અંતરપ્રવાસ – ચિરાગ પટેલ

અંતરપ્રવાસ – ચિરાગ પટેલ ડીસેમ્બર ૨૮, ૨૦૧૧

હૃદયના કોઈ કોણે વિચારોને અંકુરિત કરી,
ક્યારેક હું નીકળી પડ્યો એકલતા ઓઢી.

આ ધરતી, આ નદી, આ પહાડ, આ વનરાજી,
આ આકાશ, આ અલ્લડ પવન; પ્રશ્નો પૂછે મને.
હું નથી મારામાં અને નથી આ વિશ્વમાં ક્યાંય,
તો કોણ, કેવું અને ક્યારથી અહી પડઘાતું?

આ સૂરજ, આ ચાંદો, આ તારકવૃંદ, આ નિહારિકા,
આ નક્ષત્ર; જોઈ રહેતા મને વિસ્ફારિત નયને.
નથી કોઈ મારું અને નથી હું કોઈનો,
તો શીદને આ સૃષ્ટિમાં હું અમથો ઉગ્યો?

આ ગ્રંથભંડાર, આ અર્થવિસ્તાર, આ જપ-તપ,
આ ધ્યાન; ઢંઢોળીને મારા ઘેનને હચમચાવતા.
નથી કશાયનો અંત અને નથી કોઈ શરૂઆત,
તો કેમ રહું લીન હું મારા અંતર પ્રવાસમાં?

એક દિવસ અચાનક તું આવી મળી સૂનકારમાં,
પ્રિયા, પ્રકાશ ઉમટ્યો દશે દિશાનો અને હું ગૂમ.
દેખાઈ માત્ર તું, પ્રેમ મગ્ન, ભક્તિ લીન, વ્હાલી,
અને ઘનીભૂત ઈશ્વર તારા પડછાયામાં સાકાર.

મારું વિશ્વ મને મળી ગયું, સમજાઈ ગયું સઘળું,
તું છે તો હું છું અને હું છું તો તું છે ચોક્કસ.
આપણે છીએ તો છે આ વિશ્વ અને છે ઈશ્વર,
અને તો જ છે આ ખેલ બધા ભાત-ભાતના.
દોરીસંચાર એનો જ બધો અને આપણે રમકડાં,
કોઈ વાર દોરી આપણે ખેચી પણ રાખીએ,
અને કોઈ વાર આપી દઈએ ઢીલ.

સમજાય છે મને હવે દ્વૈત અને અદ્વૈત,
વળી, વિશિષ્ટાદ્વૈત પણ પીછાણ્યું મેં એમા.

તારો પ્રેમ, તારી ભક્તિ, તારો વિશ્વાસ,
તારો સાથ; પછી શાથી રહું હું અધૂરો?

9 comments on “અંતરપ્રવાસ – ચિરાગ પટેલ

 1. સરસ રચના ચિરાગ ભાઈ વાંચવી ગમી..”આપણે સૌ પૃથ્વી નામના ગ્રહના પ્રવાસીઓ..વા ફરે વાદળ ફરે…ફરે નદીના પૂર્…ધરતી ફરે..ચંદ્ર ફરે..ફરે એમાં ફરીએ આપણે સૌ પ્રવાસીઓ..સૂર્ય આત્માનો તેજ પ્રભુનું અંતરે ઉજાસ પથરાય.”.

 2. ભાઈ શ્ચિરાગ,

  ઉત્તમ રચના છે.

  “નથી કશાયનો અંત અને નથી કોઈ શરૂઆત,
  તો કેમ રહું લીન હું મારા અંતર પ્રવાસમાં?”

  રાજેન્દ્ર ત્રિવેદી.

 3. બહુ જ મજાની રચના !

  પ્રવાસની જુદીજુદી અનુભુતીઓ અને સાથેસાથે જ થતો રહેતો મનોવયાપાર સરસ રીતે પ્રગટ થયો છે. પ્રવાસનું સમાપન પણ મધુરેણ થયું છે.

  તમારી સાધનાયાત્રા પણ આમ જ ફળે !!

 4. ભાઈ શ્રી ચિરાગ તમારી ઉત્તમ રચનાઓમાં આ એક વધુ ઉમેરાઈ

  નથી કોઈ મારું અને નથી હું કોઈનો,
  તો શીદને આ સૃષ્ટિમાં હું અમથો ઉગ્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *