પ્રેમ ભીંજવે – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૦૬, ૨૦૧૨
મારા સ્પર્શમાં તને પ્રગટાવી
ઓ મારી પ્રિયા,
મને પ્રાપ્ત પ્રેમનો જાદુ ચોફેર વિખેરું છું.
મારા રક્તમાં તારો સંચાર કરી
ઓ મારા પ્રાણ,
મારી જીર્ણ કાયાને નવજીવન અર્પું છું.
મારા હાસ્યમાં તને ખીલવી
ઓ મારી મીઠડી,
મારા જીવનનું સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરું છું.
મારા કર્મોમાં તારો સાથ પામી,
ઓ મારી સુંદરી,
મારા જન્માંતરના દ્વંદ્વ ઓગાળી દઉં છું.
મારા રોમેરોમ તને પરોવી
ઓ મારી પ્યારી,
મારી લાગણીના આચમને અભિષેક કરું છું.
મારા મનમાં તને વસાવી
ઓ મારા ચાંદ,
મારી કવિતાના શબ્દ-ફૂલો વડે વધાવું છું.
મારા દિલમાં તને સ્થાપિત કરી
ઓ મારી રોશની,
મારા અસ્તિત્વની પ્રસાદી ચરણે ધરું છું.






