દિવાળી અને આધ્યાત્મિકતા

દિવાળી અને આધ્યાત્મિકતા – ચિરાગ પટેલ  નવેમ્બર ૦૫, ૨૦૧૦

આજના દિવાળીના શુભ દિને તમને સહુને ‘મા’ સત, ચિત અને આનંદના આશીર્વાદ આપે એવી પ્રાર્થના.

દિવાળીની ઉજવણી આમ તો રમા એકાદશીથી જ શરુ થઇ જતી હોય છે અને છેક લાભ પાંચમ સુધી ચાલતી હોય છે. અબાલ-વૃદ્ધ-ગરીબ-તવંગર-સ્ત્રી-પુરુષ સર્વે પોતપોતાની રીતે તહેવારોના રાજા કે રાણી દિવાળીની ઉજવણી કરતા હોય છે. નાનકડા છોકરાઓને સહુથી મોટું આકર્ષણ ફટાકડા ફોડવાનું, નવા પોષાકમાં સજ્જ થવાનું અને મીઠાઈઓ/ફરસાણ પર તૂટી પડવાનું હોય છે. દિવાળીના ઇતિહાસને તપાસતા આ ઉત્સવ રામ સાથે જોડાયેલો નજરે પડે છે. રામ જ્યારે રાવણનો વધ કરીને લંકાથી સીતા, લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, ભરત વગેરે સહીત અયોધ્યામાં અશ્વિન માસના કૃષ્ણ પક્ષની પંદરમી તિથીએ પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવી રામનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દીપોની હારમાળા સજી દીપાવલી કે દિવાળીનો ઉત્સવ શરુ થયો એમ મનાય છે. દિવાળી એ અસત પર સતના કે દુર્ગુણ પર સદગુણના વિજયની ગાથા છે. આજે દિવાળીને આધ્યાત્મિકતાના સંદર્ભમાં જોઈએ.

નવાર્ણ મંત્ર એટલેકે ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનો અર્થ દેવી ભાગવત મુજબ થાય છે ” હે મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી; તમે મને બ્રહ્મવિદ્યા આપો” અથવા “હે સચ્ચિદાનન્દ, મને બ્રહ્મનું જ્ઞાન આપો”. આ જ અર્થનો વિસ્તાર કરીએ.

ઐં બીજ એ મહાસરસ્વતીનું પ્રતિક છે જે “સત” રૂપી  છે. સરસ્વતી જ્ઞાન અને શાણપણ દેનારી છે. એટલે વાક્બારશ (અપભ્રંશ થઈને વાઘબારશ)ના દિવસે ઐંકારી સતરૂપીણી મહાસરસ્વતીના પૂજનનો મહિમા છે. આ તિથીએ સતનો સાક્ષાત્કાર થાય અને જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય એ માટેનો પ્રયત્ન કરવાનો છે.

હ્રીં બીજ એ મહાલક્ષ્મીનું પ્રતિક છે. મહાલક્ષ્મી એ “ચિત” રૂપી છે અને પાલન-પોષણ દેનારી છે. એટલે ધનતેરશના દિવસે લક્ષ્મીપૂજનનો મહિમા છે. આપણે બધા એ દિવસે ધન ધોવાની વિધિ કરીએ છીએ. પણ નીતિના માર્ગે ચાલીને મહેનતનું, દૂધે ધોયેલું ધન પામવાની ઈચ્છા નથી રાખતા. બાકી, બીલ ગેટ્સ કે વોરેન બફેટ ક્યાં ધન ધોવા ગયા છે?

ક્લીં બીજના પ્રતિક રૂપ મહાકાલી એ “આનંદ”રૂપ છે. કાળી ચૌદશે આપણે ઉગ્ર દેવોની ઉપાસના કરીએ છીએ. વળી, આ દિવસે અશુભ કામ થતું જોતા કે કુંડાળામાં પગ ના પડી જાય એની ખાતરી રાખતા થઈએ છીએ. જે આનંદ આપનારી છે એ વળી ક્યાંથી અશુભ, અઘોર, તાંત્રિક કર્મોની અધિષ્ઠાત્રી થઇ ગઈ? આ દિવસે તો સમગ્રપણે આપણે સદગુણો જગાવી આનંદની પ્રાપ્તિ માટે પૂજન કરવાનું હોય છે.

આમ, જો બારશ, તેરશ અને ચૌદશના દિવસે સત, ચિત અને આનંદની ઉપાસના કરીએ તો દિવાળીના દિવસે ચામુંડા બ્રહ્મવિદ્યા અવશ્ય પ્રદાન કરે છે એમ કહી શકાય. બ્રહ્મવિદ્યા એટલે સર્વે મનુષ્યો એકસમાન છે અને દરેકમાં એ પરમકૃપાળુનો અંશ રહેલો છે એમ માનવુ અને વ્યવહારમાં અમલમાં મૂકવું. સાચી રીતે દિવાળી ઉજવવાથી સમાજ પ્રગતિ કરે એમ અવશ્ય માની શકાય. તો આ દિવાળીએ દરેકને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય એ માટે શુભેચ્છા.

3 comments on “દિવાળી અને આધ્યાત્મિકતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *