રાજયોગ અંગ ૧ – યમ

રાજયોગ અંગ ૧ – ચિરાગ પટેલ  જુન ૧૨, ૨૦૧૦

પતંજલિ ઋષિનાં અષ્ટાંગ યોગથી કોણ પરિચિત નહિ હોય? પતંજલિ યોગસૂત્રમાં અલગ – અલગ પદોમાં સમાયેલા આ નિર્દેશોનું  દુનિયાભરમાં આજે તો અનુકરણ કરનારા બહુ લોકો છે. ઘણા વિદ્વાનોએ એના પર સરસ વિવેચન પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદનું “સરળ રાજયોગ” પુસ્તક અષ્ટાંગ યોગ પર આધારિત છે. આપણા મુખ્ય દરેક ધર્મ કે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતો અને રાજયોગના નિર્દેશોમાં ઘણું જ સામ્ય છે. રાજયોગ કે અષ્ટાંગ યોગ (જેને અષ્ટાંગ વિન્યાસ યોગ પણ કહે છે)નાં આઠ અંગ પ્રમાણે ક્રમે ક્રમે વધતા જઈને મનુષ્ય પરબ્રહ્મને પામી શકે છે. દરેક અંગ એકપછી એક સિદ્ધ કરી શકાય કે એકસાથે એકથી વધુ અંગોનો પણ અભ્યાસ કરી શકાય. આ લેખમાળા માટે માનનીય રાજેશભાઈ પડાયાનું સૂચન હતું. તેમને સરળ રાજયોગની મારી ભૂતપૂર્વ લેખમાળા પરથી આ સૂચન કર્યું હતું. એ જૂની લેખમાળા અહી વાંચી શકો છો: http://rutmandal.info/parimiti/2007/09/08/ અને http://rutmandal.info/parimiti/2007/09/09/

આજે પહેલા અંગ “યમ”ની છણાવટ કરીશું. યમનો રાજયોગમાં જે અર્થ લીધો હોઈ શકે એમ હું માનું છું એ મુજબ જે મનથી સિદ્ધ થઇ શકે એવું નિવૃત્તિનું લક્ષણ એ યમ છે. વળી, જે જેવી રીતે થઇ શકે એ યમ છે. કોઈ પણ ધર્મનો પાયો “યમ”નાં અંગ પર રચાયેલો બહુ સહેલાઈથી અનુભવી શકાય એમ છે. યમમાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એવા પાંચ નિગ્રહોનો સમાવેશ થાય છે.

સત્યમેવ જયતે – આ સૂત્રથી ભારતનો બચ્ચેબચ્ચો પરિચિત છે. પણ, એનું પાલન ભાગ્યે જ કોઈ કરતુ હોય છે. સત્ય હંમેશા વિજયી નીવડે છે. સત્ય એટલે આચાર અને વિચારથી જેવી હકીકત હોય એવી જ રજુ કરવી. ના તો એમાં કશું ઉમેરવું કે ના તો કશું એમાંથી બાદ કરવું. આટલી સીધીસાદી વાત છે છતાં એનું પાલન કેટલું અઘરું છે! કળિયુગમાં સત્યનું તપ સહુથી શ્રેષ્ઠ કહ્યું છે. આજે આપણે જે રીતે ડગલેને પગલે અસત્યનો પક્ષ લઈએ છીએ એ જોઇને સાચે જ લાગે છે કે સત્યનું તપ સહુથી શ્રેષ્ઠ છે. આપણે પહેલા પગથિયે જ ગબડી પડીએ છીએ. વિદ્વાનો એવું પણ કહી ગયા છે કે, સત્ય બોલો અને પ્રિય બોલો. ઘણીવાર આ બંને ઉપવિધાનો પરસ્પર વિરોધી થતા જોવા મળે છે. એ માટે આપણને એવું સમજાવવામાં આવે છે કે જે સત્ય બોલવાથી કોઈની હાનિ ના થતી હોય તેવું સત્ય બોલવું, તેમ જ, જે અસત્ય કોઈની હાનિ થતી અટકાવે એ સત્ય વિરોધી નથી. અંગત રીતે હું માનું છું કે, જે સત્ય છે એના કદી વિકલ્પ ના હોય. જે સત્ય છે એ સત્ય જ છે, પૂરેપૂરું અને સંપૂર્ણ સત્ય. એમાં કોઈ પણ અવકાશ રહેતો નથી. દરેક સત્ય કોઈની હાનિ સાથે સંકળાયેલું હોય છે અને દરેક અસત્ય કોઈની હાનિ અટકાવતું જ હોય છે. એટલે, સત્યપાલન કરવું જરૂરી છે. આજના યુગમાં કોઈ સંપૂર્ણ સત્યપાલન કરી શકે એ અશક્ય લાગે છે. જો કરે તો, પ્રભુ હાથવેંતમાં છે!

ભારતીયો માટે સત્ય અને અહિંસા શબ્દો સાથે ગાંધીબાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. સ્વતંત્રતાની ચળવળમાં ગાંધીજીએ અહિંસાત્મક પ્રતિકાર પર અનન્યપણે ભાર મુક્યો હતો. અહિંસા શબ્દ ઘણો છેતરામણો છે. આપણે ડગલેને પગલે હિન્સાભર્યા કર્મોનો ગુણાકાર કરતા રહીએ છીએ. અરે, શ્વાસ લેવા જેવી સ્વાભાવિક પ્રક્રિયા પણ હિંસાથી ભરપુર છે. તો અહિંસા જેવા યમના અંગ દ્વારા ઋષિ શું કહેવા માગે છે? જડ કે ચેતન પદાર્થ કે જીવની બિનજરૂરી હાનિ કરવાથી બચવું એ જ અહિંસા ગણી શકાય. હવે વ્યક્તિએ વ્યક્તિએ અને પરિસ્થિતિ પ્રમાણે આ “બિનજરૂરી હાનિ”નો અર્થ ચોક્કસપણે બદલાયા કરતો હોય છે.

અસ્તેય એટલે ચોરી ના કરવી એ.  હવે, ચોરી કરવી એટલે કોઈનું બિનઅધિકૃતપણે લઇ લેવું એમ કહી શકાય. આજે તો ધોળી ટોપીઓ અને સરકારી અમલદારો પુરેપુરા “સ્તેય”માં માને છે. પ્રજા પણ સરકારી સંપત્તિનો વ્યય કરવામાં માનતી થઇ ગઈ છે. આપણે જરુરિયાત વગર વૃક્ષના પાંદડા પણ ના તોડવા જોઈએ. અરે, વણજોઈતી પ્રાકૃતિક સંપદા પણ વાપરવી ના જોઈએ. અસ્તેયના વ્રતનું પાલન “ગો ગ્રીન” ચળવળમાં કેવો ક્રાંતિકારી ફાળો આપી શકે!

અપરિગ્રહ એટલે કોઈનું દાન ન લેવું, જરૂરીયાત કરતા વધુ સંપત્તિ ન રાખવી અને કોઈ પણ પ્રકારના મોહનો ત્યાગ. વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ જો દાનનો અસ્વીકાર કરે તો તેનું ગૌરવ જળવાય છે અને દાન આપનારની શેહમાં ક્યારેય પણ આવવું પડતું નથી. દાન લેનાર સાચે જ પરિસ્થિતિ અને સમયને આધીન થઇ દાનીને પરાધીન થતો હોય છે. વળી, દાની પણ પોતાનો અહં આ રીતે વધારતો હોય છે. વોરેન બફેટ કે બિલ ગેટ્સ જેવા સૌથી વધુ સંપત્તિવાન વ્યક્તિઓ પોતાની અધિકતર સંપતિને માનવસેવા માટે વાપરે છે. એ જ પ્રમાણે, મધ્યમવર્ગી વ્યક્તિઓ પણ પોતાને જરૂર ના હોય એવી સંપત્તિનું સેવા નિમિત્તે જે-તે સંસ્થાને દાન કરી શકે છે. આ દાન ખાનગી રાહે થવું જરૂરી છે, નહીતર જાહેરાત તો અહંકારને વધારનારી જ થઇ પડે. મોહ એટલે જે-તે પદાર્થ કે પ્રાણી પ્રત્યે લાગણીનું અધિક માત્રામાં હોવું એ. આવી વધુ પડતી લાગણી આપણા મોહના પાત્રને નુકશાનકર્તા નીવડતી હોય છે. આ બધી બાબતોથી બચવુ જરૂરી છે.

બ્રહ્મચર્ય પર તો પુસ્તકો ભરાય એટલું લખી શકાય છતાં એનો અંત ના આવે! બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો પરનો સંયમ કેળવીને પરબ્રહ્મની પ્રાપ્તિ કરવી. અહી “ઇન્દ્રિય નિગ્રહ” એવો અર્થ નથી કરવામાં આવ્યો પણ “ઇન્દ્રિય સંયમ” એવો અર્થ છે. આ અર્થ મેં “ભગવતી ભાગવત” પુરાણમાં કરવામાં આવેલ બ્રહ્મચર્ય વ્રતના નિર્દેશો પરથી લીધો છે. બસ, આથી વધુ બ્રહ્મચર્ય બાબતે કહેવાની ઈચ્છા નથી થતી!

યમના આ પાંચ પદનું ચુસ્ત પાલન કોઈ પણ વ્યક્તિને પરમાત્માના પ્રકાશને ઝીલવા સક્ષમ બનાવે છે. સાચે જ, મનુષ્યના કોઈ પણ ધર્મ કે સમાજના વિકાસ માટે આ પદ અત્યંત મહત્વના છે.

This entry was posted in ધર્મ. Bookmark the permalink.

8 Responses to રાજયોગ અંગ ૧ – યમ

  1. સૈદ્ધાન્તિક રીતે આ બધી બાબત કશો વિવાદ ન જ હોઈ શકે.
    પણ આધુનિક માનવજીવનની જટિલતાના કારણે, સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેની ખાઈ, એટલી તો મોટી છે કે, ડગલે ને પગલે આપણે આપણી જાતને આદર્શ વ્યવહારથી ચલિત થતી જોઈ, ગુનાહિત લાગણી અનુભવવા લાગીએ છીએ.

    મારા માનવા પ્રમાણે આવી લાગણી આપણું આત્મબળ ઘટાડે છે; અને મૂળ ઉદ્દેશ – આપણી જાતને ઓળખવામાંથી ચલિત કરે છે.

    કદીક આ અસંગતતા ઊકલી જશે; તેવી આશા જ આપણે રાખવી રહી!

  2. અત્યારે જ મારા અનુવાદમાં એક કદમ ઓર આગળ વધ્યો છું. જેમ જેમ તે લખાતું જાય છે; તેમ તેમ કેવળ વર્તમાનમાં જીવવાના ફાયદા સમજાતા જાય છે.

  3. દાદા, સિધ્ધાન્ત અને વ્યવહાર વચ્ચે જે ખાઈ છે એ પુરવાની શક્તિ અને સાધન વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. એ સહુથી મોટી તકલીફ છે. એ દરેકની પોતાની વિવેક્બુધ્ધિ પર આધાર રાખે ચ્હે. વળી, આદર્શ નક્કી કર્યા વગર લક્ષ્ય પર પહોંચી ના શકાય. એ લક્ષ્ય પાર પાડવામાં જો સક્ષમ ના રહીએ તો જે આત્મગ્લાનિ થઈ શકે એને પહોંચી વળવાનું બળ પણ એ આદર્શો જ પુરુ પાડે છે.

  4. વાહ વાહ, રંગ છે ભાઈ ચિરાગ,
    અતિ ઉત્તમ નિરુપણ કર્યુ છે, આપે..
    એક એક શબ્દના ૧૦ ધન્યવાદ
    એક એક વાક્યના ૧૦૦ ધન્યવાદ અને
    એકે એક ફકરાના ૧૦૦૦ ધન્યવાદ અને
    આખાયે લેખના ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ધન્યવાદો આપને ઘટે……
    વેલ ડન….હવે લેખમાળા સ્ટેપ બાઈ સ્ટેપ આગળ ધપાવજો, એની જવાબદારી આપના માથે,
    સાથે સુરેશદાદા, અને અન્ય વડિલો તો છે જ ને….ફરીથી ધન્યવાદ…..

  5. ખુબ જ સુંદર છણાવટ કરી છે આપે…..!!
    હું દ્રઢ પણે માનું છુ કે જીવનમાં સિદ્ધાંતો તો હોવા જ જોઈએ…
    સિદ્ધાંત વિના નું જીવન એટલે જાણે હાર્યું ઢોર…!!
    હા, થોડી તકલીફ જરૂર પડે પણ એ તકલીફ પણ આપણી મરજીની હોય તેથી સહેવાઈ જાય છે…!!!
    સિદ્ધાંતો થકી જ માણસ આત્મસંન્માનથી જીવી શકે છે.
    આવો સુંદર લેખ મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  6. હમણાજ તમારો એક લેખ વાંચ્યો કૃષ્ણ પર અને આ નવો લેખ પણ અત્યારેજ જોવામાં આવ્યો, મને લાગે છેકે આપની વિષય પસંદગી ખુબજ ઉત્તમ છે અને હકીકત નું ખુબજ સચોટ દર્શન કરાવાની કોશિશ પણ
    સાથે કરો છો જે અભિનંદન ને પાત્ર છે…

    આજે સીધ્દ્ધાંત વિનાના જીવન જીવતા હોવાથી તેની ગહનતાનો ખ્યાલ તુરત નથી આવતો..પરંતુ તે હોવા જરૂરી પણ એટલાજ છે…

    • Chirag says:

      આભાર, અશોકભાઈ. સિધ્ધાંત એ મશાલ છે અને એનાથી જેટલું દેખાય એ જોતા-જોતાં અને મશાલને પણ મઠારતાં આપણે અંતિમ ધ્યેય પર પહોંચવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>