વનગમન – બંસીધર પટેલ ઑગસ્ટ 29, 1992
દૂર સુદુર ટહુકી કોયલ, મીઠા મધુરા ગાનથી,
મયૂર નાચે, મૃદંગ બાજે, પર્વતરાજ અતિપ્રસન્ન ખરે.
વનની વનરાજી સહુ કરે ગોષ્ઠી કાન સફાળા કરી,
પ્રાણીઓ બધા શૂન્ય થયા, ઘેઘૂર વડલાની છાંય મહી.
આનન્દ આનન્દ પ્રસરે ચોદિશ, નથી ઘોંઘાટ કે વિષાદ,
પ્રેમ વાત્સલ્ય, સમ્પનુ અમી ઝરણું વહેતું દીઠું આજ અહીં.
નિરવ શાંતિ મહીં આવે અવાજ ટપકતા જલરાશિનો,
યાદ આવે અમરનાથની સ્પન્દનો સહુ ભેગાં મળી.
પંખીડાં પણ થોભી ગયાં સૂસવાટા સમીરની તાનમાં,
દાદૂર પુરાવે તાલ મહીં સપ્તમ સૂરના ભાવથી.
વનલલિતા, લતા, શાખા, ભુલી સઘળાં સાનભાન,
નાત-જાતના ભુલી વાડા, વાનર શ્વાન સાથે મળ્યાં.
આ કેવો ધર્મ છે, નથી માનતું મન મારું ભલે,
હું જો શીખું – શીખ મળે વાત કરે સવા લાખની.
માનવ બનવા સાચો અલ્યા, જાજે કો’ક દિ’ વનમાં,
શ્રવણ, કથન સહુ મળશે, વ્યાજમાં વળી પ્રેમ પણ.
ભીતરનું હૈયું થાશે ભીનું, મનનો મોરલો થનગનશે,
નિષ્કપટ આનન્દ થકી મળશે પ્રેમનો ધોધ.





