાં “મહાભારત”ના નાયક અર્જુનને થતાં વિષાદ કે પીડાની વાત હશે. આ અધ્યાયનું પઠન કરતા 5 મિનીટ જેવો સમય લાગે છે. આ અધ્યાયમાં કૃષ્ણ માત્ર એક શ્લોક કહે છે!

આશ્ચર્યની વાત એ છે કે, ગીતાનો સહુથી પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર અન્ધ હોવાથી “મહાભારત”ના કુરુક્ષેત્રમાં યોજાયેલા યુદ્ધમાં ભાગ લેતા નથી. પરન્તુ સન્જય માટે કૃષ્ણ એવી વ્યવસ્થા કરે છે કે જેથી તે આંખે દેખ્યો અને કાને સામ્ભળ્યો અહેવાલ ધૃતરાષ્ટ્રને વર્ણવી શકે. ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં શું થઇ રહ્યું છે એની તાલાવેલી હોય છે અને તેઓ સન્જયને પ્રશ્ન કરે છે કે, “ધર્મ ક્ષેત્ર રૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે ભેગાં થયેલાં મારા તથા પાન્ડુનાં પુત્રોએ શું કર્યું?”

સન્જયના જવાબમાં બન્ને પક્ષોનાં યોધ્ધાઓ વિષે આપણને જાણકારી મળે છે. સહુથી મોટો કૌરવ દુર્યોધન દરેક મુખ્ય યોદ્ધાઓનો ઉલ્લેખ પોતાના પક્ષના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યને કરે છે. પાન્ડવોની સેના દ્રોણાચાર્યના શિષ્ય અને પાન્ડવોના સાળા ધૃષ્ટધ્યુમ્નની આગેવાની હેઠળ લઢી રહી હોય છે. અહી ધૃષ્ટધ્યુમ્ન બુધ્ધિમાન હોવાથી સેનાપતિ થયો છે એવો ઉલ્લેખ છે. પાન્ડવ સૈન્યમાં મુખ્ય શૂરવીરો આ પ્રમાણે જણાવ્યા છે – ભીમ, અર્જુન, યુયુધાન(સાત્યકિ), વિરાટ, દૃપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ , પુરુજિત (એક માત્ર નામ જે અર્ધ “ત”માં અન્ત પામે છે. બાકી તો, એ સમયના દરેક નામનો છેલ્લો અક્ષર પૂરો બોલવામાં આવે છે.), કુન્તિભોજ, શૈબ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, સૌભદ્ર (સુભદ્રાપુત્ર અભિમન્યુ), દ્રૌપદેય (પાંચ દ્રૌપદી પુત્રો?). અહી દ્રૌપદેય તરીકે ઉલ્લેખ થયો છે તે દ્રૌપદીને પાંચેય પાન્ડવોથી થયેલ એક-એક એમ પાંચ પુત્રો કરી શકાય? એક નામ વિક્રાન્ત પણ છે, પરન્તુ એ નામ કરતાં વિશેષણ વધુ લાગે છે. કૌરવ સૈન્યમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ , સૌમદત્ત (સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા) નામના મહારથીઓ છે એવો ઉલ્લેખ થયો થયો છે.

ઉપરોક્ત માહિતી પરથી કહી શકાય કે પાન્ડવો પક્ષે જાણીતાં યોદ્ધાઓ વધુ છે. એટલે કૌરવ સૈન્ય મોટું હોવા છતાં વધુ સન્ખ્યામાં જાણીતાં નામો ના હોવાથી યુદ્ધ જીતવા માટે કાચાં પડી શકે. કૃષ્ણનો મહારથી તરીકે ઉલ્લેખ નથી. એનું કારણ એટલું જ કે, તેઓ પોતે હથિયાર ધારણ કરી યુદ્ધ લડવાના નહોતા. મોટા ભાગના યોદ્ધાઓ ધનુષ્ય ને મુખ્ય શસ્ત્ર તરીકે રાખતાં હોય એવો નિર્દેશ આ અધ્યાયમાં મળે છે.

બીજું, દુર્યોધન એવો ઉલ્લેખ કરે છે કે, કૌરવસેના ભીષ્મ વડે રક્ષાયેલી છે એટલે જીતવી શક્ય નથી, જ્યારે પાન્ડવસેનાની રક્ષા ભીમ કરે છે એટલે રક્ષણાત્મક વ્યૂહમાં કાચી પડે છે. દુર્યોધન એવો વ્યૂહ સૂચવે છે કે દરેક મહારથી ભીષ્મનું રક્ષણ કરે. દુર્યોધન ભલે સેનાપતિ નથી, પરન્તુ તેનામાં સૈન્યનું વિશ્લેષણ અને વ્યૂહ વિષે ઉન્ડી સમજ હોય એમ લાગે છે. એ પણ એટલી કે પોતાના સેનાપતિને પણ તે સૂચન કરી શકે છે.

યુદ્ધની શરૂઆત એ સમયે ઉપલબ્ધ સન્ગીત વાદ્યો દ્વારા થાય છે. સન્જયના અહેવાલ દ્વારા મુખ્ય મહારથીઓના શન્ખનો અહી ઉલ્લેખ મળે છે. એ સમયે મહારથી યોદ્ધાઓ પોતાનો ખાસ શન્ખ રાખતાં હશે. અન્ય લડવૈયાઓ પણ શન્ખ, નગારાં, ઢોલ, મૃદન્ગ, રણશીન્ગા વગાડી અવાજ કરે છે. આ અવાજોનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધનો માહોલ જમાવી માનસિક રીતે તૈયાર થવા માટે હશે. શન્ખ વગાડવાની શરૂઆત ભીષ્મ કરે છે. બીજાં તેમનું અનુસરણ કરે છે.

મહારથી અને તેનો શન્ખ : હૃષીકેશ (કૃષ્ણ) પાન્ચજન્ય, ધનન્જય (અર્જુન) દેવદત્ત, વૃકોદર (ભીમ) પૌન્ડ્ર, યુધિષ્ઠિર અનન્ત વિજય, નકુલ સુઘોષ, સહદેવ મણી પુષ્પક. અહી કૃષ્ણ અને પાન્ડવોના શન્ખનાં નામનો ઉલ્લેખ થયો છે એ નવાઈ ઉપજાવે છે. મહારથીઓ કે યોદ્ધાઓ તો ઘણા બધા હતા, પણ તેમના શન્ખના નામનો ઉલ્લેખ જ નથી થયો. ત્યારબાદ શન્ખ વગાડનાર કાશિરાજ, શિખન્ડી, ધૃષ્ટધ્યુમ્ન, વિરાટ, સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદેય, સૌભદ્ર છે.

એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે, દુર્યોધન માટે યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, શિખન્ડી મહારથીઓ નથી.

અર્જુન એક સારા યોદ્ધા તરીકે યુદ્ધની તૈયારી રૂપે બન્ને પક્ષનાં યોદ્ધાઓને નિહાળવા માન્ગે છે. એથી તે પોતાના સારથિ કૃષ્ણને રથ સામસામે ઉભેલી સેનાઓ વચ્ચે લઇ જવા કહે છે. હવે, કૃષ્ણ રથને વચ્ચે લઇ જઈ અર્જુનને પોતાના શત્રુઓને સમજવા કહે છે.

અર્જુન યુદ્ધને જીતવા માટે પોતાના શત્રુઓને જોવા ઈચ્છતો હોય છે, પરન્તુ પરિણામ ઉલટું આવે છે. પ્રાકૃતિક રીતે આપણાં દરેકમાં રહેલ fight or flight ની સ્વાભાવિક દેહધાર્મિક-માનસિક અસર અર્જુન ઉપર પણ થાય છે. તે પોતાનાં જ સગાંઓને શત્રુ તરીકે જોઈ, fight નો mood જમાવવાને બદલે flight moodમાં જતો રહે છે. flightની અસર રૂપે અર્જુનનું શરીર ઢીલું પડી જાય છે, મ્હો સુકાય છે, શરીર ધ્રુજી ઉઠે છે, પોતાનું ધનુષ્ય ગાન્ડીવ સરકી પડે છે, ચામડી બળે છે, મગજ ભમે છે, ઉભું રહેવાતું નથી. જીનેટિક રીતે જોઈએ તો મનુષ્ય પોતાનો વન્શ વધે એ માટે પ્રયત્નશીલ હોય છે. એટલે, પોતાના જેવા જ ગુણ સુત્રો (genes) ધરાવતાં બીજાં મનુષ્યોને મારવાં કરતાં બચાવવું વધારે પસન્દ કરે છે. એ રીતે જોઈએ તો અર્જુનને fightને બદલે flightની અસર થાય એની શક્યતા વધારે જ હતી.

પોતાને યુદ્ધ કરવું ના પડે એ માટે અર્જુન હવે બહાના શોધવા લાગે છે. અર્જુનનું મન તેને આવાં બહાના રજુ કરવા પ્રેરે છે, જેથી પોતે યુદ્ધ કરવું ના પડે.

અર્જુનના બહાનાં : 1) મને તો અપશકુન થતાં હોય એમ લાગે છે . (આ બહાનુ તો આજે પણ પ્રસ્તુત છે.) 2) સગાંઓને મારીને કશું સારું નથી થવાનું. 3) મને તો હવે જીત કે રાજ્ય કે સુખની પણ ઈચ્છા નથી. 4) જેમના માટે હું રાજ્ય, સુખ કે ભોગો ઈચ્છું છું એ બધાં તો અહી મૃત્યુની પરવા વગર યુદ્ધ કરવાં ઉભાં છે. 5) અહી ગુરુ, વડીલો, પુત્રો, દાદા, મામા, સસરા, પૌત્રો, સાળા વગેરે સમ્બન્ધિઓ છે. 6) આ બધાંને મારીને સ્વર્ગ મળતું હોય તો એ પણ મારે નથી જોઈતું, તો હસ્તિનાપુર જીતીને શું કરું? 7) આમને મારવામાં શું આનન્દ મળશે? 8) એમને મારવાથી પાપ લાગશે. 9) એમને મારીને અમે કેવી રીતે સુખી થઈએ? 10) એ લોકો ભ્રમને લીધે અમને મારવા ઈચ્છે છે અને એમાં કોઈ પાપ જોતાં નથી. પરન્તુ, મને પાપની ખબર છે તો હું શા માટે એમને મારું? 11) અહી તો સમગ્ર વન્શ નાશ પામે એવું લાગે છે. એનાથી તો પાપ બહુ વધી જશે. અમારો વન્શ નહિ રહે. 12) અમારા વન્શની સ્ત્રીઓને જુદાં વન્શના પુરુષો દ્વારા સન્તાન થશે. 13) આવા સન્તાનો અમારું પીન્ડ અને તર્પણ કેવી રીતે કરશે ? અમે તો નરકમાં જઈશું. 14) હું તો એવું સામ્ભળું છું કે જેમનો વન્શ નાશ પામે એમને અનન્ત સમય સુધી નરકમાં રહેવું પડે છે. 15) હું બુદ્ધિમાન છતાં આવું પાપ કરવા તૈયાર થયો. એના કરતા હું શસ્ત્રો છોડી બેસી જાઉં અને ભલે કૌરવો મને મારી નાંખે. મારે માટે એ જ વધારે સારું રહેશે. આટલું કહી અર્જુન ધનુષ્ય છોડી દે છે અને રથમાં બેસી પડે છે.

અહી આપણે જોઈ શકીએ છીએ કે, અર્જુન જેવો મહારથી પણ સ્વજનો સામે flight નો રસ્તો અપનાવે છે. પ્રકૃતિના નિયમો જ એટલા અજીબોગરીબ છે કે અનુવન્શીય ગુણધર્મોના દોરવાયેલા આપણે અજાણપણે એવાં કાર્યો કરીએ છીએ જે પહેલી દ્રષ્ટીએ માની ના શકાય; ભલભલાં બુદ્ધિશાળી કે બળશાળી વ્યક્તિઓ અવિચારીપણે દોરવાઈ જાય છે. પ્રકૃતિના સકન્જામાંથી છૂટવું ભાગ્યે જ કોઈ માટે શક્ય બનતું હશે.

વળી, અહી અર્જુનનાં બહાનાઓની યાદી પરથી લાગે છે કે, એ સમયમાં સમાજમાં વન્શ સાચવવો, નર્કનો ભય, સ્વર્ગની અપેક્ષા, પીન્ડ, તર્પણ, મિશ્ર્જાતી પ્રત્યે સૂગ વગેરે ખ્યાલો બહુ જ મજબૂત હશે, જે હજુ સુધી ભારતીય માનસિકતામાંથી નીકળ્યા નથી. કદાચ જ્ઞાતિપ્રથા એ પોતાના ગુણ સુત્રો જાળવવાની પ્રાણીસહજ અનુવન્શીય ટેવને આભારી હોઈ શકે.

પ્રથમ અધ્યાયનું એક અગત્યનું પાસુ વિચારવા જેવું છે . કૃષ્ણ સારથિ તરીકે યુદ્ધમાં છે એટલે તે પોતે કોઈ જ નિર્ણય નથી લેતાં! અર્જુન કહે છે ત્યારે જ કૃષ્ણ રથને બન્ને સેનાની વચ્ચે લઇ જાય છે. વળી, પોતે વ્યૂહ નિષ્ણાત હોવા છતાં અર્જુનને વણજોઈતી સલાહ આપવાને બદલે પરિસ્થિતિનો ક્યાસ જાતે જ કાઢવા કહે છે.

— * — * —

(આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુઓના પણ ગુરુ એવા કૃષ્ણની મને ગમતી ગીતા વિષે એક નવી લેખમાળા શરુ કરવાનું મન થયું. મને વિચાર આવ્યો કે ગીતા પર તો બધું બહુ વિદ્વાનો દ્વારા લખાયું છે, તો મારા જેવો અલ્પજ્ઞાની વળી શું લખી શકે? પછી થયું કે મારા અલ્પજ્ઞાનમાં જે સમાય છે એ આજના સમયનું છે. તો મારી દ્રષ્ટીએ ગીતા શું છે એ લખવું મજેદાર નીવડી શકે. જોઈએ. તમારા પ્રતિભાવ હૃદયસ્થ આવકાર્ય છે! પ્રણામ !)

12 comments on “અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ

 1. લખાણ અને વિષય ની સમજુતી ઘણી જ સરસ છે, ચિરાગભાઈ અભિનંદન. ઘણી જ અધ્યાત્મિક પ્રગતિ કરો તેવી શુભેચ્છા અને આકાંક્ષા

 2. ગીતાની ગહનતા ને પામવા કહેવાય છે કે ત્રીજું જ્ઞાન જોઈએ જે અહીં ઉપલબ્ધ છે. ખુબ આભાર ..

  (આ વણજોઈતી સલાહ છે વાંચી ને ડીલીટ કરશો. : પોસ્ટ ને બ્લોગ માં મુક્યા બાદ એલીન મીન્સ લખાણ બધું એકસરખું દેખાશે.તમે તો કોમ્પુટર વિષે ડીટેઈલ માં જનો છો આ પણ જાણતાજ હશો…સોરી …)

 3. રણમાં તો જે જીતે એ શુર. આ શંખનાદ શા માટે?

  પ્રથમ અધ્યાયમાં વર્ણસંકર અને પીંડ તર્પણ બાબત ઉલ્લેખ છે. કૌરવો, પાંડવો, યાદવો પોતે વર્ણસંકરમાં આવે?

  • “એ સમયે મહારથી યોદ્ધાઓ પોતાનો ખાસ શન્ખ રાખતાં હશે. અન્ય લડવૈયાઓ પણ શન્ખ, નગારાં, ઢોલ, મૃદન્ગ, રણશીન્ગા વગાડી અવાજ કરે છે. આ અવાજોનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધનો માહોલ જમાવી માનસિક રીતે તૈયાર થવા માટે હશે.”

   ના, એ સર્વે આર્ય એટલે કે દ્વિજ એટલે કે બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય હતા, એટલે વર્ણ સંકર નહોતા.

 4. ચીરાગ, તમે સરસ અર્થઘટનો કર્યાં છે. સરળતાથી વિશ્લેષણો કરીને સરસ માંડણી કરી છે….ગીતા અને કૃષ્ણ પ્રત્યેની તમારી ભક્તિને સલામ.

 5. સરળ સમજુતી
  આનંદ
  સાથે સાથે ગૂઢ આધ્યાત્મિક દર્શન પણ કરાવશો.
  ખાસ કરીને બીજા અધ્યાયથી શરણાગતિ ભાવ અને સ્થિતપ્રજ્ઞ અંગે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *