ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ

ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ સપ્તર્ષિ 8696 અષાઢ શુક્લ ચતુર્દશી 2020 જુલાઈ 04

લીલીછમ વનરાજીથી વીંટળાયેલા ડુંગરોની વચ્ચે એક ટૂંક પર એક આધેડ વયના સાધુ સમાન પુરુષ હતા. પદ્માસનમાં પલાંઠી વાળી ઊંડા ધ્યાનમાં બેઠા હતા. માથે મધ્યમ કદની રુદ્રાક્ષની માળાથી બાંધેલી જટા. કપાળે ભસ્મનું ત્રિપુંડ. મધ્યમ કદની દાઢી. વાળ ચાલીસીમાં પહોંચેલા પુરુષના હોય એવા સહેજસાજ શુભ્ર! બંને બાજુબંધ અને મણિબંધ પર રુદ્રાક્ષની માળા અને ભસ્મનું ત્રિપુંડ! શરીરનો બાંધો મધ્યમ અને શુભ્ર ધોતિયું પહેરેલું. વાન થોડો તપેલો! સહેજ ઉંચા સપાટ પથ્થર પર કોઈ આસન પર તેઓ બેઠા હતા.

તેમની સામે આદિવાસી હોય એવા સ્ત્રી-પુરુષો આછા-સાદા વસ્ત્રોમાં બેઠા હતાં. બધાં મુગ્ધભાવે સાધુને જોઈ રહ્યાં હતાં. થોડી વાર પછી સાધુએ આંખો ખોલી. બધાંએ ભેગાં મળી કોઈ મૂર્તિ સામે આરતી ગાઈ અને છૂટાં પડ્યાં.

એક આદિવાસી કન્યા ત્યાં રોકાઈ ગઈ. સૌમ્ય અને નિર્દોષ દેખાવ. સાધુ પાછા પોતાની બેઠક પર આવી ગયા. કન્યા સાથે થોડી વાતો કરી. કન્યા એકદમ મુગ્ધભાવે પ્રેમવશ પોતાની જમણી હથેળીના પાછળના ભાગ પર હડપચી ટેકવી, કોણીને ઉભડક થયેલા જમણા સાથળ પર ગોઠવી સાંભળતી હતી. પશ્ચાદ્ભૂમાં ખીણનો ભાગ સ્પષ્ટ દેખાતો હતો. એ એક વિશાળ અને ગાઢ વન વિસ્તાર હતો.

પછી તો આ દૈનિક ક્રમ બની ગયો. બધા જતા રહે પછી પણ કન્યા રોકાતી અને સાધુ સાથે વાતચીત કરતી રહેતી.

થોડા મહિનાઓ પછી આદિવાસીઓના ગામમાં કોઈ ઉત્સવની ઉજવણી યોજાઈ. સાધુને પણ આમંત્રણ આપવામાં આવ્યું એટલે એ આવ્યા. એ ઉત્સવમાં આદિવાસી યુવાનો યુવતીઓ જીવનસાથીનું વરણ કરતાં હતાં. સાધુ પાસે રોકાતી કન્યાને કોઈ યુવાન જીવનસાથી બનવા માટે દબાણ કરતો હતો. સાધુ આ જોઈ ગયા અને યુવાનને રોક્યો. યુવાન સાધુને ગમે તેમ બોલવા લાગ્યો. યુવાનના મિત્રો પણ ત્યાં આવ્યાં અને બધાં ભેગા મળી સાધુને ગડદાપાટુ મારવા લાગ્યાં. એ જોઈ અન્ય લોકો પણ ભેગાં થઇ ગયાં.

પરિસ્થિતિ પામી એક વડીલે સાધુને જણાવ્યું કે, “આ અમારી રીતિ છે અને એમાં તમારે વચ્ચે પડવું ના જોઈએ.”
સાધુએ કહ્યું કે, “આ કન્યાના જીવનનો પ્રશ્ન છે. તેની સહમતિ હોવી જ જોઈએ.”

વડીલે આ સાંભળી કન્યાને તેની ઈચ્છા પૂછી. કન્યાએ પેલા સાધુમાં પોતાનું મન હોવાનું જણાવ્યું. સાધુએ વિચાર્યું, “જો કન્યાનું જીવન બચાવવું હોય તો તેનો સ્વીકાર કરવો પડશે. પણ, સંસાર શરુ કરવાથી સાધનાનો માર્ગ ફંટાઈ જશે.” પછી, વિચાર્યું કે સાધના સંસારમાં રહીને જેટલી થાય એટલી સાચી, ધ્યેય સુધી જો ના પહોંચાયું તો નવા જન્મમાં પુનઃ કરીશું! તેમણે કન્યાનો સ્વીકાર કર્યો!

  • * *

ઉપરની સમગ્ર કથા મને ધ્યાનમાં અને સ્વપ્નમાં દેખાઈ હતી! સાધુ હું પોતે!

વર્ષો પછી હું શ્રી ધ્રુવ ભટ્ટે લખેલી “તત્વમસિ” નવલકથા વાંચતો હતો. એમાં મધ્યપ્રદેશમાં નર્મદા નદી વહે છે એ કાકરા ખોહ વિસ્તારનું વર્ણન હતું. વળી, ત્યાંની આદિમ જાતિનો પણ એમાં ઉલ્લેખ છે. એ વર્ણન વાંચી મને તત્કાલ મારા ઉપરોક્ત ધ્યાન-સ્વપ્ન દર્શનનું સ્મરણ થયું! કાકરા ખોહ વિસ્તારનું વર્ણન મારા દર્શનમાં દેખાયેલા સ્થળને ઘણું મળતું આવતું હતું! પછી, મેં ગૂગલ પર કાકરા ખોહને શોધી. મારા, સાનંદાશ્ચર્યે એ મને દર્શન થયેલો વિસ્તાર જ છે! http://wikimapia.org/25385491/Hatyari-Khoh-Kakra-Khoh#/photo/4273372

Print Friendly, PDF & Email

2 thoughts on “ધ્યાન-સ્વપ્ન દર્શન – ચિરાગ પટેલ

  1. Vaishali says:

    ઓહ! માન્યામાં ન આવે એવી વાત! પણ અગાઉ આપના સપનાં વાંચેલા છે એટલે આ અનુભવ પણ સત્ય હોય બહુ અદ્ભુત વાત લાગી! આપના અનુભવ માર્ગને શેર કરી અન્યને એ અગમ્ય માર્ગ તરફ ગતિ કરાવવામાં મદદરૂપ બની શકે એ જ્ઞાન વહેંચવા માટે ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.