આરાધના – બંસીધર પટેલ

આરાધના – બંસીધર પટેલ  ફેબ્રુઆરી 05, 1992

આરાધું હું શક્તિ તુજને, દેજે વર સહુ જગતને.
લળી લળીને લાગું પાય, ભાગી સઘળી મનની જાળ.
ધરતી, આકાશ અને પાતાળ, ત્રિજગતમાં ન લાગે મન.
અંતમાં અનંત તું, વળી અસારનો પણ સાર તું.

ધન્ય બની હું લાગુ પાય, મનમંદિરમાં તારો વાસ.
નહિ વિસારુ તુજને માય, કેમ કરે છે તું વિલમ્બ.
આરાધ્યા સહુ દેવ સકળ, તારો મહિમા ખૂબ અકળ.
ભક્તિ, સેવા ન કરું કાંઈ, રહે સંતાપ સદા ઉર માંય.

પ્રેમ ભક્તિના પીધાં રસ, મને ન ભાવે જગના રસ.
ગીત સંગીત સહુ મેલ્યાં આજ, સાજ, વાજ નથી સંગાથ.
હાથ બેઉ જોડી કરુ નમન, વળી સાચા દિલથી દીવા થાય.
લીલા તારી અપરમ્પાર, કદીક જો મળે તનીક આસ્વાદ.

ધન, જોબન, નાર, સંસાર, અતિશે ઉકાળે મન ઉતાપ.
ધરમ, અધર્મના વાડા સહુ, તોડ્યા, તૂટ્યા થઈ બેકાર.
જાત-પાતમાં નથી કોઈ સાર, અસાર ભાસે સહુ સંસાર.
આપજે માત એક જ વર, મન મારું રહે સદા તુજ પાસ.

કથા ઉતારે કદીક થાક, મન ભટકતું વારંવાર.
સંજોગ સમયનો મળ્યો સાથ, ભાવભગતથી કરું હું યાદ.
સ્વીકારજે સહું મારા લાડ, લડાવી મુજને તારા લાડ.
બિરાજી રહેજે સદા ઉરમાંય, વિસારીશ ના સહેજે લગાર.

સંધ્યા કરું, ત્રિસંધ્યા કરું, ભાવ ધરી મનમાં ભજું.
ભક્તિ કરું શક્તિ યથા, નથી અન્ય આશા પાસ તારી.
માગું હું એક જ વર, આપજે તું નિષ્કામ યોગ.
સકળ રોગનો કરીને મોક્ષ, જયજય શ્રી ભવાની માત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *