પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008

પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008

પુરાણવિવેચન – મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી)

[સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના “સિધ્ધાંતસાર” ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.]

પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં કહીં અયોગ્ય પણ વાતો આવે છે – એ બધાથી કરીને, પુરાણો ખોટાં છે, સ્વાર્થી બ્રાહ્મણોનાં રચેલાં છે, ધર્મસ્વરૂપ એવું હોય જ નહિ ઇત્યાદિ આપણે બોલીએ છીએ; પણ આપણે જે વિવેક કરી ગયા, તેટલાથી જાણવું સહજ છે, કે એ પુરાણો કોઈએ જાણી જોઈને ખોટું સમજાવવા રચ્યાં નથી. એ જેવાં રચાયાં છે, તેવાં જ રચાવાની આવશ્યકતા હતી. એ આવશ્યકતાને અનુસરીને, પ્રાચીન ધર્મની વાત ઉચ્છેદ ન પામતાં સ્થિર થઈ સમજનારને કાળાંતરે પણ સમજાય, એવી રચના કરવામાં ઋષિઓએ પરમાર્થબુધ્ધિથી જ સયુક્તિક વ્યવસ્થા કરી છે. અમે તો એટલે સુધી પણ માનીએ છીએ, ને સિધ્ધ કરી બતાવીશું કે પુરાણોમાં જે સ્થૂલ અતિશયોક્તિ અને રૂપક રચ્યાં છે, તે જાણી જોઈને જ તેવે રૂપે રચ્યાં છે, કે તે તે વાતના અસમ્ભવિતપણા ઉપરથી બુધ્ધિમાન માણસો તેને અક્ષરશઃ સત્ય ન માનતાં તરત તેમનું રહસ્ય વિચારવા માંડે અને પરમાર્થરૂપ સત્ય સમજી જાય; પણ બધા લોકો આવા બુધ્ધિમાન હોતા નથી ને હોય નહિ; તથા વિશેષે કરીને પુરાણકાળની અવ્યવસ્થાના સમયમાં તો થોડા જ હશે. એટલે કે જેમ એક પાસાથી સંસ્કારવાનને માટે પુરાણોની અસંગત ભવ્ય કલ્પનાઓમાં પણ સત્ય માર્ગ સૂચવી દીધો છે, તેમ તે જ અસંગતિવાળાં રૂપકાદિથી પ્રાકૃત લોકની બુધ્ધિને ભક્તિભાવ બતાવી ધર્મભ્રષ્ટ થતાં અટકાવવાની સબલ શૃંખલા પણ બાંધી દીધી છે.

આ પ્રમાણે જોતાં પુરાણ રચનારની સ્વાર્થપરાયણતા કરતાં નિઃસીમ પરમાર્થતા જ રહેલી સમજાય છે. અજ્ઞાનરૂપ સ્વલ્પ દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે અને આર્ય-બુધ્ધિનું આર્યત્વ પ્રતિપાદિત થાય છે. જો એ જ પુરાણો વચમાં આવ્યાં ન હોત, તો આજ આપણે યવન હોત, મુસલમાન હોત, ફિરંગી હોત કે અંગ્રજ હોત, એમાંનું કાંઈ કહી શકાતું નથી – પણ કોઈને કોઈ રીતે આપણે અધમતાને પામ્યા હોત. અંગ્રેજ, ફિરંગી, મુસલમાન કે યવન, એ નામમાં કાંઈ આભડછેટ ભરાઈ બેઠી નથી; પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે ગમે તેવી દીનતા તથા હીનતાએ પહોંચ્યા છતાં પણ ધર્મપરાયણતારૂપ મહાનિયમ અને તેનાં ફળ આપણે જે સાચવી રહ્યા છીએ, તે સચવાયાં ન હોત.

જે જે પ્રજા પોતાની પ્રાચીન મહત્તાથી ભ્રષ્ટ થતાં તે મહત્તાને વીસરી જઈ પોતાની દીનતા સ્વીકારતી ચાલે છે, તે તે પ્રજા નિરંતર અધોગતિને પામતી જાય છે, એવું ઈતિહાસમાં અનેક દ્રષ્ટાંતોથી સિધ્ધ થાય છે. આવાં સર્વ અનિષ્ટ પરિણામથી ઉગારનાર પુરાણો છે, ભક્તિપ્રધાન વહેમરૂપ ધર્મ તે જ આપણો ત્રાતા છે. પુરાણમાત્રના પ્રણેતા વ્યાસ મુનિને નારદે ખરું જ કહ્યું છે, કે તેમણે ભગવદગુણ ગાયા નથી, માટે જ તેમના આત્માને સંતોષ થતો નથી – અર્થાત પુરાણપ્રતિપાદિત ધર્મની એવી ગૂઢ મહ્ત્તા છે, કે તે જ ધર્મ જેમ આર્યત્વનો ત્રાતા છે, તેમ પરમસત્યનો બોધક છે અને એ રીતે પરમ મોક્ષરૂપ છે.

ભક્તિ અને જ્ઞાન, ઉભય એક જ છે. આ એકતા પુરાણોમાં સ્પષ્ટ સમજાય છે ને તેને જ લીધે પુરાણોની ગૂઢ મહત્તા સિધ્ધ થાય છે. પછી સંપ્રદાયને વળગીને કોઈ ભક્તિમાત્રનું જ જ્ઞાન ઉપર પ્રધાનપણું બતાવે તો ભલે. ભક્તિ અને જ્ઞાન જુદાં પડી શકતાં જ નથી, જ્ઞાન વિના ભક્તિ અંધ રહે છે. ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે, પાંગળું રહે છે. જે જાણવું તે જ ભજવું. જાણ્યા વિના ભજાય નહિ ને ભજ્યા વિના જાણ્યું કહેવાય નહિ. વેદાંતનું જે અપરોક્ષ જ્ઞાન તે જ ભક્તિ છે. ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરભક્તિ તે જ અપરોક્ષ જ્ઞાન છે. જ્ઞાન તે ભક્તિ ને ભક્તિ તે જ જ્ઞાન – એ જ અપરોક્ષ કૈવલ્ય. શ્રીગીતાજીમાં પણ એ જ કહ્યું છે, કે ‘સાંખ્ય-જ્ઞાન અને યોગ-કર્મ, ભક્તિ ઇત્યાદિ-ને એકરૂપ જાણનાર જ જાણે છે.’ શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે, કે ‘આત્મારૂપ મુનિઓ જે કર્મ-ગ્રંથિથી મુક્ત છે, તે પણ પરમ પુરુષની કેવળ અહેતુકી ભક્તિ આદરે છે.’ આમ ભક્તિજ્ઞાનનાં એકતાપરાયણ પુરાણો સર્વથા સાર્થક છે, ઉપયુક્ત છે ને ધર્મવ્રત આર્યોને સર્વ પ્રકારે પૂજ્ય છે.

દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ.

મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, “કૂ”કારાદિ 1, “સ્ક”કારાદિ 1.

[પુરાણ ક્રમ – નામ – શ્લોક સંખ્યા]
1 – મત્સ્યપુરાણ – 14,000
2 – માર્કંડેયપુરાણ – 9,000
3 – ભવિષ્યપુરાણ – 14,500
4 – ભગવતી ભાગવતપુરાણ – 18,000
5 – બ્રહ્મપુરાણ – 10,000
6 – બ્રહ્માંડપુરાણ – 12,100
7 – બ્રહ્મવૈવર્તપુરાણ – 18,000
8 – વામનપુરાણ – 10,000
9 – વાયુપુરાણ – 24,600
10 – વિષ્ણુપુરાણ – 23,000
11 – વરાહપુરાણ – 24,000
12 – અગ્નિપુરાણ – 16,000
13 – નારદપુરાણ – 25,000
14 – પદ્મપુરાણ – 55,000
15 – લિંગપુરાણ – 11,000
16 – ગરુડપુરાણ – 19,000
17 – કૂર્મપુરાણ – 17,000
18 – સ્કન્દપુરાણ – 81,000

[ઉપપુરાણ ક્રમ – નામ]
1 – સનત્કુમારપુરાણ
2 – નૃસિંહપુરાણ
3 – નારદીયપુરાણ
4 – શિવપુરાણ
5 – દુર્વાસાપુરાણ
6 – કપિલપુરાણ
7 – મનુપુરાણ
8 – શુક્રપુરાણ
9 – વરુણપુરાણ
10 – કાલિકાપુરાણ
11 – સાંબપુરાણ
12 – નંદિપુરાણ
13 – સૂર્યપુરાણ
14 – પરાશરપુરાણ
15 – આદિત્યપુરાણ
16 – મહેશ્વરપુરાણ
17 – ભાગવતપુરાણ (શ્રીકૃષ્ણચરિત્ર)
18 – વસિષ્ઠપુરાણ

આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાયમાં જણાવ્યાં પ્રમાણે ઓળખીએ.

સૌપ્રથમ પુરાણો પ્રમાણે સમયનાં એકમ સમજીએ.

1 મહાકલ્પ = 309,173,760,000,000 મનુષ્ય વર્ષ = 100 બ્રહ્મા વર્ષ
1 બ્રહ્મા વર્ષ = 360 બ્રહ્મા દીવસ
1 બ્રહ્મા દીવસ = 2 કલ્પ
1 કલ્પ = 4,294,080,000 મનુષ્ય વર્ષ = 14 મંવંતર
1 મંવંતર = 306,720,000 મનુષ્ય વર્ષ = 71 મહાયુગ
1 મહાયુગ = 4,320,000 મનુષ્ય વર્ષ = 4 યુગ (સત, ત્રેતા, દ્વાપર, કલી)
1 કૃતયુગ (સતયુગ) = 1,728,000 મનુષ્ય વર્ષ
1 ત્રેતાયુગ = 1,296,000 મનુષ્ય વર્ષ
1 દ્વાપરયુગ = 864,000 મનુષ્ય વર્ષ
1 કલીયુગ = 432,000 મનુષ્ય વર્ષ

આપણો અત્યારે જે મંવંતર ચાલે છે એને “વૈવસ્વત” નામનો સાતમો મંવંતર કહે છે. આ મંવંતરમાં અત્યારે 28મો મહાયુગ ચાલી રહ્યો છે. આવા 28મા દ્વાપરયુગમાં આપણાં “વેદવ્યાસ” કૃષ્ણ દ્વૈપાયન થઈ ગયાં. દરેક મહાયુગના દ્વાપરયુગમાં જે તે યુગના “વેદવ્યાસ” થાય છે. શ્રીમદ ભગવતી ભાગવત કે દેવીભાગવતમાં જણાવ્યાં મુજબ નીચે મુજબનાં યુગ પ્રમાણે વ્યાસ થયાં.

[દ્વાપરયુગ – વેદ વ્યાસ]
1 – બ્રહ્મા
2 – પ્રજાપતિ
3 – શુક્રાચાર્ય
4 – બૃહસ્પતિ
5 – સૂર્ય
6 – મૃત્યુ
7 – ઇન્દ્ર
8 – વસિષ્ઠ
9 – સારસ્વત
10 – ત્રિધામા
11 – ત્રિવૃષ
12 – ભરદ્વાજ
13 – અંતરિક્ષ
14 – ધર્મ
15 – ત્રય્યારુણિ
16 – ધનંજય
17 – મેધાતિથિ
18 – વ્રતિ
19 – અત્રિ
20 – ગૌતમ
21- ઉત્તમ હર્યાત્મા
22 – વાજશ્રવા વેન
23 – અમુષ્યાયણ સોમ
24 – તૃણબિન્દુ
25 – ભાર્ગવ
26 – શક્તિ
27 – જાતુકર્ણ્ય
28 – કૃષ્ણ દ્વૈપાયન (હાલ)
29 – દ્રોણપુત્ર અશ્વત્થામા (હવે પછી)