(Originally published at: http://webgurjari.in/2017/10/17/a-modern-viewpoint-of-ancient-indian-texts-curtain-raiser/)
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – પૂર્વભૂમિકા – ચિરાગ પટેલ
ભારતીય વેદો/વેદાંત/પુરાણો પર અઢળક લેખો/વિવેચનો/પુસ્તકો અનેક ભાષામાં લખાયા છે. અનેક વિદ્વાનોએ આ શાસ્ત્રોમાં ખેડાણ કર્યું છે. હું એવો વિદ્વાન કે શાસ્ત્રોમાં પારંગત નથી. વળી, હું સંસ્કૃત ભાષા પણ અલ્પ માત્રામાં સમજી શકું છું. પરંતુ, વર્ષોથી એક જિજ્ઞાસુ તરીકે અમુક શાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો છે એટલે પોતાને હું શાસ્ત્રોના અભ્યાસુ તરીકે ચોક્કસ ઓળખાવું છું.
અમુક તથ્યો વિષે વાંચતાં અને વિચારતાં અનેકવાર નવાઈ પામી ગયો છું કે, હજારો વર્ષો પહેલાં એવો વિચાર કે આચાર કેવી રીતે શક્ય બન્યા હશે? હું પોતે વિજ્ઞાન/એન્જીનીયરિંગનો માણસ છું એટલે અમુક તથ્યોને એ દૃષ્ટિએ વિચારું છું. ઘણીવાર મેં મારી પાસે ઉપલબ્ધ પુસ્તકોમાં નોંધ કરી રાખી છે. લગભગ ૧૨ વર્ષના ભારતીય શાસ્ત્રોના અછડતા અલ્પ-અભ્યાસે મને નવી દૃષ્ટિ આપી છે. ઘણીવાર પ્રચલિત માન્યતાઓથી વિરુદ્ધ સત્ય મારા ધ્યાનમાં આવ્યાં છે. કોઈવાર મારો અભ્યાસ અલગ માર્ગે દોડ્યો છે. ઘણી બાબતોમાં મને શાસ્ત્રોમાં આલેખેલ માહિતી કવિની કલ્પના લાગી છે, તો ઘણી બાબતો અચંબો પમાડી ગઈ છે.
મને વ્હૉટ્સઍપ ને લીધે જોવા મળતાં અમુક વિડિયો કે નોંધમાં ભારતીય શાસ્ત્રોના ખોટા સંદર્ભ જોઈને દુઃખદ લાગણી થાય છે. લોકો “સૂંઠને ગાંગડે ગાંધી” બનીને જે “ધકેલ પંચા દોઢસો” કરે છે; એ સારું એવું મનોરંજન પૂરું પાડે છે અને દુઃખની લાગણી પણ જન્માવે છે. ભારતમાં જન્મેલા અનેક ભારતીયોને પોતાની સંસ્કૃતિના મૂળનું સહેજપણ જ્ઞાન નથી હોતું! આથી, મારીમતિમાં જેટલું સમાયું છે એ આ લેખમાળા રૂપે સહુની સાથે વહેંચવા જઈ રહ્યો છું.
દરેક લેખ માટે મારી રૂપરેખા આ પ્રમાણે રહેશે:
1) લેખની શરૂઆતમાં જે-તે પૌરાણિક/વૈદિક સાહિત્યના ગુજરાતી અનુવાદ હશે. એમાં મને અગત્યના લાગેલા શ્લોકના અનુવાદ લઈશ. સાથે મૂળ ગ્રંથમાંથી એનો સંદર્ભ અંક મૂકીશ, જેથી ઈન્ટરનેટ પર સંસ્કૃત/ઇંગ્લિશ/હિન્દી/ગુજરાતી વગેરે ભાષામાં ઉપલબ્ધ ગ્રંથ સાથે સરખાવી શકાય.
2) ઉપરોક્ત અનુવાદિત શ્લોકો વિષે જો ચર્ચા કરવા લાયક કોઈ મુદ્દો હશે તો એ ચર્ચીશ.
હું સંસ્કૃત ભાષા પૂરી સમજી શકતો નથી. એટલે, મારા અભ્યાસના મુખ્ય સ્રોત ત્રણ છે:
1) પંડિત રામ શર્મા લિખિત ચાર વેદ અને ૧૦૮ ઉપનિષદોનો અનુવાદ
2) http://www.sacred-texts.com/hin/index.htm પર ઉપલબ્ધ અનુવાદ
3) http://www.ancientvedas.com/ .
આ સર્વે સંદર્ભનો ઉપયોગ કરી હું મારું મનોમંથન રજુ કરીશ. મારો દૃષ્ટિકોણ અને તમારો દૃષ્ટિકોણ અલગ હોઈ શકે છે, એટલે એની ચર્ચા કરવી મને ગમશે. એ માટે કૉમેન્ટ મૂકી શકો અથવા મને chipmap@gmail.com પર ઈમેલ કરી શકો.
તો ચાલો શરૂ કરીએ ૨૪ ઑક્ટોબર, ૨૦૧૭થી, ૨૧મી સદીની વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ!