કમળ રોળાયું – બંસીધર પટેલ

કમળ રોળાયું – બંસીધર પટેલ  સપ્ટેમ્બર 05, 2001

ખેતરેથી વળતાં પાછા, ગામ નજીક સરોવર એક,
ઝાંક્યું તેમાં ડોકીયું કરી, મળ્યો નહિ કોઈ તાગ.
નાના હતા ત્યારે અમો ત્યાં, નિત ન્હાવા સહુ જાય,
ડૂબ્યો એક દિન લાડકવાયો, છ બહેનોનો ભ્રાત.

માલમિલ્કત હતી ઘણી, સમૃધ્ધિ બેસુમાર,
ના રહ્યો દીપક કુળનો, કાળે કર્યું કાળનું કામ.
નાનો પણ શાણો ઘણો, જાણે રસ્તે ચાલતો મેહ,
અદીઠ ભોમ પર ભાગી ગયો, નથી પાછળનો અણસાર.

કમળપુષ્પ ખીલેલાં સહુ, આપે સહુને એક જ યાદ,
કીચડમાં ખીલ્યાં અમે, તેમ ખીલેલો તે બાળ –
પુષ્પમાં સમાઈ ગયો, આતમ તેનો અહરનિશ –
દેહ ગયો મળી બધો પંચ મહાભૂતમાં બની રાખ.

સુવાસ તેની શી ભરી, મુખડું ન આઘું થાય,
મા તેની પાગલ બની દર-દર ભટકી ખાય.
બાપ પણ સિધાવ્યો સ્વધામે, બહેનો બધી સાસરે,
બન્યું ઉજ્જડ આંગણ એમનું શ્વાન કેરૂં સમરાંગણ.

ગામલોકે ભેગા મળી કર્યો નિરધાર એક,
બંધાવ્યો ચબૂતરો, ચણવા પારેવાં સહુ સાથ,
યાદ એને કરી ગઈ ભીની આંખ, મન બન્યું ઉદાસ-
સમ ખાધા સહુએ મળી, ના ન્હાવું કો’ દિ તળાવમાં.

કિનારે બેઠા વડલાને પણ આવી ગઈ તંદ્રા,
પોયણાં સહુ ગયાં બિડાઈ, અદબ જાળવવા મોતની.
કેમે કરી ભુલાતી નથી, વિદાયની એ વસમી ઘડી,
હજી સંતાઈ રહ્યો હશે એમ મન હમ્મેશા કહેતું અરે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *