ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૬ – ચિરાગ પટેલ

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૬ – ચિરાગ પટેલ
(Originally published at http://webgurjari.in/2018/03/30/a-modern-viewpoint-of-ancient-indian-texts_samved_6/)

पू. ३.१३.६ (२३८) तरणिरित्सिषासति वाजं पुरन्ध्या युजा । आ व इन्द्रं पुरुहूतं नमे गिरा नेमिं तष्टेव सुद्रुवम् ॥

જેમ કુશળ શિલ્પી સારી રીતે ચાલવા ચક્રને ગોળાઈ પ્રદાન કરે છે એમ પાર કરવા સમર્થ સાધક બુદ્ધિથી વિવેક પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. હે યાજકો! તમારે માટે ઇન્દ્રની સ્તુતિઓથી અમે એવા જ નમ્ર બનીએ છીએ.

આ શ્લોકમાં ત્રણ વિગતો ધ્યાન ખેંચે છે. 1) સામવેદ કાળમાં ચક્રનો ઉપયોગ 2) ચક્રની ગોળાઈ માટેનું કૌશલ્ય એ સમયમાં ઉપલબ્ધ હોવું 3) ચક્રને ગોળાઈ આપવા માટે શિલ્પી પાસે યોગ્ય કૌશલ્ય હોવું!

 

पू. ३.१४.२ (२४४) य ऋते चिदभिश्रिषः पुरा जत्रुभ्य आत्रुदः । सन्धाता सन्धिं मघवा पुरुवसुर्निष्कर्ता विह्युतं पुनः ॥

જે ઇન્દ્ર ગળાના વહેતા લોહી અને અંગોને સાધન વિના પણ જોડી દે છે તે ઐશ્વર્યવાન કપાયેલા ભાગોને પણ ફરી જોડી દે છે.

આપણે ચરક અને સુશ્રુતને જાણીએ છીએ અને તેમના શલ્ય ચિકિત્સાના સાધનોને પણ જાણીએ છીએ. આ શ્લોકમાં ઋષિ આયુર્વેદની એ શલ્ય ચિકિત્સાનો સંદર્ભ લે છે, અને એવું જણાવે છે કે, એવા સાધનો વિના પણ લોહી વહેતું અટકે છે, તેમજ કપાયેલા અંગોને પણ સાધનો વિના જોડી શકાય છે! એવું કહી શકાય કે, સામવેદ રચના કાળમાં ચિકિત્સાની એવી પદ્ધતિ પણ વિકસી હશે જેમાં સાધનોની જરૂર પડે એવી સ્થિતિમાં એ સાધનો વિના ઉપચાર કરી શકાય.

 

पू. ३.१४.३-४ (२४५-२४६) आ त्वा सहस्त्रमा शतं युक्ता रथे हिरण्यये । ब्रह्मयुजो हरय इन्द्र केशिनो वहन्तु सोमपीतये ॥ आ मन्द्रैरिन्द्र हरिभिर्याहि मयूररोमभिः । मा त्वा के चिन्नि येमुरिन्न पाशिनोऽति धन्वेव तां इहि ॥

હે ઇન્દ્ર! સુવર્ણ રથમાં મંત્રથી જોડાતાં હજારો શ્રેષ્ઠ ઘોડા આપની સાથે સોમપાન માટે લઈને આવો. જેમ પ્રવાસી અટક્યા વિના મરૂપ્રદેશને સત્વરે પાર કરી લે છે, તેમ હે ઇન્દ્ર આનંદદાયક મોર પંખ જેવા, રોમયુક્ત ઘોડાની સાથે અવરોધો દૂર કરતા આવો. બાંધનારા આપને અટકાવી નહિ શકે.

આપણે અહીં બે શ્લોકને એકસાથે તપાસીએ. અહીં ઈન્દ્રનું નામ છે પણ વર્ણન સૂર્યનું છે. હજારો સોનેરી કિરણોરૂપી ઘોડાઓ પર સવાર થઈ ઇન્દ્રને ઋષિ સોમપાન માટે બોલાવે છે. વળી, એ કિરણો સાત રંગના બનેલા છે એવો આડકતરો નિર્દેશ પણ અહીં છે.

 

पू. ३.१५.५-६ (२५७-२५८) प्र व इन्द्राय बृहते मरुतो ब्रह्मार्चत । वृत्रंहनति वृत्रहा शतक्रतुर्वज्रेण शतपर्वणा ॥ बृहदिन्द्राय गायत वृत्रहन्तमम् । येन ज्योतिरजनयन्न्रुतावृधो देवं देवाय जाग्रुवि ॥

સેંકડો ધારવાળા વજ્રથી વૃત્રને હણનાર સો યજ્ઞ કરનાર ઇન્દ્રને, હે યાજકો! સ્તોત્ર સંભળાવો. હે યાજકો! ઇન્દ્ર નિમિત્તે વૃત્રનો વિનાશ કરનારા, બૃહદ સામનું ગાન કરો. એના વડે યજ્ઞના વિશેષજ્ઞ વિદ્વાનોએ દિવ્યજગૃતિ લાવનાર જ્યોતિ ઉત્પન્ન કરી છે.

ઇન્દ્રપદ પ્રાપ્ત કરવા સો અશ્વમેધ યજ્ઞો કરવા પડે એવો પુરાણોમાં ઉલ્લેખ છે. એનો અહીં નિર્દેશ જોવા મળે છે. વળી, માત્ર ઇન્દ્ર નહિ પણ બૃહદ સામનું ગાન પણ વૃત્રનો નાશ કરે છે. જો આપણે દધીચિ એટલે દહીંના અંગો એવો અર્થ લઈએ અને એને એક રુપકરૂપે જોતા ધોળાં વાદળોનો સમૂહ ગણી શકાય. એમાંથી ઉત્પન્ન થતી વીજળી એ વજ્ર ગણીએ. વળી, ઇન્દ્રને સૂર્ય તરીકે સમજીએ તો એના કિરણો પણ વજ્ર કહી શકાય. અને વૃત્ર એટલે અંધકાર કે અજ્ઞાન. ઉપરના બે શ્લોકોને આપણે આ સંદર્ભમાં જોઈએ તો રૂપકો સમજાય એમ લાગે છે.

 

पू. ३.१५.१० (२६२) यदिन्द्र नाहुषीष्वा ओजो नृम्णं च कृष्टिषु । यद्वा पञ्चक्षितीनां द्युम्नमा भर सत्रा विश्वानि पौंस्या ॥

હે ઇન્દ્ર! સંગઠિત પ્રજામાં જે પરાક્રમ છે, પાંચ વર્ગોમાં જે ધન છે, એવું જ ઐશ્વર્ય અમને આપો. એકતાથી ઉત્પન્ન થતી શક્તિ અમને મળે.

સામવેદ કાળના સમાજજીવનમાં પાંચ વર્ગ હોવાનો અહીં નિર્દેશ છે. આપણે ચાર વર્ણો જાણીએ છીએ પણ પાંચ વર્ગ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને નિષાદ ગણી શકીએ. વળી, પાંચ મહાભુતો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પણ ગણી શકાય. ઋષિ પાંચે વર્ગોની શક્તિ સંગઠિત થઈ, સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા રાખે છે. અનેકતામાં એકતા અને એક રાષ્ટ્ર કે પ્રદેશમાં સંગઠન શક્તિના મહત્વનો નિર્દેશ કરતો આ શ્લોક અનોખો છે. સામવેદમાં આ શ્લોક મુક્યો છે ત્યાં સુધી ક્યાંય સામાજિક કે રાજકીય સંદર્ભનો શ્લોક આવતો નથી.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.