રાજયોગ અંગ ૩ – આસન

રાજયોગ અંગ ૩ – આસન – ચિરાગ પટેલ  જુલાઈ ૨૩, ૨૦૧૦

રાજયોગના ત્રીજા અંગ આસનનો અર્થ સામાન્ય રીતે બેસવું કે કોઈ એક સ્થિતિમાં શરીરને રાખવું એવો થાય છે. આસન એટલે શરીરની કસરત એવો પણ અર્થ કરી શકાય. મૂળભૂત ચોર્યાસી આસનો હઠયોગ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. દરેક પશુ કે પક્ષીની ચોક્કસ સ્થિતિ પરથી આસનોની રચના કરવામાં આવી છે. આપણા શાસ્ત્રો ૮૪ લાખ યોનીની વાત કરે છે, પણ એથી ૮૪ લાખ આસનો હોવા શક્ય નથી. એક આડવાત કરી લઉં. આધુનિક વિજ્ઞાન પૃથ્વી પર કુલ ૬૨૩૦૫ પૃષ્ઠવંશી પ્રાણીઓ, ૧૩૦૫૨૫૦ અમેરૂદંડીય જીવ, ૩૨૧૨૧૨ વનસ્પતિઓ, અન્ય ૫૨૫૬૩, એમ લગભગ ૧૭ લાખ યોનીની ગણતરી કરી શક્યું છે. આ ગણતરીમાં બેક્ટેરિયા કે વાઈરલ જીવોનો સમાવેશ થયો નથી. વળી, સમુદ્રના ઊંડાણેથી દરરોજ નવી-નવી પ્રાણી કે વનસ્પતિની જાતિઓ મળી આવે છે. આપણા શાસ્ત્રો ૮૪ લાખ યોનીની વાત કરે છે એટલે આધુનિક વિજ્ઞાન શોધી શક્યું છે એના કરતા પાંચ ગણી વધુ સંખ્યા ધરાવતી જીવસૃષ્ટિની જાતિઓ! કદાચ સાચું હોઈ શકે, કારણ બેક્ટેરિયા, વાઈરસ વગેરેને ઉમેરીએ તો અસંખ્ય જીવ યોનીઓ મળી આવે! પણ, આ દરેક જીવ પર આસન બનાવી દેવું શક્ય નથી. મુખ્ય પ્રાણી કે પક્ષીઓ આપણી આસપાસ જે જોવા મળે એ જ આસન માટેના મોડેલ હોઈ શકે એટલે પ્રતિક તરીકે કુલ ૮૪ આસનો ઘડવામાં આવ્યા હોય એમ બની શકે.

આસનોની રચના કરવા પાછળનો મૂળ ઉદ્દેશ એ છે કે કોઈ એક સ્થિતિમાં લાંબો સમય બેસીને મન અને શરીરને શાંત કરીને કોઈ એક બાબત પર મનને એકાગ્ર કરવું. અમુક આસનો એવા છે કે જે કરવાથી લોહીનું પરિભ્રમણ વધી શકે છે, જ્યારે અમુક આસનો કરવાથી લોહીનું પરિભ્રમણ મંદ થઇ શકે છે. આસનો કરવાથી શરીરના ચોક્કસ અંગોના સ્નાયુ પર આસનના પ્રકાર મુજબ ખેંચાણ આવે છે જેથી એ અંગ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે છે. આપણી જીવનચર્યા મુજબ શરીરના અમુક અંગોમાં દબાણ ઉત્પન્ન થાય છે અને શરીર માટે એ અંગ પીડાકારક બની જાય છે. યોગ્ય આસન કરવાથી એ અંગનું દબાણ દુર થાય છે અને એ અંગ પોતાનું કાર્ય સહેલાઈથી કરી શકે છે. ૮૪ આસનોની યાદી આપી જ દઉં (સૌજન્ય: ગુજરાતીલેક્ષિકોન.કોમ).

૧. સિદ્ધાસન, ૨. પ્રસિદ્ધ સિધ્ધાસન, ૩. પદ્માસન, ૪. બદ્ધ પદ્માસાન, ૫. ઉત્થિત પદ્માસન, ૬. ઊર્ધ્વ પદ્માસન, ૭. સુપ્ત પદ્માસન, ૮. ભદ્રાસન, ૯. સ્વસ્તિકાસન, ૧૦. યોગાસન, ૧૧. પ્રાણાસન-પ્રાણાયામાસન, ૧૨. મુક્તાસન, ૧૩. પવનમુક્તાસન, ૧૪. સૂર્યાસન, ૧૫. સૂર્યભેદનાસન, ૧૬. ભસ્ત્રિકાસન, ૧૭. સાવિત્રીસમાધિ, ૧૮. અચિન્તનીયાસન, ૧૯. બ્રહ્મજ્વરાંકુશ, ૨૦. ઉદ્ધારકાસન, ૨૧. મૃત્યભંજકાસન. ૨૨. આત્મારામાસન, ૨૩. ભૈરવાસન, ૨૪. ગરુડાસન, ૨૫. ગોમુખાસન, ૨૬. વાતાયનાસન, ૨૭. સિદ્ધમુકતાવલી, ૨૮. નેતિ આસન, ૨૯. પૂર્વાસન, ૩૦. પશ્ચિમોત્તાન, ૩૧. મહામુદ્રા, ૩૨. વજ્રાસન, ૩૩. ચક્રાસન, ૩૪. ગર્ભાસન, ૩૫. શીર્ષાસન, ૩૬. હસ્તાધાર શીર્ષાસન, ૩૭. ઊર્ધ્વ સર્વાંગાસન, ૩૮. હસ્તપાદાંગુષ્ઠાસન, ૩૯. પાદાંગુષ્ઠાસન, ૪૦. ઉત્તાનપાદાસન. ૪૧. જાનુલગ્નહસ્તાસન, ૪૨. એકપાદ શિરાસન, ૪૩. દ્વિપાદ શિરાસન, ૪૪. એક હસ્તાસન, ૪૫. પાદહસ્તાસન, ૪૬. કર્ણપીડ મૂલાસન, ૪૭. કોણાસન, ૪૮. ત્રિકોણાસન, ૪૯. ચતુષ્કોણાસન, ૫૦. કન્દપીડનાસન, ૫૧. તુલિતાસન, ૫૨. લોલ, તાડ યા વૃક્ષાસન, ૫૩. ધનુષાસન, ૫૪. વિયોગાસન, ૫૫. વિલોમાસન, ૫૬. યોન્યાસન, ૫૭. ગુપ્તાંગાસન, ૫૮. ઉત્કટાસન, ૫૯. શોકાસન, ૬૦. સંકટાસન, ૬૧. અંધાસન, ૬૨. રુંડાસન, ૬૩. શવાસન, ૬૪. વૃષાસન, ૬૫, ગોપુચ્છાસન, ૬૬. ઉષ્ટ્રાસન, ૬૯. મર્કટાસન, ૬૮. મત્સ્યાસન, ૬૯. મત્સ્યેંદ્રાસન, ૭૦. મકરાસન, ૭૧. કચ્છપાસન, ૭૨. મંડૂકાસન, ૭૩. ઉત્તાન મંડૂકાસન, ૭૪. હંસાસન, ૭૫. બકાસન, ૭૬. મયૂરાસન, ૭૭. કુક્કુટાસન, ૭૮. ફોદ્યાસન, ૭૯. શલભાસન, ૮૦ વૃશ્ચિકાસન, ૮૧. સર્પાસન, ૮૨. હલાસન, ૮૩. વીરાસન, ૮૪. શાંતિપ્રિયાસન.

એવું કહેવાય છે છે કે કોઈ પણ એક આસન સતત ૩૦ મિનીટ સુધી કોઈ પણ તકલીફ વગર કરવામાં આવે તો એ આસન સિદ્ધ થયું ગણાય. એ આસન પછી ધ્યાન કરવા માટે યોગ્ય મનાય છે. દરેકને પોતાની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ આસન અનુકુળ આવે છે અને આસન કરવામાં એ મુજબ વિવેકબુદ્ધિ રાખવી જરૂરી છે. મેં એક ભાઈનો કિસ્સો વાંચ્યો હતો, જેમાં એ ભાઈ પાણીપુરી વેચવાનો ધંધો કરતા હોવાથી રોજ ૨-૩ કલાક પૂરી તળવામાં કાઢતા હતા. પૂરી તળવામાં તેઓ એક સ્થિતિમાં બેસી રહેતા હોવાથી તેમના બંને ધૂંટણોની ગાદી ઘસાઈ ગઈ હતી. હવે અહીં એવું ના કહી શકાય કે તેમને પૂરી તળવાનું આસન સિદ્ધ થઇ ગયું હતું. આવી રીતે, ઘણા હઠ યોગીઓ વિવેકભાન ભૂલીને પોતાના શરીરના અંગોને કાયમી નુકશાન કરી ચૂક્યા હોય છે. અતિ સર્વત્ર વર્જયેત. આવી આસન-સિદ્ધિ એ રાજયોગ જરાય નથી! શરીર જે સ્થિતિમાં ૩૦ મિનીટ આરામ દાયક અને સ્થિર રહી શકે એ જ આસન સિદ્ધ. પલાંઠી વાળીને બેસવાનું “સુખાસન” પણ સિદ્ધ થઇ શકે. મોટે ભાગે ધ્યાન માટે પદ્માસન, સીધ્ધાસન, સુખાસન કે વજ્રાસન ઉપયોગમાં લેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી એક મુદ્રામાં શિવને સીધ્ધાસનમાં બેઠેલા બતાવ્યા છે! એ પરથી માની શકાય કે આસનોની પરંપરા પાંચ થી દશ હજાર વર્ષ પુરાણી હોઈ શકે.

શરીરના બધા અંગોને કસરત આપવા અને લોહીનું પરિભ્રમણ સુધારવા સૂર્યનમસ્કારના ૧૨ આસનોના પાંચથી દશ ચક્ર રોજ કરવા જોઈએ. ગુજરાતિલેક્ષિકોન.કોમ મુજબ સૂર્યનમસ્કાર નીચે મુજબ થાય છે.

સાધારણ રીતે આ કસરતમાં શ્વાસોચ્છ્શ્વાસની ક્રિયા ઉપર નિયમન રાખવું જોઇએ પણ શરુઆત કરવાવાળા માટે શરૂમાં આ બંધનો ખાસ જરૂરનાં નથી. આ કસરતમાં વધારે જગ્યાની જરૂર પડતી નથી. ૧. શરૂઆતની સ્થિતિ:- આ સ્થિતિમાં હોશિયારમાં ઊભા રહી પગને જોડેલા રાખવા. ૨. અષ્ટાંગ દંડ- પહેલો ઘાવ- આ હુકમમાં હાથને આગળની બાજુએથી ઊંચા કરવા, ધડને જરા પાછળ ધકેલવું અને માથાને પણ જરા પાછળ ધકેલવુ અને શ્વાસ લેવો. બીજો ઘાવ – આ ઘાવમાં હાથને બાજુએથી નીચે લઇ, ધડ નમાવવું અને હાથને જમીન ઉપર પગની બાજુએ મૂકવા. ત્રીજો ઘાવ – ધડને વધારે નીચું નમાવીને માથાને ગોઠણની પાસે લાવવું, કે જેથી કપાળ ઘૂંટણને અડે. ઘૂટણ સીધા રાખવા અને શ્વાસ છોડી દેવો. ચોથો ઘાવ – હાથને બરાબર જમીન ઉપર મૂકી, માથુ પૂરેપૂરું પાછળ ધકેલી ડાબા પગને પાછળ લઇ જવો અને જમણા પગને બંને હાથની વચ્ચે રહેવા દેવો , પછી છાતી ઊંચી રાખવી અને વાંસાની કમાન કરવી અને શ્વાસ લેવો. પાંચમો ઘાવ – જમણા પગને ડાબા પગની હારમાં લાવવો, શરીરસ્થિતિ નમેલી પણ સીધી રાખવી. હાથને પગના ઉપર સમ હિસ્સે શરીરનું વજન રહેવું જોઇએ. છઠ્ઠો ઘાવ – આ ઘાવમાં શરીરને નીચું કરી, કપાળ, છાતી, અને ઘૂંટણ જમીનને અડે. પેડુને અંદર ધકેલવું અને શ્વાસ બહાર કાઢવો. સાતમો ઘાવ – આ ઘાવમાં હાથને ધીરે ધીરે સીધા કરવા અને છાતીને ઊંચી કરી વાંસાની કમાન કરી માથું ઊંચુ કરી શ્વાસ લેવો આઠમો ઘાવ – આ ઘાવમાં ધડને ઊંચુ લઇ પગની એડીઓ જમીન ઉપર મૂકવી અને શ્વાસ બહાર કાઢી નાંખવો. નવમો ઘાવ – આ ઘાવમાં ડાબા પગને બંને હાથની વચમાં લાવવો, વાંસાની કમાન વાળેલો અને માથું ઊંચું રાખવું અને શ્વાસ લેવો. દશમો – જમણો પગ ડાબાની હારમાં લેવો ગોઠણ સીધા રાખવા અને હથેળી જમીન ઉપર રાખવી. અગિયારમો ઘાવ – આમાં માથું ઊંચુ લઇ કપાળ ઘૂંટણને અડાડવું અને ઘૂંટણને સીધા રાખવાં, અને શ્વાસ કાઢી નાંખવો. બારમો ઘાવ – ધડ ઊંચુ લઇ મૂળ સ્થિતિમાં આવવું.

આસન કરવાથી આપણું બાહ્ય શરીર શુદ્ધ થાય છે. પ્રથમ બે અંગ – યમ અને નિયમ, નું પાલન કરીને આપણે જાતને રાજયોગ માટે તૈયાર કરી. હવે, યોગ્ય રીતે આસન સિદ્ધ કરીને સ્થૂળ શરીરને તૈયાર કરીએ. આજકાલ પાવર યોગા કે હઠ યોગાના નામે આસનોનું નવિનીકરણ બહુ જોર પકડી રહ્યું છે. પણ, એમા આસનો કરવાનો મૂળભૂત હેતુ માર્યો જાય છે અને માત્ર શારીરિક કસરત માત્ર જ રહી જાય છે. શારીરિક કસરતની જરૂર છે, એનો ઇનકાર ના થઇ શકે, પણ બાવડાં ફૂલાવવા કરતા વિવિધ સ્નાયુઓની કાર્યક્ષમતા વધે, લોહીનું પરિભ્રમણ વધવાથી સ્થૂળ શરીરની શુદ્ધિ થાય અને શરીર એક ચોક્કસ સમય સુધી સ્થિર અને એકાગ્ર રહી શકે એ વધુ જરૂરી છે.

5 comments on “રાજયોગ અંગ ૩ – આસન

  1. Pingback: વર્કીઝર્શીપ « Rajeshpadaya's Blog

  2. બહુ જ સરસ માહિતી અને વિચારીને આપેલી .
    હું વીસ આસનો કરતો હતો. વે વરસથી અભ્યાસ બંધ થઈ ગયો હતો. પણ એક અઠવાડિયાથી ફરી ચાલુ કર્યો છે.

  3. વાહ ભઈ વાહ, સુંદર લેખ, વાંચતા વાંચતા જ આસન જાતે જ કરતા હોવાનુ અનુભવાય છે, સુંદર, હુ પણ મારા પેટને અંદર કરવા માટે આપના આ આસનની રીતથી કોશિષ કરીશ. …ધન્યવાદ

    • તમારો લેખ ખુબજ સરસ છે ,સરળ સબ્દો ને મુદાસર છે ,વાચી ને સારી માહિતી મળી.ફરી આવી mmm માહિતી આપતા રહેજો.હમણા ઘણા સમય કસરત નતો કરતો .આજ થી ફરી શરૂવાત કરેલ છે .
      આપાનો આભાર.ચિરાગભાઈ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *