આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન

આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન – ચિરાગ પટેલ        જુલાઈ ૧૭, ૨૦૧૦

મને ઘણી બધી વાર પ્રશ્ન ઉઠ્યો છે કે આધુનિક સમયમાં ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન, ગણિત અને ખગોળ ક્ષેત્રે પાછળ કેમ પડી ગઈ છે? જે પ્રાચીન સંસ્કૃતિ દરેક ક્ષેત્રે વિશ્વને નવી દ્રષ્ટિ આપી ચુકી હોય એનું આવું અધઃપતન! ઘણી વાર વિવિધ બ્લોગ પર પણ આ બાબતને લઈને ચર્ચાઓ થતી રહી છે. આથી, આ બાબતે મેં છેલ્લા ૨૦૦ વર્ષનો ઈતિહાસ થોડો ફંફોળી જોયો અને આપની સમક્ષ મારું અવલોકન મૂકી રહ્યો છું. અહીં માત્ર અને માત્ર વૈજ્ઞાનિક રીતે જાણીતી માહિતીઓના સન્દર્ભમાંથી ભારતીયોએ આપેલા પ્રદાનની નોન્ધ મૂકી છે.

* ૧૮૯૪મા જગદીશ ચંદ્ર બોઝે રેડિયો કમ્યુનીકેશનનું કોલકાતામાં જાહેર પ્રદર્શન કર્યું અને હવે આઈ.ઈ.ઈ.ઈ. સંસ્થાએ ગુગ્લીએમો માર્કોની પહેલા જગદીશ ચંદ્ર બોઝે રેડિયો સંદેશાવ્યવહાર શોધ્યો હોવાનું માન્ય રાખ્યું છે.

* ૧૯૨૦મા મેધનાદ સહાએ આયનીકરણ અને સૌર ક્રોમોસ્ફીયરની સ્પેક્ટ્રલ લાઈનની વિશિષ્ટ તીવ્રતાની તાપમાન અને દબાણને સાંકળીને ગણતરી સમજાવી.

* ૧૯૨૪મા સત્યેન્દ્રનાથ બોઝે પ્લાન્કના બ્લેક બોડી કિરણોત્સર્ગની ગણતરીના નિયમને ફોટોન સ્ટેટીસ્ટીક્સની મદદથી સાબિત કરી બતાવ્યો.

* ૧૯૨૪મા જ સત્યેન્દ્રનાથ બોઝે આઇન્સ્ટાઇન સાથે મળીને પદાર્થની પાંચમી ભૌતિક અવસ્થા “બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ” સમજાવી.

* ૧૯૨૭મા જગદીશ ચંદ્ર બોઝે ક્રેસ્કોગ્રાફ નામનું યંત્ર વિકસાવી વનસ્પતિમાં જીવ છે એ સાબિત કર્યું.

* ૧૯૨૮મા ચંદ્રશેખર રામને પ્રકાશના વિખેરણની ઘટના સમજાવી જેને “રામન ઈફેક્ટ” કહે છે.

* ૧૯૨૯મા વાય. સુબ્બારાવે લોહમેન અને ફીસકે સાથે મળીને સ્નાયુમાં એટીપીમાંથી શક્તિ કેવી રીતે છૂટી પડે છે એ સમજાવ્યું.

* ૧૯૩૦મા સુબ્રમણ્યમ ચંદ્રશેખરે તારાની વ્હાઈટ ડવાર્ફ (શ્વેત વામન) અવસ્થા સમજાવી અને “ચંદ્રશેખર લીમીટ” તરીકે ઓળખાતો આંક આપ્યો.

* ૧૯૫૭મા ઈ.સી. જ્યોર્જ સુદર્શને રોબર્ટ માર્શક સાથે મળીને પરમાણુના વીક ફોર્સની સમજુતી આપી.

* ૧૯૫૭મા વી. બાપુએ ઓલીન વિલ્સન સાથે મળીને અવકાશી કિરણોત્સર્ગની “વિલ્સન-બાપુ ઈફેક્ટ” સમજાવી.

* ૧૯૬૪મા હરગોવિંદ ખુરાનાએ પ્રયોગશાળામાં કૃત્રિમ આર.એન.એ. બનાવ્યું જે કોષના પાયાના એકમ પદાર્થોમાંનો એક એમીનો એસીડ માટે જરૂરી છે. ૧૯૬૫ સુધીમાં નિરેન્બર્ગ અને ખુરાનાની પધ્ધતિએ કુલ ૨૦ એમીનો એસીડ કૃત્રિમ રીતે બનાવી શકાયા.

* ૧૯૬૫મા ફ્રેડ હોઈલ અને જયંત નારલીકરે બ્રહ્માંડની ઉત્પત્તિની “સ્ટેડી સ્ટેટ થીયરી” આપી.

* ૧૯૭૯મા ડી. નારાયણ રાવે પોટર અને રુડીકોફ સાથે મળીને ઈમ્યુનોગ્લોબીનના જે. ક્ષેત્ર શોધવાની સમજુતી આપી.

* ૧૯૯૯ અને બાદમાં વી. રામકૃષ્ણને રીબોઝોમ અને એન્ટીબાયોટીક્સ બંધારણ સમજાવ્યા.

* ૨૦૦૨મા મહિન્દ્ર અગ્રવાલે અવિભાજ્ય સંખ્યા (પ્રાઈમ નંબર) બહુ જ ચોકસાઈથી શોધવાની થીયરી આપી.

આની સામે એ જ વર્ષોમાં ૩૫ જાપાનીઝ, કોરિયન કે ચાઇનીઝ; ૭ લેટીન અમેરિકન અને ૫ મુસ્લિમ વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ છે. હા, આ બે સદીઓ યુરોપ અને અમેરિકાની હોવાથી ભારતનું પ્રદાન તેમની સામે ઓછું લાગે છે, પરંતુ વિશ્વના બાકીના રાષ્ટ્રો કરતા ભારતનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. હવે રાષ્ટ્રવાર નોબેલ પારિતોષિકોની સરખામણી કરીએ.

૨ અલ્જીરીયા, ૫ આર્જેન્ટીના, ૧૦ ઓસ્ટ્રેલીયા, ૨૧ ઓસ્ટ્રિયા, ૧ અઝરબૈજાન, ૨ બાંગ્લાદેશ, ૧ બેલારુસ, ૧૦ બેલ્જીયમ, ૨ બોસ્નિયા, ૧ બ્રાઝીલ, ૧ બલ્ગેરિયા, ૧૯ કેનેડા, ૨ ચીલી, ૬ ચીન, ૧ કોલમ્બિયા, ૧ કોસ્ટા રિકા, ૧ ક્રોઅશિયા, ૫ ઝેક, ૧૩ ડેન્માર્ક, ૨ પૂર્વ તિમોર, ૪ ઈજીપ્ત, ૧ ફેરો આઈલેન્ડ્ઝ , ૪ ફિનલેન્ડ, ૫૭ ફ્રાંસ, ૧૦૩ જર્મની, ૧ ઘાના, ૨ ગ્રીસ, ૨ ગ્વાટેમાલા, ૧ હોંગકોંગ, ૧૫ હંગેરી, ૧ આઇસ્લેન્ડ, ૭ ભારત, ૨ ઈરાન, ૬ આયર્લેન્ડ, ૯ ઇઝરાયેલ, ૨૦ ઇટલી, ૧૬ જાપાન, ૧ કેન્યા, ૨ સાઉથ કોરિયા, ૧ લેટવિયા, ૧ લીથુઆનીયા, ૩ મેક્સિકો, ૧ મ્યાનમાર, ૧૮ નેધરલેન્ડ્સ, ૩ ન્યુઝીલેન્ડ, ૧ નાઈજીરિયા, ૧૧ નોર્વે, ૧ પાકિસ્તાન, ૧ પેલેસ્તાઈન, ૧૨ પોલેન્ડ, ૨ પોર્ટુગલ, ૩ રોમાનિયા, ૨૩ રશિયા, ૨ સેન્ટ લુસિયા, ૧ સ્લોવેકિયા, ૧ સ્લોવેનિયા, ૯ દક્ષિણ આફ્રિકા, ૭ સ્પેન, ૨૮ સ્વીડન, ૨૬ સ્વીત્ઝર્લેન્ડ, ૧ તિબેટ, ૧ તાઈવાન, ૧ ત્રિનિદાદ, ૧ તુર્કી, ૩ યુક્રેન, ૧૧૭ યુ.કે., ૩૨૦ યુ.એસ.એ., ૧ વેનેઝુએલા, ૧ વિયેતનામ. ભારતના ૭ નોબેલ ઇનામો નોંધપાત્ર છે.

ભારતનું યોગદાન અમેરિકી અને યુરોપી રાષ્ટ્રોની સરખામણીએ વામણું છે, પરંતુ અવગણ્ય સહેજે નથી. બીજા બધા દેશોની સરખામણીએ આપણે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને યોગદાન આપ્યું છે. આપણે જે સિધ્ધિઓ મેળવી છે તેનો યોગ્ય પ્રચાર થયો જોઈએ જેથી રાષ્ટ્રાભિમાન જાગ્રત થાય; અને આ અભિમાનવાળો અભિગમ નવી સિધ્ધિઓના દ્વાર ખોલવામાં મદદરૂપ થઈ શકે.

થોડા હળવા કિસ્સા નોંધીને લેખનું સમાપન કરું છું. (ઈન્ટરનેટ પરથી લીધા છે.)

૧) એકવાર ઈંગ્લેન્ડમાં કોઈ પરિષદ હતી. એક બ્રિટીશ વૈજ્ઞાનિકે ભારતીય વૈજ્ઞાનિકને કહ્યું કે, “અમે તો તમારા પર ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું છે.” ભારતીય વૈજ્ઞાનિકે સામે જવાબ આપ્યો કે, “જો હું બ્રિટીશ ઈતિહાસ ભૂલતો ના હોઉં તો એ ખરું કે રોમન લોકોએ તમારા પર ૫૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું?”

૨) કોઈ ગણિતની પરિષદમાં ચર્ચા ચાલતી હતી. ભારતીય પ્રોફેસરે બધાને પુરાવાઓ આપીને જણાવ્યું કે અરેબીક આંકડાઓ ભારતમાં શોધાયા હતા. એક ઈરાકી ગણિતશાસ્ત્રી ઉભા થયા અને પૂછ્યું કે, “તમે ભારતમાં એને અરેબીક આંકડા કેમ કહો છો? અમે તો એને રકમ-અલ-હિન્દ (હિંદુ આંકડા) કહીએ છીએ!”

૩) કોઈ વાર એક પરિષદમાં એક અમેરિકન વૈજ્ઞાનિકે ભારતીય વૈજ્ઞાનિકને સવાલ કર્યો કે, “તમે ગરીબ દેશ છો. તમે લોકો ભૂખમરો અને ખેતી ક્ષેત્રે સંશોધન કરો. શા માટે ન્યુક્લિયર અને સ્પેસ પાછળ પડ્યા છો?” ભારતીય વૈજ્ઞાનિકે સામે પ્રશ્ન કર્યો કે, “તમે સાહિત્યનો અભ્યાસ માત્ર નવલિકા અને નવલકથા વાંચીને કરશો અને એમાંથી કાવ્ય કાઢી નાખશો?” અમેરિકને કહ્યું કે, “એવું કેવી રીતે બની શકે? ગદ્ય અને પદ્ય બંને સાહિત્યનો ભાગ છે.” ભારતીય સ્મિત સાથે કહ્યું કે, “બસ ત્યારે. બધું વિજ્ઞાનનો જ ભાગ છે અને અમે દરેક ક્ષેત્રે સંશોધન કરવા માગીએ છીએ.”

13 comments on “આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન

 1. ભાઈ ચિરાગ,
  રાષ્ટ્રની અસ્મિતા જગવવાનો સાચો રસ્તો તમે આ સંકલન દ્વારા દેખાડ્યો છે. સત્યેન્દ્રનાથ બોઝના બોસોન પાર્ટિકલ્સ બહુ મહત્વના છે અને હૅડ્રોન પ્રયોગમાં હિગ્સ-બોસોન પાર્ટિકલ્સ જ શોધવાના છે. આ પાર્ટિકલ હજી સુધી જોવા નથી મળ્યા એટલે જ એને ‘ગૉડ પાર્ટિકલ ‘કહે છે. પરંતુ એમના સિદ્ધાંત પર આગળ કામ કરનારાને નોબેલ મળ્યું પણ બોઝને ન મળ્યું. એટલું જ નહીં. ભારત સરકારે પણ એમને ‘ભારત રત્ન’નું બહુમાન ન આપ્યું, એમને પદ્મવિભૂષણને જ લાયક માન્યા. તે પછી તો જયલલિતાના નેતા અને તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.જી. રામચન્દ્રનને એમના મૃત્યુના દિવસે જ ભારતરત્ન બનાવી દેવાયા.
  આજે વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ જતા જ નથી. આજે માત્ર કૉમર્સ માટેની દોટ છે. આમ છતાં આપણે ત્યાં એવા સમર્થ ્માણસો છે કે જ્યારે અમેરિકાએ સુપર કમ્પ્યૂટર આપવાની ના પાડી ત્યારે આપણા જ ટેકનોલૉજિસ્ટોએ પરમ કમ્પ્યૂટર તૈયાર કરી આપ્યું.
  તમે પ્રાઇમ નંબર શોધવાની રીત વિશે લખ્યું છે તે સદંતર મારા ધ્યાન બહાર રહ્યું છે. આના વિશે થોડી વિગતો આપશો તો મને જાણવામાં રસ છે.
  ગાંધીજીને નોબેલ માટે લાયક ન ગણ્યા તેની પાછળ રાજકારણ જ હતું. બીજી બાજુ ઓબામા કઈં કરે તે પહેલાં જ આપી દેવાયું! ઇઝરાએલના મેનાકિમ બેગિન અને યાસર અરાફતને પણ નોબેલ શાંતિ પુરસ્કાર સંયુક્ત રીતે અપાયો.
  આજે આપણે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આ્પીને જ નવી હવા ઊભી કરી શકીશું.

 2. સોરી ચિરાગભાઈ, બીજા ભાઈઓને ન્યાય આપવાના કારણે ઘણો મોડો વાંચ્યો આ લેખ, ખરેખર ભારતે ઘણી નોંધનીય અને આશ્ચર્યજનક પ્રગતિ કરી છે, એમા બે મત હોઈ જ ન શકે, અને હજુ પણ કરશે જ અને (બાઈબલના આધારે) મે ભાખી તો રાખ્યુ જ છે કે ભારત જ ભવિષ્યમાં જગતનુ લિડર બની રહ્યાના એંધાણ મે વર્તી લીધેલા જ છે. ફક્ત ભૌતિક પ્રગતિની જ વાત કરુ છુ હો…….આધ્યાત્મિકતાની તો પ્રભુ જ જાણે. ….. ઘણા જ સાનંદ-ગર્વિત થવા જેવો ઉત્તમ લેખ મે હજુ સુધી (ગુ.બ્લો.જ. માં) જાણ્યો નથી. ધન્યવાદ….

 3. નોબેલ પણ કેટલું નોબેલ છે એ વિચારવું રહ્યું. ગાંધીજી ચારચાર વખત નૉમિનેટ થયાં પણ એમને શાંતિનું નોબેલ ના મળ્યું. આઝાદી પછીના છેલ્લા નૉમિનેશન વખતે બહાનું કાઢ્યું કે એ વ્યક્તિ હયાત નથી. વચ્ચેના વર્ષોમાં ચર્ચિલને વિશ્વ શાંતિનું નોબેલ મળી ગયું. હદ તો એ છે કે ૧૯૩૮માં વિશ્વ શાંતિ માટે હિટલરનું પણ નૉમિનેશન થયું હતું!! ૨૦ મી સદીના એક સૌથી મહાન માણસનું નામ લેવાનું થાય તો બેશક ગાંધીજીનું જ નામ આવે. એવી વ્યક્તિને પણ નોબેલ ન અપાયું અને મધર ટેરેસાને એ મળી ગયું. (કેથોલિક બાયસની બદબૂ આવે છે ને!) So, we should take all these awards with a pinch of salt.

  • સાચી વાત હેમંત. નોબેલ ઇનામો પર ભરોસો તો ના જ રખાય. પણ એ ઇનામો વૈજ્ઞાનિક સિદ્ધિના માનપત્ર તો છે જ.

 4. ચિરાગભાઈ,

  ખૂબ સુંદર લેખ! કહેવાતા સુધારાવાદીઓ અને પશ્ચિમની વિચારધારાના બૌદ્ધિક ગુલામોએ વાંચવા જેવો લેખ. આપના લેખ પર બે ત્રણ વાત મને કહેવા જેવી લાગે છેઃ

  ૧) અંગ્રેજોના બસ્સો વર્ષના રાજે જે નખ્ખોદ વાળ્યો એમાં આપણે પાછળ પડી ગયાં. દાઝ્યા પર ડામ જેવી નહેરુની સમાજવાદી આર્થિકનીતિને લીધે આઝાદી પછી ૪૦ વર્ષ સુધી આપણી ઉદ્યમશીલતા અને સાહસ દબાયેલા રહ્યાં. ખરા અર્થમાં કહીએ તો ૧૯૯૦ પછી આપણે વિશ્વમાં આપણું ઘટતું સ્થાન મેળવવાના પંથે નીકળ્યા છીએ અને આપણે વીસ વર્ષમાં આપણે ઘણુ હાસિલ કર્યું છે. સોફ્ટવેર ક્ષ્રેત્રે માનભર્યું સ્થાન, ટાટાની ગાડીઓ અને એમની વૈશ્વિક હાજરી, ઈસરોની વૈશ્વિક હાજરી વગેરે વગેરે…

  ૨) જગદીશચંદ્ર બોસ, સીવી રમન, સત્યેન્દ્ર બોસ વગેરે પુર્ણ ભારતીય હતાં અને એમના માટે હોવો જોઈએ એટલો ગર્વ આપણને નથી, આપણા પાઠ્યપુસ્તકો ગાંધીજી, નહેરુની વાહવાહીમાં વ્યસ્ત હોવાથી આ લોકોની નોંધ લેવાનું રહી જાય છે. તો સામે પક્ષે કેટલાક ભારતીય મૂળના લોકોએ વિદેશમાં વસવાટ કર્યા બાદ મેળવેલી સિદ્ધિઓ માટે ઘેલા થઈ જઈએ છીએ, જેમકે હરગોવિંદ ખુરાના કે કલ્પના ચાવલા. એ લોકોને ભારતીય ન ગણી શકાય એવું હું માનુ છું.

  ૩) આ કમેન્ટ સુરેશદાદા માટે. આપે મોહોમ્મદ યુનુસ વિશે વાંચ્યું. આપે ઈલાબેન ભટ્ટ વિશે વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો વાંચજો એમણે પણ સરસ કામ કર્યું છે. પુણેમાં મેધા સામંત માઇક્રો ફાઇનાન્સ ચલાવે છે. આ ક્ષેત્રમાં ભારતભરમાં ખૂબ મોટુ કામ થયું છે પણ ભારતનો મીડિયા ધોનીના લગ્ન કવર કરવામાં વ્યસ્ત રહે છે એટલે આપણને એની જાણ થતી નથી.

  ચિરાગભાઈ, once again, hearty congratulations for this article.

  • હેમંત, કલ્પના ચાવલા કે ડોક્ટર ખુરાના ભારતીય જ ગણી શકાય, કારણ તેમનો ઉછેર અને વિકાસ ભારતમાં જ થયો હતો.

 5. શ્રી ચીરાગભાઈ

  સરસ સંશોધન. આપે આધુનિક માનસના દર્શન કરાવ્યા.આ રીતે સંકલન દ્વારા જ

  આત્મ વિશ્વાસ કેળવાય જે પ્રગતિના પંથે લઈ જાય.સમય સંજોગો પ્રમાણે ઘણી

  ઐતિહાસિક ઘટનાઓ બને ,બનતી જાય પણ જે પ્રજા કૌવત ના ઘુમાવે તે જ ખરી.

  અભિનંદન.ગામ પાડોશીના

  રમેશ કાકા(,મહિસાવાળા)આકાશદીપ

  • સાચી વાત રમેશકાકા. આપણે આપણુ પુરાણું ખમીર પાછું લાવવાની જરૂર છે.

 6. સરસ માહિતી સભર લેખ
  ભારતના ભૂતકાળની ભવ્યગાથાઓ અને દારૂણ માનસિક અને ભૌતિક ગરીબીનાં દોદણાં કરતાં આવી સચોટ માહિતી જ આપણા માઈન્ડ સેટ હકારાત્મક બનાવશે.
  ભારતથી અનેક ગણા નાના અને અત્યંત ગરીબીમાં સડતા બંગલાદેશના મહમ્મદ યુનુસે કરેલું કામ – માત્ર 34 જ વર્ષમાં આંખો ખોલી નાંખે તેવું છે.
  એમની ચોપડીમાંથી ઓક્લાહામા, અરકનસાસ અને નોંધ પાત્ર રીતે – અત્યંત ધનાઢ્ય ગણાતા શિકાગોમાં પણ ગરીબો માટે જે કામ થયું છે – તે વાંચી હું અચંબો પામી ગયો છું.

  ગુજરાતી બ્લોગરો આવી ગરિમાને ઉજાગર કરવાના કામમાં બહુ જ મોટું પ્રદાન કરી શકે.
  તેં આ બાબત કરેલી શરૂઆત પ્રશંસાપાત્ર છે.

  • દાદા, મહંમદ યુનુસ જેવું પાયાનું કામ આપણે ત્યાં દરેક ક્ષેત્રે કરવાનો સમય પાકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *