ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ – ચીરાગ પટેલ માર્ચ 16, 2010

ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ – ચીરાગ પટેલ માર્ચ 16, 2010

વર્ષ 2010માં 14મી માર્ચને રવીવારે અમેરીકામાં “ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ”(Day Light Saving Time – DST) શરુ થયો. એ સાથે જ મારી રોજીન્દી દેહધાર્મીક ક્રીયાઓએ એકસાથે બળવો પોકારીને મને અધમુવો કરી દીધો, મારી વીવીધ શક્તીઓનું ફરજીયાત “સેવીંગ” શરુ કરી દીધું. ઉન્ઘના કલાકો ઘટી ગયા. ભુખને ગ્રહણ લાગી ગયું અને ભુખનો મોક્ષ ક્યારે થતો એ ખ્યાલ જતો રહ્યો. શરીરમાં સ્લોથ નામની ઉંચી જાતના એકાદ પ્રાણીનો આત્મા પ્રવેશી ગયો!

ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમની સમજુતી માટે થોડી વીગતો જણાવી દઉં. ઈન્ટરનેટના મરજીવા બનવાથી આમ તો આ બધી માહીતી મળી રહેશે, પણ અહીં હું થોડું મારું ડહાપણ દેખાડી દઉં. બુધ્ધીવાનને માથે શીન્ગડા તો હોતા નથી, એટલે… બેન્જામીન ફેન્કલીનનું સુવર્ણ વાક્ય છે કે, “Early to bed and early to rise makes a man healthy, wealthy and wise!” આ વાક્યનું ચુસ્તીપુર્વક પાલન કરવા તેણે સવારે સુરજ ઉગે એટલે તોપ ફોડવાની પ્રથા શરુ કરાવી અને લોકોની સુસ્તી પરાણે ઉડાડવાની શરુઆત કરી. આજે પણ ઘણાં લોકોને વહેલા ઉઠવાથી શરીરમાં તોપો ફુટતી હોય એવું લાગતું હોય છે. ન્યુઝીલૅન્ડના જ્યોર્જ હડસને દાદા ફ્રેન્કલીનના વીચાર અને પ્રથાનો વીસ્તાર કરી આધુનીક ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમને જન્મ આપવાનું ઘૃણાજનક(?) કામ કર્યું. અમેરિકામાં માર્ચ મહીનાના બીજા રવીવારે ડી.એસ.ટી. શરુ થાય છે અને ઑક્ટોબર મહીનાના બીજા રવીવારે ડી.એસ.ટી. પુરો થાય છે. ઉનાળાના દીવસોમાં સુરજદાદા આપણા કરતાં વહેલાં ઉગી જતા હોવાથી તેમની કૃપાનો ફાયદો લેવા માટે ઘડીયાળને એક કલાક વહેલી કરી દેવામાં આવે છે. એટલે કે, ડી.એસ.ટી. શરુ થાય એ દીવસે ઘડીયાળમાં જો સવારના 7 વાગ્યા હોય તો એને બૉર્નવીટા પીવડાવી 8 કરી દેવાના. એ જ પ્રમાણે, ડી.એસ.ટી. પુરો થાય ત્યારે ઘડીયાળમાં જો સવારના 8 વાગ્યા હોય તો એને ચા પીવડાવી પાછા 7 કરી દેવાના!

હવે, આ ધોળુ(!) કામ શરુ થાય એ રવીવારે સવારે ઉઠ્યાં હોઈએ 11 વાગ્યે અને ઘડીયાળ પણ 11 જ બતાવતું હોય. પણ, જ્યારે સેલફોન પર રીન્ગ વાગે કે કોઈ ગમતો ઈડીયટ બૉક્સનો કાર્યક્રમ કોઈ ઈડીયટને જોવાની ઈચ્છા થાય ત્યારે જ ખબર પડે કે આજે તો “ઈડીયટ” બની ગયા. સેલફોનની સર્વીસ કમ્પની ડૅ લાઈટ સેવીંગ ટાઈમ જાતે જ સેટ કરી આપે અને આપણા 12 વાગી ગયા એમ ખબર પાડી દે! આ સાથે શરીરમાં ન્યુટનના ત્રીજા નીયમની અસરો દેખાવી શરુ થઈ જાય. જો કે, મને તો ન્યુટનનો આ નીયમ ખોટો પડતો દેખાતો હોય છે. ઘડીયાળને કલાક દોડાવી દેવાની ક્રીયા સામે શરીરમાં જે અને જેટલા સમય સુધીની પ્રતીક્રીયાઓ દેખાય છે એ પરથી નીયમ ખોટો લાગે છે!

રાત્રે મોડા ઉંઘ આવી હોય (1 કલાક મોડી તો ખરી જ, શરીરને ઘડીયાળના કાંટા સમજાય ખરા?) અને વહેલી સવારે સેલફોનમાં મુકેલો એલાર્મનો કુકડો મંથરાકર્મ કરીને જ જમ્પે! પછી, ઉંઘને વનવાસે મોકલી આપવી પડે. બૉસ કાંઈ ઑફીસ 1 કલાક મોડી શરુ નથી કરવાનો. જેમ-તેમ પરવારીએ. એમા ખાસ તો ખુલાસો થવાની તકલીફ થઈ જાય. બીરબલના કહ્યા પ્રમાણે, શરીરે નરવા રહેવા હાજતના દર્શન તો સવારે જ કરવા પડે. અહીં “દર્શન” શબ્દને “જોવું” એ અર્થમાં નથી લેવાનો એ કહેવાની જરુર તો નથી, પણ આમ કહેતા સયાજીનગરી ટ્રેનમાં સવારે વડોદરાથી મુમ્બઈ જતાં જે “દર્શન” થાય છે એ યાદ આવી ગયું. બીરબલના સમયે આવી ટ્રેન હતી નહીં, તો પછી બીરબલે આવા શબ્દો કેમ પ્રયોજ્યા હશે? ખેર, આપણી ગાડી આગળ ચલાવીએ. ઑફીસે પહોંચતા કાર બહુ સાચવીને ચલાવવી પડે. ના, મને ઝોકા આવે છે એટલે નહીં. મારી આગળ-પાછળ કે આજુ-બાજુવાળાને ઝોકું આવે અને અમારી ગાડીઓનું ભવ્ય મીલન થતું અટકાવવું હોય તો ધ્યાન તો રાખવું પડેને, ભાઈ (અને બહેન પણ, પાછું બહેનોને ખોટું લાગે તો!). ઑફીસમાં એકાદ ચાના કપથી મુડ ના બને એટલે થોડી વાતચીતના તડાકા મારી કામ પર લાગવું પડે. બપોરે 12 વાગે અને બધાં ભોજન માટે આઘા-પાછાં થાય! ઘડીયાળ ભલે 12 વગાડે, પેટમાં એ વખતે 12 ના વાગ્યા હોય. અને જો એ વખતે પેટને અવગણીને ભોજનને નમસ્કાર કરીએ તો પેટ સાંજે 4 વાગ્યે આપણાં 12 વગાડી દે! સાંજે ઘરે પહોંચીને પણ પેટની એ જ રામાયણ. પેટ જો કે એ વખતે રાવણના પાઠમાં આવી જાય અને આપણે બનવું પડે હનુમાન. માંડ-માંડ રાતના 10 વાગે અને ઘડીયાળ પ્રમાણે સુવાનો પ્રયત્ન કરીએ ત્યારે કુરુક્ષેત્ર સર્જાય! ઉંઘ કૌરવોના પાઠમાં આવી જાય અને આપણે કૃષ્ણની મદદ વગર નીદ્રાને જીતવી પડે. હાશ, છેવટે ઉંઘ તો આવી એવો ભ્રમ થાય ત્યાં તો.. કુકડે કુક… રામ, રામ, રામ…મરા, મરા, મરા… ફરી સવાર પડી ગઈ…

અમુક મારી નાતના બીરાદરો ડી.એસ.ટી. સામે વીરોધ નોન્ધાવવા રસપ્રદ આંકડા રજુ કરતાં હોય છે. ઉદાહરણ તરીકે, જેમને રતાન્ધળાપણું છે તેમને સવારે વધારે તકલીફ પડતી હોય છે. એટલે, તે લોકો માટે ડી.એસ.ટી. મુસીબતરુપ બને છે. ડી.એસ.ટી શરુ થાય એના પહેલા અઠવાડીયે વર્ષના બીજા કોઈ પણ અઠવાડીયા કરતાં વધુ કાર-અકસ્માતો થતાં હોય છે, ઉંચું રક્તચાપ ધરાવતા અને હ્રદયરોગના હુમલાના દર્દીઓ વધી પડે છે. વળી, કાળુ કામ કરનાર લોકો માટે પણ કામના(રાતના) કલાકો ઘટી જાય છે, એમને તો સીધી પેટ પર લાત પડે છે! અમેરીકામાં સંશોધન થયું છે કે ડી.એસ.ટી.ને લીધે આર્થીક વ્યવસ્થા પર લગભગ 1 બીલીયન ડૉલરનું ભારણ આવે છે! ગુજરાતી જીવને આ વાત તો બહુ ખુંચે.

વર્ષો પહેલાં જ્યારે લોકોની મોટાભાગની પ્રવૃત્તી સુર્યપ્રકાશ પર નીર્ભર હતી ત્યારે આ ગોઠવણ મદદ કરતી હશે એવું લાગે છે. પણ, હવેના જીવનમાં માત્ર ઘડીયાળ જોઈને જ કામ થાય છે. બહાર સુર્યપ્રકાશ હોય કે ના હોય, કામના સ્થળે 24 કલાક વીજળીની બત્તીઓ ધમધોકાર ચાલતી હોય છે અને એ જોઈને જ કામ થાય થાય છે. ખેર, ખુરશી પર બેઠે-બેઠે પોઢતા લોકોને આમ-આદમીની ચીન્તા આ બાબતે તો થાય એવી સુરજદાદાને પ્રાર્થના કરીને પોઢવાનો પ્રયત્ન કરીએ!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.